તને બોલતા તો સારું આવડે છે, સાંભળતા જ આવડતું નથી! – ચિંતનની પળે

તને બોલતા તો સારું આવડે છે,

સાંભળતા જ આવડતું નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

ગર્વ હું કરતો નથી, એ વાતે મગરૂર છું,

જાણતો ન હું જ મુજને, એટલો મશહૂર છું.

સાંભળી તું ન શકે તો વાંક છે તુજ કાનનો,

બંધ હોઠે રાતદિન ગુંજી રહેલો સૂર છું.

કિસ્મતકુરેશી.

કોઈ તમને એવો સવાલ કરે કે, શું તમને સાંભળતા આવડે છે? તો તમે શું જવાબ આપો? હવે એમાં શું છે, સાંભળતા તો બધાને આવડે છે. સાંભળવું એ તો એક રૂટિન પ્રક્રિયા છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, અવાજ કાને પડવાનો જ છે. અવાજ કાને અથડાય અને અવાજનો અર્થ સમજાય તેમાં ઘણો મોટો ફર્ક છે. આપણે બધું સાંભળીએ છીએ, પણ બધું સમજતા નથી. સાંભળવામાં ઘણી વખત આપણું ધ્યાન નથી હોતું, આપણે સાંભળવાને ગંભીરતાથી લેતા નથી. કામની વાત હોય ત્યારે જ આપણા કાન સરવા થાય છે. આપણું સાંભળવું પણ સગવડિયું હોય છે.

આપણે કોઈની વાત કેટલી ધ્યાનથી સાંભળીએ છીએ એ ઉપરથી એ વ્યક્તિની આપણા જીવનમાં કેટલી કક્ષા છે, એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે એ નક્કી થતું હોય છે. બધાની વાત ધ્યાનથી સાંભળવાની ક્ષમતા બહુ ઓછા લોકોમાં હોય છે. ઘણી પત્નીની ફરિયાદ હોય છે કે એ મારી વાત ધ્યાનથી સાંભળતા જ નથી. કોઈ આપણી વાત ન સાંભળે ત્યારે આપણને એવું થાય છે કે એને મારી વાતમાં રસ જ નહોતો. આપણે વાત ન સાંભળીએ ત્યારે આપણી વ્યક્તિને કેવું લાગતું હશે એની આપણને કલ્પના જ નથી હોતી! કોઈની વાત સારી રીતે સાંભળવી એ એક કલા છે. બધા આ કલામાં પારંગત નથી હોતા. કેવું છે? સારું બોલવાના ક્લાસ ચાલે છે, પણ સારું સાંભળતા કોઈ નથી શીખવતું. કોઈને ક્યારેય એમ થતું જ નથી કે સાંભળતા પણ આવડવું જોઈએ.

આપણા ઘરમાં મોટાભાગે જે ડિસ્ટન્સ આપણને ફીલ થતું હોય છે એનું એક અને સૌથી મોટું કારણ વાત સાંભળવાની અણઆવડત હોય છે. એક બાપ-દીકરાની આ વાત છે. પિતા દરેક વાત આદેશ આપતા હોય એવા જ ટોનમાં કરે. દીકરો કંઈ વાત કહેવા જાય તો તરત જ કહી દે કે, મારે કંઈ નથી સાંભળવું! તને જે કહું છું એ સાંભળ! આપણે બધા પાસેથી એવું ઇચ્છતા હોઈએ છીએ કે એ આપણી વાત ધ્યાનથી સાંભળે. આપણને કોઈની વાત સાંભળવાની કેટલી ખેવના હોય છે? આપણે કોઈની વાત કેવી રીતે સાંભળીએ છીએ એના ઉપરથી પણ આપણી સમજણ શક્તિ નક્કી થતી હોય છે. જે વ્યક્તિ બાળકની વાત ધ્યાનથી નથી સાંભળતી એની સાથે એવું થાય છે કે બાળક મોટું થઈને એની વાત સાંભળતું નથી.

ક્યારેક તો એવું પણ થતું હોય છે કે કોઈ આપણને કંઈ વાત કરતું હોય ત્યારે આપણે સાંભળતાં જ હોતા નથી! સરખી રીતે સાંભળવું એ પણ એક પ્રકારની સાંત્વના જ છે. એક વોચમેનની આ વાત છે. એક ફ્લેટ ઉપર એ જોબ કરે. ફ્લેટમાં રહેતા કોઈ પણને કંઈ કામ હોય તો પણ એ ઉત્સાહથી કરે. આ ફ્લેટમાં એક યુવાન રહે. કંઈ લેવાનું હોય તો એ ફટ દઈને વોચમેનને કહી દે. આ યુવાન સ્ટ્રગલર હતો. તેની કરિયર હજુ સેટ થઈ ન હતી. એક વખત એ બહાર જતો હતો ત્યારે એણે જોયું કે, પેલો વોચમેન રડે છે. તેણે બાઇક પાર્ક કરી. વોચમેન પાસે ગયો. શું થયું, એમ પૂછ્યું. વોચમેને કહ્યું કે, મારા વતનમાં મારી મા બીમાર છે. એની ચિંતા થાય છે એટલે રડવું આવી ગયું. યુવાને પૂછ્યું કે તો પછી તું તારી મા સાથે કેમ નથી રહેતો? વોચમેને કહ્યું કે, કામ કરવું પડે તેમ છે, કામ ન કરું તો માની સારવાર ન થાય. મારી પાસે બે જ રસ્તાં છે. કાં તો માની પાસે રહું અને કાં તો એની સારવાર માટે રૂપિયા કમાવવા આ કામ કરું. એ પછી તેની માતાએ એનો ઉછેર કરવામાં કેટલી મહેનત કરી હતી એ બધી વાત વોચમેને કરી. પેલા યુવાને બધી વાત શાંતિથી સાંભળી. છેલ્લે યુવાને કહ્યું કે, યાર હું તારા માટે અત્યારે કંઈ કરી શકું એવી સ્થિતિમાં નથી. વોચમેને આંખમાં આંખ પરોવીને કહ્યું કે, તમે જે કર્યું છે એ તો કોઈ નથી કરતું. તમે મારી વાત કેટલી શાંતિથી સાંભળી! બાકી તો કોઈ સાંભળે છે જ ક્યાં? સાચું કહું, મને હવે બહુ હળવાશ લાગે છે. યુવાને કહ્યું, તને સાચું કહું, સારી રીતે સાંભળવાનું હું તારી પાસેથી જ શીખ્યો છું. કંઈ કામ માટે હું તને બોલાવતો અને કંઈ કહેતો ત્યારે તું એટલું ધ્યાનથી સાંભળતો કે દાદ દેવી પડે. તને બીજી વખત ક્યારેય કંઈ કહેવું પડ્યું નથી. તેં દરેક કામ બહુ સરસ રીતે કર્યું છે.

સાંભળવું અને ધ્યાનથી સાંભળવું એમાં બહુ મોટો ફર્ક છે. અંગ્રેજીમાં સાંભળવા માટે બે શબ્દ છે, ‘હિયર’ અને ‘લિસન’. હા એ હા કરવી એ સાંભળવું નથી. ઘણી વખત તો આપણે કહેવું પડે છે કે, મારી વાત ધ્યાનથી સાંભળજે. ઘણા માટે આપણે એવું પણ બોલતા હોઈએ છીએ કે, એને એક જ વાર કહેવું પડે. ઘણાને એકની એક વાત પાંચ વખત કહીએ તો પણ એને સમજાતી નથી. આપણને ઘણું યાદ નથી રહેતું એનું એક કારણ એ હોય છે કે આપણે ધ્યાનથી સાંભળ્યું હોતું નથી.

આપણામાં એક કહેવત છે, ભેંસ આગળ ભાગવત. આ કહેવત ભેંસ માટે નથી બની, પણ માણસ માટે બની છે. એક ઓફિસની આ વાત છે. બોસ મિટિંગમાં કંઈ કહે એ એક કર્મચારી સાંભળે જ નહીં. બોસ વારંવાર પૂછે કે તને સમજાયું. પેલો કર્મચારી હા કહે એટલે બોસ પૂછે કે, તો હવે મને કહે કે મેં શું કહ્યું? આપણી આસપાસમાં પણ એવા ઘણા લોકો હોય છે જેને વાત કર્યા પછી આપણને ડાઉટ હોય છે કે એ સમજ્યો હશે કે કેમ? નિષ્ફળતાનું એક કારણ એ હોય છે કે આપણે જે સરખી રીતે સાંભળવું જોઈએ એ આપણે સાંભળતા હોતા નથી. સાંભળવામાં પણ ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. આપણી હાજરી હોવી જોઈએ.

વાત પૂરી થઈ જાય પછી ઘણા લોકો એવું પૂછતા હોય છે કે, શું કહ્યું? કામમાં લોચા વાળે પછી આપણે કહીએ છીએ કે, મેં કહ્યું ત્યારે તારું ધ્યાન ક્યાં હતું? ઘણા લોકો એવો બચાવ કરે છે કે, હું તો આવું સમજ્યો હતો. સમજાવવામાં જેટલી આવડત જોઈએ એટલી જ કુનેહ સમજવામાં પણ જોતી હોય છે. ક્લાસમાં ટીચર વાત કરતા હોય ત્યારે બે-ચારને સમજાતું નથી, તેનું કારણ એ જ હોય છે કે સાંભળવામાં એનું ધ્યાન નથી હોતું. ક્યારેક આપણી માનસિક સ્થિતિ એવી હોય છે કે આપણું ધ્યાન ન રહે, આપણે વિચારમાં ખોવાયેલા હોઈએ. જોકે, દરેક વખતે એવું થાય તો સમજવું કે આપણામાં જ કંઈક પ્રોબ્લેમ છે.

દરેક વખતે ધ્યાનથી સાંભળતી વ્યક્તિનું જો ક્યારેક કોઈ વાતમાં ધ્યાન ન હોય તો સમજવું કે સમથિંગ રોંગ ઇઝ ધેર. એક વડીલની વાત છે. એક છોકરીને એ જ્યારે પણ કંઈ વાત કરે ત્યારે તે ધ્યાનથી સાંભળે અને એનો સારી રીતે અમલ કરે. એક વખત એ છોકરીનું વાતમાં ધ્યાન ન હતું. વડીલે શાંતિથી પૂછ્યું, શું વાત છે દીકરા? કેમ અપસેટ છે? છોકરીએ પોતે કેમ મજામાં નથી એનું કારણ કહ્યું. છેલ્લે છોકરીએ પૂછ્યું, તમને કેમ ખબર પડી ગઈ? વડીલે કહ્યું કે દીકરા, તું એટલી ડાહી છે કે બધી વાત ધ્યાનથી સાંભળે. આજે તારું ધ્યાન ન હતું એટલે મને સમજાઈ ગયું કે કંઈ પ્રોબ્લેમ છે. વાત સાંભળનારનો મૂડ અને માનસિકતા પણ વર્તાઈ જતાં હોય છે. તમે કોઈની વાત ગંભીરતાથી નહીં સાંભળો તો તમને પણ કોઈ સિરિયસલી લેશે નહીં. કોઈ તમારી વાત ધ્યાનથી ન સાંભળે તો એટલો વિચાર પણ કરજો કે તમે એની વાત ક્યારેય ધ્યાનથી સાંભળી છે? આપણે જેવું કરતા હોઈએ એવું જ આપણને મળતું હોય છે. એક દીકરીને એના પિતાની બેસ્ટ વાત જણાવવા કહ્યું ત્યારે એણે એવી વાત કરી હતી કે, મારા ડેડીએ મારી બધી જ વાત બહુ ધ્યાનથી સાંભળી છે. હું વાત કરતી હોઉં ત્યારે એનું બધું જ ધ્યાન મારી વાતમાં જ હોય છે. તમે વિચાર કરજો, આપણી વ્યક્તિ વાત કરતી હોય ત્યારે આપણું કેટલું ધ્યાન એની વાતમાં હોય છે? વાતો ચાલતી હોય છે, પણ આપણું ધ્યાન બીજે હોય છે. એક છોકરાને એના પપ્પા વાત કરતા હતા ત્યારે એ મોબાઇલમાં ગેમ રમતો હતો. તેણે ઉપર જ ન જોયું. પપ્પા તાડૂક્યા, મોબાઇલ મૂક, મારી વાત ધ્યાનથી સાંભળ. દીકરાએ કહ્યું, હું વાત કરતો હોવ. ત્યારે તમારું ધ્યાન ટીવી જોવામાં જ હોય છે. તમે મારી વાત ધ્યાનથી સાંભળતા હોવ છો ખરા?

મોબાઇલની આદતે આપણને સાંભળવામાં બેધ્યાન કરી દીધા છે. કોઈ વાત કરતું હોય ત્યારે પણ આપણું ધ્યાન મોબાઇલમાં જ હોય છે. બીજું કંઈ ન કરી શકો તો કંઈ નહીં, એટલિસ્ટ કોઈ વાત કરતું હોય ત્યારે થોડો સમય મોબાઇલ સાઇડમાં મૂકી એની વાત સાંભળજો. દૂર બેઠેલા સાથે આપણે ચેટિંગ કરતા હોઈએ ત્યારે આપણી સાથે બેસીને વાત કરનારા સાથે આપણે ચીટિંગ કરતા હોઈએ છીએ કે હું તારી વાત સાંભળું છું.

સંબંધોની શ્રેષ્ઠતા પોતાની વ્યક્તિની વાત ધ્યાનથી સાંભળવામાં છે. બે વ્યક્તિ બેસીને શાંતિથી વાત કરતી હોય એવાં દૃશ્યો હવે દુલર્ભ બનતાં જાય છે. આપણે જો એવું ઇચ્છતા હોઈએ કે આપણી વાત કોઈ ધ્યાનથી સાંભળે તો આપણી પહેલી ફરજ બધાની વાત ધ્યાનથી સાંભળવાની છે. મારી વાત કોઈ સાંભળતું જ નથી એવું કહેતા પહેલાં જરાક વિચારજો કે એમાં તમારો કેટલો વાંક છે? બોલતા ગમે એટલું સારું આવડતું હોય, પણ જો સાંભળતા સારી રીતે નહીં આવડે તો તમને સાંભળવા માટે કોઈ હાજર નહીં હોય! જસ્ટ ચેક, તમને બરાબર સાંભળતા તો આવડે છેને?

છેલ્લો સીન :

માણસ એકલો પડી જાય છે એનું એક કારણ એ પણ હોય છે કે બધા એની સાથે હતા ત્યારે એ એમની સાથે હતો નહીં!  -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 27 ડિસેમ્બર 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *