મને સમજાતું નથી કે
એણે આવું કેમ કર્યું!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
સારું થયું સૌ દૂર થાય છે, મુજથી હવે મુજને મળાય છે,
ઊગી જશે સંબંધ આપણો, મારી ઉદાસી જ્યાં વવાય છે,
લપસ્યો હશે પગ શબ્દનો કહીં, પડઘા બધેથી સંભળાય છે,
હું પણ ફરેબી આચરી શકત, તારા જેવું થોડું થવાય છે?
-ધૂની માંડલિયા
માણસને માપવો અઘરો છે. જેને પામી લીધી હોય એ વ્યક્તિ પણ પૂરેપૂરી સમજાતી નથી. હું એને પૂરેપૂરો ઓળખું છું કે પૂરેપૂરી ઓળખું છું એવું આપણે કહેતા હોઈએ છીએ. એ જ વ્યક્તિ ક્યારેક આપણે કલ્પના ન કરી હોય એવું વર્તન કરે છે. આપણને સવાલ થાય છે કે આ એ જ વ્યક્તિ છે? ના, એ હોતી નથી. વ્યક્તિ દર ક્ષણે બદલાય છે. માત્ર શરીરમાં જ પરિવર્તન આવતું નથી, વિચાર, વર્તન, માનસિકતા અને ઇચ્છાઓ પણ સતત બદલતી રહે છે. સાત વાર નેગેટિવ રહ્યો હોય એ માણસ પણ આઠમી વખત પોઝિટિવ હોઈ શકે. માણસ માટે અનુમાન બાંધવું સૌથી અઘરું છે.
આપણું વર્તન વિચાર, મૂડ, માનસિકતા, ઇચ્છા, દાનત, સ્થિતિ અને સંજોગ મુજબ ચાલતું હોય છે. કોઈ માણસ ધીમે ધીમે બદલે છે અને કોઈ એકઝાટકે સંપૂર્ણપણે ચેઇન્જ થઈ જાય છે. એક યુવાનની આ સાવ સાચી વાત છે. એકદમ બિન્ધાસ્ત. પોતાની મસ્તીમાં રહે. મિત્રોને ભેગા કરી પાર્ટીઝ કરે. ભણવામાં પણ હોશિયાર. તેની સાથે કામ કરતી છોકરી સાથે પ્રેમ થયો. જ્ઞાતિ, ધર્મ, ભાષા બધું જ જુદું હતું. જોકે, તેણે છોકરીના ઘરના તમામ લોકોને મનાવી લીધા. મેરેજ થયા. લાઇફ મસ્ત જતી હતી. સાત વર્ષ સડસડાટ વીતી ગયાં. જિંદગી સામે કોઈ ફરિયાદ ન હતી. કોઈ અફસોસ ન હતો.
અચાનક એક ઘટના બની. તેની વાઇફ બીમાર પડી. મેડિકલ ચેકઅપમાં એવું બહાર આવ્યું કે, વાઇફને કેન્સર છે. યુવાનનું મગજ ચક્કર ખાઈ ગયું. વિચારો તેને ઘેરી વળ્યા. મારી વાઇફને કેન્સર? તેની લાઇફ તો એકદમ વ્યવસ્થિત છે. દિલથી પણ એણે ક્યારેય કોઈનું બૂરું વિચાર્યું નથી. બધાનું સારું જ કર્યું છે. ક્યારેક માણસને ઇશ્વરના અસ્તિત્વ સામે પણ સવાલો અને શંકા ઊઠે છે. જોકે, અમુક ઘટનાઓમાં આપણી પાસે મન મનાવવા સિવાય કોઈ બીજો રસ્તો હોતો નથી. પત્નીનું કેન્સર જીવલેણ ન હતું, પણ સારવાર લાંબી અને પીડાદાયક હતી.
પત્નીની સારવાર કરાવી. ધીમે ધીમે પત્ની સાજી થઈ. આ દરમિયાનમાં પતિ તદ્દન બદલી ગયો. બધી જ મસ્તી, પાર્ટીઝ, વ્યસન છૂટી ગયાં. પત્નીએ એક વખત કહ્યું, કેમ હવે પાર્ટી કરવાનું મન નથી થતું? પતિએ કહ્યું, ના હવે કંઈ જ નહીં. હવે બસ તું અને હું. હું એવું જ માનતો હતો કે બધું મોજ, મજા, મસ્તીથી જ ચાલતું રહેશે. સાચું કહું, મને ડર લાગી ગયો હતો કે તું મને છોડીને ચાલી જઈશ તો? થેંક ગોડ, તને સારું થઈ ગયું, પણ હવે મારે તારી સાથે સોએ સો ટકા જીવવું છે. તારો કે મારો જવાનો સમય થાય ત્યારે એવું ન લાગવું જોઈએ કે કંઈક રહી ગયું કે કંઈક છૂટી ગયું.
તમારી જે ઇચ્છાઓ હોય એ વહેલી તકે પૂરી કરવી જોઈએ. ખાસ તો જેને પ્રેમ કરતા હોઈએ એને પ્રેમ કરતા રહેવું જોઈએ. સમય ન કાઢીએ તો સમય ક્યારેક હાથમાંથી સરકી જતો હોય છે. ક્યારેક એવું બને કે સમય હોય પણ સાથ ન હોય, સાંનિધ્ય ન હોય, બસ એક સન્નાટો હોય. અફસોસ સાથેનો સન્નાટો વધુ કાતીલ હોય છે. એ આપણને કોરી ખાય છે. જીવી લેવા જેવી ક્ષણોને જે જીવતો નથી એના માટે અમુક ક્ષણો જીરવી ન શકાય એવી બની જતી હોય છે. દરરોજ રાતે સૂતી વખતે એક વિચાર કરવો જોઈએ કે આજે અફસોસ થાય એવું કંઈ રહી ગયું નથીને?
પ્રેમમાં હોઈએ ત્યારે આપણે એવું કહેતા હોઈએ છીએ કે તારાથી વધારે કંઈ નહીં. તારા માટે કંઈ પણ! આપણે દિલની તીવ્રતા પણ ભૂલી જતા હોઈએ છીએ. માણસનો એક પ્રોબ્લેમ એ પણ હોય છે કે એ કોઈ દુ:ખદ ઘટના બને ત્યારે જ જાગતો હોય છે. સારી ઘટના વખતે કેમ આપણને વધુ સારા થવાના વિચાર નથી આવતા? સાવ એવું નથી કે સારું બને પછી આપણે સારા નથી થતા! થઈએ છીએ, પણ એ સારાપણું લાંબું ટકતું નથી. તું મળી જાય ને પછી હું બધું છોડી દઈશ. તને ખૂબ પ્રેમ કરીશ. એ વ્યક્તિ મળી જાય પછી થોડોક બદલાવ પણ આવે છે. જોકે, ધીમે ધીમે માણસ હતો એવો ને એવો થઈ જાય છે. ક્યાં ગુમ થઈ જાય છે બધું? આપણે ક્યારેય એવો વિચાર કરીએ છીએ કે આપણે જેમ વિચારતા હતા એમ જીવીએ છીએ ખરા? હા, બધું જ આપણે વિચારતા કે ઇચ્છતા હોય એમ ન થાય, પણ જેટલું થઈ શકે એમ હોય એટલું પણ આપણે કરતા હોઈએ છીએ ખરા?
માણસમાં પરિવર્તન આવતું હોય છે. જોકે, આ પરિવર્તન કેવી રીતે આવે છે એ મહત્ત્વનું હોય છે. કોઈ પરિવર્તન અફસોસ સાથેનું ન હોવું જોઈએ. સહજ પરિવર્તન જ સાત્ત્વિકતા બક્ષે છે. અમુક પરિવર્તનનો ભાર આખી જિંદગી વેંઢારવો પડતો હોય છે. એક યુવાનની આ વાત છે. તેની સાથે ભણતી એક છોકરી સાથે એકાંતમાં તેનાથી અજુગતું વર્તન થઈ ગયું. એ છોકરી ગુસ્સે થઈ ત્યાંથી ચાલી ગઈ. આ મારાથી શું થઈ ગયું? એવો વિચાર આવે ત્યારે ઘણી વખત ઘણું મોડું થઈ ગયું હોય છે. આ ઘટના પછી એ યુવાન સદંતર બદલાઈ ગયો. દરેક છોકરી સાથે સલુકાઈથી વર્તે. થોડાંક વર્ષો પછી એ છોકરી એને પાછી મળી. યુવાને કહ્યું, મને માફ કરી દે. મારાથી ભૂલ થઈ ગઈ હતી. સાવ સાચું કહું, એ ઘટના મારા મગજમાંથી નીકળતી જ નથી. બહુ ગિલ્ટ થાય છે. એ પછી મેં ક્યારેય કોઈની સાથે ખરાબ વર્તન કર્યું નથી. છોકરીએ કહ્યું, માફ તો કરી દઉં, પણ તને ખબર છે તેં કર્યું એ પછી હું કોઈ છોકરાનો ભરોસો કરી શકતી નથી. સારા છોકરાને પણ શંકાથી જોઉં છું. તું એમ સમજે છે કે તને જ ગિલ્ટ થાય છે? મને જે થાય છે એનો તને અંદાજ છે. માફી માગવી હોય તો તને શું થાય છે એની નહીં, પણ મને જે થાય છે એની માફી માગ!
આપણે સતત કંઈ શીખતા તો હોઈએ જ છીએ, પણ કેવી રીતે શીખીએ છીએ એ મહત્ત્વનું છે. પાસ તો ચોરી કરીને પણ થઈ જવાતું હોય છે, પણ પરિણામનો સંતોષ તો પરિશ્રમથી જ થાય. તમારા વિચારો ઉપર નિયંત્રણ રાખો. હું આવું ન કરું, મારાથી આવું ન થાય, મને આ ન શોભે એવું જે વિચારતો હોય છે ત્યારે જ એ કરવાની ક્ષણ આવે ત્યારે એ કંઈ કરતો નથી. ખરાબ ન થવું હોય તો ખરાબ વિચારોને ટાળો. સારા હોય એણે પણ સારા રહેવા માટે સચેત રહેવું પડતું હોય છે. સારા રહેવાની પણ કિંમત ચૂકવવી પડતી હોય છે અને એ કિંમત જ માણસને અમૂલ્ય બનાવતી હોય છે. ક્યાંય લલચાઈ ન જવું, કોઈ મોહમાં ન આવવું એ સારાપણું સાચવવા માટે જરૂરી છે. એક વખત નમતું જોખે એ પછી સતત નમતો જ રહે છે. કોઈ જોતું ન હોય ત્યારે જે વ્યક્તિ ખોટું કરતો નથી એ માણસ બધા જોતાં હોય ત્યારે ટટ્ટાર ઊભો રહેતો હોય છે.
બે યુવાનની વાત છે. એકલા હતા ત્યારે ચોરી કરવાનો એક ચાન્સ મળ્યો. એક મિત્રએ બીજાને કહ્યું કે, લઈ લે, કોઈ જોતું નથી. બીજા મિત્રએ ના પાડી. બીજા મિત્રએ કહ્યું કે કેમ? તને એમ થાય છેને કે કોઈ નથી જોતું, પણ ભગવાન તો જુએ જ છે! પેલા મિત્રએ કહ્યું, ના, ભગવાન તો જોતો હશે કે કેમ એ મને ખબર નથી, મને તો એટલી ખબર છે કે હું તો જોઉં છું ને! હું કંઈ આંધળો નથી! મને મારી શરમ નડે છે. જેને પોતાની શરમ નડતી નથી એ સૌથી મોટો બેશરમ હોય છે!
આપણી વ્યક્તિમાં કોઈ ચેઇન્જ આવે ત્યારે આપણે એને નોટિસ કરીએ છીએ ખરા? કરીએ છીએ તો કેવી રીતે? માણસનું વર્તન સિગ્નલ્સ આપતું હોય છે. એ સિગ્નલ્સને આપણે પકડતા હોઈએ છીએ ખરા? દરેક વખતે પરિવર્તન પાછળ કોઈ કારણ હોય એવું પણ જરૂરી નથી. માણસ સારો પણ થતો હોય છે. માણસ સમજુ પણ થતો હોય છે. જેના પર લાગણી હોય એ માણસનો બદલાવ સ્પર્શવો જોઈએ. ઘણી વખત વાત સાવ સામાન્ય હોય છે, પણ તેની પાછળનું કારણ બહુ મહત્ત્વનું હોય છે. એક યુવતીની આ વાત છે. તેનો પતિ ફ્રેન્ડ્સ સાથે ફરવા કે પાર્ટીમાં જવાની વાત કરે એટલે એ સીધી ના જ પાડી દે. હા પાડે તો પણ દલીલો કે માથાકૂટ પછી જ હા પાડે. એક વખત પતિએ મિત્રો સાથે બહાર જવાની વાત કરી અને પત્નીએ સીધી હા પાડી દીધી. પતિને આશ્ચર્ય થયું. તેણે કહ્યું, આજે તેં ફટ દઈને હા પાડી દીધી! પત્નીએ કહ્યું કે હા, મને થયું કે મારે દરેક વાતમાં તને રોકવો ન જોઈએ. મને ભરોસો આવતો નહોતો, તું આડે રસ્તે ચડી જઈશ તો? બીજા ઘણા વિચાર આવતા હતા. જોકે, પછી થયું કે હું જે કરું છું એ વાજબી નથી. પતિએ પ્રેમથી કહ્યું કે, કંઈ જ ખોટું કે ખરાબ હું કરવાનો નથી. મારા ઉપર જ નહીં, તું તારા પર પણ ભરોસો રાખ કે કંઈ જ ખરાબ નથી થવાનું. ઘણી વાર તો આપણે સતત દબાણ કરીને અંતર ન હોય ત્યાં પણ અંતર સર્જતા હોઈએ છીએ.
જિંદગી દરેક ક્ષણે નવું નવું રૂપ ધારણ કરતી હોય છે. માણસ દરરોજ થોડો થોડો બદલતો હોય છે. આપણે બધા બદલીએ છીએ. આપણે બસ એ જ ધ્યાન રાખવાનું હોય છે કે આપણો બદલાવ કેવો છે? બદલવા અને બગડવા વચ્ચેનો ભેદ જેને સમજાતો હોય છે એ જ સારો અને સાચો રહી શકે છે.
છેલ્લો સીન :
તમે જાણતા હોવ એ બધું કહેશો નહીં, પણ તમે જે કહો એના વિશે બધું બરાબર જાણી લેજો. –ક્લાઉડિઅસ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 06 ડિસેમ્બર 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)