જરાક પૂછ તો ખરા કે હવે તને કેમ છે? – ચિંતનની પળે

જરાક પૂછ તો ખરા કે

હવે તને કેમ છે?

 

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

મારા વિનાની સાંજ જો રસ્તે જડે તને,

એ ઝેર મારે જોવું છે કેવું ચડે તને?

તું જે કરી રહ્યો છે એ તો માંગણી છે દોસ્ત,

ઇશ્ર્વર કરે કે પ્રાર્થનાયે આવડે તને.

-જિગર જોષી પ્રેમ

આપણે કોઈનું દુ:ખ લઈ શકતા નથી. જોકે, આપણે ઇચ્છીએ તો કોઈનું દુ:ખ થોડુંક હળવું ચોક્કસ કરી શકીએ. ઘણા સંજોગોમાં આપણે કોઈની પડખે હોઈએ ત્યારે એને આધાર મળી જતો હોય છે. એને એવો અહેસાસ થાય છે કે હું પડી નહીં જાઉં. કોઈ છે જે મને સંભાળી રાખશે. માણસમાં દુ:ખ, વેદના, પીડા અને તકલીફ ભોગવવાની ગજબની તાકાત હોય છે. એ રડતાં રડતાં પણ લડી લેતો હોય છે. આમ છતાં રડવા માટે કોઈ ખભો હોય તો રડવું આસાન રહે છે. આપણી પાસે એ જ રડી શકે છે, જેના આપણે અત્યંત નજીક હોઈએ છીએ. રડવાનો પ્રિવિલેજ બધાને મળતો નથી.

બે મિત્રો હતા. એક મિત્રની અત્યંત નજીકની વ્યક્તિનું અવસાન થયું. એ એટલો બધા આઘાતમાં હતો કે રડી શકતો ન હતો. દૂર રહેતો એનો મિત્ર આવ્યો. એને વળગીને એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. મિત્રએ કહ્યું કે, રડવાનું નહીં. તેના મિત્રએ કહ્યું, રડી લેવા દે મને જેટલું રડાય એટલું. તારી રાહ જોતો હતો. રડવાની હળવાશ એની પાસે જ લાગે છે જે વેદના સમજી શકે. આપણી વ્યક્તિ દુ:ખી હોય ત્યારે આપણને પણ વેદના થવાની જ છે. આપણે દરેક પ્રાર્થના આપણા માટે કરતા હોતા નથી. આપણી પ્રાર્થનામાં તો બીજું કોઈ જ હોય છે. પ્રાર્થના કરતા હોવ ત્યારે થોડુંક વિચારજો કે તમે કોના માટે પ્રાર્થના કરો છો? બહુ ઓછી માનતાઓ પોતાના માટે રખાતી હોય છે. મોટાભાગની માનતા તો આપણે બીજા માટે જ માનતા હોઈએ છીએ! હે ભગવાન! એને સારું થઈ જશે તો હું ચાલીને તારાં દર્શન કરવા આવીશ. ઓ ખુદા, તારી રહેમ વરસાવ, હું ચાદર ચડાવવા આવીશ. ઓ જિસસ, હેલ્પ હિમ, હું ચર્ચમાં કેન્ડલ લઈને આવીશ! બીજાઓ માટે મનાતી માનતાઓ જ કદાચ ફળતી હોય છે!

તમારી પ્રાર્થના, દુઆ, પ્રેયર અને ભક્તિમાં કોણ હોય છે? એને તમે કહો છો ખરાં? એક યુવતી દરરોજ મંદિરે જઈને પ્રાર્થના કરે. એની બહેનપણી બીમાર હતી. મંદિરના સંતે પૂછ્યું કે, તું શું માગે છે ભગવાન પાસે? યુવતીએ કહ્યું કે, મારી બહેનણીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. સંતે પૂછ્યું, સારી વાત છે, પણ તેં તારી બહેનપણીને કહ્યું છે કે, હું તારા માટે પ્રાર્થના કરું છું! કહેજે, એને તાકાત મળશે. એને થશે કે કોઈ છે જે એના માટે પ્રાર્થના કરે છે. દરેક વખતે ભગવાનને કહેવું જ પૂરતું નથી, તમે જેના માટે કરો છો એને પણ કહેવું જોઈએ. બહુ ફેર પડતો હોય છે.

એક ભાઈ-બહેનની આ વાત છે. બહેનને વિદેશ પરણાવી હતી. રક્ષાબંધન આવે એટલે બહેન રેગ્યુલર રાખડી મોકલાવે. એકની એક બહેનની રાખડી બાંધીને ભાઈ સંતોષ માની લે. મનમાં એવું પણ થાય કે બહેન બસ રાખડી મોકલાવી દે એટલે પત્યું. વર્ષો થઈ ગયાં. એક વખત ભાઈથી ન રહેવાયું, તેનાથી બોલી દેવાયું કે બહેન તું રાખડી તો નિયમિત મોકલે છે, પણ રક્ષાબંધનને દિવસે મને યાદ કરે છે ખરી? બહેન ગળગળી થઈ ગઈ. બહેને કહ્યું કે, દર રક્ષાબંધને હું સરસ તૈયાર થાઉં છું. તારી પાસે આવતી હોવ એટલા ઉત્સાહથી મંદિરે જાઉં છું. ભગવાનને રાખડી બાંધું છું, એવી રીતે જાણે તને રાખડી બાંધતી ન હોઉં! ભગવાનનાં ચરણોમાંથી એક ફૂલ લઉં છું, જાણે તું મને રક્ષાબંધનની ગિફ્ટ ન આપતો હોય! એ ફૂલ આખું વર્ષ મંદિરમાં સાચવી રાખું છું. સુકાયેલા ફૂલને ઘણી વખત નાક નજીક લઈને સૂંઘું છું અને એવો અહેસાસ માણું છું કે એ હજુ એવું ને એવું મહેકે છે! ભાઈ રડી પડ્યો. બહેનને કહ્યું કે, તો તેં કોઈ દિવસ મને કહ્યું કેમ નહીં! તમે તમારી વ્યક્તિ માટે આવું કંઈ કરો છો? તો એને કહી દો! આપણા માટે કોઈ પ્રાર્થના કરતું હોય એની ફિલિંગ્સ જ કંઈક અલગ હોય છે!

ઘણી વખત આપણે ઘણું બધું મનમાં રાખીએ છીએ. સંબંધોમાં વર્તાતા ડિસ્ટન્સનું એક કારણ એ હોય છે કે આપણે જે કહેવું જોઈએ એ કહેતા હોતા નથી અને જે કહેવું ન જોઈએ એ મોઢામોઢ કહી દેતા હોઈએ છીએ. એક માના અનુભવની આ વાત છે. એને બે દીકરી. બંને પરણેલી. સમયાંતરે જમાઈ અને દીકરી મળવા માટે આવે. વાતો કરવા નવરાં પડે એટલે જમાઈ સાસુને પત્નીના વાંક ગણાવવાનું શરૂ કરે. તમારી દીકરી આમ નથી કરતી, તમારી દીકરી તેમ નથી કરતી. એ કંઈ સમજતી જ નથી. બીજો જમાઈ અને દીકરી પણ ઘરે આવતાં-જતાં રહે. નવરાં પડે એટલે એ જમાઈ સાસુને એની દીકરીનાં વખાણ કરવાનું શરૂ કરે. તમારી દીકરી બહુ ડાહી છે. બધા સાથે હળીમળીને રહે છે. બંને જમાઈની વાત સાંભળી સાસુ વિચારે ચડી જાય કે કેટલો બધો ફરક છે બંનેમાં. એક વખતે જમાઈ દીકરીના જે વાંક કાઢતો હતો તે બધા તેણે યાદ રાખ્યા. વખાણ કરનારો જમાઈ આવ્યો ત્યારે સાસુએ પૂછ્યું કે, મારી દીકરી આવું કરે છે? જમાઈએ કહ્યું, હા ક્યારેક કરે છે. પેલા જમાઈને વાંક દેખાતા હતા એ બધું જ બીજી દીકરી પણ કરતી હતી. સાસુએ પૂછ્યું, તો તમે ક્યારેય કેમ મારી દીકરીના કોઈ વાંક મને કહેતા નથી? જમાઈએ કહ્યું, મા, અમારા બેડરૂમમાં એક ડસ્ટબિન છે. હું એની સામે નજર નથી નાખતો, કારણ કે જો હું એને જ જોતો રહું ને તો તમારી દીકરીએ બહુ પ્રેમથી અને સલુકાઈથી સજાવેલો બેડરૂમ જોઈ જ ન શકું! આપણે શું કહીએ છીએ તેના ઉપરથી આપણું જ માપ નીકળતું હોય છે. ડેપ્થ દેખાતી હોતી નથી, વર્તાતી હોય છે.

સંબંધ અત્યંત સંવેદનશીલ હોય છે. સંબંધ માવજત માગે છે, કાળજી માગે છે, જતન માગે છે. સંબંધો અનબ્રેકેબલ નથી. એ સાવ તૂટે નહીં તો પણ તિરાડો તો પડતી જ હોય છે. સેલો ટેપ મારીને સચવાયેલા સંબંધો ટકી તો રહે છે, પણ એનું સૌંદર્ય નાશ પામી ગયું હોય છે. બે મિત્રો વાતો કરતા હતા. વારંવાર કહેવાતી એક વાત જ મિત્રએ કહી. સંબંધો કાચ જેવા હોય છે, ધ્યાન ન રાખીએ તો ફૂટી જાય! મિત્રએ કહ્યું, બહુ સાંભળ્યું છે આ વાક્ય. મને એ કહે કે કાચ ફૂટી ન જાય એ માટે તું શું કરે છે? મિત્રએ કહ્યું કે, હું જ્યાં કાચ રાખું છું ને એની નીચે રૂ પાથરી દઉં છું. કાચને પડવા દેતો નથી અને ક્યારેય પડી જાયને તો પણ એ રૂ ઉપર પડે અને તૂટે નહીં તેની કાળજી રાખું છું. આપણને સંબંધ કેમ તૂટે એની ખબર હોય છે, હકીકતે ખબર એની રાખવાની હોય છે કે સંબંધ કેમ ન તૂટે!

તમારા સંબંધને બોલતા રાખો, કહેતા રાખો, પૂછતા રાખો. એક પ્રેમીયુગલની આ વાત છે. પ્રેમિકા બીમાર પડી. પ્રેમીને ખબર પડી. ઘરે મળવા જઈ શકાય એમ હતું નહીં. મેસેજથી વાત થાય. પ્રેમી અલકમલકની વાતો કરે, પણ જે કહેવાનું હોય એ કહે નહીં. એક વખત પ્રેમિકાથી ન રહેવાયું. તેણે લખ્યું, જરાક એવું તો પૂછ કે હવે તને કેમ છે? પ્રેમીએ કહ્યું, સારું જ હશે. તારી કેર કરવાવાળા ક્યાં ઓછા છે? તું તો બધાની બહુ જ લાડકી છે. પાણી માગે તો દૂધ હાજર કરી દે! પ્રેમિકાએ કહ્યું, હા તારી વાત તો સાચી છે, પણ તું એમ પૂછે કે હવે તને કેમ છે તો એની વાત જુદી જ હોય છે. તને ખબર છે, હવે મને સારું છે એમ પણ મારે કહેવું હોય છે. આપણી વ્યક્તિને ચિંતા ન થાય એટલે આપણે સારું ન હોય તો પણ કહેતા હોઈએ છીએ કે હવે મને સારું છે! વાગે અને આપણી વ્યક્તિ પૂછે કે, દુ:ખે છે? આપણે ના કહી દઈએ છીએ! અમુક વખતે શબ્દો જ પેઇનકિલરનું કામ કરતા હોય છે. કોઈ ગોળી ખવડાવે ત્યારે બીમાર પડવાની પણ મજા આવતી હોય છે!

એક છોકરીના મેરેજ થયા. પતિ-પત્ની બહુ સરસ રીતે રહે. થોડા થોડા દિવસ થાયને એટલે પત્ની એવું કહે કે આજે મને ઇઝી લાગતું નથી. ક્યારેક માથું દુખે છે એમ કહે તો ક્યારેક એવું કહે કે પેટ અપસેટ છે. પતિ જાય અને પત્નીની એક બહેનપણી આવે એટલે એ ફટાક દઈને ઊભી થઈ જાય. બહેનપણીનું આવું વર્તન જોઈ એક વખત તેણે કહ્યું કે, તને આવું નાટક કરતાં શરમ નથી આવતી? આ તું શું થોડા થોડા દિવસે બીમાર પડવાના ખોટા નાટક કરે છે. આ વાત સાંભળીને પેલી બહેનપણીએ કહ્યું કે, તને સાચું કહું. હું બીમાર હોવાનું કહું પછી એ મને જે રીતે પેમ્પર કરે છે ને એ મને બહુ ગમે છે. એ ઓછો ઓછો થઈ જાય છે. તને ખબર છે ઘણી વખત આંખોમાં ચિંતા દેખાતી હોય ને, એ ચિંતાનો પડછાયો પ્રેમનો હોય છે. મને એ એની આંખોમાં જોવું ગમે છે!

પ્રેમ છે તો કહી દો, સારું લાગે છે તો વખાણ કરો. જે કંઈ કહો કે કરો એ મોઢામોઢ કહો. નજરની સામે કહો. વ્યક્ત થઈ જાવ, પ્રેમ છલકી જશે. મૌનની ભાષા હોય છે એમાં ના નહીં, પણ બોલી શકાતું હોય ત્યારે મૌન રહેવાનો મતલબ શું રહે છે? દરેક લાગણીને શબ્દો તો હોય જ છે, આ શબ્દો મનમાં બોલાતા જ હોતા નથી, અનુભવાતા પણ હોય છે, મહેસૂસ પણ થતા હોય છે. એનો આનંદ માત્ર તમે ન માણો, જેના કારણે એ ફીલિંગ, એ અહેસાસ થાય છે એને કહી દો, બે હાથ મળે ત્યારે સંવેદનાઓ પણ બેવડાતી હોય છે!

છેલ્લો સીન :

આપણો પ્રેમ આપણને દરરોજ થોડા થોડા સારા બનાવતો રહે એ જ પ્રેમની સાર્થકતા છે.   –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 11 ઓકટોબર 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

2 Comments

Leave a Reply