હું ખરાબ ન લગાડું એટલે તારે સારું નહીં લગાડવાનું? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હું ખરાબ ન લગાડું એટલે

તારે સારું નહીં લગાડવાનું? 

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હવે હું બધાથી છું ઊંચે હવામાં, મને કોઈ નાખી ગયું ત્રાજવામાં,

અમારી પ્રતીક્ષાનું મૃત્યુ થયું છે, તમે સહેજ મોડું કર્યું આવવામાં.

મને યાદ આવે છે જૂની તબાહી, એ જ્યારે પૂછે કે શું છે નવામાં?

– ભાવિન ગોપાણી

 

સંવેદના પડઘો ઝંખતી હોય છે. આપણે વરસતા રહીએ અને કોઈ જરાકેય ન ભીંજાય ત્યારે દિલનો કોઈ ખૂણો કોરોકટ રહી જતો હોય છે. કોઈને સતત યાદ કરતા હોઈએ અને એને આછો પાતળો અહેસાસ પણ ન થાય ત્યારે સંવેદનાઓ થોડીક તરડાતી હોય છે. ક્યારેક તો એવું પણ થઈ આવે કે શું મને જ ગરજ છે? એને કંઈ જ નથી? ખોબાની સામે તું ખોબો ન આપ પણ એક ટીપું તો આપ! તારી તડપ પૂરી થાય એટલે મારી તરસનું કંઈ નહીં?

તું ઇચ્છે એ બધું જ હું કરું, તારા ચહેરા પર ખુશી જોવા માટે પૂરતા પ્રયાસ કરું, તારી દાદ ન મળે તો પણ કોઈ ફરિયાદ ન કરું એટલે તારે કંઈ જ નહીં કરવાનું? થોડીક તો કદર કર. હા, પ્રેમમાં કે દોસ્તીમાં બહુ અપેક્ષાઓ ન રાખવી જોઈએ એવું કહેવાય છે, પણ અપેક્ષાઓ તો હોય જ છે. દિલમાં થોડીક લાગણીઓ તો ધરબાયેલી હોય જ છે જે બહાર આવવા ઝંખતી હોય છે. હું ન મળું ત્યારે તને એમ નથી થતું કે તારા વગર ગમતું નથી? મજા નથી આવતી! તું મેચ્યોર છે, પણ આપણને દિલની વાત કહેતા અટકાવે એ મેચ્યોરિટી શું કામની? ક્યારેક તો મારા જેવું કર! શું રોકે છે તને? તારા તરફથી જવાબ ન મળે ત્યારે ક્યારેક તો એવો વિચાર આવી જાય છે કે તારી પાસે મારા માટે સમય નથી, ઇચ્છા નથી કે પછી દરકાર નથી?

આપણી કોઈ ચિંતા કરતું હોય, આપણી કોઈ કેર કરતું હોય, આપણું કોઈ સારું ઇચ્છતું હોય અને આપણા માટે સતત પ્રાર્થના કરતું હોય એના માટે આપણે કેવા હોઈએ છીએ? ઘણી વખત તો આપણે કોઈની લાગણીઓની કદર નથી કરતા, ઊલટું તેને હર્ટ કરી દેતા હોઈએ છીએ. આપણા મોઢેથી જ્યારે અમુક શબ્દો નીકળી જાય છે ત્યારે આપણને એ અંદાજ નથી હોતો કે આ શબ્દો એને આખી જિંદગી કાંટાની જેમ ખૂંચતા રહેશે.

એક પ્રેમી-પ્રમિકાની આ વાત છે. પ્રેમી શહેરમાં એકલો રહેતો હતો. કામ પર જતી વખતે પ્રેમીને અકસ્માત નડ્યો. હોસ્પિટલમાં એડમિટ કર્યો. પ્રેમિકાએ એની તમામ કાળજી લીધી. આખો દિવસ તેની સાથે જ રહે. દવાથી માંડી તમામ વસ્તુઓ સમયસર હાજર કરી દે. પ્રેમીને ખુશ રાખવાનો સતત પ્રયાસ કરે. એ મજામાં રહે તો જલદી સાજો થઈ જાય એ વિચારે તમામ પ્રયત્નો કરે. પોતાનું અસ્તિત્વ ભૂલીને એ પોતાના પ્રેમી માટે દવાખાનામાં હાજર રહેતી. એક જ ધૂન હતી કે એ જલદી સાજો-સારો અને હસતો-રમતો થઈ જાય! થોડા દિવસમાં પ્રેમી ઓકે થઈ ગયો. રજા આપવાની હતી ત્યારે પ્રેમિકાને એવું હતું કે યાર બે શબ્દો તો એવા કહે કે તું હતી તો મને ફેર પડ્યો. ભલે મેં કંઈ તું કહે એ માટે કંઈ નથી કર્યું, તને પ્રેમ કરું છું એટલે બધું કર્યું છે છતાં એવું તો થાય જ છે કે તું કંઈક તો કહે! મારા પ્રેમ અને મારી કેરની તને કદર છે કે નહીં એ તો મને ખબર પડે!

પ્રેમીએ આખરે પ્રેમિકાને પોતાની નજીક બોલાવી. એને કહ્યું કે તને એક વાત કહું? તું બહુ સારી નર્સ બની શકે એમ છે! પ્રેમિકાના દિલમાં જાણે એક કડાકા સાથે કંઈક તૂટ્યું. આવું, એમ કહીને એ ઊભી થઈ, ટોઇલેટમાં ગઈ અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી! આવું બોલવા કરતાં તો કંઈ જ ન બોલ્યો હોત તો? મને મારા ભ્રમમાં તો રહેવા દેવી હતી! મોઢું ધોઈને બહાર નીકળી ત્યારે ચહેરા પર થોડીક વેદના છવાયેલી હતી. ઘણી વખત આપણી વેદના પણ આપણા લોકો ક્યાં વાંચી શકતા હોય છે! પ્રેમમાં ચહેરો વાંચતા આવડવું જોઈએ અને આંખોની ભાષા ઉકેલાવી જોઈએ. દરેક વખતે બધું કહેવાનું હોતું નથી, ઘણું બધું સમજવાનું હોય છે.

ક્યારેક કોઈ દૂર જાય ત્યારે તેનું કારણ આપણે પણ હોઈએ છીએ. દરેક ધક્કા કંઈ હાથથી જ નથી અપાતા, દરેક હડસેલા દેખાતા નથી હોતા, અમુક માત્ર અનુભવાતા હોય છે. આવા સતત અનુભવો આપણને અંદરથી કહે છે કે હવે દૂર જવાનો વખત થઈ ગયો છે. દરેક વખતે દરેક વ્યક્તિ આવજો કહીને નથી જતી, એ તો અંદાજ પણ ન આવે એ રીતે સરકી જતી હોય છે. એના માટે સહેલું નથી હોતું, પણ ધીમે ધીમે મન મનાવી લે છે.

કોઈ તમને પ્રેમ કરતું હોય તો એ ભલે કોઈ વાતનું ખરાબ ન લગાડે, પણ અંદરથી થોડુંક એવું તો ઇચ્છતું હોય છે કે એને થોડુંક પેમ્પર કરે. એવા થોડાક શબ્દો કહે જેથી આપણને એવું લાગે કે એને પણ મારાથી પ્રેમ છે, લાગણી છે અને મારો અહેસાસ છે. એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. પ્રેમિકા ગમે તે કરે તો પણ પ્રેમી ખરાબ ન લગાડે. એ પ્રેમિકાના મૂડ અને સ્વભાવને સારી રીતે ઓળખતો હતો. એને ખબર હતી કે એ તો એવી જ છે. મન થાય તો જવાબ આપે અને મન ન થાય તો મૂંગી થઈ જાય. ક્યારેક વાત કરતાં કરતાં અચાનક ટાટા-બાય બાય કહી દે, ચેટ દરમિયાન કંઈ કહ્યા વિના અલોપ થઈ જાય અને પછી કલાકો સુધી ન ફરકે! પ્રેમી તો એ જેવી છે એવી જ સ્વીકારતો. જોકે, એક વખત તેનાથી ન રહેવાયું. પ્રેમિકાને કહ્યું કે, હું ક્યારેય ખરાબ ન લગાડું એટલે તારે ક્યારેય સારું નહીં લગાડવાનું? સાવ આવું તે કંઈ હોતું હશે! ક્યારેક તો વિચાર કર કે એ રાહ જોતો હશે. તું મજામાં છે કે નહીં એની ચિંતા કરતો હશે! હા, હું ખરાબ નથી લગાડતો, પણ તું થોડુંક તો સારું લગાડ! મને પણ થાય કે થોડીક તરસ તારામાં પણ છે!

એક તરફી વરસતા રહેવામાં પણ કંઈ વાંધો નથી, પણ જરાક તો ઇશારો આપ કે તું વરસે છે એ ગમે છે! એક ફૂલ હતું. રોજ રસથી ભરાઈ જાય. એક જ રાહ હોય કે હમણાં એક પતંગિયું આવશે અને મારા મધુર રસથી તૃપ્ત થશે. રોજ પતંગિયું આવે અને રસ ચૂસીને ઊડી જાય. ફૂલ રોજ એને નીરખતું રહે. આ પતંગિયાને કેમ કંઈ થતું નથી? એક દિવસ ફૂલથી ન રહેવાયું. તેણે પતંગિયાને કહ્યું, આ મારો જે રસ છે એ મેં તારા માટે તો સાચવ્યો છે. એની તો રાહ જોતું હોઉં છું કે તું આવે અને માણે, પણ હે પ્રિય પતંગિયા, રસપાન કરતી વખતે જરાક પાંખો તો ફફડાવ, મને તારી પાંખોના કલર્સ તો માણવા દે, જરાક તો મને અહેસાસ થાય કે મારા સાંનિધ્યનો તને આનંદ મળે છે. આમ સાવ સ્થિર ન રહે, થોડોક તો મરક કે મને એવું લાગે કે મારા રસનું સર્જન સાર્થક થયું! આંખ ઊંચી કરીને સહેજ તો જો કે તું રસપાન કરે છે એનાથી હું પણ થોડીક તૃપ્ત થાઉં છું. સાવ તારું જ ન વિચાર, મારી થોડીક તો ખેવના કર.

દરેકને થોડુંક તો એવું હોય જ છે કે એની ભાવનાઓને પણ એપ્રિશિયેશન મળે. હમણાં એક સરસ પંક્તિ વાંચવા મળી. મેરી બદતમીઝિયા તો જગજાહિર હૈ લેકિન, આપકે શરાફત કે નિશાં ક્યોં નહીં મિલતે? પોતાની વ્યક્તિની કદર કરવી એ પણ પ્રેમ કરવાનો જ એક પ્રકાર છે. તેં મારા માટે આ કર્યું એ મને ગમ્યું. આપણી વ્યક્તિને એટલું જ જોઈતું હોય છે કે એ જે કરે છે એની ભીનાશ એની વ્યક્તિને સ્પર્શે છે એવી ખબર પડે.

દરેક વ્યક્તિને પોતે જેને ચાહે છે એના માટે એને ગમે, સારું લાગે અને મજા આવે એવું કરવું હોય છે, એ કરતી પણ રહે છે, કોઈ બદલો જોઈતો હોતો નથી, પણ નોંધ તો જોઈતી જ હોય છે. દરેક સંબંધમાં આ જરૂરી છે. કોઈ તમારા માટે કંઈ કરે ત્યારે તમારો પ્રતિભાવ બહુ મેટર કરતો હોય છે.

મજાની વાત એ છે કે કોઈ અજાણી કે ઓછી જાણીતી વ્યક્તિ આપણા માટે નાનું અમથું પણ કંઈક કરશે તો આપણે એને સારું લગાડવામાં અને થેંક્યૂ થેંક્યૂ કહેવામાં બાકી નહીં રાખીએ, પણ આપણી વ્યક્તિ આપણા માટે ગમે એટલું કરશે તો આપણે એટલું પણ નહીં કહીએ કે તેં મારા માટે કેટલું બધું કર્યું! તમને જે પ્રેમ કરે છે એને એટલું તો કહો જ કે હું તારી લાગણી સમજું છું, મને તારી કદર છે, તું મારા માટે વિચારે છે એ મને ગમે છે. મને ખબર છે કે હું તારામાં થોડોક જીવું છું. આપણે કોઈનામાં જીવતાં રહીએ એના માટે જરૂરી છે કે એને પણ થોડો એવો વિશ્વાસ આપીએ કે હું પણ થોડાક શ્વાસ તારા માટે અને તારા નામના ભરું છું, મને તારો ગર્વ છે. તમને પ્રેમ કરે છે એને પ્રેમ આપતા શીખો, પ્રેમ બેવડાતો જ રહેશે!

છેલ્લો સીન :

તમારે તમારો પ્રેમ, લાગણી કે સંવેદના વ્યક્ત કરવી છે તો થોડાક સારા શબ્દો કહો, એના જેવી બીજી કોઈ ગિફ્ટ નથી. -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 13 સપ્ટેમ્બર 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Be the first to comment

Leave a Reply