મને બધું જ મૂકીને ક્યાંક ભાગી જવાનું મન થાય છે! -ચિંતનની પળે

મને બધું જ મૂકીને ક્યાંક

ભાગી જવાનું મન થાય છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

જાતનો આધાર લઈ બેઠા રહ્યા,

હું પણાનો ભાર લઈ બેઠા રહ્યા,

બૂંગિયો ક્યારેય પણ વાગ્યો નહીં,

હાથમાં તલવાર લઈ બેઠા રહ્યા.

-મહેન્દ્રસિંહ પઢિયાર ‘મરમી’

જિંદગીનું રૂપ એક નથી. જિંદગી બહુરૂપી છે. જિંદગી દરેક વખતે જુદાં જુદાં રૂપે સામે આવે છે. ક્યારેક તો જિંદગી એટલી ઝડપથી રંગ બદલે છે કે આપણે હતપ્રભ થઈ જઈએ. સોળે કળાએ ખીલેલી લાગતી જિંદગી અચાનક જ ચીમળાઈ જાય છે. આપણને સમજાતું નથી કે આ બધું શું ચાલી રહ્યું છે! ઘડિયાળના કાંટા ચાલતા હોય છે છતાં જિંદગી અટકી ગઈ હોય એવું લાગે છે. દરેક વ્યક્તિને જિંદગીમાં ક્યારેક તો એવું થાય જ છે કે, આ બધું જ મૂકીને ક્યાંક ભાગી જવું છે. શાંતિ જોઈએ છીએ. આટલી બધી જંજાળ શા માટે? આટલી બધી ઉપાધિ કરીને આખરે શું મેળવવું છે?

આપણે મોટાભાગે આપણી માનસિક પરિસ્થિતિ માટે જિંદગીને દોષ દેતા હોઈએ છીએ. આપણી પીડા, વેદના, ઉદાસી, નારાજગી, હતાશા, નિષ્ફળતાનું ઠીકરું ફોડવા કોઈ બહાનું જોઈતું હોય છે. ક્યારેક નસીબને, ક્યારેક સમયને તો ક્યારેક જિંદગીને આપણે કોસતા રહીએ છીએ. ગમે એવી વાત હોય, આપણને આપણો વાંક ક્યારેય દેખાતો જ નથી. ક્યારેક દેખાય તો પણ આપણે આંખ આડા કાન કરીએ છીએ. ઝઘડો થાય ત્યારે આપણે એવું બોલીએ છીએ કે ક્યારેક તાળી એક હાથે વાગતી નથી. સાચી વાત છે, પણ એ વખતે તમારાથી તમારો હાથ કેમ કાબૂમાં રહ્યો નહીં? તમે કેટલા જોરથી તમારો હાથ વીંઝયો હતો?

અમુક લોકોને ફરિયાદ કરવાની આદત પડી ગઈ હોય છે. એને દરરોજ કોઈ ને કોઈ સામે પ્રોબ્લેમ હોય છે. ઘણાને બધા જ કાવતરાખોર લાગે છે. બધા મારી સાથે રમત રમે છે. આખી દુનિયા સામે એને વાંધો હોય છે. એક યુવાન હતો. એ હંમેશાં એના મિત્રને એવું જ કહેતો કે બધા બદમાશ છે. કોઈ ભરોસાપાત્ર નથી. એ ગણાવતો કે આને મારી સાથે આ પ્રોબ્લેમ છે, પેલાને મારી સાથે પેલો પ્રોબ્લેમ છે. એક વખત આવી વાત સાંભળીને તેના મિત્રએ તેને પૂછ્યું, તને ખબર છે કે તારો પ્રોબ્લેમ શું છે? તારો પ્રોબ્લેમ તું પોતે જ છે. તારા મનમાં જે ભ્રમ ચાલે છેને એને કાઢી નાખ. આપણે ઘણી વખત વિચારતા હોઈએ એટલો રસ દુનિયાને આપણામાં હોતો નથી. દરેકને પોતાના પ્રશ્નો, પોતાની સમસ્યાઓ, પોતાની ચિંતા અને પોતાનાં કામ હોય છે. તું બીજા શું કરે છે એની ચિંતા ન કર. તારે શું કરવું જોઈએ એનો વિચાર કર.

માણસ આખી જિંદગી જે કંઈ ઢસરડો કરતો હોય છે એ આખરે શેના માટે કરતા હોય છે? એનો જવાબ છે સુખ માટે, શાંતિ માટે, પ્રેમ મેળવવા માટે અને પ્રેમ કરવા માટે. કોઈ માણસ દુ:ખી કે હેરાન થવા માટે તો કંઈ કરતો હોતો નથી. સવાલ એ થાય કે બધું કર્યા પછી પણ આપણને સુખ, શાંતિ કે પ્રેમ મળે છે ખરાં? નથી મળતા તો શા માટે નથી મળતાં? કેમ આપણે દુ:ખી રહીએ છીએ? ઉદાસી કેમ આપણા ઉપર હાવી રહે છે? ક્યારેક મજા ન આવે, કંઈ ન ગમે, ચેન ન પડે કે બધું છોડી દેવાનું મન થાય એ સ્વાભાવિક છે, પણ સતત આવું થતું હોય તો તો આપણે જ વિચારવું જોઈએ કે આવું કેમ થાય છે. મજા ન આવતી હોય તો મજા આવે એવું કંઈક કરો. ક્યાંય ગમતું ન હોય તો કંઈક ગમે એવું કરો. દરેક વખતે આનંદ કે મજા માટે બીજા ઉપર જ આધાર ન રાખો, ક્યારેક તમે જ તમારી ખુશીનું કારણ બનો. તમને ગમતું હોય એવું કંઈક કરો. જે કંઈ કરો એ પહેલાં તમારા મનને પ્રોમિસ આપો કે મારે મજામાં રહેવું છે. આપણી ઉદાસી ખંખેરવાની તાકાત આપણામાં હોય છે, બસ એના માટેની તૈયારી હોવી જોઈએ. નબળા વિચારોને હડસેલી શકાય છે. આપણી સાથે આનંદ પણ હોય છે અને ઉદાસી પણ હોય છે, આપણે તેને પંપાળ્યે રાખીએ છીએ તેના ઉપર આધાર રહે છે કે આપણી ઉપર કોણ સવાર થાય છે.

આપણા સુખની ચાવી આપણા હાથમાં હોવી જોઈએ. જે પોતાની ખુશીની ચાવી બીજાના હાથમાં આપી રાખે છે એ બીજાના ઇશારે સુખી કે દુ:ખી થાય છે. કોઈ તમારું તાળું ખોલે એની રાહ ન જુઓ. જેના ઉપર પોતાનો કાબૂ છે એનો કબજો બીજું કોઈ લઈ શકતું નથી. કોઈ સારી વાત કરે તો આપણે તરત ખુશ થઈ જઈએ છીએ. કોઈ નબળી વાત કરે તો આપણે તરત ઇરિટેટ થઈ જઈએ છીએ. કોઈ ક્યારે શું કરશે તે આપણે નક્કી કરી શકીએ નહીં, આપણે ક્યારે શું કરવું એ આપણે નક્કી કરવાનું હોય છે.

કોઈનાથી તમને કેટલો ફેર પડે છે? ફેર પડતો હોય છે. ફેર પડવો પણ જોઈએ. સાથોસાથ એ પણ વિચારવું જોઈએ કે મારાથી કોને ફેર પડે છે. પ્રેમ અને ખુશીનું એવું છે કે તમે આપો તો મળે. આપણે માત્ર આપણા આનંદનો પણ વિચાર કરવાનો હોતો નથી. તમારા હોવાથી કોને ફેર પડે છે? એને સાચવો. એક માણસ સાધુ પાસે ગયો. તેણે કહ્યું કે, હું તંગ આવી ગયો છું, આ બધાથી. મને તો બધું જ છોડીને ક્યાંક ભાગી જવાનું મન થાય છે. સાધુએ બહુ સહજતાથી કહ્યું કે તને ક્યાંક ભાગી જવાનું મન થાય છેને? જોકે, એક વાત યાદ રાખજે, તું તારાથી ભાગીને ક્યાંય જઈ નહીં શકે. તું બીજાથી ક્યાંય નથી ભાગતો, પણ તું તો તારાથી જ ભાગી રહ્યો છે. આપણે આપણાથી ભાગીને ક્યાંક જઈ ન શકીએ, આવું થાય ત્યારે ખરી રીતે તો આપણે આપણાથી નજીક આવવું જોઈએ. તમને ક્યારેય ક્યાંય ભાગી જવાનું મન થાય છે? જો થતું હોય તો સૌથી પહેલાં પોતાની નજીક જાવ. તમે જ તમારી ઉદાસીનું કારણ શોધો અને તમે જ તેનું મારણ શોધો. આપણને બીમારીની ખબર હોતી નથી અને દવા શોધતા હોઈએ છીએ, ક્યારેક આપણે ખોટી દવા પણ ખાઈ લેતા હોઈએ છીએ અને પછી આપણે સાજા થવાને બદલે વધુ બીમાર થઈએ છીએ, સુખી થવાને બદલે વધુ દુ:ખી થઈએ છીએ.

માણસના સંબંધોનું વર્તુળ કેવડું હોય છે? સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ્સનું લિસ્ટ ભલે ગમે એવડું મોટું હોય, જેને અંગત કહી શકાય એવા લોકો તો એક હાથની આંગળીઓના વેઢા કરતાં પણ ઓછા હોય છે. આપણને જેનાથી ફેર પડે છે એવા પાંચ-દસ લોકોને આપણે સમજી કે સાચવી શકતા નથી? નથી સમજતા તો એમાં વાંક કોનો? તમે તમારી શરતે અને તમે ઇચ્છો એ રીતે કોઈની લાગણી કે પ્રેમ ન મેળવી શકો, એ માટે તમારે તમારી વ્યક્તિનો પ્રેમ અને લાગણી પણ સમજવી પડે.

એક માણસ ફિલોસોફર પાસે ગયો. તેણે કહ્યું કે મને જીવવાની મજા આવતી નથી. ફિલોસોફરે પૂછ્યું કે કેમ મજા નથી આવતી? પેલા માણસે કહ્યું કે મારા લોકો જ મને પ્રેમ કરતા નથી. મારા હોવાથી કે ન હોવાથી એને કંઈ ફેર પડતો નથી! ફિલોસોફરે કહ્યું, તારા દુ:ખનું કારણ તો તું પોતે જ બયાન કરે છે કે તારા હોવાથી કે ન હોવાથી કોઈને કંઈ ફેર પડતો નથી! તને આ વાતની ખબર જ છે તો તું એવું કરને કે, તારા હોવાથી કે ન હોવાથી એને ફેર પડે! એ તો તારે જ કરવું પડે! ફેર પડવો જોઈએ. ફેર ન પડે તો એમાં વાંક એનો નથી, કદાચ વાંક આપણો જ હોય છે. તમારાથી કોઈને ફેર નથી પડતો? તો સૌથી પહેલાં એ વિચારો કે મારાથી ફેર કેમ નથી પડતો?

દરેક માણસને અંગત માણસની જરૂર હોય જ છે. આપણા અસ્તિત્વનો એક આધાર આપણા લોકો પણ હોય છે. દરેકને વાત કહેવી હોય છે અને દરેકને પોતાની વાત સાંભળે અને સમજે એવી વ્યક્તિની જરૂર હોય છે. તમે એ જરૂર પૂરી કરી શકો છો? માણસને માત્ર સુખમાં જ ભાગીદારી નથી જોઈતી હોતી, દુ:ખમાં પણ સાથ જોઈતો હોય છે.

એક કપલની આ વાત છે. એની લાઇફમાં એટલા બધા અપ-ડાઉન્સ આવેલા કે કાચાપોચા હોય તો ભાંગી જ પડ્યા હોય. એક વખત એને સવાલ પૂછવામાં આવ્યો કે આટલી બધી તકલીફો વચ્ચે પણ તમે કેવી રીતે ટકી શક્યા? પત્નીએ માત્ર એટલું જ કહ્યું કે એકબીજાને સહારે! એ નબળા પડે ત્યારે હું સંભાળી લેતી અને હું નબળી પડું ત્યારે એ સાચવી લેતો. એ પછી પત્નીએ જે વાત કરી એ વધુ મહત્ત્વની હતી. તેણે કહ્યું કે, મારા હસબન્ડે એક-બે ભૂલો કરી હતી. એક વખત હું નારાજ થઈ મારા પિયર ચાલી ગઈ હતી. મેં મારા પિતાને વાત કરી કે મારા પતિએ કેવી ભૂલ કરી છે, હાથે કરીને પોતાનું દેવાળું નીકળે એવા ધંધા કર્યા છે. મારા પિતાએ બધી વાત સાંભળી. આખરે એટલું કહ્યું કે તને ખબર છેને એણે ભૂલો કરી છે, એ કરવા તો ગયો હતો સારું, પણ નિષ્ફળતા મળી એટલે આપણે એને ભૂલ કહીએ છીએ. ચાલો માનીએ કે એણે ભૂલ કરી છે તો પણ એની ભૂલોને ગાયે રાખવાની કે એને સાથ આપવાનો? અત્યારે તો એને તારી સૌથી વધુ જરૂર છે. તું એને પડખે નહીં ઊભી રહે તો તો એ તૂટી જશે. બીજા દિવસે હું મારા ઘરે આવી. મેં કહ્યું કે, ચિંતા ન કર. ચાલ્યા રાખે. થઈ ગયું એ થઈ ગયું. ગમે તે થાય હું તારી સાથે છું. પતિએ એટલું જ કહ્યું કે તું મારી સાથે છે તો મને કોઈ જ ચિંતા નથી. આપણી કમનસીબી એ છે કે જ્યારે સાથ આપવાની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે જ આપણે હાથ છોડી દેતા હોઈએ છીએ.

માણસને મોટાભાગે ભાગી જવાનું મન ત્યારે થતું હોય છે જ્યારે એને એવું લાગે કે એ એકલો પડી ગયો છે. આપણી વ્યક્તિને આવું ન લાગે એ જોવાની જવાબદારી આપણી હોય છે. તમારી વ્યક્તિને ક્યારેય એકલી ન પડવા દો, આવું તમે કરશો તો જ તમને ક્યારેય એકલું નહીં લાગે!

છેલ્લો સીન :

જે લોકો મુશ્કેલીને નોતરે છે, તેઓ જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે હંમેશાં ફરિયાદ કરે છે.          -લેન સોલિંઘાઉસ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 05 જુલાઇ 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *