ફાધરને ક્યારેય પૂછ્યું છે કે એનું સપનું શું હતું? દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

ફાધરને ક્યારેય પૂછ્યું છે કે

એનું સપનું શું હતું?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

માય ફાધર ઇઝ માય બાહુબલી.

બાહુબલીની અસરમાં ઘણાં સંતાનોએ આવું સ્ટેટસ મૂક્યું હતું.

બાપને આપણે સામાન્ય માણસ તરીકે સ્વીકારી જ નથી શકતા.

આખી દુનિયાને માફ કરવી સહેલી છે પિતાને માફ કરવો અઘરો છે.

 

ફાધરે આપણા માટે સપનાં જોયાં હોય છે.

એનાથી પૂરાં ન થયાં હોય એ પણ

એને પૂરાં કરાવવાં હોય છે!

 

આજે ફાધર્સ ડે છે. આજે ડેડીને ‘લવ યુ’ના મેસેજીસ થશે. ગિફ્ટ અપાશે. અમુક લોકો ડેડી માટે સરપ્રાઇઝ પ્લાન કરશે. સોશિયલ મીડિયામાં પપ્પા સાથેના ફોટા અપલોડ થશે. એક-બે દિવસ માટે પ્રોફાઇલ પિક્ચર બદલાશે. પિતા, પપ્પા, પાપા, ફાધર, બાપા, બાપુ, ડેડ, ડેડુ, ડેડા માટે આવતા મેસેજીસ ફોરવર્ડ થશે. કોઇ પોતાની રીતે બે-ચાર લાઇન લખશે. નથિંગ રોંગ. ફાધર્સ ડે વિદેશની દેન છે. આ ડે ‘આયાતી’ છે. એટલે ઘણા બધા લોકોને નથી ગમતો. ફાધર્સ ડે કંઇ એક દિવસ થોડો હોય? એ તો આખી જિંદગીનો સંબંધ છે. ગમે તે કરીએ તો પણ બાપનું ઋણ થોડું ઊતરવાનું છે? ફાધર્સ ડે એ આપણી પરંપરા નથી. આપણી પરંપરા કઇ છે? જે છે એ આપણે કેટલી નિભાવીએ છીએ? વેલ, આ વાત જવા દો. દરેકને જે માનવું હોય એ માનવાનો અધિકાર છે.

ફાધર્સ ડેનું સેલિબ્રેશન આપણે આપણી રીતે નક્કી કરી લઇએ છીએ. ગિફ્ટ લઇએ છીએ. પપ્પા માટે ગિફ્ટની ચોઇસ બહુ ઓછી હોય છે. પપ્પાના પણ પાછા લાઇક્સ અને ડિસલાઇક્સ કંઇ ઓછા હોય છે? ડેડી એ ગજબનું વ્યક્તિત્વ છે. સાવ જ જુદું. દરેકને ક્યારેક એવું થતું હોય છે કે, મારા પિતા આવા હોયને તો મને ગમે! ક્યારેક ફ્રેન્ડ્સના પિતાને જોઇને એમ થાય છે કે આના ડેડી જેવા મારે પણ હોત તો! પિતા એ કલ્પનાનો વિષય નથી. બાયોલોજિકલ રિલેશનમાં ચોઇસ હોતી નથી. એ તો જેવા હોય એવા હોય! હા, પિતા મા જેવા નથી હોતા. મા લાગણીશીલ હોય છે. મા સાથેની સ્મૃતિઓ પણ વધારે હોય છે. મા આપણને ચાગલા રાખે છે. બાપ કડક ન હોય તો પણ કડક લાગે છે. એ થોડોક જિદ્દી પણ હોય છે. એ ઘણું બધું જતું કરી શકતો નથી. એને એક ખ્વાહિશ તો હોય જ છે કે મારો દીકરો કે મારી દીકરી મારા કરતાં વધુ આગળ વધે. મારું નામ રોશન કરે.

માતા-પિતાની સરખામણી વાજબી નથી, કારણ કે બંને સાવ જુદી દુનિયાના જ માણસો છે. બધાની મા ઓલમોસ્ટ સરખી જ હોય છે. એક માનું વર્ણન બીજી માને લાગુ પડે શકે. મા મમતાની દેવી છે. અત્યંત પ્રેમાળ અને લાગણીશીલ. બાપ વ્યક્તિએ વ્યક્તિએ જુદો હોય છે. બાપ અઘરો હોય છે. એ ઘડીકમાં ઓળખાતો નથી. એ વાચાળ નથી. મનમાં ઘણું બધું ધરબીને બેઠો હોય છે. એ ડિસ્ટર્બ હોય ત્યારે કોઇને પોતાનું દર્દ કહેતો નથી અને ખુશ હોય ત્યારેય પૂરેપૂરો વ્યક્ત થઇ શકતો નથી. દરેક માણસને ક્યારેક એવું થયું જ હોય છે કે મારા બાપાએ આમ કરવું જોઇતું ન હતું. અમુક તબક્કે તો એમ પણ થાય કે બાપાને કંઇ ખબર પડતી નથી. એ ક્યારેક જૂના જમાનાનો લાગે છે. પિતા મોટાભાગે ત્યારે જ સમજાતો હોય છે જ્યારે માણસ પોતે પિતા બને.

પિતા સામે ઘણાને વાંધો હોય છે. એ કંઇ છૂટ આપતા નથી. એ ઇચ્છે એમ જ આપણે કરવાનું? એ કહે ત્યારે ઘરમાં ઘૂસી જવાનું. એને અવાજ ગમતો ન હોય તો ધીમેથી બોલવાનું. એ ટીવી જોતા હોય ત્યારે ચેનલ નહીં બદલવાની. ઘણાં ઘરોમાં એવાં દૃશ્યો સર્જાતાં હોય છે કે પિતા ઘરમાં આવે એટલે સન્નાટો છવાઇ જાય. બધા ડાહ્યાડમરા થઇ જાય. કંઇ કામ હોય કે ક્યાંક જવાની મંજૂરી જોઇતી હોય તો માની મદદ લેવી પડે છે. મા મૂડ જોઇને વાત કરે છે અને કામ થઇ જાય છે. મા ગમે એટલી ખોટી હોય તો પણ માને નફરત કરી શકાતી નથી. પિતા ઉપર નારાજગી કે નફરત હોય એવા અનેક કિસ્સાઓ જોવા મળે છે. આખી દુનિયાને માફ કરી શકાતી હોય છે પણ પિતાને માફ કરવાનું અઘરું પડે છે.

દીકરી અને દીકરા માટે પિતા એક સરખો હોય છે? કદાચ ના. અપવાદ હોઇ શકે પણ મોટાભાગે પિતાને દીકરી પ્રત્યે વધુ સ્નેહ હોય છે. એક વાત વારંવાર કરવામાં આવે છે કે દીકરી વહાલનો દરિયો. એ સમયે દીકરાને શું થતું હશે? બહેનને વધુ પડતું માન-પાન મળતું હોવાથી ઘણા યુવાનો પિતાથી નારાજ હોય છે. દીકરી સાસરે ગઇ હોય તો પણ પિતા અમુક નિર્ણયો એને પૂછીને કરતા હોય છે. બાપનું આવું વર્તન ઘણા દીકરાઓથી સહન થતું નથી.

બાય ધ વે, તમે ક્યારેય તમારા પિતાને પૂછ્યું છે કે તમારું સપનું શું હતું? તમારી જિંદગીમાં કેટલી વખત અપસેટ આવ્યા? તમે કેવી રીતે એમાંથી બહાર આવ્યા? પૂછજો ક્યારેક. દરેક માણસનાં સપનાં પૂરાં થાય એવું જરૂરી નથી. દરેક પિતા સફળ જ હોય છે એવું પણ નથી. ઘણા બધા પિતા મીડિયોકર હોય છે. સવારથી સાંજ સુધી કામ કરે છે. આપણા માટે થઇ શકે એ બધું કરે છે. ભૂલેચૂકેય આપણાથી કંઇક ડિમાન્ડ થઇ ગઇ હોય તો એ યાદ રાખીને લઇ આવે છે. અગાઉના સમયમાં માત્ર મધરવુડની વાત થતી, હવે ફાધરવુડની પણ ચર્ચાઓ થઇ રહી છે. હસબન્ડ-વાઇફ બંને જોબ કરવા લાગ્યાં છે. પિતાને હવે નેપી બદલવામાં ખચકાટ થતો નથી. આજનો બાપ બદલાયો છે.

પિતા આપણો પહેલો હીરો હોય છે. એ સુપરમેન હોય છે. આપણે મોટા થતાં જઇએ એમ એમ આપણે પણ પિતાની સરખામણી બીજા પિતાની સાથે કરતા જઇએ છીએ. એક સમયે એવો પણ આવતો હોય છે કે એ સુપરમેન જ કોમનમેન લાગવા માંડે છે. મારા પિતા કંઇ કરી ન શક્યા. મારા માટે કંઇ ન મૂકી ગયા. એક પ્રામાણિક અને નિષ્ઠાવાન પિતા કંઇ જ ખોટું કરતા નહીં. એક દિવસ તેના દીકરાએ જ કહ્યું કે સારા રહીને તમે શું મેળવી લીધું? તમારી સાથે હતા એ બધા આજે ક્યાંના ક્યાં છે. પિતાએ એટલું જ કહ્યું કે, મારે સંસ્કારનો વારસો છોડી જવો છે, સંપત્તિનો નહીં. તને એ આજે નહીં સમજાય, ઘણું બધું બહુ મોડું સમજાતું હોય છે.

પિતાએ જ્યારે કંઇ કહ્યું હોય છે ત્યારે એ સમજાતું હોતું નથી. આકરું પણ લાગતું હોય છે. ધીમે ધીમે એ સમજાય છે અને ત્યારે લાગે છે કે પપ્પા સાચું કહેતા હતા. ઘણા લોકો એવું બોલતા રહેતા હોય છે કે, મારા બાપા આમ કહેતા હતા!

જેના ફાધર હયાત નથી એને પૂછી જોજો, ક્યારેક તો એને થયું જ હોય છે કે આજે પપ્પા હોત તો કેટલા ખુશ થાત! એને ગર્વ થાત કે મારા દીકરા કે દીકરીએ કંઇક કર્યું. પપ્પા કાયમી નથી હોતા. ભવિષ્યમાં એમ ન થાય કે એ હોત તો કેવા ખુશ થાત, એની બદલે એવું કહેજો કે એ હતા ત્યારે મેં એમને ખુશ રાખવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો. ફાધર ક્યારેય કોઇને એકસરખો લાગતો નથી. ક્યારેક એ ખરાબ લાગે છે, ક્યારેક બહુ સારો લાગે છે, ક્યારેક ગ્રેટ લાગે છે, એ ગમે એવો હોય એનું એક સપનું હોય છે કે મારાં સંતાનો કંઇક બને. એના માટે એ પોતાનાં સપનાં પણ કુરબાન કરી દેતો હોય છે. આપણે ગમે એ બનીએ આપણે થોડાક તો આપણા પિતા જેવા હોઇએ જ છીએ. આપણે એની લાગણીમાં આવીએ કે કદાચ ન આવીએ પણ એના પ્રભાવમાં તો આવીએ જ છીએ. આ પ્રભાવ એટલા માટે રહેતો હોય છે કે આપણને કોઇ અભાવ ન આવે એ માટે એણે પોતાનાથી થઇ શકે એ બધું જ કર્યું હોય છે. આપણે એના માટે જે કરવું જોઇએ એ કેટલું કરતા હોઇએ છીએ? જવાબ મેળવી લેજો. હેપી ફાધર્સ ડે!

પેશ-એ-ખિદમત

ખયાલ જિસ કા થા મુજે, ખયાલ મેં મિલા મુજે,

સવાલ કા જવાબ ભી, સવાલ મેં મિલા મુજે,

કિસી કો અપને અમલ કા હિસાબ ક્યા દેતે,

સવાલ સારે ગલત થે, જવાબ કયા દેતે.

– મુનિર નિયાઝી.

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 18 જુન 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Be the first to comment

Leave a Reply