મનને મનાવવાનો પણ હવે થાક લાગે છે! – ચિંતનની પળે

મનને મનાવવાનો પણ

હવે થાક લાગે છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

આંસુ વિણ ફરફરવાનું દુ:ખ કોને કહેવું,

સાવ સૂકું ઝરમરવાનું દુ:ખ કોને કહેવું.

કોઈ તજેલા સ્થળનાં સ્મરણો પગને વળગે,

એ બંધન લઈ ફરવાનું દુ:ખ કોને કહેવું.

-મનોજ ખંડેરિયા.

આપણું મન આપણી સાથે જ ઘણી વખત રમત કરતું હોય છે. ક્યારેક આપણને સમજાવે છે તો ક્યારેક સતાવે છે. ક્યારેક લડી લેવાનું કહે છે તો ક્યારેક રડી લેવા મજબૂર કરે છે. આપણે આપણી સાથે જ વાતો કરતા હોઈએ છીએ. ક્યારેક તો આપણને ખુદને સમજાતું નથી કે આપણે એક છીએ કે બે? જો એક છીએ તો આપણને જવાબ આપે છે કે પ્રશ્ન પૂછે છે એ કોણ છે? આપણો જ ભાગ હોય તો એને આપણી સાથે જ કેમ વાંધો પડે છે? એ આપણી સાથે રમત રમે છે કે આપણે એની સાથે ખેલ ખેલીએ છીએ? એના ઉપર આપણો અધિકાર છે કે પછી આપણા ઉપર એનું આધિપત્ય છે? કોણ કોને દોરે છે? મન દરેક વખતે સાચું જ બોલતું હોય છે? બધા કહેતાં હોય છે કંઈ ધ્યાન ન પડે ત્યારે મન કહે એ માનવું! મનને આપણે પટાવી શકીએ? પંપાળી શકીએ? પેમ્પર કરી શકીએ? કરતાં હોઈએ છીએ ક્યારેક! ઘણું બધું કહેતાં પણ હોઈએ છીએ. મન તું શાંત થા! જે થવાનું હશે એ જ થશે! એમ પણ કહીએ છીએ કે, જે થતું હશે એ સારા માટે જ થતું હશે! મન ઘણી વાર માની પણ જતું હોય છે. એના સિવાય બીજો રસ્તો પણ ક્યાં હોય છે?

મનને મનાવવું જ પડતું હોય છે. ક્યારેક મન માનતું નથી. મન ન માને ત્યારે મનને મારવું પડતું હોય છે. કેટલા લોકો મરેલા મન સાથે જીવતા હોય છે? હાલતાં-ચાલતાં અને શ્વાસ લેતા હોય છે, પણ જીવતા શબની જેમ જીવતા હોય છે! મન તો એવું બદમાશ છેને કે એક વખત મારી નાખો તો પણ પાછું જીવતું થાય છે. પાછું ક્યાંક ખેંચાય છે. એની ફિતરત જ બદમાશીની છે. નક્કી કરી લીધું હોય કે હવે બસ, ઇનફ ઇઝ ઇનફ, આપણો સંબંધ પૂરો તો પણ સમય આવ્યે કહેતું રહે છે કે સાવ એવું થોડું હોય? આપણે પણ એના જેવું થવાનું? તો પછી આપણામાં અને તેનામાં ફરક શું?

એક યુવાનના મોબાઇલની રિંગ વાગી. સ્ક્રીન પર જોયું તો વર્ષો અગાઉ કોલેજમાં સાથે ભણતી એક છોકરીનું નામ હતું. આ કોલ રિસીવ કરું કે નહીં? મન સાથે મથામણ ચાલી. આમ તો નક્કી કર્યું હતું કે હવે આની સાથે કોઈ સંબંધ નથી રાખવો. મોઢું નથી જોવું. વાત નથી કરવી. ગમતી હતી એ. ગ્રૂપમાં જ હતી. દરરોજ મસ્તી-મજાક થતી. મને લાગતું હતું કે હું પણ એને ગમું છું. એક દિવસ હિંમત કરીને કહી દીધું કે, હું તને પ્રેમ કરું છું! અત્યાર સુધી મને જે આંખો અત્યંત પવિત્ર અને પ્યારી લાગતી હતી એ જ આંખો પહોળી થઈ ગઈ! પ્રેમ? ના, હું તને પ્રેમ નથી કરતી. હું તો બીજા કોઈને પ્રેમ કરું છું. કેટલાંયે સપનાં એકસાથે ચકનાચૂર થઈ ગયાં. સપનાં તૂટે એનો વાંધો નથી હોતો, એ તૂટેલા સપનાની કરચો ઘણી વખત આખી જિંદગી ખૂંચતી રહે છે એ સહન નથી થતું. બધું જ એક ઝાટકે ખતમ થઈ ગયું. કોલેજના છેલ્લા દિવસે બાય કહેવા જેટલો પણ સંબંધ બચ્યો ન હતો. જોકે, જતી વખતે તેને એક નજર જોઈ લેવાની લાલચ નહોતી રોકી શક્યો. એ પણ જોતી હતી. એની આંખો સોરી કહેતી હતી? કે પછી એવું કહેતી હતી કે તું ગમે તે માની લે એમાં મારો શું વાંક? જે હોય તે. આમેય શું ફેર પડે છે? હવે ક્યાં મળવાનાં છીએ! મનને મનાવી લીધું હતું.

હવે આ ફોનથી મન સાથે પાછી દલીલો શરૂ થઈ. ફોન રિસીવ કરું કે નહીં? મારે શા માટે એનો ફોન રિસીવ કરવો જોઈએ? કંઈક કામ હશે એટલે ફોન કર્યો હશે? જવા દે, વાત જ નથી કરવી. મન વળી સળવળ્યું. એ કંઈ તકલીફમાં તો નહીં હોયને? યાર, ગમે એ હોય પણ એ સમયે એ મને ગમી હતી. એના માટે કંઈ પણ કરવા તૈયાર હતો. આજે વાત કરવા પણ તૈયાર નથી? કેવો છે તું? તારે વાત કરવી જોઈએ. પાછું એ જ મન કહે છે કે, રેવા દે, પાછા એ ચક્કરમાં નથી પડવું. એને વિચાર આવ્યો. આમાં હું શું કરું છું અને મારું મન શું કહે છે? કે પછી બધું જ મારું મન કરે છે. મને તો અગાઉ જ ફેંસલો આપી દીધો હતો કે એની સાથે સંબંધ પૂરા! હવે એ જ મન લલચાવે છે. બાય ધ વે, તમે આ યુવાનની જગ્યાએ હોવ તો શું કરો? થવા માંડીને મન સાથે વાત! મન કાં હા પાડશે અને કાં ના પાડશે, પાછા હા કે ‘ના’નાં કારણો પણ આપશે. ઉફ્ફ યે મન, એટલી આસાનીથી ક્યાં આપણને છોડતું હોય છે.

સંવેદનાઓ ક્યાં ક્યારેય મરતી હોય છે, એ તો સજીવન થતી હોય છે! ક્યારેક ફરીથી મરવા માટે પણ સજીવન થતી હોય છે! ક્યારેક આપણે સંવેદનાનું ખૂન કરવું પડે છે અને પછી એની સજા પણ ભોગવવી પડે છે. છોડી દીધા પછી પણ બધું ક્યાં છૂટી જતું હોય છે? એક ગઝલની પંક્તિ છે, બેનામ સા યે દર્દ ઠહર ક્યૂં નહીં જાતા, જો બીત ગયા હૈ વો ગુજર ક્યૂ નહીં જાતા!

મન કદાચ સમજતું તો બધું હોય છે, પણ મન સ્વીકારતું હોય છે ખરું? ઘણાં સત્ય પણ એવાં હોય છે જે સમજી શકાતાં નથી. ગળે ઊતરતાં નથી. ઘણાં સત્ય સમજી શકાતાં હોય છે છતાં સ્વીકારી શકાતાં નથી. એ સત્યને સ્વીકારવા પણ મનને મનાવવું પડે છે. એ હવે નથી. એ હવે ક્યારેય હશે પણ નહીં. એક વડીલે કહેલી આ વાત છે. ત્રીસ વર્ષનાં દાંપત્યજીવન પછી એક અકસ્માતમાં પત્ની ચાલી ગઈ. એ દિવસે હું એની રાહ જોતો હતો. તું આવ આપણે રાતે બહાર જમવા જઈશું. એ આવી પણ જીવતી ન હતી. એનું મોત થયું એ સત્ય છે. સમજાય પણ છે. છતાં હજુ સ્વીકારી શકાતું નથી. હા, કહેવું હોય તો કહી શકાય કે, સ્વીકારી લીધું છે, પણ સ્વીકારેલું રોજેરોજ સવાલો તો કરતું જ રહે છે! મનને રોજ કહેવું પડે છે કે એ હવે નથી. તું એકલો છે. અમારી ગમતી હોટલ નજીકથી પસાર થાઉં છું ત્યારે એમ થાય છે કે, આવી ગઈ હોતને તો આ હોટલમાં જ એને જમવા લઈ આવત. એની સ્મશાનયાત્રા નીકળી હતી હોટલથી અડીને આવેલા રસ્તે! કેવી રીતે મનાવું મનને? હવે તો મનને મનાવવાનો પણ થાક લાગે છે. હાંફી જાઉં છું. એની સાથે ઝઘડું છું. મનને મારવાનો પણ પ્રયાસ કરું છું, પણ નથી મરતું એ! નહીં મરે, જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી આ મન નહીં મરે!

ક્યારેક કેવું થતું હોય છે? જ્યારે આપણા પોતાના આપણી વાત ન માને ત્યારે આપણે મનને મનાવવું પડતું હોય છે! એ તો નહીં માને, તું તો માની જા! એ તો મને શાંતિ લેવા નહીં દે, તું તો લેવા દે! મન પણ ક્યાં પાછું આપણા એકલા સાથેય જોડાયેલું હોય છે. એ તો આપણે જેને પ્રેમ કરતા હોઈએ એની સાથે પણ જોડાયેલું હોય છે! એક પિતાની વાત છે. દીકરીએ એની પસંદના છોકરા સાથે લગ્નની વાત કરી. પિતાએ કહ્યું, તું એના કરતાં વધુ સારો લાઇફ પાર્ટનર ડિઝર્વ કરે છે. આમ તો દરેક બાપને એવું જ થતું હોય છે કે દીકરીએ જે છોકરાને પસંદ કર્યો છે એનાથી તેને વધુ સારો છોકરો મળી શક્યો હોત! દીકરી માટે દરેક બાપની એક કલ્પના હોય છે અને એ મહાન જ હોય છે. દીકરીએ કહ્યું કે, ના મારે તેની સાથે જ પરણવું છે. દીકરી લાડકી હતી. તેની ઇચ્છાથી વધુ કંઈ હતું જ નહીં. અગેઇન, મનને માનવવાની વાત. પિતા પોતાની સાથે વાતો કરતા રહ્યા. દીકરીને ગમે છેને! બીજું મારે શું જોઈએ! એની ખુશીમાં મારી ખુશી. દીકરીને હા પાડી દીધી, પણ મનને મનાવતા બહુ વાર લાગી.

મનને મરકટ કહ્યું છે. વાંદરાની જેમ કૂદાકૂદ કરતું રહે છે. જોકે, આ મન તો છે જે આપણને જિવાડે છે આપણે કંઈ ખોટું કરવા જતા હોય તો એ રોકે છે. ના પાડે છે. કહે છે કે રહેવા દે, તું એવો નથી. તને એ ન શોભે. એ તો આપણને આપણા ભણી પાછા વાળે છે. અપસેટ હોઈએ ત્યારે આપણે કહીએ છીએ કે ક્યાંય મન નથી લાગતું. આવા સમયે મનને મનાવી લેજો. મનને મારતાં નહીં. એ જ તો આપણો ખરો સાથીદાર હોય છે. એ આપણી સાથે જ રહે છે. આપણને છોડતું નથી. મન મૂંઝાયેલું હોય તો એને લાડકું કરો. થઈ જશે બધું. ક્યાં કંઈ કાયમી છે. મારી સાથે જ આવું થોડું થાય છે. અપ-ડાઉન્સ તો બધાની લાઇફમાં આવે છે. આ દિવસો પણ ચાલ્યા જશે. તું પ્રફુલ્લિત થઈ જાય. તું મૂંઝાઈશ તું હું મુરઝાઈ જશે. તમારા મનને હળવું રાખો. જીવતું રાખો. પ્રસન્નતા એ ચહેરાનું સૌંદર્ય છે અને મન જો મહેકતું હશે તો જ ચહેરો ખીલેલો રહેશે.

છેલ્લો સીન :

જેના મન બુદ્ધિથી ચાલે છે, તેમને ત્યાં શાંતિ એકાદ દહાડો જ રહે છે.           -વિલિયમ કોલિન્સ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 07 જુન 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “મનને મનાવવાનો પણ હવે થાક લાગે છે! – ચિંતનની પળે

Leave a Reply

%d bloggers like this: