તો પછી તને ઠીક લાગે એમ જ કર! : ચિંતનની પળે

તો પછી તને ઠીક

લાગે એમ જ કર!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

દિલાસો આપવાનું આખરે ચૂકી જવાયું છે,

એ આંસુ લૂછવાનું આખરે ચૂકી જવાયું છે.

બીજાને જાણવામાં જિંદગી આખી ગઈ છે દોસ્ત,

ને ખુદને જાણવાનું આખરે ચૂકી જવાયું છે.

-સુનીલ શાહ

 

સંબંધ સજીવન રહે એનો મોટો આધાર આપણો સંવાદ કેટલો સમૃદ્ધ અને કેટલો સુદૃઢ છે તેના પર છે. સંવાદનો સેતુ કપાય તો સંબંધ સુકાવા લાગે છે. સંવાદ એટલે માત્ર આપણી વાત કહેવી કે આપણી વાત ગળે ઉતરાવવી નહીં, પણ પોતાની વ્યક્તિની વાત સાંભળવી, સમજવી અને સ્વીકારવી. બનવાજોગ છે કે એ વાત આપણને વાજબી ન લાગે, છતાં પણ એનો પોઇન્ટ ઓફ વ્યૂ સમજવો તો જોઈએ જ. ઘણા લોકો માત્ર આદેશ કરી દેતા હોય છે. તારે આમ જ કરવાનું છે. તારી વાત સાચી નથી. આપણને વાત સાચી ન લાગે તો એ પણ સમજાવવું જોઈએ કે આ વાત કેમ સાચી નથી. પ્લસ અને માઇનસ પોઇન્ટ કહેવા જોઈએ અને સાંભળવા પણ જોઈએ.

બે વ્યક્તિ ગમે એટલી નજીક હોય, એકબીજા પ્રત્યે ગમે એટલો પ્રેમ કે આદર હોય છતાં પણ કાયમ માટે બંને વ્યક્તિ એકસરખું જ વિચારે એવું બનવાનું નથી. તમે તમારી વ્યક્તિનો તમારી વિરુદ્ધનો મત પણ કેવી રીતે સમજો છો અને સ્વીકારો છો તે બહુ મહત્ત્વનું હોય છે. વાત, મુદ્દો કે દલીલ ભલે જુદી પડે, પણ સંબંધ કે પ્રેમ એ બધાથી ઉપર છે એ યાદ રાખવાનું હોય છે. કોઈ વાતથી છેડો ફાડી નાખવાનો ન હોય. આપણે ઘણી વખત અલ્ટિમેટમ આપી દેતા હોઈએ છીએ કે તું નક્કી કરી લે કે, તારે શું કરવું છે? મારી વાત ન માનવી હોય તો પછી તને ઠીક લાગે એમ કર! એવું પણ શક્ય છે કે તમે સાચા હોવ તો પણ સંબંધ દાવ પર લગાડવો કે નહીં એ આપણે નક્કી કરવાનું હોય છે.

સંવાદનો અભાવ સંબંધની સમાપ્તિ નોતરે છે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણને ન ગમતી હોય એવી વાત આપણે સ્વીકારી શકતા નથી. આપણો કક્કો જ દરેક વખતે સાચો હોય એવું જરૂરી નથી. આપણી માન્યતા આપણી વ્યક્તિથી જ અલગ હોઈ શકે છે. આપણે ઘણી વખત આપણને જ એટલા બધા સાચા માનવા લાગીએ છીએ કે સામેની વ્યક્તિ ખોટી જ છે એવી મહોર મારી દઈએ છીએ. દરેક વ્યક્તિનું પોતાનું એક સત્ય હોય છે. આપણું સત્ય એ બીજાનું અસત્ય બની જતું નથી. એની પાસે એનું સત્ય હોય છે.

આપણે આપણી વાત કોઈના પર ઠોકી બેસાડવાનો પ્રયાસ કરીએ ત્યારથી જ સંબંધમાં ઓટ આવવાની શરૂઆત થાય છે. એક છોકરા અને એક છોકરીની આ વાત છે. બંને ગાઢ મિત્રો હતાં. દરેક ડિસીઝનમાં એકબીજાની સાથે હોય. વાત કરે અને પછી નિર્ણય લે. કોલેજ પૂરી થઈ પછી જોબ કરવાની હતી. બંને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ ગયાં. બે કંપની કેમ્પસ ઇન્ટરવ્યૂ માટે આવી હતી. યોગાનુયોગ બંને ફ્રેન્ડ્સ બંને કંપનીમાં સિલેક્ટ થઈ ગયાં. છોકરીએ કહ્યું, તે એ કંપનીમાં નોકરી કરવાની છે. છોકરાને બીજી કંપનીમાં જોબ કરવાની ઇચ્છા હતી. પોતે જે કંપની નક્કી કરી હતી એ છોડવાની બેમાંથી કોઈની તૈયારી ન હતી. છોકરીએ કહ્યું, તું મારા માટે હું જે કંપનીમાં કામ કરવા ઇચ્છું છું એમાં ન આવી શકે? છોકરાએ ના પાડી. તેણે કહ્યું, મને આ કંપનીમાં વધુ ફાવે તેવું લાગે છે. છોકરીએ કહ્યું, આપણી દોસ્તી કરતાં તને એ કંપની વધુ મહત્ત્વની લાગે છે? નક્કી કરી લે, તને દોસ્તી જોઈએ છે કે તું ઇચ્છે એ કંપની? છોકરાએ કહ્યું તું જે રીતે વાત કરે છે એ વાજબી નથી. હું તને ફોર્સ નથી કરતો કે હું જે કંપનીમાં નોકરી કરું ત્યાં જ તું કર. તને કોઈ પ્રેશર કરતો નથી. તારે પણ આવું પ્રેશર ન કરવું જોઈએ. આપણે જોબ ગમે ત્યાં કરીએ એનાથી આપણી દોસ્તી શા માટે દાવ પર લાગવી જોઈએ?

અમુક વખતે એવી સ્થિતિ સર્જાતી હોય છે જ્યારે એક તરફ સંબંધ હોય છે અને બીજી તરફ આપણી ઇચ્છા. કઈ તરફ જવું એ નક્કી થઈ શકતું નથી. આવા સમયે આપણે જો આપણી વ્યક્તિની સાથે હોઈએ તો એ સાચો સંબંધ છે. કોઈ આપણા માટે કંઈ છોડે એ એક વાત છે અને કોઈને આપણે આપણા આગ્રહ કે દુરાગ્રહ દ્વારા કંઈ છોડાવીએ એ બીજી વાત છે.

ક્યારેક એવું પણ બને છે કે આપણી વાત સાંભળી આપણી વ્યક્તિ નમતું જોખી દે છે. તેની ઇચ્છાને દબાવી દે છે. બે મિત્રોની વાત છે. એક ભાઈ સાથે બિઝનેસ શરૂ કરવાનો હતો ત્યારે બીજા મિત્રએ ના પાડી. મિત્રને પેલા ભાઈ સાથે બહુ બનતું ન હતું. મિત્રને ખબર હતી કે પેલા ભાઈનો કોઈ વાંક નથી. મિત્રએ જ વાત બગાડી હતી. જોકે, નિર્ણય કરવાનો આવ્યો ત્યારે પેલા મિત્રએ બિઝનેસમાં પાર્ટનરશિપ કરવાની ના પાડી દીધી. મારો મિત્ર ના પાડે છે એટલે મારે નથી કરવું. હવે આ રીતે ઇમોશનલ પ્રેશર પણ ઘણા ઊભું કરતા હોય છે. બિઝનેસની વાત કરીને કે ખોટનો ધંધો થશે એવી ગણતરી માંડીને ના પાડે તો એ સમજી શકાય, પણ કોઈ માણસ એને ગમતો નથી એટલે ના પાડવી એ કેટલા અંશે વાજબી છે એ પણ સવાલ છે!

આપણાં ઘરોમાં પણ સંવાદના અભાવે સંઘર્ષો સર્જાતા હોય છે. હમણાંની જ એક સાવ સાચી ઘટના છે. એક છોકરાએ જ્યારે પોતાના લગ્નની વાત ઘરમાં ચાલવા લાગી ત્યારે પિતાને સારા શબ્દોમાં કહ્યું કે, તે એક છોકરીને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા ઇચ્છે છે. છોકરી બીજી કાસ્ટની હતી. દીકરાની વાત સાંભળીને પિતા તાડૂકી ઊઠ્યા. આપણી જ્ઞાતિ સિવાયની બીજી કોઈ છોકરી ઘરમાં ન જોઈએ. દીકરાએ કહ્યું, અત્યારે તમારો મૂડ સારી રીતે વાત કરવાનો નથી. આપણે એક બે દિવસમાં આરામથી વાત કરીશું.

બીજા દિવસે દીકરાએ કહ્યું કે, એ છોકરીમાં તમને વાંધો શું છે? એ ભણેલી છે, જોબ કરે છે, બધાને સાચવી શકે એમ છે. માત્ર જ્ઞાતિના કારણે તમે આવી વાત કરો એ યોગ્ય નથી. બીજું તમે હજુ એને મળ્યા નથી. એને જોઈ નથી. એના વિચારો જાણ્યા નથી, એ પહેલાં જ તમે ચુકાદો આપી દો કે એ નહીં ચાલે! તમે એને મળો તો ખરા, પછી એનામાં તમને કોઈ માઇનસ પોઇન્ટ લાગે તો મને કહેજો. આમ સીધેસીધી ના પાડી દેવી ન જોઈએ.

ઘણા કિસ્સામાં તો લોકો રીતસરના ઇમોશનલ બ્લેક મેઇલિંગ પર ઊતરી જાય છે. તેં આવું કર્યું છે તો હું આપઘાત કરી લઈશ. કોઈક વળી એવું કહે છે કે તારે અને મારે કોઈ સંબંધ રહેશે નહીં. માત્ર કહેતા નથી, ઘણા લોકો આવું કરે પણ છે. આવા તૂટેલા સંબંધો આજે ઘણી જગ્યાએ કણસી રહ્યા છે. એનાથી આવું કરાય જ કેમ? અમારી મરજી વિરુદ્ધ એનાથી થાય જ કેમ? આપણે ક્યારેય એવો વિચાર નથી કરતા કે એની મરજીનું કંઈ નહીં? અમે કહીએ એમ જ એને કરવાનું?

ઘણા સંબંધો તૂટતા હોય છે. તૂટી ગયા પછી પણ એ સંબંધ મરતા નથી, તરફડતા હોય છે. એક પિતાની આ વાત છે. દીકરીએ તેની પસંદના છોકરા સાથે લવમેરેજ કર્યા. ઘરમાં વાત કરી હતી, પણ  ઘરના લોકો ન માન્યા. અમે ના પાડીએ છીએ, બાકી તારું મન પડે એમ કર. છોકરીએ લવમેરેજ કરી લીધા. દીકરી ચાલી તો ગઈ, પણ પિતાથી એ લાડકી દીકરી ભુલાતી ન હતી. કોઈને ખબર ન પડે એ રીતે એ દીકરીના ફેસબુક પેજ પર એની તસવીરો જોતા. એની ખબર રાખતા. એક વખત એના મિત્રએ કહ્યું કે, છોડી દે બધું, શા માટે જુએ છે એના ફોટા? બંધ કર, છેડો ફાડી નાખ્યો છે તો જવા દે, નહાઈ નાખ એના નામનું. પછી મિત્રના ખભે હાથ મૂકીને કહ્યું કે દોસ્ત, એવું નથી થઈ શકતું. સાચું એ છે કે તું એને બોલાવી લે. તું જે કરે છે એ વાજબી નથી. તું ગમે એવો છોકરો શોધી લાવ્યો હોતને તો પણ તું એને સુખી ન કરી શક્યો હોત. અત્યારે એના પ્રેમી સાથે એ ખુશ છે તો સ્વીકારી લેને! તારે તો દીકરીને ખુશ અને સુખી જોવી હતી ને, તો એ ખુશ પણ છે અને સુખી પણ છે. એને દુ:ખ હશે તો એ જ વાતનું હશે કે તેના પિતા તેને નથી બોલાવતા, દુ:ખી તો તું કરે છે! આવું બનતું હોય છે. આપણે આપણા લોકોને સુખી કરવા હોય છે, પણ એ આપણી શરતે! એની શરતે નહીં!

સાચો સંબંધ, સાચો પ્રેમ અને સાચી સમજ એ પણ છે જે પોતાની વ્યક્તિને ભૂલ કરવાનો પણ અધિકાર આપે. દીકરાએ બહારગામ જોબ માટે જવાનું હતું ત્યારે તેના પિતાએ કહ્યું કે, તું ભૂલ કરે છે. ત્યાં જવામાં કોઈ ફાયદો નથી. દીકરાએ પ્રેમથી કહ્યું કે, તમે મને પ્રેમ કરો છોને? તો મને ભૂલ કરવાનો પણ અધિકાર આપો! કદાચ એ ભૂલ ન પણ હોય. મને જો ભવિષ્યમાં એવું લાગશે કે એ મારી ભૂલ હતી, તો હું નમ્રપણે એ ભૂલ સ્વીકારીશ અને તમે મને ભૂલ કરવાની છૂટ આપી એ માટે તમારો આભાર માનીશ.

કોઈ ભૂલ કરે છે એવું તમને લાગે ત્યારે માત્ર એટલો વિચાર કરજો કે તમે જિંદગીમાં કોઈ ભૂલ નથી કરી? કોઈ પણ વ્યક્તિ કોઈ નવું સાહસ કરવા જાય અને એ નિષ્ફળ જાય તો એને ભૂલમાં ખપાવી દેવાતું હોય છે. એ જ સાહસ જો સફળ થાય તો એને હિંમત અને બહાદુરીનું નામ આપી દેવાતું હોય છે. અમે તો ના પાડતા હતા, પણ તને ઉપાડો હતો. આપણી જીદ, આપણી માન્યતાઓ અને આપણા આગ્રહો ઘણી વખત આપણા ઉપર જ હાવી થઈ જતાં હોય છે. ગમે તે સંજોગોમાં સંવાદને નબળો ન પડવા દો. સંબંધનો પાયો જ સ્નેહ અને સંવાદ પર રચાયેલો હોય છે. કોઈ સંબંધ મૂરઝાઈ ગયો હોય તો એને સંવાદથી ફરી સજીવન કરી લો. એટલું મોડું ક્યારેય થયું હોતું નથી કે કંઈ પણ ફરીથી જીવતું કે જાગતું ન કરી શકાય. બનવાજોગ છે કે તમારી વ્યક્તિ તમારી રાહ જ જોતી હોય, અવાજ તો દો, તરત જ હોંકારો મળશે. વસવસો રાખવો એના કરતાં વ્યક્ત થઈ જવું વધુ સારું હોય છે.

કોઈ સંબંધ પર સાવ ચોકડી મૂકી ન દો. એક વખત સંવાદ સાધી જુઓ. બનવા જોગ છે કે એ વ્યક્તિ પણ રાહ જ જોતી હોય. અમુક સંબંધો એવી રીતે સુકાયા હોય છે કે જેના પર માત્ર સ્નેહનો થોડોકેય છંટકાવ થાય તો ફરીથી સજીવન થઈ જાય!

છેલ્લો સીન:

તૂટેલો સંબંધ જો પીડા આપતો હોય તો માનવું કે એ સંબંધમાં હજુ કંઈક બચ્યું છે. એ સંબંધને સજીવન થવાનો એક ચાન્સ તો આપવો જ જોઈએ.    –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 26 એપ્રિલ 2017, બુધવાર. ચિંતનની પળે કોલમ)

[email protected]

 

4 Comments

Leave a Reply