તારી સંવેદના તારા વર્તનમાં કેમ જરાયે દેખાતી નથી? : ચિંતનની પળે

તારી સંવેદના તારા વર્તનમાં

કેમ જરાયે દેખાતી નથી?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

યુદ્ધનો બસ એ જ સઘળો સાર છે, હાર છે, હા, બેઉ પક્ષે હાર છે,

કોઈને શ્રદ્ધા હશે ઈશ્વર પર, આપણે તો આપણો આધાર છે.

આંખ અંજાઈ ગઈ અજવાસથી, આંખ સામે એટલે અંધાર છે,

આ સકલ સંસાર કંઈ મોટો નથી, આપણાં મનનો ફક્ત વિસ્તાર છે.

-જાતુષ જોશી.

દરેક માણસ સંવેદનશીલ હોય છે. સંવેદના વગરનો માણસ હોઈ જ ન શકે. કોઈનામાં થોડી સંવેદના હોય છે તો કોઈ સંવેદનાથી છલોછલ હોય છે. કઠોરમાં કઠોર વ્યક્તિ પણ ક્યારેક તો ભાવુક થઈ જ જતી હોય છે. ક્યારેક કોઈ એવી ઘટના બને છે જ્યારે આપણી સંવેદનાઓ સોળે કળાએ ખીલી જાય છે. બીજમાંથી ફૂટેલી કૂંપળને જોઈ આપણું દિલ થોડીક નજાકત અનુભવતું હોય છે. ખુલ્લી હવામાં ક્યારેક તો ઊંડો શ્વાસ ભરી લેવાનું મન થતું જ હોય છે. કોઈ દૃશ્ય જોઈને ક્યારેક તો આંખના ખૂણા ભીના થતા જ હોય છે. નાના બાળકને ગલૂડિયા સાથે રમતું જોઈ ચહેરો થોડો મલકી જતો હોય છે. કોઈને ઠેસ વાગે ત્યારે એકાદ શ્વાસ થડકી જતો હોય છે. કોઈ સંગીત સાંભળી પગ થોડોક થરકી જાય છે. ગઝલની કોઈ પંક્તિ સાંભળી વાહ બોલાઈ જાય છે. યાદમાં સંવેદના છે, દાદમાં સંવેદના છે અને ફરિયાદમાં પણ સંવેદના છે. તમને કોઈની ચિંતા થાય છે તો એનું કારણ સંવેદના છે. આપણી સંવેદના આપણને સજીવન હોવાના પુરાવા આપતી રહે છે.

ઇમોશન્સ અસ્તિત્વનો એક એવો હિસ્સો છે જે છેલ્લા શ્વાસ સુધી આપણી સાથે ધબકતો રહે છે. હા, ક્યારેક કોઈક એવી ઘટના પણ બને છે કે આપણી સંવેદના ક્ષુબ્ધ થઈ જાય. કોઈ દગો, ફટકો કે બેવફાઈ જેવા બનાવ બને ત્યારે એમ થાય કે, સંવેદનાનો કોઈ મતલબ નથી. હું સંવેદનશીલ છું એટલે બધા મને છેતરી જાય છે. મને મૂર્ખ બનાવે છે. મારો ફાયદો ઉઠાવે છે. મારો ઉપયોગ કરી જાય છે. આપણને એમ પણ થાય કે હવે બહુ સારું નથી રહેવું. હવે મારે ઇમોશનલફુલ નથી બનવું. જોકે, એવું થઈ શકતું નથી. સંવેદના કાયમ માટે સુક્ષુપ્ત રહેતી નથી. સંવેદના તો ઇનબિલ્ટ હોય છે એ કોઈ ને કોઈ રીતે બહાર આવી જ જવાની છે. સંવેદના બહાર આવવી પણ જોઈએ. સંવેદના જો અંદર જ રહે તો એનો કોઈ મતલબ નથી.

તમે ક્યારેય વિચાર્યું છે કે હું કેટલો સંવેદનશીલ છું? સંવેદનાનું કોઈ માપ નથી હોતું. કેટલી લાગણી કે કેટલો અહેસાસ હોય તો માણસ સંવેદનશીલ ગણાય એનું કોઈ મીટર નથી. સંવેદના એવી વસ્તુ છે જેને તમારે જેટલી વિસ્તારવી હોય એટલી વિસ્તારી શકો. સંવેદના માત્ર વિચારો પૂરતી મર્યાદિત ન હોવી જોઈએ. સંવેદના માત્ર તમારી વાતોમાં જ નહીં, તમારા વર્તનમાં પણ વર્તાવી જોઈએ. ઘણા લોકો વાતો એવી કરતા હોય છે જે સાંભળીને આપણને એમ થાય કે આ માણસને બીજાની વેદના કેટલી બધી સ્પર્શે છે. જોકે, જ્યારે કંઈક કરવાનું આવે ત્યારે એ પાણીમાં બેસી જાય છે.

કોઈ વીડિયો ક્લિપ જોઈએ કે કંઈક વાંચીએ ત્યારે આપણે ગદ્ ગદ થઈ જઈએ છીએ. આપણે ક્યારેય વિચારીએ છીએ કે, એની જગ્યાએ હું હોઉં તો આવું કરું ખરા? એક મિત્રએ કહેલી આ સાવ સાચી ઘટના છે. સાંજના સમયે એ પોતાનું કામ પૂરું કરીને કારમાં ઘર તરફ જઈ રહ્યો હતો. થોડેક દૂર એક બાઇકસવાર સ્લીપ થઈ ગયો. થોડોક ઢસડાઈને એ રોડની સાઇડમાં પડી ગયો.

આ દૃશ્ય જોઈને પાંચ-સાત લોકો ભેગા થઈ ગયા. એક માણસે તેનો હાથ ઝાલીને એને બેઠો કરી ફૂટપાથ પર સરખો બેસાડ્યો. બીજા માણસે તેની બાઇક ઊભી કરીને સાઇડમાં રાખી. ત્રીજો માણસ તેની કેરી બેગમાંથી પાણીની બોટલ લાવ્યો અને પેલા માણસને પાણી પીવડાવ્યું. આ બધામાંથી કોઈ એનું સગું થતું ન હતું. કોઈ જોયે પણ ઓળખતું ન હતું છતાં બધા મદદ કરવા દોડી ગયા હતા. કારમાં બેઠેલા એ મિત્રએ આખું દૃશ્ય જોયું. એને પોતાની જાત સાથે જ સવાલ થયો. હું કેમ મદદ કરવા ન ગયો? હું કારમાં છું એટલે? કે પછી મને એવો વિચાર આવી ગયો કે કરશે બીજા, મારે શું? જો બધાએ મારે શું એવો વિચાર કર્યો હોત તો? એણે મનોમન એ બધા માણસોને સલામ કરી અને નક્કી કર્યું કે હવે કંઈ થશે તો હું આ રીતે કારમાં બેઠો નહીં રહું! હું પણ જઈશ અને મારાથી જે કંઈ થશે એ કરીશ.

તમે માત્ર બે ઘડી વિચાર કરો કે તમે કોઈ એવી વ્યક્તિને મદદ કરી છે જેની સાથે તમારે કંઈક જ લેવા-દેવા નથી? તમે કોઈના માટે તમારી બાઇક કે કાર ઊભી રાખી છે? કોઈ રડતા માણસને પૂછ્યું છે કે, શું થયું? આપણે ટાળી દેતા હોઈએ છીએ. રેવા દે, નથી પડવું કોઈની બબાલમાં, કારણ વગરની મદદ કરવી પડશે. ક્યાં જાય છે એ વખતે આપણી સંવેદના? કેમ આપણે મોઢું ફેરવી લઈએ છીએ? કોઈ કારણ વગર આપણે કંઈ ન કરી શકીએ?

એક બીજી ઘટના પણ રસપ્રદ છે. એક ભાઈ કાર લઈને કામ પર જતા હતા. રસ્તામાં તેણે જોયું કે, એક સ્કૂલ વાનનું વ્હીલ નીકળી ગયું છે. વાનમાં જે બાળકો હતાં એ બહાર ઊભાં હતાં. પેલા ભાઈએ કાર રોકી. વાનનું વ્હીલ રિપેર થતાં વાર લાગે એમ હતી. પેલા ભાઈએ છોકરાંવને કહ્યું કે, ચાલો બેસી જાવ બધાય મારી કારમાં, હું તમને મૂકવા આવું છું, મને તમારા ઘરનો રસ્તો બતાવતા જજો. એ માણસ દરેક બાળકને એના ઘર પાસે ઉતારતો ગયો. એ ભાઈએ કહ્યું કે એ દિવસે મને જે મજા આવી હતી એ આજીવન યાદ રહેશે. તેના કરતાં પણ યાદગાર તો એના પછીની ઘટના છે. એ ભાઈ એક વખત પોતાના સનને લઈને ઇન્ટરસ્કૂલ કોમ્પિટિશનમાં ગયા હતા. એ બેઠા હતા ત્યાં એક છોકરો દોડતો આવ્યો અને કહ્યું કે અંકલ, તમે પેલા જ અંકલ છો ને, જે એક દિવસ વાન બગડી ત્યારે અમને મૂકવા આવ્યા હતા! એમણે હા પાડી ત્યારે એ બાળકે કહ્યું કે અમે તમને ઘણી વખત યાદ કરીએ છીએ કે પેલા અંકલ કેવા હતા નહીં! આપણને ઘર સુધી મૂકી ગયા હતા! થેંક્યૂ અંકલ, અમને એ દિવસે બહુ મજા આવી હતી. આપણું વર્તન ઘણી વખત ઘણા લોકોને સારા બનવાની પ્રેરણા આપતું હોય છે. કદાચ એ તમામ છોકરા મોટા થઈને આવું જ કોઈક સારું કામ કરશે. સારાં સ્મરણો ઘડીકમાં વિસરાતાં નથી. એ કોઈ ને કોઈ સ્વરૂપે સજીવન થતાં રહે છે.

તમારી સંવેદનાને વહેવા દો. બાંધી ન રાખો. સારા વિચારની સાર્થકતા જો એ અમલમાં મુકાય તો જ છે. આપણું જ્ઞાન પણ જો બીજા કોઈને ઉપયોગી ન થાય તો તેનો કોઈ અર્થ નથી. તમારી સમજ, તમારી આવડત, તમારી હોશિયારી અને તમારી ક્ષમતા બીજાને જો થોડીકેય કામ લાગે તો માનવું કે તમે ખરા અર્થમાં સંવેદનાને જીવો છો. આપણી સંવેદના મર્યાદિત બની જતી હોય છે. પોતાના લોકો માટે આપણે બધું કરીએ છીએ, પણ બીજાની વાત આવે ત્યારે મોઢું ફેરવી લઈએ છીએ.

આપણે જે કંઈ વિચારીએ, જે કંઈ બોલીએ કે જે કંઈ મહેસૂસ કરીએ એ આપણા વર્તનમાં રિફ્લેક્ટ થવું જોઈએ. એક પતિ-પત્નીની વાત છે. પતિ બાળકોની વાત આવે ત્યારે અત્યંત સંવેદનશીલ થઈ જાય. રોડ પર કોઈ રખડતું બાળક જુએ ત્યારે દુ:ખ અને ચિંતા વ્યક્ત કરે. દર વખતે એવી વાત કરે કે આપણે કંઈક કરવું જોઈએ. જોકે, કરે કંઈ નહીં. એક વખત બંને ઘરે બેઠાં હતાં. વળી, એવી જ દેશનાં બાળકોની વાત નીકળી. પત્નીથી રહેવાયું નહીં, તેણે કહ્યું કે, તું વાતો તો કરે છે કે કંઈક કરવું જોઈએ, પણ ક્યારેય કંઈ કરતો તો નથી! એનો મતલબ શું છે? તારી સંવેદના તારા વર્તનમાં કેમ દેખાતી નથી? પતિએ કહ્યું કે, આવડા મોટા દેશમાં કેટલાં બાળકો છે? હું શું કરી શકું? ઘરની સામે જ એક બિલ્ડિંગનું કામ ચાલતું હતું. બિલ્ડિંગમાં જે મજૂરો કામ કરતા હતા તેનાં છોકરાં નજીકના ઝૂંપડામાં રમતાં હતાં. પત્નીએ કહ્યું કે, ચાલ મારી સાથે. ઘરમાં પડેલાં બ્રેડ-બટર, કોલ્ડ્રિંક્સ, નાસ્તો વગેરે સાથે લીધાં. ઝૂંપડાં પાસે જઈ બાળકોને ભેગાં કર્યાં. તેમને નાસ્તો કરાવ્યો. તેમની સાથે રમ્યાં. બાળકો ખુશ થઈ ગયાં. બધાના ચહેરા પર રોનક હતી. પત્નીએ કહ્યું કે આટલું તો તું કરી શકેને?

આપણે ઘણી વખત એવું બોલીએ છીએ કે, આભ ફાટ્યું હોય ત્યારે ક્યાં થીગડું મારવા જવું? અલબત્ત, જો એ થીગડું એક માણસનું પણ ભલું કરી શકતું હોય તો એના માટે તો એ આભ જેવડો જ આશરો બનતું હોય છે. એક બહુ ગમતી વાર્તા યાદ આવે છે. એક વખત દરિયામાં ભરતીને કારણે હજારો સ્ટાર ફિશ દરિયાકિનારે તણાઈ આવી. બધી માછલીઓ તરફડતી હતી. એક બાળક દોડતો આવ્યો. એક-એક સ્ટાર ફિશને ઉપાડીને દરિયામાં ઘા કરવા લાગ્યો. એક માણસે આ દૃશ્ય જોઈને એ બાળકને કહ્યું, હજારો માછલીઓ તણાઈને આવી છે. તું કેટલીકને બચાવી શકીશ? બાકીની તો હમણાં મરી જશે. આ બાળકે કહ્યું, જેટલીને બચાવી શકું એટલીને તો બચાવું. મારું કામ મારાથી થાય એ કરવાનું છે. બાળકની વાત સાંભળી એ માણસે પણ બે હાથમાં માછલી લઈને દરિયા તરફ ઘા કર્યો.

તમારી સંવેદનાને જીવતી રાખો. સંવેદના જીવતી હશે તો ક્યારેય જિંદગીનો થાક નહીં લાગે. સંવેદના આપણને માણસ હોવાની સાબિતી આપે છે. સંવેદનાને મર્યાદિત ન રાખો. સંવેદનાને વહેંચો, એ જ આપણને અને આપણી જિંદગીને વિશાળતા બક્ષતી હોય છે. સાચી ખુશી કોઈના ચહેરા પર લાવેલા હાસ્યને જોઈને જ થતી હોય છે. દિલને ટાઢક અને અસ્તિત્વને શકુનનો અહેસાસ કરાવે એ જ ખરી સંવેદના હોય છે.

છેલ્લો સીન:

આપણને કંઈ વાગે અને દર્દ થાય એ વેદના અને કોઈને વાગે અને આપણને પીડા થાય એ સંવેદના.     -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 12 એપ્રિલ 2017, બુધવાર. ચિંતનની પળે કોલમ)

 

4 Comments

  1. ઓળખાણ ક્યાં હતી આપણી કોઈની આતો કુદરત ની ભલામણ છે વગર સરનામે લાગણી ના તાંતણે સૌ બંધાતા ગયા.

Leave a Reply