તારા પર ભરોસો રાખ, નહીં તો હાથની રેખા છેતરી જશે : ચિંતનની પળે

તારા પર ભરોસો રાખ, નહીં

તો હાથની રેખા છેતરી જશે

67

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કુદરત બધું કરે છે કહીને અટક નહીં,

એ દોસ્ત, તું જ જાતે ખુદને ખટક નહીં.

– ડૉ. મુકેશ જોષી.

 

તમે નસીબમાં માનો છો? માનતા હોય તો માનજો, માનવામાં કંઈ ખોટું નથી. ધ્યાન એટલું રાખજો કે એના ભરોસે બેસી ન રહેતા. પુરુષાર્થમાં એટલી તાકાત છે કે પ્રારબ્ધ બદલી શકે. લલાટે લખેલા લેખ કપાળ પર બાઝેલા પરસેવાથી વધુ નીખરી આવતા હોય છે. ભવિષ્ય હંમેશાં કુતૂહલનો વિષય રહ્યું છે. કાલની કોઈને ખબર નથી. કાલ ફૂલ લઈને પણ આવે. કાલ કાંટો લઈને પણ આવે. એવું પણ બને કે કાલ કંઈ લઈને ન આવે, કાલ આજ જેવી જ હોય. ઘણી વખત આપણને એવું થાય છે કે આટલાં વર્ષોમાં કંઈ ખાસ નથી થયું, તો હવે અચાનક શું થઈ જવાનું છે? અચાનક જ કંઈ થતું હોય છે. એવું કંઈક થાય ત્યારે આપણને એવું લાગે છે કે આવું તો ક્યારેય મેં વિચાર્યું જ નહોતું!

 

તમારી જિંદગીમાં એવું કેટલું થયું છે જેવું તમે વિચાર્યું જ નહોતું? કંઈક તો થયું જ હશે? તો પછી એવું કેમ માની શકાય કે કાલે એવું કંઈ નહીં થાય જે તમે વિચાર્યું જ ન હોય? જિંદગી કરવટ લેતી હોય છે. કોઈ પણ મહાન માણસની જિંદગી પર નજર નાખી જુઓ, ગ્રેટ પર્સનાલિટીઝની ઓટોગ્રાફી વાંચી જુઓ, કોઈએ એવું નથી લખ્યું કે હું તો નાનો હતોને ત્યારે જ મને ખબર હતી કે હું મહાન થવાનો છું. હા, મોટાભાગના લોકોએ એવું કહ્યું છે કે ક્યારેય કલ્પના કરી નહોતી કે આ મુકામ સુધી પહોંચી શકીશું. પ્રયાસો કરતા ગયા અને સફળતા મળતી ગઈ. મહાત્મા ગાંધીજી કંઈ ભારત પાછા આવીને સ્વાતંત્ર્ય સંગ્રામની લડાઈ લડવા માટે સાઉથ આફ્રિકા નહોતા ગયા. એ તો પોતાની કરિયર બનાવવા માટે ગયા હતા. તેમને ધુત્કારીને ટ્રેનમાંથી નીચે ઉતારી દીધા અને તેમના વિચારો તથા જિંદગીએ કરવટ બદલી લીધી. જિંદગીમાં જે કંઈ પણ ઘટનાઓ બને છે એનો કોઈ મર્મ હોય છે. એમને એમ કંઈ જ નથી થતું. કંઈક એવું હોય છે જે તમને અમુક દિશામાં દોરી જાય છે. ઘણી વખત તો આપણી ઇચ્છા ન હોય તો પણ આપણે ખેંચાઈને ક્યાંક જવું પડે છે. આને તમારે ડેસ્ટીની કહેવી હોય તો કહી શકો, પણ તમારે દરેક સમયે, દરેક સંજોગોમાં અને દરેક ક્ષણે તમારી જાતને સાબિત કરવી પડી હોય છે.

 

એક માણસ સાધુ પાસે ગયો. તેણે સાધુને કહ્યું કે મારા નસીબમાં તો ટોચ પર પહોંચવાનું લખ્યું છે. સાધુએ કહ્યું, ગ્રેટ, સારી વાત છે. હવે તું માત્ર એક વાત યાદ રાખજે કે તારે ટોચ સુધી ચડવું તો પડશે જ. ટોચ પર પહોંચવા માટે ચડવાનું શરૂ કરી દે. ટોચ પર ક્યારે પહોંચવું અને કેવી રીતે પહોંચવું એ તો તારે જ નક્કી કરવું પડશેને? પાસ થવાનું તો ઘણાનાં નસીબમાં હોય છે, કોઈ પહેલી ટ્રાયે પાસ થઈ જાય છે અને કોઈ ત્રીજા-ટ્રાયે માંડ માંડ પાસ થાય છે. આપણે કેટલા પ્રયાસે ધારેલા મુકામે પહોંચવું છે એ આપણે નક્કી કરવાનું હોય છે.

 

સફળતાની સાચી મજા મહેનતની આખી પ્રોસેસને પાસ કરીને ત્યાં સુધી પહોંચવામાં જ છે. એવોર્ડ મળવો એ એક દિવસની ઘટના છે, પણ એ એવોર્ડ મેળવવા માટે જે મહેનત કરી એ જ મહત્ત્વની હોય છે. દર્શન માટે યાત્રા કરવી પડે છે. દર્શનની મજા તો જ આવે જો યાત્રાને એન્જોય કરી હોય. તમે તમારી મહેનતની મજા માણો છો? તો તમે સફળતાને જાણો છો. એક વખત એવોર્ડ મેળવનાર એક ફિલ્મસ્ટારને સવાલ પુછાયો, તમને ખબર હતી કે તમને આ એવોર્ડ મળશે? તેણે કહ્યું ના, મને ખબર ન હતી. જોકે, મને એક્ટિંગ કરતી વખતે એટલી ખબર હતી કે મારે બેસ્ટ એક્ટિંગ કરવાની છે. એવી એક્ટિંગ કે મારા જેવી બીજા કોઈએ કરી ન હોય. બેસ્ટ સાબિત થવા માટે તમારે શ્રેષ્ઠ પ્રયત્નો કરવા પડતા હોય છે.

 

હાથની રેખાઓમાં કે કુંડળીઓનાં ખાનાંમાં નસીબ છુપાયેલું હોતું હશે? ખબર નહીં! જે હોય તે પણ એક હકીકત એ છે કે કંઈ લખાયું હશે તો પણ એ બેઠાં બેઠાં મળવાનું નથી. એક માયથોલોજી એવી છે કે છઠ્ઠીના દિવસે વિધિના લેખ લખાઈ જાય છે. છઠ્ઠીના દિવસે જ કેમ? કોઈ બાળક જન્મના બીજા કે ત્રીજા જ દિવસે ગુજરી જાય તો? એના વિધિના લેખ લખાયા જ નહીં હોય? શાસ્ત્રોના જાણકાર કદાચ આની દલીલ પણ આપી દે. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે, એવરીથિંગ ઇઝ પ્લાન્ડ! બધું જ નક્કી થયેલું છે. સબ કુછ લિખા હુઆ હૈ. ચલો, માની લઈએ કે બધું લખેલું છે છતાં પણ જે લખ્યું છે તેને સાબિત કે સાર્થક તો કરવાનું જ છેને?

 

કેટલી સારી વાત છે કે, આપણને વિધિના લેખ વાંચવા નથી મળતા! વાંચવા મળતા હોત તો કદાચ આપણે જે મહેનત કરતા હોત તે ન કરત. નસીબ, તકદીર, પ્રારબ્ધ, લક, ડેસ્ટીની વિશે ઘણું બધું કહેવાયું છે, લખાયું છે, બોલાયું છે, ચર્ચાયું છે, વિચારાયું છે. જોકે, કોઈએ એમ નથી કહ્યું કે, તમે બેઠા રહો, જે થવાનું હશે એ થશે. એવું ચોક્કસ કહેવાયું છે કે તમે જેવું કરશો એવું પામશો, જેટલી મહેનત કરશો એટલા આગળ વધશો, તમારા મુકામ સુધી તમારે જ પહોંચવું પડશે.

 

જે લોકોને પોતાની જાત પર ભરોસો હોય છે એ ક્યારેય પોતાના નસીબને દોષ દેતા નથી. એક માણસ સાધુ પાસે ગયો. સાધુને તેણે ફરિયાદ કરી કે મારાં નસીબ જ ખરાબ છે. હું જે કંઈ કરવા જાઉં છું એમાં નિષ્ફળ જાઉં છું. હવે તો એવું થાય છે કે કંઈ કરવું જ નથી. સાધુએ કહ્યું, ચલ માની લઈએ કે તારાં નસીબ ખરાબ છે એટલે તને સફળતા મળતી નથી, પણ તું એવું શા માટે માની લે છે કે બધું પૂરું થઈ ગયું. કદાચ સારાં નસીબ હજુ બાકી હોય. યાદ રાખ, નસીબ તો જિંદગીની છેલ્લી ક્ષણ સુધી જોડાયેલાં હોય છે એટલે માણસે છેલ્લી ક્ષણ સુધી પોતાના પર ભરોસો રાખવો જોઈએ. જિંદગી છે તો નસીબ છે. તારી જિંદગી પર શ્રદ્ધા રાખ, નસીબ તો ક્યારેક ને ક્યારેક ચમકવાનું જ છે.

 

નસીબ એવી વસ્તુ છે કે એને પણ જો મહેનતથી ઘસતા ન જઈએ તો તેને કાટ લાગી જાય. તમારા નસીબને તમારે જ ચમકાવવું  પડે. તમારા નસીબને બીજું કોઈ ચમકાવી ન શકે. તમને મદદ કરનારા પણ અંતે તો એમ જ કહેશે કે તને હું એ જગ્યાએ પહોંચાડી દઉં પછી તો તારે જ તારી કાબેલિયત પુરવાર કરવી પડશે. તમને કોઈ વ્યક્તિ કામ કે જોબ અપાવી શકે, પણ ત્યાં એ તમને ટકાવી ન શકે. ટકવું તો તમારે જ પડે. આપણે ત્યાં એટલે જ એવું કહેવાય છે કે ગોર ફેરા ફેરવી દે, લગ્ન કરાવી દે, ઘર તો તમારે જ ચલાવવું પડે. દરેક માણસમાં સફળ થવાની શક્તિ હોય છે. તમને તમારી તાકાતની ખબર હોવી જોઈએ અને એ તાકાતને તમારી મહેનતથી સાર્થક કરવી જોઈએ.

 

જિંદગીમાં ક્યારેક કંઈ ખરાબ બને તો પણ નસીબને દોષ દેવો વાજબી નથી. કોઈ ઘટના બને તેની પાછળ કોઈ સંકેત હોય છે. એક માણસને જોબમાંથી છૂટો કરવામાં આવ્યો. તેને થયું કે મારાં નસીબ ખરાબ છે. તેના મિત્રને આ વાતની ખબર પડી તો તેણે કહ્યું કે, ગોડ મસ્ટ હવે બેટર પ્લાન્સ ફોર યુ. કુદરતે તારા માટે કંઈક વધુ સારું નિર્માણ કર્યું હશે. આવા સમયે તો આપણને આવા શબ્દો પણ ઠાલા આશ્વાસન જેવા જ લાગતા હોય છે, પણ સમય જાય પછી સમજાતું હોય છે કે ના, આવું કંઈક થતું પણ હોય છે.

 

આ વ્યક્તિને પછી એક નવું કામ મળ્યું. એ વધારે અઘરું હતું. જોકે, એણે પોતાનું કામ દિલથી કર્યું. એક સમયે તેણે જ તેના મિત્રને કહ્યું કે, યાર મને તો ખબર જ ન હતી કે હું આ કામ પણ કરી શકું છું. કમ્ફર્ટ ઝોનમાંથી જ્યારે આપણે બહાર ફેંકાઈ જઈએ ત્યારે પહેલાં તો આઘાત લાગે છે. હકીકત પચાવતા વાર લાગે છે. ઘણી વખત એ પરિસ્થિતિ વધુ સારી તક માટે નિર્માણ થતી હોય છે.

 

જિંદગીમાં અપ-ડાઉન આવતા રહેવાના છે. જિંદગીનો જે સ્વાભાવિક ક્રમ છે એને આપણે નસીબ સાથે જોડી દઈએ છીએ. જિંદગીના દરેક તબક્કાને, દરેક સંજોગને, દરેક સ્થિતિને, દરેક સમયને સ્વીકારવો એ જ જિંદગી જીવવાની સાચી રીત છે. આજ છે એના કરતાં આવતી કાલને તમે બહેતર બનાવી શકો છો. તમને તમારા ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. તમારી મહેનત પર ભરોસો હોવો જોઈએ. નસીબ તો સારું જ હોય છે એને કેટલું ચમકાવવું એ આપણા હાથની વાત હોય છે!

 

છેલ્લો સીન:

નસીબદાર માણસને તમે દરિયામાં ફેંકી દેશો તો પણ તે મોઢામાં માછલી સાથે બહાર આવશે.  – અરેબિયન કહેવત.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 18 જાન્યુઆરી, 2017, બુધવાર. ચિંતનની પળે કોલમ)

18-january-2017-67

 

7 Comments

 1. એ જ પ્રશ્ન છે.. કે હું કોણ છું ???
  બધા જ જાણે છે…છતા હું ખુદ થી અજાણ છું….

 2. નવી પેઢીએ આ લેખ વાંચીને તેનો મર્મ પારખવો પડશે. દુનિયા તેજ ગતિએ આગળ ધપી રહી છે ત્યારે પળે પળે પરિસ્થિતિઓ બદલાતી રહે છે.

  માત્ર સતત પ્રયત્નશીલ રહેશે, તે સમય સાથે તાલ મિલાવી શકશે.

 3. આપનો લેખ વાંચીને અરદેશર ફરામજી ખબરદારની અમર કૃતિ “બોધ” યાદ આવે છે, કૃષ્ણકાંતભાઈ! આપની રજાની અપેક્ષાએ લખું છું:

  અરે! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો,
  ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે!

Leave a Reply