કોઈ પણ સારું કામ આપણને પોતાની નજીક લઈ જાય છે – ચિંતનની પળે

કોઈ પણ સારું કામ આપણને

પોતાની નજીક લઈ જાય છે

64

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

અમારા જેવો યદિ સૌને પ્યાર થઈ જાએ,

દરેક જિંદગી જન્નતનો સાર થઈ જાએ,

તમે સિધાવો અને દર્દને પ્રવેશ મળે,

તમે પધારો અને સારવાર થઈ જાએ.

-શૂન્ય પાલનપુરી.

 

આખો દિવસ માણસ કંઈ ને કંઈ કરતો રહે છે. માણસ જે કંઈ કરે એ શા માટે કરતો હોય છે? દરેક કામનો કોઈ ને કોઈ ઉદ્દેશ તો હોય જ છે. એમને એમ તો કોઈ કંઈ જ કરતું નથી. કંઈક તો મેળવવું હોય છે આપણે. આપણે કાં તો આવક મેળવવા માટે કંઈક કરીએ છીએ, સુખ મેળવવા કરીએ છીએ, શાંતિ મેળવવા માટે કરીએ છીએ અથવા તો મજા પડે એટલે કંઈક કરીએ છીએ. અમુક કામો એવાં હોય છે જે કર્યા પછી આપણને થાક નથી લાગતો, પણ આપણને રિલેક્સ ફીલ થાય છે. કયું કામ કર્યા પછી તમને એમ થાય છે કે યાર, મજા પડી?

 

ઘણાં કામ કરવા પડતાં હોય છે. ઘણાં કામ કરવા ગમતાં હોય છે. ગમતું કામ આપણને આપણી નજીક લઈ જતું હોય છે. આ કામ હું કોઈના માટે નહીં, પણ મારા માટે કરું છું. મને મજા પડે છે. કંઈ ન મળે તો કંઈ વાંધો નહીં, પ્લેઝર મળે છેને! એન્જોયમેન્ટ અને પ્લેઝરમાં કોઈ ફરક પાડી શકાય ખરો? હા, બંને વચ્ચે એક સૂક્ષ્મ ભેદ છે. એન્જોયમેન્ટ મોટાભાગે બહારની વસ્તુઓ, સાધનો કે ઘટનાઓથી મળે છે, પ્લેઝર અંદરથી મળે છે. મજા આવે છે અને ખુશી થાય છે. મજા પડે છે અને ખુશી અનુભવાય છે.

 

પ્લેઝર માત્ર પોતાના માટે જ કંઈ કરવાથી નથી મળતું, ઘણી વાર કોઈના માટે પણ કંઈક કરવાથી મળે છે. તમને કયા કામથી ખુશી થાય છે? કંઈક તો હશે જે તમારા દિલની નજીક હશે, જે તમે કરતા હશો અથવા તો જે તમને કરવાનું મન થતું હશે. એક યુવાનની આ વાત છે. એ વિદેશમાં સ્ટડી કરતો હતો. દર સન્ડેની સાંજે એ એક કલાક વૃદ્ધાશ્રમમાં જતો. વડીલો સાથે વાતો કરતો. વડીલોના ચહેરા પર આનંદ જોઈને એને ખુશી થતી. એ સમયે એના મિત્રો પાર્ટી અથવા તો બીજા કોઈ ને કોઈ કાર્યક્રમમાં મસ્ત રહેતા.

 

એક રવિવારે રાતે એ પાછો આવ્યો પછી તેના મિત્રએ કહ્યું કે, તું સારું કામ કરે છે. નીડી પીપલ માટે પણ કંઈક કરવું જોઈએ. આ વાત સાંભળીને એ યુવાને કહ્યું કે, એક્સક્યૂઝ મી ડિયર, હું એવી દાનતથી કંઈ નથી કરતો. હું એટલા માટે કરું છું કે, એ સમય, એ કામ મને મારી નજીક લઈ જાય છે. જો તને એક વાત કરું. હું ઇન્ડિયામાં હતો ત્યારે રવિવારે એટલિસ્ટ એક કલાક હું મારાં મમ્મી-ડેડી સાથે રહેતો. નાનો હતો ત્યારે એ મને ફરવા લઈ જતાં. મોટો થયો પછી હું તેમની સાથે રહેતો. અમે મજા કરતાં. વિદેશ આવ્યો પછી હું રવિવારનો એ સમય મિસ કરતો હતો. મને મમ્મી-ડેડી સાથેનો સમય યાદ આવી જતો હતો. શું કરું એ વિચારતો હતો. આખરે મેં એક કલાક ઓલ્ડ એજ હોમમાં જવાનું નક્કી કર્યું.

 

એ વડીલોમાં હું મારાં મા-બાપને જોઉં છું. મને કેવી ખુશી થાય છે એ હું વર્ણવી શકતો નથી. બહાર નીકળીને હું મારા મોબાઇલમાં મમ્મી-ડેડીનો ફોટો જોઉં છું. એમની સાથે ફોન પર વાતો કરું છું. મારાં મમ્મી-ડેડીએ કહી હોય એવી વાત કોઈ વડીલ કરે ત્યારે મારી આંખોમાં ભેજ બાઝી જાય છે. હું વૃદ્ધાશ્રમમાં જાઉં છું એ વાત એક વખત મારા ડેડીને ખબર પડી. તેમણે કહ્યું કે, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. તું અમને આ રીતે યાદ કરે છે એ અમને ગમ્યું. તને ખબર છે એ પછી એમણે શું કર્યું? નેક્સ્ટ સન્ડેથી જ મારાં મમ્મી-ડેડી અનાથ આશ્રમમાં જઈ બાળકો સાથે રમવા લાગ્યાં. બે દેશમાં એકસાથે અનોખી ઘટના રચાય છે, અલૌકિક મિલનની!

 

સંતાનો મા-બાપ પાસેથી કંઈક શીખે એ સ્વાભાવિક છે, પણ મા-બાપ સંતાનો પાસેથી કંઈક શીખે એવું જ્વલ્લે જ બનતું હોય છે. આપણે તો ઘણી વખત સંતાનના સારા કામને એપ્રિસિએટ પણ કરતા હોતા નથી. એક વખત એક છોકરી ઘરે આવી ત્યારે તેના હાથ પર નાનકડી બેન્ડેજ લગાડેલી હતી. આ જોઈને મમ્મીને ધ્રાસકો પડ્યો. તેમણે પૂછ્યું, શું થયું? દીકરીએ કહ્યું કે આજે કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પ હતો. થેલેસેમિયાનાં બાળકો માટે બ્લડ એકઠું કરવાનું હતું. બીમાર બાળકો માટે મારે પણ મારાથી થાય એ કરવું જોઈએ એવું વિચારીને મેં પણ બ્લડ આપ્યું. આ વાત સાંભળી માએ દીકરીને ગળે વળગાડી, પપ્પી કરી અને કહ્યું કે તેં બહુ સારું કામ કર્યું. આઈ એમ પ્રાઉડ ઓફ યુ ડિયર.

 

નોટિસ કરજો, અમુક કામો આપણને અંદર એક અદ્ ભુત ખુશી આપી જાય છે. એનું કોઈ જ કારણ હોતું નથી. ક્યારેક એકાદ આવો અનુભવ કરી જોજો. આઇસક્રીમના કપ્સ લઈને ઝૂંપડપટ્ટીએ જજો. બાળકોને ભેગાં કરી આઇસક્રીમ ખવડાવજો, માત્ર ખવડાવતા નહીં, એમની સાથે બેસીને ખાજો. એ ચહેરાઓ પરની ખુશીને ફીલ કરજો. તમારું દિલ પુલકિત થઈ જશે અને હા, આવું બધું તમે એ બાળકો માટે કરતા હોય એવી રીતે ન કરતાં, પણ તમારા માટે કરતા હોવ એ રીતે કરજો. સારાં કામ કે સેવાનો તો જ મતલબ છે જો એ કરવાથી આપણને સારું લાગે.

 

ઘણા લોકો સારાં કામો કરતા હોય છે. સારી વાત છે. આમ છતાં એવું વિચારીને ન કરો કે મારી ફરજ છે. ભગવાને મને ઘણું આપ્યું છે તો મારે પણ કંઈક કરવું જોઈએ. આવું વિચારવામાં જોકે, કંઈ ખોટું નથી, પણ સાવ સાચુંયે નથી. મારે કરવું છે, મને ગમે છે. ખીલેલા ચહેરાઓ જોઈને મારી આંખમાં થોડીક ચમક ઉમેરાય છે. કરવા ખાતર તો ગુંડા, ડાકુ અને બદમાશ પણ કંઈક ને કંઈક કરતા રહે છે. પોતાના પાપને હળવું કરવાના દાવાઓ પણ ઘણા ઠોકતા હોય છે.

 

પાપ કંઈ પુણ્ય કરી દેવાથી સરભર થતું નથી. આમાં કોઈ ગણિત કામ કરતું નથી. દસ પાપ કરીને વીસ પુણ્ય કરી દો એટલે તમે સારા માણસ બની જતાં નથી. આવું થિંકિંગ જ ધરમૂળથી ખોટું છે. પાપ ભોગવવું પડે છે એવું મનાતું આવ્યું છે. ઘણા બદમાશ લોકોને જોઈએ ત્યારે એવું પણ થાય કે ખરેખર જો પાપ ભોગવવું પડતું હોય તો તો પછી આ બધા પતી જવા જોઈએ. સાચી વાત તો એ છે કે આવા બધામાં બહુ પડવા જેવું જ હોતું નથી. કોઈ ખરાબ કામ કરવાથી પાપ લાગતું હશે કે કેમ એ તો ખબર નથી, પણ આપણને તો ખબર જ હોય છે કે આ હું સારું નથી કરતો.

 

પાપની વાત જવા દો, પુણ્ય પણ મળતું હશે કે કેમ એ સવાલ છે. હા, એક વાત પાક્કી છે કે, સારું કામ કરવાથી પુણ્ય મળતું હોય તો મળે અને ન મળે તો કંઈ નહીં, પણ સુકૂન તો મળે જ છે. એ કંઈ નાનીસૂની વાત છે? પુણ્યના નામે પણ આપણે આપણી નજીક જતા હોઈએ તો કંઈ ખોટું નથી. માણસ કમાવવા માટે તનતોડ મહેનત કરે છે. જેટલો વિચાર અને જેટલી મહેનત માણસ કમાવવા માટે કરે છે એનાથી અડધોય વિચાર માણસ વાપરવા માટે કરતો નથી. વાપરો, કમાણી આખરે તો વાપરવા માટે જ હોય છે. થોડુંક એવું વાપરવું જેનાથી તમને સુકૂન મળે, શાંતિ થાય, મજા આવે અને દિલથી તમે થોડાક વિસ્તર્યા હોય એવું લાગે. થોડુંક એવી રીતે વાપરો જે તમને તમારી નજીક લઈ જાય, પછી એ તમારી સંપત્તિ હોય કે તમારો સમય.

 

એક બીજી વાત પણ સમજવા જેવી છે. મજા, પ્લેઝર કે ખુશી માટે સંપત્તિની જરૂર નથી, એનાથી પણ વધારે જરૂર છે, સમયની. બધા પાસે પોતાના પૂરતી સંપત્તિ તો હોય જ છે, સમય જ કોઈની પાસે હોતો નથી. એક માણસ સાધુ પાસે ગયો. તેણે કહ્યું કે સારું કામ કરવા માટે મારી પાસે ફુરસદ જ નથી. સાધુએ હસીને કહ્યું કે, ફુરસદ? જિંદગીએ તો આપણને ફુરસદ જ આપી છે. જન્મ્યા ત્યારે આપણને કયા સમયની ચિંતા હતી? ફુરસદ જ હતી. બિઝી તો આપણે આપણને કરી નાખ્યા છે. એટલા બધા બિઝી કે આપણને આપણા માટે પણ સમય ન મળે. આપણે જ આપણી જાતને એટલી ‘ટાઇટ’ કરી દીધી છે કે જરાયે હળવાશ ન લાગે. ફુરસદનું ગળું તો આપણે જ ઘોંટી નાખ્યું હોય છે. બિઝીનેસ એ તો સૌથી મોટું બહાનું છે આપણી જાતથી ભાગવાનું! છેલ્લી ક્ષણે જિંદગી તને સવાલ કરશે કે તેં તારા માટે કેટલો સમય ફાળવ્યો? તો તું શું જવાબ આપીશ? જિંદગી છે ત્યાં આ સવાલનો જવાબ શોધી લે એટલે કોઈ અફસોસ નહીં થાય!

 

માણસનું નામ એના કામથી બને છે. જેવું કામ એવું નામ. એક માણસ સાધુ પાસે ગયો. સાધુને પૂછ્યું, તમે તો ડાહી ડાહી વાતો કરવા સિવાય કંઈ જ કરતા નથી, તો પણ તમારું આટલું બધું નામ કેમ છે? કંઈ કામ કરતા નથી તો પણ લોકો તમને કેમ માન આપે છે? સાધુએ કહ્યું કે, હું બીજું કંઈ જ નથી કરતો, માત્ર બધાનું ભલું ઇચ્છું છું. હું જે કંઈ કરું છું એ એટલા માટે પણ નથી કરતો કે લોકો મને માન આપે. તમે કંઈ ન કરી શકો તો તમારા લોકોનું ભલું તો ઇચ્છી જ શકો. ભલું ઇચ્છવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે કોઈનું બૂરું નહીં ઇચ્છો. કોઈનું ખરાબ ન ઇચ્છવું એ પણ સારું કામ છે. લોકો મારું માર્ગદર્શન માગવા આવે ત્યારે હું એક મિનિટ ઈશ્વરને યાદ કરું છું. પ્રાર્થના કરું છું કે મને સારી અને સાચી વાત કહેવડાવજે. મારાથી કંઈ ખોટું માર્ગદર્શન ન અપાઈ જાય. કુદરત પછી મને જેવા વિચારો આપે એવી વાત હું કરું છું. ઘણી વખત એવું થતું હોય છે કે જેને કંઈ જોઈતું નથી હોતું એને બધું મળે છે, જેને બધું જોઈતું હોય એને કંઈ નથી મળતું. મને જે આદર મળે છે એ મને નથી મળતો, મારા વિચારો અને મારી શુભ ભાવનાને મળે છે.

 

માણસ કંઈ પણ કરે તેની પાછળ તેની ‘દાનત’ હોય છે. દાનત સારી પણ હોય અને દાનત ખરાબ પણ હોય. ક્યારેક જોઈ લેવાની દાનત હોય, ક્યારેક બતાવી દેવાની દાનત હોય, ક્યારેક જાણીતા થઈ જવાની દાનત હોય, ક્યારેક મહાન થઈ જવાની દાનત હોય, કંઈક તો દાનત હોય જ છે. યાદ રાખજો, આપણી દાનત ગમે એવી હોય એ વર્તાઈ જાય છે. દાનત છૂપી રહેતી નથી, છતી થઈ જાય છે. તમને ફળ એવું જ મળશે જેવી તમારી દાનત હશે. સારી દાનતથી સારું કામ કરો તો એ તમને તમારી નજીક લઈ જાય છે. કોઈના સુધી પહોંચવા માટે આપણે પહેલાં તો પોતાના સુધી પહોંચવાનું હોય છે, જે પોતાના સુધી પહોંચતો નથી એ ક્યાંય પહોંચી શકતો નથી.

 

છેલ્લો સીન :

નિષ્ઠાપૂર્વક કામ કરતા રહો, નામ તમારી પાછળ દોડતું આવશે.  –સાઇરસ

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 21 ડિસેમ્બર, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

21-december-2016-64

 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

One thought on “કોઈ પણ સારું કામ આપણને પોતાની નજીક લઈ જાય છે – ચિંતનની પળે

Leave a Reply

%d bloggers like this: