તમારા લોકો માટે તમે શું છોડી શકો તેમ છો? :​ દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

તમારા લોકો માટે તમે

શું છોડી શકો તેમ છો?

NZH-1077127

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

 

ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જ્હોન કીએ

પત્ની અને બાળકોને સમય આપવા માટે

વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું.

આપણે ભલે આપણી નોકરી કે કરિયર ન છોડી શકીએ,

પણ થોડુંક છોડીને થોડોક વધુ સમય તો આપી જ શકીએ.

 

એટલો બધો વર્કલોડ રહે છે ને કે ફેમિલી માટે પણ ટાઇમ નથી મળતો. મરવાની પણ ફુરસદ નથી મળતી એવી હાલતમાં જીવવા માટે ટાઇમ ક્યાંથી કાઢવો? મન તો બહુ થાય છે કે પરિવારને પ્રાયોરિટી આપું પણ મેળ નથી પડતો! આવી ઘણી વાતો આપણને આપણી નજીકના લોકોના મોઢે સાંભળવા મળતી હોય છે. આવી વાતો સાચી પણ હોય છે. લાઇફમાં ચેલેન્જીસ વધતી જાય છે. દરેકે પોતાની જાતને પ્રૂવ કરવા માટે જાત ઘસી નાખવી પડે છે. ગોલ, ટાર્ગેટ અને કામ પૂરું કરવામાં નાકે દમ આવી જાય છે. બધાને ફેમિલી સાથે રહેવું હોય છે. પત્ની સાથે બેસીને વાતો કરવી હોય છે. બાળકો સાથે તોફાન-મસ્તી કરવા હોય છે, પણ ટાઇમ ક્યાંથી કાઢવો?

 

‘હવે મારે મારા ફેમિલીને સમય આપવો છે,’ એવું કહીને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જ્હોન કીએ રાજીનામું આપી દીધું. આખા દેશમાં અત્યંત લોકપ્રિય વડાપ્રધાનના આ નિર્ણયથી લોકોને આઘાત લાગ્યો. આવડું મોટું પદ કોઈ માણસ એમ જ છોડી દે? જ્હોન કી 2008થી વડાપ્રધાન હતા. તેના તમામ નિર્ણયોથી લોકો ખુશ હતા. કોઈને અણસાર સુધ્ધાં ન આવ્યો કે તેઓ આવી રીતે સાવ અચાનક જ વડાપ્રધાનપદ છોડી દેશે. હા, એવો બહુ મોટો વર્ગ છે જે આ નિર્ણયને ખૂબ વખાણે છે. સોશિયલ મીડિયા પર તો તેના પર અભિનંદનની વર્ષા થાય છે. ધેટ્સ ધ સ્પિરિટ, રિયલ મેન ઓફ ફેમિલી, ધ પર્સન હુ નોઝ ધ રિલેશન અને ઢગલાબંધ કોમ્પ્લિમેન્ટ્સ તેને મળી રહ્યાં છે. આપણને પણ એવું ચોક્કસપણે થાય કે યાર, દાદ દેવી પડે. આવો નિર્ણય લેવો એ કાચા-પોચાનું કામ નથી. સત્તાનો મોહ મોત સુધી છૂટતો નથી. ટાંટિયા ઢસડાતા હોય તો પણ કોઈ ખુરસી છોડતું નથી.

 

જ્હોન કીને કઈ વાત ટચ કરી ગઈ? ગઈ તા. 1 ડિસેમ્બરના રોજ જ્હોન અને બ્રોનાની મેરેજ એનિવર્સરી હતી. 32 વર્ષ અગાઉ 1984માં બંનેએ લવમેરેજ કર્યાં હતાં. સ્કૂલમાં સાથે ભણતાં હતાં ત્યારે જ બંનેને પ્રેમ થઈ ગયો હતો. જ્હોન અને બ્રોનાને બે સંતાનો છે. મેક્સ અને સ્ટેફી. જ્હોન તેની કરિયરમાં આગળ ને આગળ વધતા જતાં હતા. બાળકોને ઉછેરવા માટે બ્રોના બધું છોડીને ફુલટાઇમ મધર બની ગયાં. સ્ટેફી અને મેક્સ હવે યંગ થઈ ગયાં છે. મેક્સ તો ન્યુઝીલેન્ડના જ્યોર્જ એફએમમાં રેડિયો હોસ્ટ છે. એવું મનાય છે કે મેરેજ એનિવર્સરીએ બ્રોનાએ જ્હોનને કહ્યું હોય કે અત્યાર સુધી તો મેં એકલીએ છોકરાઓનું ધ્યાન રાખ્યું પણ હવે તેને આપણા બંનેની જરૂર છે અથવા તો જ્હોને જ નક્કી કરી લીધું કે બસ બહુ થયું, હવે ફેમિલીથી વધુ કંઈ નહીં. બંનેમાંથી કોઈએ એ જાહેર નથી કર્યું કે આ નિર્ણય કોણે, ક્યારે અને શા માટે લીધો. જોકે એનાથી કોઈને કશો ફર્ક પડતો નથી.

 

જ્હોન કીની વાત સાંભળીને તમને કદાચ એવો વિચાર આવી જાય કે ભાઈ, એ છોડી શકે એમ હશે, અમારા માટે એ ઇઝી નથી. નોકરી કે કરિયર છોડી દઈએ તો ઘર કેમ ચલાવવું? જવાબદારીઓ કેવી રીતે પૂરી કરવી? એકદમ સાચી વાત છે. એમ કંઈ છોડી શકાતું નથી. દિલ તો બધાને હોય છે. ઘરના લોકો ઉપર પણ તમામ લોકોને અનહદ પ્રેમ હોય છે, પણ કામ કરવું પડે છે. મુંબઈ અને બીજાં મોટાં સિટીમાં તો એવી હાલત છે કે છોકરાઓ સૂતાં હોય ત્યાં નોકરી માટે નીકળી જવાનું અને રાતે ઘરે આવે ત્યારે છોકરાઓ સૂઈ ગયાં હોય! માત્ર જેન્ટસની જ વાત નથી, લેડિઝ પણ હવે જોબ અને જવાબદારીઓ વચ્ચે ઝૂલતી રહે છે.

 

કરવું પડે છે, બધું જ કરવું પડે છે. કંઈ છોડી શકાતું નથી. આમ છતાં, થોડોક ક્વોલિટી ટાઇમ તો કાઢી જ શકાય છે. ખાસ તો ઘરમાં આવી ગયા પછી પણ લોકો મોબાઇલ સાથે ચોંટેલા રહે છે. અમુક લોકો ટીવી સામે ખોડાયેલા રહે છે. આ બધામાંથી થોડોક સમય બચાવી લઈને તમે તમારા લોકો સાથે ચોક્કસ રહી શકો. બને ત્યાં સુધી ઓફિસનું કામ ઘરે ન લાવો. લેપટોપ અને મોબાઇલે માણસને હરતી-ફરતી ઓફિસ જેવો કરી દીધો છે. કામ પીછો જ નથી છોડતું. તમે કામને વળગેલા ન રહો.

 

હમણાં એક એરલાઇને એવી જાહેરાત કરી કે હવે તેઓ ઇનફ્લાઇટ ઇન્ટરનેટ સેવા પ્રોવાઇડ કરવાના છે. પ્લેનમાં ઊડતાં હશો ત્યારે પણ તમે નેટ સર્ફ કરી શકશો. આ ન્યૂઝ વાંચીને એક મિત્રએ એવો પ્રતિભાવ આપ્યો હતો કે આ લોકો હવે પ્લેનમાં પણ શાંતિ લેવા નહીં દે! માણસ પ્લેનમાં જ મોબાઇલ સ્વિચ ઓફ કરતો હતો. પહેલાં એરોપ્લેન મોડ આવ્યું અને હવે તો પ્લેનમાં પણ મોબાઇલ તમને વળગેલો રહેશે. વેલ, તમારે મોબાઇલને કેટલા વળગેલા રહેવું છે એ તમારા હાથની વાત છે.

 

એક બીજા મિત્રની વાત છે. તેણે ઘરમાં મોબાઇલ રેક બનાવી છે. ઘરમાં ઘૂસે એટલે એ મોબાઇલની રિંગ સિવાય તમામ એપ્સ સાઇલન્ટ મોડ પર મૂકીને મોબાઇલ રેકમાં મૂકી દે છે. તેણે કહ્યું કે ઘરમાં ગયા પછી પણ હું મોબાઇલ લઈને જ બેસતો. એક વખત મારા સને મને કહ્યું કે, તમે હાથમાં મોબાઇલ લઇને બેસો તો તમે અહીંયાં હોવ કે ઓફિસમાં, શું ફેર પડે છે? એ દિવસે જ મેં મોબાઇલ રેક બનાવવાનું નક્કી કર્યું.

 

આપણામાંથી કોઈ જ્હોન કી જેવા લકી નથી કે બધું છોડીને ફેમિલી સાથે મોજથી જીવીએ, પણ આપણે થોડોક સમય કાઢીને આ ‘ક્વોલિટી ટાઇમ’ તો પોતાના લોકો માટે કાઢી જ શકીએ. આટલું કરીએ તો પણ એ કંઈ ઓછું નથી. બાય ધ વે, તમે તમારા ફેમિલી માટે કેટલો ટાઇમ બચાવી શકો તેમ છો? ચેક કરી જોજો, થોડોક ટાઇમ તો મળી જ આવશે.

 

પેશ-એ-ખિદમત

કદમ ઇન્સાં કા રાહ-એ-દહર

મૈં થર્રા હી જાતા હૈ,

ચલે કિતના હી કોઈ બચકે,

ઠોકર ખા હી જાતા હૈ.

– જોશ મલીહાબાદી

(ઇન્સા-લોકો, રાહ-એ-દહર-દુનિયાના રસ્તાઓ)

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 11 ડિસેમ્બર 2016, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

26-5 in size_rasrang.indd

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: