તમારી ગણના 20 ટકામાં થાય છે કે બાકીના 80 ટકામાં? – દૂરબીન

તમારા કામ ઉપર નજર કરીને વિચારી જુઓ

તમારી ગણના 20 ટકામાં થાય

 છે કે બાકીના 80 ટકામાં?

60

દૂરબીન –  કૃષ્ણકાંત ઉનડકટ

કોઇપણ ઓફિસ, કંપની, સંસ્થા કે ઘરમાં

મોટાભાગનો દારોમદાર 20 ટકા લોકો

ઉપર જ આધારિત હોય છે.

સફળતા કે નિષ્ફળતા માટે પણ આ 20 ટકા જ

જવાબદાર હોય છે.

નિષ્ઠા, ધ્યેય અને પ્રામાણિકતા તમને

20 ટકામાં પહોંચાડી શકે છે.

 

દરેક વ્યક્તિની એક ખ્વાહિશ હોય છે. દરેક લોકો મારી વાત સાંભળે, દરેક માણસ મારી વાત માને, હું માર્ગદર્શન આપું એ રીતે બધા કામ કરે. આવી ઇચ્છા કે મહત્ત્વાકાંક્ષા હોય એમાં કશું જ ખોટું નથી. ઊલટું આવી એમ્બિશન હોવી એ સારી વાત છે. અલબત્ત, આ મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે આપણે પોતાની જાતને સાબિત કરવી પડે છે. આજકાલ સફળતા માટે એક વાક્ય બહુ સાંભળવા મળે છે. સફળ થવા માટે માત્ર હાર્ડવર્ક નહીં, સ્માર્ટવર્ક જરૂરી છે. સાવ સાચી વાત છે. મહેનત તો બધા જ કરતા હોય છે. એરકન્ડિશન્ડ ચેમ્બરમાં બેઠેલા મેનેજર કરતાં વર્ક સ્ટેશન પર બેઠેલો ક્લાર્ક વધુ મહેનત કરતો હોય છે. ઓફિસના લોકો ઘણી વખત એવું પણ બોલતા હોય છે, સાહેબોને જલસા છે. મજૂરી તો આપણે કરીએ છીએ. સાહેબોને કેટલા જલસા હોય છે એ તો સાહેબોને જ ખબર હોય છે પણ તેની ટીમના લોકો તો એવું જ માનતા હોય છે કે એને મજા છે. ચલો માની લો કે એને મજા અને જલસા છે તો શા માટે છે? બીજાં અનેક કારણો હશે પણ એક કારણ એ પણ છે કે તેની ગણના 20 ટકામાં થાય છે!

 

તમે જે સ્થળે કામ કરો છો એની ઉપર જરાક નજર કરો. તમારી ઓફિસમાં સો લોકો કામ કરતા હશે તો એમાંથી 20 લોકો જ મોટાભાગનો ભાર ખેંચતા હશે. કહેવાનો મતલબ એવો જરાયે નથી કે બાકીના 80 લોકો કામ કરતા હોતા નથી, એ લોકો કામ કરતાં જ હોય છે પણ ડિસિઝન મેકિંગ, ઇમ્પ્લિમેન્ટેશન અને બધું જ કામ સ્મૂધલી ચાલે તેના માટે એ 20 ટકા જ કારણભૂત હોય છે. ઓફિસમાં દસ લોકો હોય તો એમાંથી બે એવા હશે જે ખરા અર્થમાં મહેનતુ અને ટ્રસ્ટવર્ધી હશે. એને કામ સોંપ્યા પછી તમે ચિંતામુક્ત રહી શકો છો. મોટી મોટી કંપનીઝથી માંડીને ઘર સુધીના મામલામાં આ થિયરી લાગુ પડે છે. માત્ર કામમાં જ નહીં, આવક અને બીજાં ક્ષેત્રોમાં પણ આ 80-20નો પેરેટો પ્રિન્સિપલ અથવા તો ‘લો ઓફ ધ નાઇટલ ફ્યુ’ લાગુ પડે છે.

 

ફેમિલીમાં પણ નજર નાખી જુઓ. ઘરમાં કે સગાં-વહાલાઓમાં પણ દસમાંથી બે જણ એવા હશે જેને પૂછીને બધા નિર્ણયો લેવાતા હશે. એના માટે ઉંમર નહીં પણ આવડત જોવાતી હોય છે. અમુક લોકો એવા હોય છે, જેને પૂછવાની કે તેનું મંતવ્ય જાણવાની કોઇ દરકાર કરતું નથી. એવા લોકો પણ હોય છે કે મને ન પૂછે તો પણ મને શું ફેર પડે છે! જોકે, જેમને પૂછવામાં આવે છે તેનું સ્થાન અને માન-મરતબો કંઇક જુદો જ હોય છે. મેચ્યોરિટી અને ડેપ્થ તમને એ સ્થાન પર પહોંચાડે છે. એ મુકામ પર પહોંચવા માટે મહેનત કરવી પડતી હોય છે, મહેનત એટલે માત્ર હાર્ડવર્ક નહીં પણ સ્માર્ટવર્ક. સ્માર્ટવર્ક એટલે પણ માત્ર રમત કે ચાલાકી નહીં પણ તમારા ઇક્યુ અને આઇક્યુનું ઉમદા મિશ્રણ. જ્ઞાન સાથે માનવમૂલ્યો અને સંવેદના સાથે કામ લેનારા આ 20 ટકા સુધી પહોંચી શકે છે.

 

માત્ર ઓફિસ કે ઘર નહીં, આ થિયરી તો દેશ અને દુનિયાને પણ લાગુ પડે છે. આમ જોવા જઇએ તો આખો દેશ 20 ટકા લોકો જ ચલાવતા હોય છે. દુનિયાના નેતાઓમાં પણ 20 ટકા જ આખી દુનિયાને દોરવતા હોય છે. વેલ, આ થિયરી તો કંઇ આજકાલની નથી, ઘણી જૂની છે. આપણા માટે મહત્ત્વનું એ છે કે આપણી ગણના શેમાં થાય છે, 20 ટકામાં કે 80 ટકામાં? 20 ટકામાં નથી થતી તો શા માટે નથી થતી? એમાં ગણના થાય એ માટે શું કરવું જોઇએ. સૌથી પહેલા તો એક વાત યાદ રાખવાની હોય છે કે અશક્ય કંઇ જ હોતું નથી, અઘરું હોઇ શકે. આપણી મહેનત અને દાનત હોય તો કંઇપણ અઘરું એટલું અઘરું હોતું નથી કે એ ન આવડે!

 

એક બોસે તેની ટીમના મેમ્બર્સને કરેલી વાત યાદ આવે છે. તેણે કહ્યું કે, તમારા બધાની નજર મારી ખુરશી ઉપર હોવી જોઇએ. માત્ર ધ્યાન એટલું રાખવાનું કે હું જેટલી મહેનત, ધગશ અને લગનથી અહીં સુધી પહોંચ્યો છું. એટલી મહેનત કરવી. શોર્ટકટ વિશે એવું કહેવાયું છે કે, ટૂંકા રસ્તા ક્યાંય જતા હોતા નથી. આગળ વધવા માટે જરૂરી એ હોય છે કે તમે જે કંઇપણ કામ કરતા હોવ એ પૂરી મહેનત અને પ્રામાણિકતાપૂર્વક કરતા રહો. તમારી ચોકસાઇ જ તમને સફળતાનો માર્ગ બતાવશે. તમારું કામ પરફેક્ટ હશે તો જ તમને નવી જવાબદારી સોંપવામાં આવશે.

 

એક એચઆર એક્સપર્ટે કરેલી વાત પણ સમજવા જેવી છે. તેણે કહ્યું કે જે કર્મચારી ખરેખર ટેલેન્ટેડ હોય છે એ હંમેશાં તેના સિનિયરની નજરમાં હોય જ છે. તેના લીડર કે બોસને ખબર જ હોય છે કે કોણ લાંબી રેસનો ઘોડો છે અને કોણ ફસકી જાય એવો છે. થાય છે એવું કે જેનામાં આવડત હોય એના ઉપર વધુ ને વધુ કામ ઠલવાતું હોય છે. ઘણી વખત કામ જેને સોંપાય એને એવું પણ લાગે કે હું કંઇ મજૂર થોડો છું. મને આવડે એટલે મારા ઉપર ઠોકી બેસાડવાનું. હકીકતે એનું કારણ એ હોય છે કે તેને તમારા કામથી સંતોષ હોય છે. આ માણસ કરશે તો પરફેક્ટ જ હશે. તમે માર્ક કરજો, ઓફિસમાં એવા લોકો પણ હશે જે સાવ નવરા હોય તો પણ તેને કોઇ કામ સોંપવામાં આવતું ન હોય! એને કામ સોંપશું તો ઊલટું ક્યાંક ગોટાળા કરશે. તમને કામ સોંપે તો મોઢું ન મચકોડતા. હા, તમે પહોંચી શકો તેમ ન હોવ અને કોઇ તકલીફ હોય તો ચોક્કસપણે ધ્યાન દોરી શકો. જોકે તમે કામ કરવા ઇચ્છતા નથી અથવા તો તમે કામથી ભાગો છો એવી ઇમ્પ્રેશન પડવી ન જોઇએ.

 

સારા કર્મચારીઓની બધાને જરૂર હોય છે. એમાં પણ જેનો સમાવેશ 20 ટકામાં થાય તેવા લોકોની જરૂરિયાત તો સૌથી વધુ રહેવાની છે. દરેક કંપની તેના કર્મચારીઓના સ્તર નક્કી કરતી હોય છે. સૌથી ઉપર એ લોકો હોય છે જેના નામની સામે એવું લખેલું હોય છે કે આ વ્યક્તિ કંપની માટે એસેટ એટલે કે અસ્કયામત છે. બનવા જોગ છે કે જોબના શરૂઆતના સમયમાં તમે 20 ટકામાં ન હોવ, નવી જોબ હોય પણ તમારી નજરમાં તો પેલા 20 ટકા જ હોવા જોઇએ. 20 ટકામાં જે લોકો છે એ આપણી જેવા જ સીધા-સાદા માણસો છે, એનામાં કંઇ હીરા ટાંક્યા હોતા નથી. હા, એનામાં જે ગુણો છે એ કેળવી લો, તો તમે પણ આરામથી ત્યાં સુધી પહોંચી જશો.

 

પેશ-એ-ખિદમત

મર્હબા તુમ ભી જરૂરત સે મિલે,

કૌન હૈ અબ જો મહોબ્બત સે મિલે,

દિલ મિલાને સે ભલા ક્યા હાસિલ,

જબ તબિઅત ન તબિઅત સે મિલે.

– મહતાબ આલમ

(તબિઅત-સ્વભાવ, મિજાજ)

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 27 નવેમ્બર 2016, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

27-11-16_rasrang_Doorbeen.indd

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *