બોલ દો ના જરા… : દિલમાં કોઈ વાત દબાવી ન રાખો દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

બોલ દો ના જરા… : દિલમાં
કોઈ વાત દબાવી ન રાખો

59
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

ડિપ્રેશનનું એક કારણ દિલમાં ધરબાયેલી વાતો છે.
દિલમાં જમા થયેલા ‘બારુદ’નો વિસ્ફોટ થાય
એ પહેલાં હળવા થઈ જાવ.
————————
સંબંધોનું પોત પાતળું પડી ગયું છે.
અંગત વાત કહેવામાં આપણે ડરી રહ્યા છીએ!
————————-

તમારા દિલમાં કોઈ એવી વાત ધરબાયેલી છે જે તમે કોઈને કરી નથી? એ વાત તમને સતત યાદ આવે છે? એ વાતના કારણે દિલ પર ભાર હોય એવું લાગે છે? જો એવું હોય તો કોઈને કહી દો. દિલમાં ધરબાયેલી વાત સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વ્યક્ત થઈ જાવ. હળવા થઈ જાવ. કોઈ ભારને સતત વેંઢારો નહીં. જીવવા માટે એ જરૂરી છે. હમણાં થયેલા એક સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે, ડિપ્રેશનનું એક કારણ કોઈને કહ્યા વગર દિલમાં રહી ગયેલી વાતો છે. જિંદગીની એવી થોડીક ઘટનાઓ છે જેની તમારા સિવાય કોઈને ખબર નથી. તમને એ ઘટના યાદ આવે છે અને તમે ધ્રૂજી જાવ છે.

દરેક માણસના મનમાં એવી વાતો હોય છે જે તેને કોઈને કહેવી હોય છે. સવાલ એ હોય છે કે કહેવી કોને? જેને વાત કરીએ છીએ એ માણસ આપણી વાત કોઈને કહેશે નહીં અની શું ગેરંટી ? મારી અંગત વાત ફેલાઈ જાય તો શું થાય? એક વખત કોઈને કરેલી વાત તો છૂટેલા તીર જેવી થઈ જાય છે. તીર છૂટ્યું પછી પાછું ન વળે. આપણે એવા ક્વોટેશન પણ સાંભળ્યા છે કે, ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો, બોલાઈ ગયું એના માલિક બીજા થઈ જાય છે. દરેક માણસનો એક અગંત માણસ હોય છે, તમે તમારા અંગત માણસને તમારી અંગત વાત કરો એ વ્યક્તિ તમારી વાત એના અંગત માણસને કરી દે તો?

હા, આવો ભય બધાને લાગતો હોય છે. આવો ડર વાજબી પણ છે. ગમે તેને મોઢે તમે તમારી દરેક વાત ન કહી શકો. આમ છતાં જિંદગીમાં એકાદ વ્યક્તિ તો એવી હોવી જ જોઈએ જેને તમે બધી વાત કરી શકો, જે તમને સમજતી હોય અને તમારી વાત એના સુધી જ રાખતી હોય. એવી વ્યક્તિ હોય પણ છે. ઘણી વખત આપણને ખબર હોતી નથી.

આમ તો આપણે આપણી નજીકની વ્યક્તિને ઓળખતાં જ હોઈએ છીએ કે એનું દિલ ઊંડું છે કે છીછરું? ઘણા દોસ્ત લોકર જેવા હોય છે, એના દિલમાં તમે કોઈ વાત મૂકો પછી એ લોકર તમે ઇચ્છો ત્યારે જ ખૂલે. આવા લોકોને શોધવાની એક ‘ટેસ્ટિંગ ફોર્મ્યુલા’ પણ છે. પહેલા એવી એક-બે વાત કરો, જે જાહેર થઈ જાય તો કંઈ બહુ ફર્ક ન પડે. જો એ વાત ફરતી ફરતી તમારા સુધી પાછી ન આવે તો માનજો કે એના સુધી જ અટકી ગઈ છે. આમ તો જે પોતાની વ્યક્તિ હોય એ પરખાઈ જ જતી હોય છે. એની સાથે વેવલેન્થ અને વાઇબ્રેશન જ એવાં હોય છે જે એક અલગ જ પ્રકારનું બોન્ડિંગ સર્જે.

અમેરિકાના એક મનોચિકિત્સકે સરસ વાત કરી છે કે હવેની રિલેશનશિપમાં ડેપ્થ નથી. લોકો કોઈને ન કહેવા જેવી વાત તો શું, પોતાની સારી વાત પણ કરતા નથી. એમાં પણ ડર લાગે છે કે આ વાતથી એ મારી ઈર્ષા કરશે તો? મને પ્રશ્ન કરશે તો? એટલું જ નહીં, અમુક લોકો એટલે વાત કરતાં નથી, કારણ કે એને ભય સતાવતો હોય છે કે હું વાત કરીશ તો મને સલાહ આપવા માંડશે! તારે આમ કરવું જોઈએ થવા તો તારે આમ ન કરવું જોઈએ.

એક વાત સમજવા જેવી છે. કોઈ આપણને એની અંગત વાત કરે ત્યારે એને માત્ર વાત શેર કરવી છે કે એને તમારી સલાહ, તમારું મંતવ્ય કે તમારો પ્રતિભાવ જોઈએ છે એની આપણને સમજ હોવી જોઈએ. કોઈ વાત કરતું હોય ત્યારે વાત ધ્યાનથી સાંભળવી, એ ખોટું કરતા હોય તો તેનું ધ્યાન પણ દોરવું, પણ એને તોડી ન પાડવા. જો એવું કરશો તો એ વાત જ કરવાનું બંધ કરી દેશે. આત્મહત્યાના અનેક કિસ્સામાં એવું બન્યું છે કે આપઘાત કરનારે કોઈને કંઈ વાત જ કરી ન હોય. એ લટકી જાય કે મરી જાય ત્યારે જ બધાને ખબર પડે. સ્વજનોના મોઢે આપણે સાંભળીએ છીએ કે અમને તો અણસાર પણ ન આવ્યો કે એ આવું કરશે. તમને જો અણસાર ન આવ્યો હોય તો એમાં વાંક મરનારનો નહીં, તમારો છે. તમે તેનો અણસાર સમજી જ ન શક્યા! ઘણી વખત તો હતાશ વ્યક્તિએ વાત કરવાનો પ્રયાસ પણ કર્યો હોય છે, તેને કોઈ રિસ્પોન્સ ન મળતાં તે ચૂપ થઈ જાય છે.

ચર્ચમાં કન્ફેશન બોક્ષ હોય છે, ત્યાં જઈ લોકો દિલ હળવું કરી નાખે છે. ભૂલ થઈ હોય તો માફી માગી લે છે. હળવા થઈ આવે છે. અગાઉના સમયમાં એવાં સ્વજનો હતાં જેને વાત કરી શકાતી હતી અને જે વાત સમજી શકતાં હતાં. હવે સ્વજનો સાથે પણ સંવાદ રહ્યો નથી. એક માણસની આ વાત છે. પોતાની વાત કહેવા માટે એણે ગજબનો તોડ શોધી લીધો હતો. એક પાગલ માણસ સાથે તેણે દોસ્તી કરી લીધી હતી. દરરોજ એ પાગલ સાથે બેસે અને તેને એવી રીતે વાતો કરે જાણે પેલો બધું જ સમજતો હોય. તેણે એવું કહ્યું હતું કે, મને સંતોષ થઈ જાય છે કે મેં મારી વાતને કહી દીધી. ઘણા લોકો વળી ડાયરી લખીને પણ પોતાની અંદરની વાત બહાર લાવતા હોય છે.

આ બધું સાચું, પણ માણસને વાત સાંભળનારની સાથે હોંકારો પણ જોઈતો હોય છે. થોડોક સધિયારો, થોડીક સાંત્વના, થોડીક હૂંફ અને થોડીક એવી ખાતરી પણ જોઈતી હોય છે કે તું મારી સાથે છે ને? તમારી વાત કહેવા માટે જો કોઈ ન હોય તો એવી વ્યક્તિને શોધી કાઢો જે તમને સમજી અને સ્વીકારી શકે. જો એવી વ્યક્તિ હોય તો એને સાચવી રાખો. અમુક લોકો એવા હોય છે જે આપણા માટે ચિંતા કરતા હોય છે, આપણું ભલું ઇચ્છતા હોય છે અને આપણને પ્રેમ કરતા હોય છે. અને છેલ્લે એક ખાસ વાત, તમને કોઈ પોતાની વ્યક્તિ સમજીને તેની અંગત વાત કરે તો એ વાતને તમારા સુધી જ સાચવી રાખજો, કારણ કે તમને એ વાત કહેનાર માટે તમે સૌથી વધુ મહત્ત્વની વ્યક્તિ છો. એને તમારી કદર છે. તમારા ઉપર મૂકેલો ભરોસો જો તૂટશે તો એ ક્યારેય કોઈ પર ભરોસો નહીં મૂકી શકે.

પેશ-એ-ખિદમત
ઇતના ન અપને જામે સે બાહર નિકલ કે ચલ
દુનિયા હૈ ચલ-ચલાઓ કા રાસ્તા સંભલ કે ચલ
ક્યા ચલ સકેગા હમ સે કિ પહચાનતે હૈ હમ,
તૂં લાખ અપની ચાલ કો જાલિમ બદલ કર ચલ.
– બહાદુર શાહ ઝફર
(જામે=મર્યાદા. ચલ-ચલાવ=પરંપરા)

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 20 નવેમ્બર 2016, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

20-11-16_rasrang_26-5 in size.indd

4 Comments

  1. વાહ સરજી, અદભુત, 100% સત્ય વાતો, હમેશા કઈ ને કઈ નવીનતા, શરૂઆતથી લઈ ને અંત ના આવે ત્યાં સુધી વાચવાનું બંધ કરવા મન ના થાય, હમેશા થોડા સમયમાં જ નવીનતા લખવાની પ્રેરણાં ક્યાથી લઈ આવો તમે . ? તે પણ રસપ્રદ, અસામાન્ય અને ચિંતનાત્મક .? પ્રત્યુતર ની આશા રાખીશ આભાર .,

Leave a Reply