જીવના જોખમે પણ બધાને બસ ‘વાઇરલ’ થઇ જવું છે! – દૂરબીન

જીવના જોખમે પણ બધાને

બસ ‘વાઇરલ’ થઇ જવું છે!

55

દૂરબીન- કૃષ્ણકાંત ઉનડકટ

વાઇરલ થવાનો ક્રેઝ ગાંડપણની હદ સુધી પહોંચ્યો છે.

આપણો વિડિયો બધા જોવા જોઇએ

એવી જીદ જીવલેણ બનતી જાય છે.

 

મશહૂર થવું હોય તો તમારા ઉમદા કામથી થાવ,

ગમે તેવાં ગતકડાં કરી ફેમસ થવાનો પ્રયાસ ન કરો.

 

ચીનમાં થોડા દિવસો પહેલાં જ બનેલી આ ઘટના છે. બેઇજિંગમાં બારબેક્યુ શોપ ચલાવતા એક યુવાનને ગતકડું સૂઝ્યું. એ ભાઇએ તીખાતમ લાલ મરચાનું ઓઇલ તૈયાર કર્યું. ગ્લાસ ભર્યો. મોબાઇલનો કેમેરો ચાલુ કરી આ ચીલી ઓઇલ ગટગટાવી ગયો. થાતા તો થઇ ગયું પણ એ પછી એની જે હાલત થઇ એ કમકમાટી ઉપજાવે એવી હતી. પેટમાં એવી લાય બળી કે એ માણસ પડીને ગોટો વળી ગયો. તાત્કાલિક દવાખાને ખસેડવો પડ્યો. એક અઠવાડિયાની સઘન સારવાર પછી તેની તબિયત થોડીક ઠેકાણે આવી.

 

આ ભેજાગેપ યુવાનને જ્યારે પૂછવામાં આવ્યું કે આવું કરતૂત તેં શા માટે કર્યું? એણે કહ્યું કે મારે યુટ્યૂબ પર વાઇરલ થવું હતું! મારી ઇચ્છા હતી કે લોકો મને યુટ્યૂબ સ્ટાર તરીકે ઓળખે. બેકઅપ માઇન્ડમાં એવું પણ હતું કે મારો વિડિયો જોઇને લોકો મને મળવા આવશે અને મારી હોટલ પણ ધમાકેદાર ચાલવા માંડશે. આ ભાઇનો વિડિયો વાઇરલ તો થયો જ પણ એ ટેગલાઇન સાથે કે જુઓ આવા ઇડિયટ પણ હોય છે! યુટ્યૂબ પર આ વિડિયો છે, જોવો હોય તો જોઇ લેજો અને આવા ધંધા કોઇ કરવા જતા હોય તો એને રોકજો!

 

આજકાલ લોકોને તરત જ ફેમસ થઇ જવું છે. સેલ્ફી લેવા ગયા અને ખાઇમાં પડી ગયા, પાણીમાં તણાઇ ગયા, ઇલેક્ટ્રિક વાયર સાથે ચોંટી ગયા કે ટ્રેન નીચે કપાઇ ગયા એવા કિસ્સા તો આપણે ઘણા સાંભળ્યા છે, પણ હવે નાનકડો વિડિયો તૈયાર કરીને ‘વાઇરલ’ થઇ જવાનું ગાંડપણ પણ લોકોને અને ખાસ કરીને યંગસ્ટર્સને ઊપડ્યું છે. હું કંઇક એવંુ કરું કે બધા મને જુએ, મારો વિડિયો ફરતો થઇ જાય, મારા વિશે વાતો થાય અને લોકો મને અળખે એવી દાનત જોખમી પુરવાર થઇ રહી છે. બધાને ‘સેલિબ્રિટી સ્ટેટસ’ જોઇએ છે! હા, આપણી સાથે અચાનક કંઇક થાય અને એ ફની હોય કે પછી ટ્રેજિક હોય, એ વિડિયો વાઇરલ થાય તો એ વાત જુદી છે પણ હાથે કરીને મગરના મોઢામાં માથું મૂકવા જેવા અટકચાળા ન કરાય! અમુક લોકો તો એવું પણ કહે છે કે જોજે હોં, કોઇને એમ ન લાગવું જોઇએ કે આ પ્લાન્ડ છે, એકદમ નેચરલ લાગવું જોઇએ! થોડીક લાઇક્સ કે કમેન્ટસ માટે થઇને લોકો કંઇ પણ કરવા તૈયાર થઇ જાય છે.

 

ઇન્સ્ટાગ્રામ પર ચાલેલી ફાયર સ્પ્રે ચેલેન્જે અમેરિકા, બ્રિટન સહિત આખા યુરોપમાં હાહાકાર મચાવ્યો હતો. આ ચેલેન્જ જે રીતે વાઇરલ થતી જતી હતી એ જોઇને લંડન ફાયર બ્રિગેડે તો રીતસરનું એલર્ટ જાહેર કરવું પડ્યું હતું. લંડનની કમ્યુનિટી સેફ્ટીના ગ્રૂપ મેનેજર માર્ક હેઝલ્ટને તો આ ચેલેન્જને સ્ટુપિડ એન્ડ ડેન્જરસ કહીને યંગસ્ટર્સને અને મધર-ફાધર્સને સાવચેત રહેવા વિનંતી કરવી પડી હતી.

 

બાય બ વે, આ ફાયર સ્પ્રે ચેલેન્જ શું છે? એક હાથમાં લાઇટર રાખવાનું અને બીજા હાથમાં કોઇપણ સ્પ્રે. લાઇટર ચાલુ કરવાનું અને પછી લાઇટરની ફ્લેઇમ પર સ્પ્રે કરવાનો! ભૂમ્મ થઇને મોટો ભડકો થાય! હવે એનો વિડિયો ઉતારીને યંગસ્ટર્સ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ પર મૂકે છે. અમુક યંગસ્ટર્સ પાસે લાઇટર હાથવગું ન હતું એટલે તેણે માચીસની દીવાસળી લીધી. દીવાસળી સળગાવી અને ફટ દઇને દીવાસળી સળગી ગઇ, આગ હાથ અને કપડામાં ફેલાઇ ગઇ. આ ચેલેન્જે ઘણા યંગસ્ટર્સને દવાખાને પહોંચાડ્યા છે. કાર્પેટ અને પડદા બળી ગયાં હોય એવી ઘટના તો ઢગલાબંધ છે. તમારે જોવું હોય તો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ પર સર્ચમાં ફાયર સ્પ્રે ચેલેન્જ આપજો. જોજો પણ મહેરબાની કરીને આવું કરવાના ધંધા ન કરશો, અહીં જે વાત કરું છું એ આવું કંઇ ન કરવા માટે છે, કરવા માટે નહીં!

 

યુટ્યૂબ ઉપર કિડ્સના ફની વિડિયો બહુ જોવાય છે અને વાઇરલ પણ થાય છે. આવા વિડિયો જોઇને ઘણાં મા-બાપને પણ પોતાના દીકરા કે દીકરીને ‘વાઇરલ’ કરવાની ચાનક ચડે છે. એનું સૌથી મોટું ઉદાહરણ તો નાના બાળકને પહેલી વખત લીંબુ ચખાડવાનો વિડિયો છે. સાવ નાના બાળકને લીંબુની ચીર મોઢામાં આપો પછી ખટાશના કારણે એના ચહેરા પર જે એક્સપ્રેશન આવે છે એ જોવા જેવા હોય છે. મોઢું અને આંખ બંધ કરીને એ એવી રીતે માથાને ઝટકો આપે છે જાણે ખટાશ એના મગજમાં ચડી ગઇ ન હોય! ખરેખર, એ જોવાની મજા આવે પણ તમે ક્યારેય એ બાળકનો વિચાર કર્યો છે? ઘણા કિસ્સામાં એવું પણ થયું છે કે લીંબુ ચખાડ્યા પછી બાળકે કંઇ જ એક્સપ્રેશન ન આપ્યા. તો બીજી વખત અને છેલ્લા આઠ-દસ વખત ચખાડ્યું પણ બાળકે કંઇ જ રિસ્પોન્સ ન આપ્યો. આવા વખતે મા-બાપ હતાશ થાય છે કે, આ તો કંઇ કરતો જ નથી, હવે આપણે અપલોડ શું કરીશું? લીંબુ ચખાડ્યા પછી બાળક રડવા લાગ્યું હોય એવા પણ અનેક કિસ્સા છે. તમને ખબર છે, યુટ્યૂબ પર તો બેબીઝ ઇટિંગ લેમન્સ ફોર ધ ફર્સ્ટ ટાઇમ નામની કોમ્પિટિશન યોજાય છે. આપણા માટે એ સમજવું અઘરું થઇ પડે કે આવું કરીને મા-બાપ સાબિત શું કરવા માગે છે?

 

યુટ્યૂબ ઉપર ફની   પ્રેંક બહુ ચાલે છે. તમે શું માનો છો એ બધા જ સાચા હોય છે? તમામ ખોટા નહીં હોય પણ પ્લાન્ટેડ હોય એવા ઘણા છે. આપણને એમ લાગે કે કેવો ડરી ગયો કે કેવી ડરી ગઇ, હકીકતે એ એક્ટિંગ જ હોય છે. યુટ્યૂબ ઉપર હિટ, વ્યૂ અને લાઇક મેળવવા માટે અને એના દ્વારા કમાણી કરવા માટે પણ આવું થતું હોય છે. વ્હોટસએપ પર આજકાલ ટચૂકડી જીફ (જીઆઇએફ) ફાઇલ બહુ ફરવા લાગી છે. થોડા જ સેકન્ડ્સનો આ વિડિયો જોવો તો ગમે એવો હોય છે પણ એને સાચી માની ન લેવો અને ખાસ તો એના જેવું કરવાનો ક્યારેય પ્રયાસ ન કરવો.

 

ઇન્ટરનેટની દુનિયા આભાસી અને છેતરામણી છે. એમાં જે હોય એ સાચું જ હોય એવું જરૂરી નથી. ટેક્નોલોજી એવી થઇ ગઇ છે કે બે ઘટના નહીં પણ અનેક ઘટનાને મર્જ કરી એક વિડિયો બનાવાય છે. ગૂગલ સર્ચ ઉપર ટોપ ટેન ફેક વાઇરલ વિડિયો એવું લખજો એટલે તમને ખબર પડશે કે તમે જેને સાચી માની લીધો હતો એ વાઇરલ વિડિયો તદ્દન નકલી હતો. આજના યંગસ્ટર્સ ખાસ તો આવા વિડિયોને સાચી માની લઇ જોખમી કરતૂતો કરવા લાગ્યા છે. તેનાથી બચવાની જરૂર છે જે નવું નવું સામે આવતું જાય છે એને ગાંડાની જેમ ફોલો કરવાની જરૂર નથી. હા, તમારા સારા કામથી ‘વાઇરલ’ થાવ એમાં કંઇ ખોટું નથી. કંઇક એવું ઉમદા કામ કરો કે લોકોને એ વાત જોઇ-સાંભળીને એમ થાય કે વાહ ક્યા બાત હૈ પણ વાઇરલ થવાની દાનતથી ગમે એવા ગાંડાઘેલા કાઢવા જશો તો પછી જે થાય એ ભોગવવાની તૈયારી રાખજો. બેટર તો એ જ છે કે આવા ખતરાથી દૂર સારા, ગુજરાતીની પહેલી કહેવત યાદ રાખવા જેવી છે કે ઝેરનાં પારખાં ન હોય!

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 23 ઓકટોબર 2016, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

[email protected]

23-10-16_rasrang_DOORBEEN.indd

 

 

 

Krishnkant Unadkat,

Magazine Editor,

Divya Bhaskar,

Ahmedabad.

Cell :09825061787.
e-mail : [email protected]

Blog : www.krishnkantunadkat.blogspot.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *