આટલા બધા સારા નહીં થવાનું, દુનિયા સારી નથી! – ચિંતનની પળે

આટલા બધા સારા નહીં

થવાનું, દુનિયા સારી નથી!

56

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે?

એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે!

ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,

એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.

-હેમેન શાહ

 

માણસની સૌથી મોટી ખૂબી શું છે? એ જ કે બે માણસ ક્યારેય એકસરખા નથી હોતા. ભિન્નતા એ કુદરતની ફિતરત છે. ચહેરા એકસરખા હોઈ શકે, પણ પ્રકૃતિ નહીં. સાથે જ જન્મેલા ટ્વિન્સમાં પણ આસમાન-જમીનનો ફરક હોય છે. અંગૂઠો બધાને હોય છે, પણ અંગૂઠાની છાપ ક્યારેય એકસરખી હોતી નથી. હાથની લકીર અને આંખોની ‘નજર’ પણ ક્યાં સરખી હોય છે. આંખો સારી હોય, પણ નજર સારી હોતી નથી. ઓછું જોઈ શકતા માણસની દૃષ્ટિ પણ વિશાળ હોઈ શકે. ગુલાબનાં ફૂલમાં બે ફૂલ તો શું, બે કાંટા પણ સરખા હોતા નથી. ચંદ્ર દરરોજ નાનો-મોટો થાય છે. દરિયાનાં મોજાં માણસના મૂડની જેમ ઊંચાં કે નીચાં પછડાતાં રહે છે.

 

આપણે બધા શ્વાસ લઈએ છીએ, પણ શ્વાસની રિધમ એકસરખી હોતી નથી. લોહી બધામાં છે, પણ બ્લડગ્રૂપ જુદાં જુદાં છે. આંસુ દેખાય છે એકસરખાં, પણ વેદના જુદી જુદી છે. આ બધું શું સાબિત કરે છે? સરવાળે એ જ કે તમે ‘યુનિક’ છો, તમારા જેવું બીજું કોઈ નથી. તમે કેવા છો એ તમને ખબર, પણ એક વાત નક્કી છે કે તમે જુદા છો. તમે કાં તો સારા છો, કાં તો ખરાબ છો, તમે અમુક લોકો માટે સારા હોઈ શકો અને કેટલાક લોકો માટે ખરાબ પણ હોઈ શકો. એ તમારી ચોઇસ છે, પણ તમે કોઈના માટે કેવા છો એ એમની ચોઇસ છે. તમે તમારી ઇમેજ કોઈના ઉપર ઠોકી બેસાડી ન શકો. હા, તમે તમારી ઇમેજ ચોક્કસ પણ બનાવી શકો, પણ સામેનો માણસ એ સ્વીકારે જ એવું જરૂરી નથી.

 

જેની છાપ સારી છે એ કોઈને ખરાબ પણ લાગી શકે. ખરાબ માણસ પણ કોઈના માટે સારો હોઈ શકે. માણસની મજા જ એ છે કે એ બધાથી જરા હટકે હોય છે. માણસના પ્રકારો પાડવા અઘરા છે. ડાહ્યો, પાગલ, ક્રેઝી, મૂડી, ભેજાગેબ, સાયકો, ચક્રમ, ભેદી, મીંઢો, બદમાશ, નાલાયક, રૂડ, રફ, બિન્ધાસ્ત, મનમોજી, છેતરામણો, અળખામણો, ઉદાર, કંજૂસ, લોભી અને બીજાં અસંખ્ય લેબલ તમે માણસ સાથે જોડી શકો. ઘણા લોકોની વાત નીકળે તો એવું બોલી દેવાય છે કે એ તો ‘ભગવાનનો માણસ’ છે. ભગવાનના માણસ થવું સહેલું છે, પણ માણસના માણસ થવું અઘરું છે, કારણ કે ભગવાન આપણી સાથે રહેતો નથી, માણસ આપણી સાથે રહે છે. આ માણસ પણ પાછો દરરોજ બદલે છે. માણસ સાથે એટલે જ સતત બેલેન્સ રાખવું પડે છે. માણસને કાયમ માટે પામવો હોય તો દરરોજ એની સાથે થોડું થોડું બદલવું પડે છે. એક વ્યક્તિ એની જગ્યાએ જ જડ થઈ જાય તો સંબંધનો અંત આવી જાય છે. હા, મન મનાવી અને ચાલતું હોય એમ ચાલવા દઈ અમુક સંબંધો ટકાવી રખાય છે, પણ એમાં સહજતા હોતી નથી, એમાં સ્વીકાર હોતો નથી, એમાં માત્ર સમાધાનો હોય છે.

 

દુનિયા કેવી છે એના કરતાં પણ વધુ મહત્ત્વનું એ છે કે હું કેવો છું. દુનિયા તો જેવી હશે એવી જ રહેવાની છે, આપણે તેને બદલી ન શકીએ. આપણે આપણું પોતાનું જગત સર્જી શકીએ. તમે સારા છો? હશો. જોકે, એનો મતલબ જરાયે એવો નથી કે તમારી સાથે સારું જ થાય, તમને સારા લોકો જ મળે. ઘણાને એવા વિચાર આવે છે કે હું તો સારો છું કે હું તો સારી છું, તો પણ મારી સાથે કેમ આવું થાય છે? એનું એક કારણ એ જ છે કે બધા તમારા જેવા નથી. તમારે બીજા જેવા થવાની જરૂર પણ નથી. તમે બીજા જેવા થઈ પણ નહીં શકો. થવા જશો તો કદાચ ક્યાંયનાં નહીં રહો. એના કરતાં તો એ જ સારું છે કે તમારા જેવા રહો. હા, તમે સારા બની શકો, પણ સારા બનવાની અને સારા રહેવાની પણ કિંમત ચૂકવવી પડે છે. ખરાબ માણસે પણ ક્યાં કિંમત ચૂકવવી નથી પડતી? જેલમાં જે લોકો છે એ બધા કિંમત જ ચૂકવે છેને? બહાર પણ જે બૂરાં લોકો છે એ ભલે મજા કરતાં હોય એવું લાગે, પણ એ લોકો પણ એની સજા તો ભોગવતા જ હોય છે.

 

આપણે બીજાની ચિંતા કરવાની જરાયે જરૂર નથી. આપણે બસ આપણી ફિકર કરવાની હોય છે. તમે સારા હોવ તો એ પૂરતું છે. સારા લોકોએ સૌથી વધુ સામના કરવા પડતા હોય છે. શ્રેષ્ઠતા સંઘર્ષ વગર નથી મળતી. લોઢું આગમાં ઓગળી જાય છે અને સોનું વધુ નિખરે છે. હીરો ઘસાયા પછી જ ચમકે છે અને પારાનાં ફોદેફોદાં થઈ જાય છે. સારા હોવ તો સંઘર્ષની તૈયારી રાખો. માત્ર બહારના લોકો કે બહારના વાતાવરણ સાથે જ નહીં તમારે તમારી સાથે પણ સંઘર્ષ કરતા રહેવું પડશે. એનું કારણ એ છે કે આપણને પણ ક્યારેક એવો વિચાર આવી જતો હોય છે કે સારા રહીને મને શું મળી ગયું? જે મળતું હોય છે એ ‘સારાપણું’ જ હોય છે અને આજના જમાનામાં એ દુલર્ભ બનતું જાય છે. સારાપણું પણ ભોગવવું તો પડે જ!

 

ફ્રેન્ડ્સનું એક ગ્રૂપ હતું. આ ગ્રૂપમાંથી બે ફ્રેન્ડ ખૂબ જ અંગત હતા. એક વખત ફ્રેન્ડ્સના ગ્રૂપે ફરવા જવાનો પ્લાન કર્યો. બધા નક્કી કરતા હતા, ત્યારે બે-ત્રણ ફ્રેન્ડ્સે એક ફ્રેન્ડનું નામ લઈ એવું કહ્યું કે, યાર એને નથી લઈ જવો. એને કહેવું જ નથી. એ ભગત માણસ છે, આપણી મજા બગાડી નાખશે અને શિખામણો આપતો રહેશે. આ ફ્રેન્ડને ના પાડવાની વાત થઈ એટલે તેના અત્યંત અંગત મિત્રને દુ:ખ થયું. એણે દલીલો કરી, પણ એનું ન ચાલ્યું. એને નથી કહેવું એટલે નથી કહેવું એ ફાઇનલ.

 

એ મિત્રએ તેના અંગત મિત્રને વાત કરી કે, બધા ફરવા જવાના છે, પણ તને લઈ જવાની ના પાડે છે. એવું કહે છે કે, તને કહેવું જ નથી. આ વાત સાંભળીને એ મિત્રએ કહ્યું કે, ઇટ્સ ઓકે. એ લોકોને જો એવું લાગતું હોય કે મારા આવવાથી મજા બગડશે તો ફાઇન, નો પ્રોબ્લેમ. હા, હું કદાચ થોડોક જુદો છું, પણ હું જેવો છું એવો છું. તું જાય એમાં પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. હું એ બધા જેવો નથી, મારા જેવો છું, હું એવી આશા રાખી ન શકું કે એ બધા મારા જેવા થાય, કારણ કે હું પણ ક્યાં એમના જેવો થઈ શકું છું!

 

જિંદગીમાં ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણી નજીકના લોકો પણ આપણને અમુક બાબતોથી દૂર રાખે. બે મિત્રોની આ વાત છે. બંને વેપાર સાથે સંકળાયેલા હતા. એક મિત્રએ બીજા એક માણસ સાથે પાર્ટનરશિપમાં નવો બિઝનેસ શરૂ કર્યો. આ વાતની ખબર પડી ત્યારે તેના મિત્રએ પૂછ્યું કે, તેં પાર્ટનરશિપ માટે મને કેમ ન કહ્યું? તેના મિત્રએ જવાબ આપ્યો કે, તારો એક પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમ એ છે કે તું બહુ સારો છે. તું મને બિઝનેસમાં અમુક રીતે કામ નહીં કરવા દે. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, મને એ વાતની ખુશી છે કે તું મને પૂરેપૂરો ઓળખે છે!

 

આપણને સાવ સાચી રીતે ઓળખતા હોય એવા લોકો પણ હોય છે. એ ભલે અમુક વાતે આપણને દૂર રાખે, પણ એની કદર થવી જોઈએ કે એને ખબર છે કે આપણે કેવા છીએ. એક છોકરા અને છોકરીની આ વાત છે. એક વખત છોકરાએ છોકરીને કહ્યું કે, તું મને બહુ ગમે છે. છોકરીએ કહ્યું કે, થેંક્યૂ યાર, પણ રહેવા દે. આપણે આગળ નથી વધવું. એનું કારણ એ છે કે તું બહુ સારો છે, સિન્સિયર છે, મહેનતુ છે, હું એવી નથી. હું જુદી છું. તારાથી તદ્દન જુદી. તારા લાયક નથી. હું તારા જેવી બની શકું એમ નથી અને હું એવું પણ નથી ઇચ્છતી કે તું મારા જેવો બને. તું જેવો છે એવો જ સારો છે અને કદાચ હું મારી જગ્યાએ યોગ્ય છું.

 

દરેક માણસથી આપણું સારા હોવું સહન નથી થતું. દરેક માણસને એના જેવો માણસ જ જોઈતો હોય છે અને એની સાથે જ એને ફાવતું હોય છે. આપણા જ લોકો ક્યારેક આપણને એવું કહેતા હોય છે કે આટલા બધા સારા નહીં થવાનું, દુનિયા સારી નથી. દુનિયા કેવી છે? દુનિયા જેવી છે એવી એની જગ્યાએ છે, દુનિયા જેવા થવું બહુ સહેલું હોય છે, આપણા જેવું રહેવું જ અઘરું હોય છે. અઘરાની એક મજા છે અને એ અનોખા બની રહેવાની મજા જ અલૌકિક અને અદ્્ભુત છે.

 

 

છેલ્લો સીન:

દુનિયા સરવાળે તો આપણે જેવા હોઈએ એવી જ આપણને લાગતી હોય છે. આપણે ઘણી વખત દુનિયાને ખોટી બદનામ કરતા હોઈએ છીએ! –કેયુ.

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 19 ઓકટોબર, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

19-october-2016-56

 

2 Comments

Leave a Reply