મારે જરૂર હતી ત્યારે તું ક્યાં હતો? – ચિંતનની પળે

મારે જરૂર હતી ત્યારે
તું ક્યાં હતો?

55

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

અબકે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબોં મેં મિલે,
જિસ તરહ સુખે હુએ ફૂલ કિતાબોં મે મિલે,
તૂ ખુદા હૈ ન મેરા ઇશ્ક ફરિશ્તોં જૈસા,
દોનોં ઇન્સાં હૈ તો ક્યૂં ઇતને હિજાબોં મેં મિલે.
-અહમદ ફરાઝ

મારે તારી જરૂર હોય છે, ખુશીની દરેક ક્ષણે અને ઉદાસીની તમામ પળે. મારી ‘આહ’માં પણ મને તું જોઈએ છે અને મારી ‘વાહ’માં પણ તને હું ઝંખું છું. હસતી હોઉં ત્યારે તું હોય તો મારી મજા મલ્ટિપ્લાય થાય છે, રડતી હોય ત્યારે તું હોય તો આંસુનો ભાર હળવો લાગે છે. કંઈ ખરીદવા જાઉં છું ત્યારે તું હોય તો લાગે છે જાણે મારી પસંદગી ઉપર પ્રેમની મહોર લાગી ગઈ. રોડ ક્રોસ કરતી વખતે તારો હાથ હાથમાં હોય તો એક ગજબની ધરપત હોય છે. તૈયાર થાઉં ત્યારે તું કહે કે મસ્ત લાગે છે તો મારું સૌંદર્ય સોળે કળાએ ખીલી જાય છે. તું ન હોય તો કંઈ અટકતું નથી, પણ સમથિંગ મિસિંગ તો લાગે છે!

તું મારા વિચારોમાં છે. તું મારી પ્રાર્થનામાં છે. શરીરમાં લોહીની સાથે તારું અસ્તિત્વ ફરતું રહે છે. તારી ગેરહાજરીમાં તને અનુભવું છું, પણ તારી હાજરીમાં તને પામી ગઈ હોઉં છું. ડાયરી લખતી હોઉં ત્યારે તું સામે હોય તો મારા શબ્દો પણ શણગાર સજીને પેનમાંથી અવતરતા હોય છે. તારા વગર ચેન પડતું નથી અને આંખોમાં ઘેન પણ ચડતું નથી. મને ખબર છે તને પણ મારા જેવું જ થાય છે.

તેં જે કહ્યું હતું એ મને પણ યાદ છે. તેં કહ્યું હતું, જ્યારે મેઘધનુષ જોઉં છું ત્યારે તું મને જોઈએ છે. તું હોય તો મેઘધનુષ વધુ રંગીન બની જાય છે. દરિયાકિનારે ખુલ્લા પગે ચાલુ છું ત્યારે રેતીમાં પડેલાં બે પગલાં મને અધૂરાં લાગે છે અને તારાં પગલાં માટે તલસાટ જાગે છે. શિયાળાની સવારે ફૂલની પાંદડી પર રચાયેલું ઝાકળબિંદુ આંગળીના ટેરવા પર લઉં છું ત્યારે એમ થાય છે કે તું હોત તો? તું હોત તો એ ઝાકળબિંદુ તારી આંખમાં રોપી તને ટાઢકના દરિયાનો અહેસાસ કરાવત. ઓફિસમાં બોસ જ્યારે ભરી મિટિંગમાં મારાં વખાણ કરતા હતા ત્યારે થતું હતું કે તું હોત તો મારા કરતાંયે વધુ પ્રાઉડ તને ફીલ થતું હોત.

તમને ક્યારે એવું લાગે છે કે તમને તમારી વ્યક્તિની જરૂર છે? દરેક પ્રેમીને એવું થતું જ હોય છે કે તું મને થોડોક વહેલો મળ્યો હોત કે થોડીક વહેલી મળી હોત તો કેવું સારું હતું? અગાઉના સમયમાં તું નહોતો કે તું નહોતી, પણ હવે એવું થાય છે કે ત્યારે તું હોત તો કેવું સારું હોત! આપણને ઘણી વખત એવું થતું હોય છે કે એ હોત તો કેવું સારું થાત, આપણને ક્યારેય એવું થાય છે કે હું તેની સાથે હોત તો એને કેવું સારું લાગત? કોઈને તમારી જરૂર હોય ત્યારે તમે ત્યાં હોવ છો ખરા? આપણે બહુ પ્રેમથી એવું બોલી દઈએ છીએ કે, આઈ એમ ધેર ફોર યુ ઓલવેઝ. ક્યારેક વિચારજો કે એમ આઈ ધેર? હું ત્યાં છું? આપણને એ વાતનો અહેસાસ પણ હોય છે કે એને અત્યારે મારી જરૂર છે. મોટા પ્રસંગો તો દૂરની વાત છે, નાની નાની ઘટનાઓ વખતે પણ આપણને આપણી વ્યક્તિની જરૂર હોય છે. તારા વગર તો ફરવા જવાની પણ મજા નથી આવતી. કંઈક નવી વાનગી બનાવતી વખતે પણ એમ થાય છે કે તું જોને, હું કેવી રીતે બનાવું છું. તને ચખાડતી વખતે તારો અભિપ્રાય મારી મહેનતને મજામાં ફેરવી દે છે. દરેકની જિંદગીમાં એક એવી વ્યક્તિ હોય છે જેની હાજરી, જેનો અભિપ્રાય અને જેની મહોર આપણા માટે સર્વસ્વ હોય છે. બે આંખો સતત પોતાની વ્યક્તિને શોધતી હોય છે, એ નજરે ન પડે ત્યારે આંખોમાં ભેજ બાઝે છે. એક ફરિયાદ ઊઠે છે કે તું ક્યાં છે? કેમ મારી પાસે નથી? મને તારી જરૂર છે!

એક પ્રેમીયુગલની વાત છે. છોકરી કરિયર ઓરિએન્ટેડ હતી. પ્રેમ છે એ બરોબર છે, પણ બીજી પણ પ્રાયોરિટીઝ છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે પ્રેમ એ તો ફુરસદમાં કરવાનું જ કામ છે. પ્રેમ માટે ફુરસદ નહીં, ફીલિંગ જરૂરી છે. છોકરાને દરેક નાની-મોટી વાતમાં એની હાજરી ખપતી. એ ન હોય ત્યારે એ મન મનાવી લેતો. જોકે, ધીમે ધીમે એ બંને વચ્ચે ડિસ્ટન્સ વધતું ગયું. છોકરાએ સ્વીકારી લીધું કે એ નહીં આવે. એની ફુરસદે અને એની ઇચ્છાએ જ આવશે. સંબંધોની માવજત ન કરીએ તો સંબંધ પણ ઉતેરાડો રહે છે, તેમાં પણ ઉઝરડા પડતા રહે છે. એક વખત એવું થયું કે, છોકરીને તેની જોબમાં સેટબેક આવ્યો. બહુ એકલું ફીલ થતું હતું. ઘરમાં એકલી ડિસ્ટર્બ હતી. અચાનક ડોરબેલ રણક્યો. દરવાજો ખોલ્યો તો સામે એનો પ્રેમી ઊભો હતો. પ્રેમિકાને સારું લાગ્યું. જોકે, તેણે કહ્યું કે, મને અપેક્ષા ન હતી કે તું આવીશ. મને તારી જરૂર હતી, પણ હું તને બોલાવી ન શકી. કદાચ હિંમત ન થઈ. પ્રેમીએ કહ્યું, ફર્ગેટ ઇટ. આઈ એમ હિયર ફોર યુ. હું નથી ઇચ્છતો કે તને એવું થાય કે, મારે જરૂર હતી ત્યારે તું ક્યાં હતો? મને ઘણી વાર એવું થયું છે કે મારે તારી જરૂર હતી ત્યારે તું ક્યાં હતી? મને બહુ પીડા પણ થતી હતી. મેં જે પીડા અનુભવી છે એવી પીડા મારે તને આપવી નથી. મને તો બસ એટલું જ ફીલ થયું કે એને અત્યારે મારી જરૂર છે. નાવ ચિયરઅપ, હેવ સમ ફન. ફર્ગેટ એવરીથિંગ એન્ડ જસ્ટ રિલેક્સ.

જિંદગીમાં ઘણી વખત એવો સમય પણ આવે છે જ્યારે આપણે પ્રાયોરિટી પસંદ કરવી પડે છે. બે કે તેથી વધુ રસ્તા હોય ત્યારે કઈ તરફ જવું એ નક્કી કરવું અઘરું બની જાય છે. એવા સમયે શું અપનાવવું અને શું છોડવું એના ઉપરથી આપણી વ્યક્તિ તરફની આપણી આત્મીયતા નક્કી થતી હોય છે. હમણાંની જ એક સાવ સાચી ઘટના છે. ઓફિસમાં એક દાયકા કરતાં પણ વધારે સમયથી અને બહુ જ સારી રીતે કામ કરતી એક યુવતીએ આવીને એના બોસને કહ્યું, એ રાજીનામું આપે છે. બોસે કહ્યું કે, કેમ બીજી કોઈ સારી ઓફર છે? એની આંખો ભીની થઈ ગઈ. તેણે કહ્યું, ના કોઈ ઓફર નથી. મને મારું કામ, આ કંપની, મારી સાથે કામ કરતાં લોકો ખૂબ જ ગમે છે. રાજીનામું આપતાં જીવ પણ નથી ચાલતો, પણ થોડુંક મનોમંથન કરીને એવા નિર્ણય પર આવી છું કે, એને મારી જરૂર છે તો હું ત્યાં હોવી જોઈએ.
એણે માંડીને વાત કરી. આઠમા ધોરણમાં ભણતો તેનો સન થોડા દિવસથી એવું કહેવા લાગ્યો હતો કે, હવે તું મારી સાથે રહેને, મારે તારી જરૂર છે. સ્કૂલેથી પાછો આવું પછી બહુ એકલું લાગે છે. યુવતીએ વાત આગળ વધારી કે એ નાનો હતો ત્યારે તો દાદા-દાદી પાસે મૂકીને જતી, પણ એને હું જોઈએ છે. હમણાં બીમાર હતી એટલે રજા લેવી પડી હતી. એ વખતે તેણે કહ્યું કે, ભલે તું બીમાર પડી, મારી સાથે ઘરમાં તો છે. એ દિવસે જ મેં નક્કી કરી લીધું હતું કે હવે જોબ છોડી દઈશ. બસ, એટલે જ રાજીનામું આપું છું. મારા માટે ચોવીસ કલાક ઘરમાં રહેવું ખૂબ આકરું હશે, પણ મને અત્યારે એટલી જ ખબર છે કે, મારા સનને મારી જરૂર છે. બોસે કહ્યું કે, રાજીનામું આપવાનું આટલું વાજબી કારણ મેં પહેલી વખત જોયું.

સંબંધો સમય અને સંજોગો ઉપર પણ આધાર રાખતા હોય છે. સુખમાં અને દુ:ખમાં યાદ આવતા લોકો ઘણી વખત જુદા જુદા હોય છે. સારું લગાડવા જવું કે આવવું એ જુદી વાત છે અને જરૂર હોય ત્યારે હોવું એ તદ્દન અલગ જ વાત છે. ખરાબ સમયે જ કોઈને આપણી જરૂર હોય છે એવું નથી હોતું, સારા સમયે પણ કોઈ આપણી વાટ જોતું હોય છે. હું હોઈશ કે હું છું એવું કોઈને કહી દીધા પછી થોડોક વિચાર એ પણ કરજો કે તમે છો? આર યુ ધેર? ન હોવ તો એટલું જ યાદ રાખજો કે પાછા વળવામાં માત્ર યુટર્ન લેવા જેટલી જ વાર હોય છે.

છેલ્લો સીન:
જે આંસુ દેખાતાં નથી એ દિલને હલાવી નાખે છે.- ધૂમકેતુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 12 ઓકટોબર, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

[email protected]

26.5 in size.indd

6 Comments

Leave a Reply