કાં પ્રેમ કર, કાં નફરત કર પણ આવું ન કર! – ચિંતનની પળે

કાં પ્રેમ કર, કાં નફરત કર

 પણ આવું ન કર!

54

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

 

મે ખુદ ભી કરના ચાહતા હૂં અપના સામના,

તુજકો ભી અબ નકાબ ઉતાર દેની ચાહિયે,

મે ફૂલ હૂં તો ફૂલ કો ગુલદાન હો નસીબ,

મે આગ હૂં તો આગ બુઝા દેની ચાહિયે.

-રાહત ઇન્દોરી

 

દોસ્તી અને દુશ્મની જુદા જુદા એક્સ્ટ્રીમ પર જીવાતા સંબંધ છે. સંબંધ કોઈ પણ હોય, એમાં ક્લેરિટી બહુ જ જરૂરી છે. દોસ્તી છે તો છે. દુશ્મની છે તો છે. પ્રેમ છે તો છે. નફરત છે તો છે. દરેક સંબંધ પવિત્રતા અને પ્રામાણિકતા સાથે નિભાવવો જોઈએ. દોસ્તીના ઉસૂલ હોય છે. દુશ્મનીના પણ સિદ્ધાંતો હોય છે. દુશ્મની પણ દિલથી નિભાવવાની હોય છે. દુશ્મનીનો પણ એક ગ્રેસ હોય છે, એક સ્ટાન્ડર્ડ હોય છે. દુશ્મની ભલે હોય, પણ હું અમુક હદથી નીચે ન ઊતરું. મને મારી દુશ્મનીનું પણ ગૌરવ છે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે નથી તો આપણી દોસ્તી દિલોજાનથી નિભાવતા કે નથી આપણી દુશ્મનીને વફાદારીથી નિભાવતા. દોસ્તી જાહેર નથી કરતા અને દુશ્મની પણ ખાનગી રાખીએ છીએ.

 

એક છોકરા અને છોકરીની આ વાત છે. બંને સાથે સ્ટડી કરતાં હતાં. એકબીજા પ્રત્યે ઉમદા લાગણી હતી. છોકરાને એક વખત એવી ખબર પડી કે તેની ફ્રેન્ડ બીજા કોઈને પ્રેમ કરે છે. આ વાતથી છોકરો છંછેડાયો. ધીમે ધીમે બંને વચ્ચે ડિસ્ટન્સ વધતું ગયું. છોકરો તેની ફ્રેન્ડની પીઠ પાછળ એની બૂરાઈ કરતો. સાથે હોય ત્યારે વળી સારી રીતે રહેતો. એક વખત છોકરીએ ચોખ્ખું પૂછી લીધું કે તને પ્રોબ્લેમ શું છે? તું કેમ આવું કરે છે? યાર, કાં પ્રેમ કર, કાં નફરત કર પણ આવું ન કર! જે કહેવું હોય એ મને કહેને! દોસ્તીમાં એટલો અધિકાર તો છે જ. દોસ્તી ન ગમતી હોય તો ના પાડી દે, પણ આમ બંને તરફથી રમત ન રમ. બીજું કોઈ મારા વિશે કંઈ ઘસાતું બોલ્યું હોત તો હું પરવા ન કરત, એની પાસેથી તો કોઈ અપેક્ષા જ ન હોય, પણ તારી પાસે એટલી તો અપેક્ષા છે જ કે જે સંબંધ રાખ એ પૂરેપૂરો રાખ. આધા અધૂરા નહીં, પૂરેપૂરા મધુરા!

 

દોસ્તીમાં અપેક્ષા હોય છે. અપેક્ષા વગરની દોસ્તી ન હોઈ શકે. સોશિયલ મીડિયા ઉપર કંઈક અપલોડ કર્યા પછી સેંકડો લાઇક્સ મળે, પણ જેની અપેક્ષા હોય એની લાઇક ન મળે ત્યારે થોડોક ખાલીપો અનુભવાતો હોય છે. હજારો લોકો અભિનંદન આપતા હોય અને એક વ્યક્તિ ન હોય ત્યારે કંઈક ખૂટતું લાગે છે. તાળીઓ પડતી હોય ત્યારે તેનો ધ્વનિ કાનને સ્પર્શતો હોય છે, પણ થોડીક તાળી સીધેસીધી દિલને સ્પર્શતી હોય છે. સફળતા હોય કે નિષ્ફળતા, સાથે મળીને કામ કરતાં હોય કે સામસામે, હમદર્દ હોય કે હરીફ હોય, એક અદબ જળવાવી જોઈએ. દરેક સંબંધનું વજૂદ રહેવું જોઈએ. ‘સ્પિરિટ’ માત્ર સ્પોર્ટ્સમાં જ જરૂરી નથી, જિંદગીમાં પણ રહેવું જોઈએ.

 

બે મિત્રો હતા. કોઈ મુદ્દે બંને વચ્ચે અણબનાવ બન્યો. એકબીજાનું સારું ન ઇચ્છતા. જોકે, એકબીજાનું બૂરું થાય એવો પણ ઇરાદો ન હતો. એક વખત એ મિત્રથી અંગત લાઇફમાં એક ભૂલ થઈ. બીજા મિત્રના એક સાથીદારે કહ્યું કે એકદમ પરફેક્ટ ચાન્સ છે એને બદનામ કરવાનો. આ વાત ફેલાવી દઈએ. એને પણ ખબર પડે કે દોસ્તી તૂટે ત્યારે શું હાલ થાય છે. બીજા મિત્રએ કહ્યું કે, ના એવું નથી કરવું. એની સાથે દોસ્તી નથી. કદાચ થોડીક દુશ્મની પણ છે. જોકે, મારી દુશ્મની આટલી છીછરી નથી. હું આવો હલકો ન થઈ શકું. મને તો  એની ઘણી નબળાઈઓ ખબર છે, પણ આ તકે હું તેનો ઉપયોગ ન કરું. એ વાતો ત્યારની હતી જ્યારે અમે મિત્રો હતા. એનો હવે ઇસ્તેમાલ કરું તો મારી દોસ્તી જ નહીં, દુશ્મની પણ લાજે.

 

દુનિયામાં બધા દોસ્ત હોય એવું જરૂરી નથી, દુશ્મનો પણ હોય છે. તમે જેમ ઊંચા સ્થાને હોવ એમ તેની સંખ્યા વધારે રહે છે. આપણી સાથે હોય એ બધા પણ મિત્રો અથવા તો શુભેચ્છકો જ હોય એ જરૂરી નથી. છાતી કરતાં પીઠ પાછળ ઘા કરવાનું લોકોને વધુ ફાવતું હોય છે. જે કંઈ થાય એ સીધું અને સામું જ થવું જોઈએ. દુનિયાને આપણે બદલી નથી શકતા. જે લોકો આવું કરે છે એ કરવાના જ છે. આપણે એટલી કેર કરવાની હોય છે કે હું તો આવું નથી કરતોને? દુનિયાને સારી જોવાનો ઇરાદો હોય તેણે પોતાના તરફ જોતા રહેવું જોઈએ કે હું તો સારો છુંને. તમે જેવા ન હોય એવી દુનિયાની તમે અપેક્ષા ન રાખી શકો.

 

હમણાંની એક ઘટના છે. એક ઓફિસમાં એક સિનિયરને એના નેક્સ્ટમેન સામે વાંધો હતો. બંનેને બનતું ન હતું. એક મિટિંગમાં પ્રમોશન આપવા વિશે ચર્ચા થતી હતી. એક ચોક્કસ કામ માટે બધાના અભિપ્રાય લેવાતા હતા. આખરે એનો વારો આવ્યો જેની સાથે એના સિનિયરને વાંધો હતો. તેણે કહ્યું કે, જે કામ માટે અભિપ્રાય માગ્યો છે એના વિશે હું કહીશ કે, હી ઇઝ બેસ્ટ. એ કામ માટે મારી ટીમમાં એના જેવું કોઈ બેસ્ટ નથી. મિટિંગ પૂરી થઈ ત્યારે તેના સાથીએ કહ્યું કે મને એવું હતું કે તું એનો નેગેટિવ ફિડબેક આપીશ. આ વાત સાંભળીને એણે કહ્યું કે, જો મને એની સામે વાંધો છે. અમુક મુદ્દે અમારે ડિફરન્સીઝ છે. આમ છતાં એ જેમાં બેસ્ટ છે એ છે. હું જુદો અભિપ્રાય આપું તો હું તેને અન્યાય ન કરું, પણ એ મારી જાત સાથે છેતરપિંડી છે.

 

ડબલ સ્ટાન્ડર્ડ એ આજના સમયની સૌથી મોટી કરુણતા છે. આપણો કોઈ અભિપ્રાય તટસ્થ નથી હોતો. આપણા મોટાભાગના અભિપ્રાય બાયસ્ડ હોય છે. કોઈ આપણને ગમે છે અથવા તો કોઈ આપણને નથી ગમતું એવું હોય ત્યારે એ શા માટે ગમે છે અથવા શા માટે નથી ગમતું તેનાં સ્પષ્ટ કારણો અને તેની ચોખ્ખી સમજ આપણને હોવી જોઈએ. દુશ્મની કે વિરોધ પણ એટલા મુદ્દે જ રહે તો એ સ્ટેજ ઉમદા હોય છે. આ મુદ્દે હું તારી સાથે સંમત નથી. આપણે શું કરીએ છીએ, જે સંમંત ન હોય એને વિરોધી સમજી લઈએ છીએ.

 

બે મિત્રોની વાત છે. એક કામ સોંપવા બાબતે બધાનાં મંતવ્યો લેવાતાં હતાં. અંગત મિત્રનો વારો આવ્યો ત્યારે એણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે હું નથી ઇચ્છતો કે તેને આ કામ સોંપવામાં આવે. આ વાત સાંભળી મિત્રને ખૂબ જ દુ:ખ થયું. આવું કરવાનું? આ જ દોસ્તી? તેણે બહાર આવીને તેના દોસ્તને કહ્યું કે મને તારી પાસેથી આવી અપેક્ષા ન હતી! તેં કેમ આવો નેગેટિવ અભિપ્રાય આપ્યો? મિત્રએ કહ્યું કે, મેં ઇરાદાપૂર્વક જ આવો જવાબ આપ્યો છે. તું જે કહે છે એ યોગ્ય છે. તારું ફોકસ એના ઉપર જ રહે એ જરૂરી છે. જે કામનો તને અનુભવ નથી એ કામ તારે માથે લઈને શા માટે તારું ધ્યાન વિચલિત કરવું જોઈએ? તું જેમાં બેસ્ટ છે એ જ કરને!

 

એ મિત્રએ પછી કહ્યું કે, સારું થયું તેં મને પૂછી જોયું. આપણો એક પ્રોબ્લેમ એ પણ હોય છે કે આપણે હર્ટ થાય પછી ક્યારેય આપણે એના વિષે ખુલ્લા દિલે વાત કરતાં નથી. મનમાં ગાંઠ બાંધી લઈએ છીએ. એક પછી એક ગાંઠ બંધાતી જ જાય છે અને એક સમય ઓગળી ન શકે એવો ગઠ્ઠો જામી જાય છે. સંવાદ સંબંધમાં સહજતાં લાગે છે. કંઈ પ્રોબ્લેમ છે તો પૂછી લો અને જે કહેવાનું લાગે એ કહી પણ દો. બસ, મનમાં કંઈ ન રાખો. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણે મનમાં રાખ્યું હોય એવું હોતું નથી. ચિત્રને સમજવા માટે બંને વ્યક્તિ ફ્રેમને એક તરફથી જ જુએ એ જરૂરી છે, અલગ અલગ જગ્યાએથી જોઈએ તો બનવા જોગ છે કે ચિત્ર જુદું જ લાગે!

 

દરેક સંબંધને સાત્ત્વિકતાથી જીવવાનો હોય છે. દોસ્તી હોય કે દુશ્મની, પ્રેમ હોય કે નફરત, આદત હોય કે આઘાત, બધાને પૂરી રીતે જીવવાનું હોય છે. હન્ડ્રેડ પર્સન્ટથી કંઈ જ ઓછું નહીં. દુશ્મની પણ દિલથી નભવી જોઈએ, કરુતાથી નહીં. આપણે જેવો વ્યવહાર કરીએ એમાં સરવાળે તો આપણી માનસિકતા જ વ્યક્ત થતી હોય છે. આપણો ગ્રેસ, આપણી ગરિમા સરવાળે આપણા હાથમાં જ હોય છે.

 

છેલ્લો સીન: 

કંઈ પણ કરતા પહેલાં માત્ર એટલો જ વિચાર કરો કે, આ મને શોભે? જવાબ ‘ના’ હોય તો એને પડતું મૂકવું એ સમજદારીનો જ એક ભાગ છે.- કેયુ

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 05 ઓકટોબર, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

 

05 OCTOBER 2016 54

 

4 Comments

Leave a Reply