અમિતાભે જ્યારે પિતાને કહ્યું, મને પેદા શું કામ કર્યો? : દૂરબીન

અમિતાભે જ્યારે પિતાને કહ્યું,
મને પેદા શું કામ કર્યો?

37

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

મા મા હોય છે અને બાપ બાપ હોય છે. બંનેની સરખામણી કોઇ જ હિસાબે વાજબી નથી. મા ગમે તે કરે તો પણ બાપનું સ્થાન લઇ શકતી નથી અને બાપ ગમે તેટલા ધમપછાડા કરે તો પણ માની જગ્યા ન લઇ શકે. મા વધુ મહાન કે પિતા વધુ ગ્રેટ? એવી ચર્ચા પણ અસ્થાને છે. બંને પોતપોતાની જગ્યાએ મહાન હોય છે. બાપ થોડોક જુદો હોય છે. ઘણી વખત એ મા જેટલો વ્યક્ત થઇ શકતો નથી. આસાનીથી રડી શકતો નથી. ઘણુંબધું દિલમાં દબાવીને બેઠો હોય છે. ચહેરો વધુ કરડાકીવાળો લાગતો હોય છે. મા કદાચ દિલથી વધુ વિચારતી હોય છે, બાપ દિમાગનો ઉપયોગ વધુ કરતો હોય છે. મા અને બાપમાં જે બેઝિક તફાવત છે એ રહેવાનો જ છે પણ એક વાત ક્યારેય બદલાવાની નથી કે તેને સંતાનોનું એટલું જ પેટમાં બળતું હોય છે જેટલું માને થતું હોય છે.

આજે ફાધર્સ ડે છે. આ દિવસ મધર્સ ડે જેટલો ગાજતો નથી. ઘણા લોકોને આવા ડેઝમાં વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ લાગે છે. હશે, આપણે ઉજવણીના માણસો છીએ. જો હોય સરસ મજાનું બહાનું તો સેલિબ્રેટ કરવામાં લિજ્જત છે. ફાધરને મધરની સરખામણીમાં કઠોર ગણવામાં આવે છે. કોઇ વાતે બ્લેઇમ કરવાનો હોય તો પણ ફાધરનો વારો મધર કરતાં પહેલો આવે છે. આજે એક બાપ-દીકરાની વાત કરવી છે. અમિતાભ અને હરિવંશરાય બચ્ચનની. આખી ઘટનામાં અમિતાભના એક વિચિત્ર સવાલમાં પિતાએ આપેલા પોઅટિક જવાબનો લાજવાબ અંદાજ પ્રગટ થાય છે.

સદીના મહાનાયકનું બિરુદ જેને આપાયું છે એ અમિતાભ બચ્ચને એક વખત પિતા અને કવિ હરિવંશરાય બચ્ચનને મોઢામોઢ કહી દીધું હતું કે મને પેદા શું કામ કર્યો? બચ્ચન પરિવાર ત્યારે દિલ્હીમાં રહેતો હતો. અમિતાભે ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું હતું. નોકરીની શોધ કરતા હતાં પણ ક્યાંય મેળ પડતો ન હતો. અમિતાભના મિત્રોની હાલત પણ એવી જ હતી. બધા હતાશ મિત્રો રોજ બળાપો કાઢતા કે ભણ્યા પછી પણ નોકરી મળતી નથી. એમાં અમિતાભના એક મિત્રએ એવું કહ્યું કે આપણી જે હાલત છે એના માટે આપણે જવાબદાર નથી પણ આપણા બધાના બાપા જવાબદાર છે, એણે આપણને પેદા શું કામ કર્યાં. અમિતાભને થયું કે આ દોસ્તો સાચું કહે છે, વાંક પિતાનો જ છે. એણે આપણને પેદા કર્યા ત્યારે આપણી આ હાલત થઇ છે ને.
ખુદ અમિતાભે કહ્યું છે કે એ દિવસે ઘરે જઇને, નોકરી નથી મળતી એ વાત કરીને પિતાને સંભળાવી દીધું કે, મને પેદા શું કામ કર્યો? હરિવંશરાય એક શબ્દ ન બોલ્યા. અમિતાભ પણ ચાલ્યા ગયા. હરિવંશરાય દરરોજ સવારે વહેલા ઊઠીને ચાલવા જતા. અમિતાભ થોડા મોડા ઊઠતા. બીજા દિવસે અમિતાભ જ્યારે ઊઠ્યા ત્યારે તેના પલંગ ઉપર એક કવિતા પડી હતા. આ કવિતામાં દીકરાએ કરેલા સવાલનો જવાબ હતો. હરિવંશરાય બચ્ચનની આ કવિતા ધ્યાનથી વાંચવા જેવી છે. તેઓએ લખ્યું:
જિંદગી ઔર જમાને કે કશ્મકશ સે ગભરાકર, મેરે બચ્ચે મુજસે પૂછતે હૈ કી હમે પૈદા ક્યૂં કિયા, ઔર મેરે પાસ ઇસકે સિવા કોઇ જવાબ નહીં હૈ કી મેરે બાપને મુજસે બીના પૂછે મુઝે ક્યૂં પૈદા કિયા થા, ઔર મેરે બાપ કો બીના પૂછે ઉનકે બાપને, ઔર ઉનકે બાપને બીના પૂછે ઉન્હે પૈદા ક્યૂં કિયા થા, જિંદગી ઔર જમાને કી કશ્મકશ પહેલે ભી થી, આજ ભી હૈ શાયદ જ્યાદા, કલ ભી હોંગી શાયદ ઔર જ્યાદા, તુમ્હી નઇ લીગ રખના, અપને બેટોં કો પૂછ કર પૈદા કરના.
અમિતાભ કહે છે, આ કવિતાની બે લાઇન મારા માટે યાદગાર છે. લાઇફ ટફ તો રહેવાની જ છે, આજે છે એના કરતાં કાલે વધુ ટફ હશે પણ એ વાતથી ગભરાવવાનું નહીં. અમિતાભે હજુ થોડા સમય અગાઉ જ કહ્યું હતું કે, હું દરરોજ એટલિસ્ટ એક પેઇજ પિતાજીએ લખેલું વાંચું છું. મને બાબુજીનું લખાણ પ્રેરણા અને હિંમત આપે છે. બાય ધ વે, તમને તમારા પિતાની કઇ વાત તાકાત આપે છે.
આપણે એવી વાતો કરતાં અને સાંભળતાં આવ્યા છીએ કે દરેક બાળક માટે એનો પહેલો હીરો તેનો પિતા હોય છે. ફાધર બધું કરી શકે, માય ડેડી સ્ટ્રોંગેસ્ટ એવો ખયાલ નાના હોય ત્યારે આપણા મનમાં હોય છે. મોટા થઇએ પછી ઘણા બધા ભ્રમ ભાંગતા હોય છે. એક યુવાને કહેલી આ વાત છે. નાનો હતો ત્યારે બાપુજી મારા માટે સર્વસ્વ હતા. થોડોક મોટો થયો પછી મને સમજ પડી કે બાપુજી તો સામાન્ય કર્મચારી છે. માંડ માંડ પૂરું કરે છે. ભણ્યો-ગણ્યો પછી થયું કે પિતા તો બહુ મીડિયોકર છે. તેનામાં બહુ લાંબી સમજ નથી. એમણે જિંદગીમાં ઘણી ભૂલો કરી છે. પિતા બુઢ્ઢા થયા પછી તેણે એક વખત દીકરાને બોલાવીને કહ્યું કે, મેં તારા માટે મારાથી થઇ શકે એટલું કર્યું છે, કંઇ ન કરી શક્યો હોવ તો એ મારી મર્યાદા અને મજબૂરી હશે. મારા પક્ષે મેં કોઇ કસર છોડી નથી. પછી એમણે જે વાત કરી એ સાંભળીને મને સમજાયું કે, મારા પિતા કેટલા મહાન છે. તેણે કહ્યું, તેમના પિતા ઝૂંપડા જેવા મકાનમાં રહેતા હતા. મહેનત કરીને મને નોકરી મળી જાય એટલો ભણાવ્યો. તેઓ ગુજરી ગયા એ પહેલાં મને આવી જ વાત કરી હતી કે તારાથી પણ જેટલું થઇ શકે એટલું તારાં સંતાનો માટે કરજે. આજે હું પણ તને એ જ કહું છું કે તારાં સંતાનો માટે તું પણ તારાથી થાય એટલું કરી છૂટજે. હા, કદાચ એને ઓછું લાગશે, પણ તને એવું ન થવું જોઇએ કે તેં કોઇ કસર છોડી છે. મને ત્યારે સમજાયું કે મારા પિતાએ મારા માટે કોઇ કસર છોડી ન હતી, મારા માટે કોઇ કસર ન રહે એ માટે એણે પોતાના માટે ખૂબ કરકસર કરી હતી. ફાધરમાં કંઇ અધૂરપ લાગે તો સમજજો કે ફાધર પણ એક માણસ છે પણ આ માણસ મારા માટે ગમે તે કરી છૂટશે. હેપી ફાધર્સ ડે.

( દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 19 જુન 2016, રવિવાર, દૂરબીન કોલમ)
Email : [email protected]

19 JUNE 2016 37

1 Trackback / Pingback

  1. ( 926 ) ફાધર્સ ડે પર પિતા વિષે વાંચવા જેવા લેખો …સંકલિત | વિનોદ વિહાર

Leave a Reply