કાર રેટિંગ સિસ્ટમ: તમારી કાર કેટલી ‘સેઇફ’ છે?

કાર રેટિંગ સિસ્ટમ: તમારી
કાર કેટલી ‘સેઇફ’ છે?

34
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

તમને કોઇ પૂછે કે તમારી ફેવરિટ કાર કઇ છે તો તમે શંુ જવાબ આપો? દરેકના દિલમાં પોતાના સપનાની એક કાર હોય છે. આપણી આ પસંદગી કયા આધારે થતી હોય છે? મોટાભાગે કારના દેખાવ અને કારના કલર ઉપરથી! આપણને એવી કાર ગમે છે જે લઇને આપણે જતાં હોઇએ તો આપણો વટ પડે. કાર આપણે ત્યાં સ્ટેટસ સિમ્બોલ છે. કઇ કાર વાપરીએ છીએ તેના પરથી લોકો આપણું ‘સ્ટાન્ડર્ડ’ નક્કી કરતા હોય છે. એટલે જ એકલા આવવા-જવાનું હોય તો પણ લોકો મસમોટી કાર ખરીદે છે. ખરેખર મોટી કારની જરૂર છે? ફ્યુઅલ વધુ બળતું હોય કે પાર્કિંગના પ્રોબ્લેમ હોય તો પણ લોકો બિન્ધાસ્ત મોટી કાર ખરીદે છે. નેનો કાર આપણે ત્યાં હિટ ન ગઇ તેનું સૌથી મોટું કારણ એ છે કે એની ઇમેજ ગરીબ કે મધ્યમ વર્ગના લોકોની કારની પડી ગઇ. રતન ટાટાએ કબૂલ્યું હતું કે અમે નેનોના પ્રચારમાં થાપ ખાઇ ગયા.

કહેવાનો મતલબ એ છે કે આપણે ત્યાં કાર બહારથી જોઇને લેવાય છે. બહુમાં બહુ તો કારનું ડેશબોર્ડ અને ઇન્ટિરિયર જોવાય છે. કેટલા લોકો કાર ખરીદતી વખતે સેફ્ટીની ચિંતા કરતા હોય છે? તમને ખબર છે કે અત્યારે તમારી પાસે જે કાર છે એનું સેફ્ટી રેટિંગ શું છે? કોઇ ક્યારેય એવું પૂછે છે કે આ કારનો સેફ્ટી ટેસ્ટ થયો હતો તેનો વિડિયો કે તેનું સર્ટિફિકેટ બતાવો ને! ના આપણે પૂછતા નથી. માની લઇએ છીએ કે સારી જ હશે!

આપણા દેશમાં હવે દુનિયાભરની કાર આવી ગઇ છે. કરોડ-બે કરોડની કાર હવે બહુ કોમન છે. કારની મોટી કિંમત જાણીને ઘણા લોકો એવું પણ બોલતા હોય છે કે આમાં તે વળી એવા શું હીરા ટાંક્યા છે કે કાર આટલી બધી મોંઘી છે? આપણે ઘણી વખત તો સ્પીડ લિમિટના આધારે કારનું મૂલ્ય આંકીએ છીએ! હકીકતે કારની કોસ્ટ તેની સેફ્ટી સિસ્ટમ ઉપર આધાર રાખે છે.

કોઇપણ નવી કાર માર્કેટમાં આવે એ પહેલાં એ મોડલને સેફ્ટી ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. કારની અંદર ડમી માણસોને એટલે કે પૂતળાઓને બેસાડવામાં આવે છે. 65ની સ્પીડથી શરૂ કરીને અલગ અલગ સ્પીડે કારને અથડાવવામાં આવે છે. માત્ર આગળથી જ નહીં, સાઇડથી અથડાય અથવા તો પાછળથી કોઇ ચડી બેસે તો શું થાય તેનું ટેસ્ટિંગ કરાય છે. કારમાં કેટલું નુકસાન થાય છે એ તો જોવાય જ છે પણ કારની અંદર જે ડમી માણસો બેસાડાયા છે તેની શું હાલત થાય છે, કયા ભાગે ઇજા થાય છે એની વિગતો બારીકાઇથી તપાસવામાં આવે છે. એરબેગ કેટલી સ્પીડે ખૂલે છે અને કેટલી સેફ્ટી આપે છે તે ચકાસાય છે. કાર ચલાવનારને મોટભાગે છાતીમાં સ્ટીયરિંગ વાગે છે, તો અકસ્માત સમયે કારનું સ્ટીયરિંગ કેવી રીતે ન વાગે તેનું પ્લાનિંગ થાય છે. આમ તો કારની સેફ્ટી માટે નાનામાં નાની વાતનું ધ્યાન રાખવામાં આવે છે, છતાં દુનિયાની કોઇ કાર હન્ડ્રેડ પર્સન્ટ સેઇફ છે એવો દાવો કોઇ ન કરી શકે!

આપણા દેશની વાત કરીએ તો આવતા વર્ષે એટલે કે ઓક્ટોબર, 2017થી આપણે ત્યાં ધ ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ શરૂ થવાનો છે. મતલબ કે હવે આપણા દેશની અલાયદી કાર રેટિંગ સિસ્ટમ અમલમાં આવશે. આપણે ત્યાં અત્યારે પણ સરકારના વિવિધ વિભાગો દ્વારા કાર સેફ્ટીનું ટેસ્ટિંગ તો થાય જ છે પણ એનાં ધોરણો દુનિયાએ નક્કી કર્યાં છે. આપણા દેશની સ્થિતિ જુદી છે. આપણા રસ્તા જુદા છે. રસ્તાનું સ્ટાન્ડર્ડ ક્યાંક એ ગ્રેડનું તો ક્યાંક સી અને ડી ગ્રેડનું છે. આપણો દેશ વિશાળ છે. દરેક ખૂણાનું વાતાવરણ જુદું જુદું છે. વિદેશમાં વનથી ફાઇવના સ્કેલમાં સેફ્ટી મપાય છે. આપણે ત્યાં 0.50થી 4.5ના સ્કેલથી મપાશે.

જે નવા નિયમો નક્કી થવાના છે એમાં કારની સ્પીડ જ્યારે 80ની થશે ત્યારે બીપર વાગશે. કાર જો સો કરતાં વધુ સ્પીડ મેળવશે તો લાઉડ એલાર્મ વાગશે. આ ઉપરાંત સીટ બેલ્ટ સહિત અનેક નિયમો વધુ સખ્ત થશે. ઘણી વખત આપણને એવો સવાલ થાય કે કાર કંપનીઝ આપણા દેશનાં સેફ્ટી મેઝર્સ ધ્યાનમાં લે છે ખરી? થોડા સમય અગાઉ એક કાર કંપનીના ટેસ્ટિંગ સ્ટાન્ડર્ડમાં ઘાલમેલ થતી હોવાનું બહાર આવ્યંુ હતું. વિદેશમાં સેફ્ટી માટે જે પ્રયત્નો કરવામાં આવે છે તે આપણે ત્યાં અમલમાં મુકાતા નથી એવી પણ ફરિયાદો ઊઠી હતી. આપણા દેશમાં સેફ્ટી મેઝર્સ પૂરતાં નથી અને જે છે એ પણ યોગ્ય નથી એવી ટીકાઓ થતી આવી છે. નવી રેટિંગ સિસ્ટમ પછી સ્થિતિ સુધરે એવું અનુમાન સેવાય છે.

આપણા દેશની કાર સેફ્ટી સિસ્ટમ એ વિશ્વની દસમી સિસ્ટમ છે. કારના ટેસ્ટિંગમાં સ્ટાર્સ આપવામાં આવશે. આપણા દેશમાં વિશ્વમાં સૌથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મરે છે. તેમાં કાર એક્સિડન્ટ્સનું પ્રમાણ ઘણંુ મોટું છે. આપણે ઘણીવાર અખબારોમાં વાંચીએ છીએ કે કારનો ડૂચો બોલી ગયો. મોંઘી કાર પડીકા જેવી થઇ જાય ત્યારે બે ઘડી તો આપણને પણ થાય છે કે આ તે કેવી કાર? અકસ્માતમાં મોટાભાગે ડ્રાઇવરની ભૂલને કારણભૂત ગણવામાં આવે છે, ટેક્નિકલ ફોલ્ટને આવી રીતે નજરઅંદાજ પણ કરી દેવામાં આવે છે.

આપણે ત્યાં જે નવી સિસ્ટમ બનવાની છે તેમાં બાળકોનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. કારમાં બેઠેલો બાળક ગમે તે અટકચાળું કરી શકે છે. બાળક નિર્દોષ હોય છે. એને ભાન નથી હોતું કે હું કંઇ કરીશ તેનું પરિણામ શું આવશે? બાળકની ભૂલના કારણે અકસ્માત ન સર્જાય એવી સિસ્ટમ જરૂરી છે. વિદેશમાં તો બાળક માટે ચોક્કસ પ્રકારની સીટ પણ રાખવામાં આવે છે જે બાળકને વધુ સલામત રાખે છે. સાવ સાદી ભાષામાં કહીએ તો હવે આપણા દેશમાં આપણા રસ્તા, આપણું હવામાન અને આપણા લોકોની માનસિકતા મુજબ કારમાં સલામતીની ચકાસણી થશે.

આપણા દેશનું કાર માર્કેટ વિશ્વના છઠ્ઠા નંબરનું છે. કારની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જાય છે. કાર હોવી એ હવે મોટી વાત નથી. મોટાભાગના લોકો પાસે પોતાની ત્રેવડ મુજબની કાર છે. કાર ભલે નાની હોય કે મોટી હોય પણ તેમાં સલામતી એકસરખી હોય એ જરૂરી છે. છેલ્લે તો કારમાં પણ ગોળ નાખો એટલું ગળ્યું થાય એવું જ હોય છે, આમ છતાં દરેક પ્રકારની કારમાં અમુક ચોક્કસ પ્રકારની સલામતી વ્યવસ્થા રાખવામાં આવે એ જરૂરી છે. એના માટે કડક નિયમો બનાવી કાર કંપનીને સેફ્ટી મેઝર્સ માટે મજબૂર બનાવવા સિવાય બીજો કોઇ રસ્તો નથી! બાય ધ વે, તમે કાર લેવા જાવ ત્યારે દેખાવ અને ઇન્ટિરિયર ભલે જુઓ પણ સાથોસાથ સેફ્ટી સિસ્ટમ પણ ચેક કરજો! આખરે આ તમારી જિંદગી અને મોતનો સવાલ છે! {

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 29 મે 2016, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

Email : kkantu@gmail.com

Be the first to comment

Leave a Reply