હું થોડોક કાચ જેવો અને

થોડોક અરીસા જેવો છું!
 ચિંતનની પળે- કૃષ્ણકાંત
ઉનડકટ

દુનિયા કે હર ઇક જર્રે સે
ઘબરાતા હૂં,

ગમ સામને આતા હૈ જિધર જાતા
હૂં,

રહતે હુએ ઇસ જહાં મેં મુદ્દત
ગુજરી,

ફિર ભી અપને કો અજનબી પાતા
હૂં.

– અમજદ હૈદરાબાદી
 ફોટો સારો આવતો હોય એની ‘ઇમેજ’ સારી જ હોય એવું જરૂરી નથી. દરેક માણસ સાથે એની ‘ઇમેજ’ જોડાયેલી હોય છે. દરેકને ક્યારેક તો એવો વિચાર આવ્યો જ હોય છે કે હું કેવો છું? અથવા તો હું કેવી
છું? પોતાનું તટસ્થ મૂલ્યાંકન
કરવું સહેલું નથી. પોતે જે કરતા હોય છે એ મોટાભાગના લોકોને સાચું લાગતું હોય છે. સાચું ન લાગતું હોય
તો એવું એ કરે જ નહીં. હા, ઘણાં એવું કહેતા
હોય છે કે હું જે કરું છું એવો હું છું નહીં. મારે આ કરવું પડે છે. મારી મજબૂરી છે, લાચારી છે, બીજો કોઈ વિકલ્પ નથી એટલે મારે આવું કરવું પડે છે એમ પણ ઘણા
લોકો કહેતા હોય છે. વિકલ્પ તો હોય જ છે, પણ એ ફાયદાકારક હોતો નથી એટલે છેલ્લે માણસ ‘ડેસ્ટીની’ ગણીને જે કરતા હોય
એ કરતા રહે છે.
 

પોતાની જાત સાથે ઓનેસ્ટ રહેવું અઘરું છે. દરેક માણસને ઈશ્વરે
બુદ્ધિ આપી છે. બુદ્ધિમાં કેટલી
શુદ્ધિ હોય છે? દરેક પોતાની ક્ષમતા
અને શક્તિ મુજબ બુદ્ધિનો ઉપયોગ કરે છે. ફાયદો, લાભ, નફો મળે એવું કામ આપણે કરતા રહીએ છીએ. કંઈ ખોટું નથી. સવાલ એ છે કે એ કયા
રસ્તે આવે છે? માણસ બેઝિકલી સુખવાદી
છે. એને સુખ જોઈએ છે. સુખ શોધવામાં એ ઘણી
વખત ખોટા એટલે કે દુ:ખના માર્ગે ચડી જાય છે.
એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે મને મજા આવતી નથી. મજા આવે એવો કંઈક
રસ્તો બતાવો. સંતે કહ્યું કે, પહેલાં તું મને એ
કહે કે તારી મજાનો મતલબ શું છે? શું થાય તો તને મજા આવે? મને જે રીતે મજા આવે એ જ રીતે તને મજા આવે એ જરૂરી નથી. મને તો પ્રભુના ભજનમાં
મજા આવે છે, સાધના કરવામાં આનંદ
આવે છે, પક્ષીનો કલરવ સાંભળીને
મારું મન પુલકિત થઈ જાય છે. ઊગતા સૂરજને જોઈને મને કોઈ પુષ્પ ખીલતું હોય તેવો અહેસાસ થાય
છે. સાંજે સંધ્યા ખીલે
ત્યારે કુદરત રંગોળી સર્જતી હોય તેવું લાગે છે. મારી મજાની વ્યાખ્યા જુદી છે. મારું સુખ જુદું છે. તારી મજા, તારું સુખ શું છે? એની સાથે જ મહત્ત્વનો સવાલ એ છે કે તારી મજા કેવી છે? તારું સુખ કેવું
છે? ઘણાને મદિરાપાનમાં
મજા લાગે છે. ઘણાને જુગારમાં આનંદ
મળે છે, ગુનાખોરીમાં ઘણાને
રોમાંચ થાય છે. આપણે સાધનો અને સંપતિમાં
જ મજા મળતી હોવાનું માનીએ છીએ. મજા મનમાં હોવી જોઈએ. મજા સાત્ત્વિક હોવી જોઈએ. રજસ અને તમસ વચ્ચેનો તફાવત જાણે એ જ મજા અને સુખને સારી રીતે
સમજે છે. તું કેવો છે તેની
છાપ લોકોમાં એનાથી જ ઊભી થવાની છે કે તું મજા કેવી રીતે કરે છે?
તમને ખબર છે કે લોકોમાં તમારી છાપ કેવી છે? ઘણા લોકો એમ કહે
છે કે લોકો મારા વિશે શું માને છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. માણસ ભલે આવી વાત
કરતો હોય, પણ તેને ફરક પડતો
હોય છે. બધાને અંદરખાને ક્યાંક
ને ક્યાંક એવું તો હોય જ છે કે લોકો મને સારો કહે. લોકો મને આદર આપે. લોકો મને માનથી જુએ. લોકો આવું કરે પણ ખરા, પણ એના માટે સારા બનવું પડે, આદરપાત્ર થવું પડે. છાપ એમ ને એમ ઊભી થતી નથી. લોકો પાસે તેનાં કારણો હોય છે. એ કારણો સાચાં જ હોય એવું જરૂરી નથી, પણ સાવ ખોટા પણ હોતા
નથી. આમ તો દુનિયામાં
એવા પણ લોકો છે જ જેને પોતાની છાપ સારી ન હોવા છતાં ગમતી હોય છે. એક ક્રિમિનલ હતો. તેના વિસ્તારમાં
તેની ધાક હતી. લોકો તેના નામથી
ડરતા હતા. એક વખત તેના મિત્રએ
કહ્યું કે, તને ખબર છે, તારી છાપ કેવી છે? ક્રિમિનલે કહ્યું
કે મને બરાબર ખબર છે કે લોકો મારા વિશે શું માને છે અને કેવું બોલે છે. મને માથાભારેની છાપ
ગમે છે. મારાથી બધા ડરે એ
મને ગમે છે. આ વાત સાંભળીને તેના
મિત્રએ કહ્યું કે તો પછી તું ગરીબ લોકોને મદદ કરવા શા માટે દોડે છે? તું ભલે ગમે તે કહે, પણ તું એવું જ ઇચ્છે
છે કે થોડાક લોકો તારા વિશે એવી વાત કરે કે તું સાવ ખરાબ માણસ નથી. તારામાં પણ માણસાઈ
જેવું છે. તારે સારા દેખાવું
છે અને તારે જ તારી જાતને આશ્વાસન આપવું છે કે હું સાવ ખરાબ માણસ નથી. બદમાશ અને લુચ્ચા
લોકોએ સારા દેખાવવા માટે સૌથી વધુ મહેનત કરવી પડે છે. સારા માણસોએ એવું કરવું પડતું નથી, કારણ કે તે સારા જ હોય છે.
કેટલા માણસો એવા છે જે કહી શકે કે હું થોડોક કાચ જેવો અને થોડોક
અરીસા જેવો છું. હું બંધ પડીકા જેવો
નથી. હું તાળું મારેલી
તિજોરી જેવો નથી. હું ખુલ્લી કિતાબ જેવો છું. કાચની જેમ મને આરપાર જોઈ શકાય છે. હું જેવો છું એવો જ દેખાઉં છું. હું અંદરથી જુદો અને બહારથી અલગ નથી. હું મારી અંદર બે
માણસને જિવાડી શકતો નથી. ઘણા લોકો દેખાતા હોય છે જુદા અને હોય છે તદ્દન અલગ. એણે પોતાનામાં એક
બીજો માણસ સાચવી રાખ્યો હોય છે. પોતાની અનુકૂળતા મુજબ એ એનો ઉપયોગ કરતો રહે છે. એક માણસ એ હોય છે
જે અજવાળામાં દેખાય છે અને બીજો એ હોય છે જે અંધારામાં જાગે છે. માણસ રંગ બદલે છે
બદલાયેલો રંગ દેખાતો નથી, પણ વર્તાતો હોય છે.
માણસ ગમે એટલી મહેનત કરે, પણ છેલ્લે તો એ જેવો હોય એવો ઓળખાઈ જાય છે. ઓરિજિનાલિટી ક્યારેય
છુપાતી નથી. કોઈ લાંબા સમય પછી
તો કોઈ થોડાક સમયમાં વર્તાઈ આવે છે. ઘણા એવા માહેર હોય છે જે ઘડીકમાં ઓળખાતા નથી. દુનિયા સાથે તો ઘણા
છેતરપિંડી કરતાં હોય છે, ઘણાં તો પોતાના લોકો સાથે પણ ચાલાકી કરતા હોય છે.
એક યુવાન સાથે તેના મિત્રએ દગો કર્યો. છૂટા પડતી વખતે તેણે
મિત્રને કહ્યું કે, મારી જિંદગીમાં તું કંઈ એવી પહેલી વ્યક્તિ નથી જેણે મારી સાથે દગો કર્યો હોય. અનેક લોકોએ મને છેતર્યો
છે, મારો લાભ ઉઠાવ્યો
છે, મને મૂરખ બનાવ્યો
છે એ લોકોનું મને દુ:ખ નથી, કારણ કે એ લોકો મારા
કંઈ હતા જ નહીં. તારું દુ:ખ એટલા માટે છે, કારણ કે મેં તને
મારો મિત્ર માન્યો હતો. તારા પર ભરોસો મૂક્યો હતો. મને નુકસાન થયું એનો મને ગમ નથી, પણ તને ઓળખવામાં હું ખોટો પડ્યો તેની વેદના છે.
માણસથી ખોટું બે રીતે થઈ જતું હોય છે. એક તો ભૂલથી આપણાથી
ઘણી વખત ન થવાનું થઈ જતું હોય છે, બીજું ઇરાદાપૂર્વક ખોટું થતું હોય છે. પહેલું હજુ માફીલાયક
હોય છે, બીજું કોઈ પણ રીતે
યોગ્ય હોતું નથી. ઇમેજનું એવું પણ છે કે ઘડીકમાં બદલાતી નથી. સારું થવું અઘરું નથી, પણ એ માટે સારા રહેવું પડે છે. આપણે સારા હોઈએ તો બીજું કંઈ કરવાની જરૂર નથી, કારણ કે આપણે જેવા
હોઈએ એવા ઓળખાઈ જ જવાના છીએ!
 છેલ્લો સીન :

જિંદગી સફેદ કાગળ જેવી છે. એક ‌વખત કલંકિત થયા પછી તેનું ફરીથી ઊજળું થવું અઘરું છે.   -જે. હાવેજ
(“દિવ્ય ભાસ્કર’, “કળશ પૂર્તિ’, તા. 20 એપ્રિલ 2016, બુધવાર, “ચિંતનની પળે” કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: