કલ ખુશી મિલી, ચલી ગઈ, જલ્દી મેં થી!
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
બુલંદી દેર તક કિસ શખ્સ કે હિસ્સે
મેં રહતી હૈ,
બહુત ઉંચી ઇમારત હર ઘડી ખતરે મેં રહતી
હૈ,
જી તો બહુત ચાહતા હૈ ઇસ કેદ-એ-જાન સે નિકલ જાયે હમ,
તુમ્હારી યાદ ભી લેકિન ઇસ મલબે મેં
રહતી હૈ.
– મુનવ્વર રાણા.
હસતા ચહેરાઓનો દુકાળ છે. ભસતા ચહેરાઓની બહુમતી છે. તમારી આસપાસના ચહેરાઓ ઉપર નજર કરતાં રહેજો, કેટલા ચહેરા પર સ્માઇલ હોય છે? કેટલા ચહેરા ખીલેલા હોય છે? મોત પહેલાં મૂરઝાઈ જનારાઓનો આ યુગ
છે. બાળકને જોજો, ઊંઘમાં પણ હસતું હોય છે. માણસ મોટો થાય છે, સમજુ થાય છે, ડિગ્રીઓ મેળવે છે, રૂપિયા કમાય છે, પછી હસવું ક્યાં અલોપ થઈ જાય છે? મોટા થયા પછી આપણે ઊંઘમાં હસતા નથી, કણસતા હોઈએ છીએ, દાંત કચકચાવતા હોઈએ છીએ. ઊંઘમાં પણ આપણને ક્યાં આરામ હોય છે? શરીર સૂતું હોય છે, મન તો મૂંઝાતું જ હોય છે. જે વધુ મૂંઝાય એ પહેલો મૂરઝાઈ જાય
છે. જિંદગીને આપણે એટલી ‘ભારી’ બનાવી દીધી છે કે હળવાશનો અહેસાસ જ નથી થતો!
આનંદ, ખુશી, મજા, હેપીનેસ અને એન્જોયમેન્ટના ખર્ચાળ
પ્લાનિંગ કરવા છતાંયે મજા આવતી નથી. હાઈફાઈ પાર્ટીમાં એકબીજાને સારું લગાડવાની
અને એકબીજાને ઇમ્પ્રેસ કરવાની કસરત થતી રહે છે. એક મિત્રની આ વાત છે. એ બહુ જ હાયર પોસ્ટ પર જોબ કરતો હતો. દર શનિ-રવિમાં ફાઇવસ્ટાર હોટલમાં એક-બે પાર્ટી હોય જ. રિલેશન મેઇન્ટેન કરવા માટે પાર્ટીમાં
જવું પણ પડે. રેગ્યુલર પાર્ટી એટેન્ડ કરો. પાર્ટી પતે એટલે એ કાર લઈને સીધો થોડે દૂર આવેલા પાનના
એક ગલ્લે જાય. કોટ ઉતારી કારમાં મૂકી દે. ઇનશર્ટ કાઢી નાખે. શર્ટનું પહેલું બટન ખોલી નાખે. બૂટ-મોજાં કાઢી કારમાં રાખેલા સ્લિપર પહેરી
લે. કારમાંથી ઊતરી જોરથી માથું હલાવે, જાણે કંઈક ખંખેરી ન નાખવું હોય. મૂંઢો લઈ ગલ્લે બેસે. થોડી વાર બેસીને ચાલ્યો જાય. ગલ્લાવાળાએ એક વખત પૂછ્યું, સાહેબ મજામાં? પેલા યુવાને કહ્યું, હા, કહેવું હોય તો કહી શકાય કે મજામાં છું. ફાઇવસ્ટારમાં પાર્ટી પતાવીને આવું છું, પણ સાચું કહું પાનના ગલ્લે મિત્રો સાથે ગપ્પાં મારવાની જે મજા આવતી હતી એવી
મજા આ પાર્ટીઝમાં નથી આવતી. પાર્ટીમાં થાક લાગે છે, એ થાક ઉતારવા હું આ ગલ્લે આવું છું. જૂના મિત્રોને યાદ કરું છું. હળવો થવાનો પ્રયત્ન કરું છું. પાર્ટીમાં ચહેરા હસતા રાખવા પડે છે અને હોઠ અને ગાલને
આ નકલી હાસ્યનો થાક લાગે છે. ધરાર સારું લગાડવું એ પણ માર્કેટિંગ
જ એક મંત્ર બની ગયો છે.
ચોવીસ કલાકમાં એવી કેટલી ક્ષણો હોય
છે જ્યારે આપણને એમ થાય કે, મજા આવી. ઘણી વખત તો દિવસોના દિવસો ચાલ્યા જાય છે, પણ મજા આવતી હોતી નથી. મજા આવે તો પણ એ લાંબું ટકતી નથી. ગુલઝારની એક રચના છે, કલ ખુશી મિલી, જલ્દી મેં થી, રુકી નહીં… ખુશી રોકાતી નથી અને ઉદાસી જતી નથી. સતત કંઈક ખૂટતું હોય તેવું લાગે છે. બધું જ હોય છે, એવું કોઈ દુ:ખ પણ હોતું નથી, છતાંયે મજા આવતી નથી. શાયર નિદા ફાઝલીએ લખેલી જગજિત સિંઘે
ગાયેલી એક ગઝલ છે, યૂ તો ગુજર રહા હૈ, હર ઇક પલ ખુશી કે સાથ, ફિર ભી કોઈ કમી સી હૈ, ક્યૂં જિંદગી કે સાથ?
મજા માટે પણ મહેનત કરવી પડે છે! શું કરીએ તો મજા આવે? કોઈ મિત્ર મળે ત્યારે વાતો કરીએ છીએ કે યાર ચલો કંઈક પ્લાન કરીએ, મળીએ, કેટલો સમય થઈ ગયો, મળ્યા જ નથી. લેટ્સ હેવ સમ ફન. વાત પૂરી થાય એટલે બધું ભુલાઈ જાય છે. માંડ માંડ એકાદ ફ્રેન્ડ કંઈક પ્લાન કરે તો પણ બધાનાં શિડ્યુલ એટલાં ટાઇટ હોય
છે કે આવશે કે કેમ એની શંકા જાય. એકાદ મિત્ર એવું કહે કે યાર આવીશ તો
ખરા, પણ ચક્કર મારીને નીકળી જઈશ, વધુ રોકાવાય એમ નથી. સોરી. એક મિત્રએ આવું કહ્યું ત્યારે મળવાનું નક્કી કરનાર મિત્રએ ટોણો માર્યો કે બહુ
મોટો માણસ થઈ ગયો છેને કંઈ! આ વાત સાંભળી મિત્ર નજીક આવ્યો. બંને હાથ હાથમાં લીધા, આંખમાં આંખ પરોવીને કહ્યું કે ના દોસ્ત, મોટો માણસ નથી થઈ ગયો, બહુ ફસાઈ ગયો છું. આ નામ, કામ, ઇજ્જત, શોહરત ટકાવવા માટે બહુ મહેનત કરવી પડે છે. સાચું કહું તો હું તમારા જેટલો નસીબદાર નથી રહ્યો. ખુશી હવે એવી રીતે આવે છે જાણે જલદીથી ભાગી જવા ન ઇચ્છતી હોય. અમારા ચહેરા ઉપર જે હાસ્ય દેખાય છે એ હકીકતે ઉદાસી ઉપર
ચડાવાયેલું સોનાનું વરખ છે.
આપણી ખુશી પણ હવે ‘લાઇક્સ’ અને ‘કમેન્ટ્સ’ની મોહતાજ થઈ ગઈ છે. કોઈનો અભિપ્રાય આપણા આનંદનું કારણ
બની ગયો છે. કોઈ સારું કહે તો સારું લાગે, કોઈ વખાણ કરે તો ફુલાઈ જઈએ, કોઈ જરાકેય નબળો પ્રતિભાવ આપે તો નારાજ અને ઉદાસ થઈ જઈએ. સોશિયલ મીડિયા પર મળતી લાઇક્સને આપણે લોકપ્રિયતાની પારાશીશી
ગણવા લાગ્યા છીએ. આપણા કરતાં આપણા મિત્રની પોસ્ટ, સ્ટેટસ કે તસવીરને વધુ લાઇક્સ મળે તો આપણને ઈર્ષા થવા
લાગે છે. તમે માર્ક કરજો, તમે કોઈ સ્ટેટસ કે તસવીર અપલોડ કરો એ પછી અનેક કમેન્ટ્સ મળશે, વખાણ કર્યાં હશે, પણ જો એકાદ માણસે નેગેટિવ કમેન્ટ્સ કરી હશે તો એ કમેન્ટ આપણા પણ હાવી થઈ જશે. આપણો મૂડ ઓફ થઈ જશે. આપણે પચીસ-પચાસ સારી કમેન્ટ્સ ભૂલી જશું અને
એણે મારા માટે આવા શબ્દ વાપર્યા એ વાંચીને ડિસ્ટર્બ થશું. આપણે આપણા આનંદની ચાવી કોઈના હાથમાં આપી દીધી હોય છે. તમારી ખુશીનો આધાર કોઈને બનવા ન દો. તમે પોતે જ તમારા આનંદનો સ્ત્રોત બનો. સુખ અને આનંદ કોઈના ઉપર આધારિત હશે તો દુ:ખી અને ઉદાસ થવાના ચાન્સીસ સૌથી વધુ થઈ જશે.
માણસ ખુશી અને આનંદ માટે ફાંફાં મારવા
લાગ્યો છે. સોશિયલ મીડિયા પર કે વોટ્સએપ પર ફરતા જોક મળે ત્યારે
જ આપણને મજા આવે છે. આપણી સેન્સ ઓફ હ્યુમર સારી છે એ સાબિત
કરવા આપણે એ ફની મેસેજ ફોરવર્ડ કરતા રહીએ છીએ. જૂના જોક ફરી ફરીને પાછા આવે ત્યારે મોઢું મચકોડીએ છીએ કે એના એ જ જોક આવે છે! આપણી હ્યુમર પણ હવે ગરજાવ થઈ ગઈ છે. ઉછીની હ્યુમર મે‌ળવીએ છીએ. આપણી પોતાની સેન્સ ઓફ હ્યુમર ક્યાં
ગઈ હોય છે? દરેક વ્યક્તિમાં થોડીક વધુ કે થોડીક ઓછી સેન્સ ઓફ હ્યુમર
હોય જ છે. આપણે આપણી આ સેન્સને જીવતી રાખતા નથી. આપણા હાથે જ એનું ગળું ઘોંટી નાખીએ છીએ. બીજાના જોકથી આનંદ માણીએ છીએ. મનમાંથી ઊઠે એ જ સાચું ‘ફન’ હોય છે.
તમારી ખુશી, તમારી મજા અને તમારા આનંદનાં કારણ તમે જ શોધી કાઢો. સુખી થવાનો એક રસ્તો એ પણ છે કે આખા દિવસમાં અમુક મિનિટો
માટે એવું કરો જે તમને ગમે છે, જેનાથી તમને મજા આવે છે અને જેનાથી
તમે પોતે જીવતા હોય એવો તમને અહેસાસ થાય છે. દરેકને કંઈક તો ગમતું જ હોય છે, કંઈક તો એવું હોય જ છે જે દિલને ‘શકુન’ આપે છે. આપણે જ આપણને રાહત આપી શકીએ. તમને ગમતું હોય એવું તમે કરો છો? આપણે તો ઘણી વખત એ પણ ભૂલી ગયા હોઈએ છીએ કે ખરેખર આપણને
ગમે છે શું? તપાસ કરો, તમને શું ગમે છે? વાંચવું ગમે છે? તો વાંચો. ગીત કે ગઝલ સાંભળવી ગમે છે? તો સાંભળો. ખુલ્લામાં ફરવા જવું ગમે છે? તો જાવ. દરિયાની ભીની રેતીમાં ખુલ્લા પગે ચાલવું ગમે છે? તો ચાલો. નાચવું ગમે છે? તો નાચો. કંઈક એવું કરો જે તમને ગમે છે. કંઈક એવું કરો, જે તમને તમારી નજીક રાખે અને તમને એવો અહેસાસ અપાવે કે હું ખુશ છું, હું જીવતો છું!
છેલ્લો સીન :
હું સુખી છું, તેનું કારણ એ છે કે મારે કોઈની પાસેથી કંઈ જ જોઈતું
નથી. -આલ્બર્ટ આઇન્સ્ટાઇન.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 23 માર્ચ 2016, બુધવાર, ચિંતનની પળે કોલમ)
E-mail : kkantu@gmail.com

1 Comment

Leave a Reply