આ વાત તારા અને
મારા વચ્ચે જ રાખજે
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
એની ઉપર હતી જે પ્રથમ લાગણી, ગઈ,
સારું થયું એ વાત ન એના સુધી ગઈ,
‘હા’ જ્યાં સુધી હતી તો હતી આપણા સુધી,
પણ ‘ના’ની વાત કેમ બધે વિસ્તરી ગઈ?
– મરીઝ
દરેક માણસનાં પોતાનાં થોડાંક અંગત
સિક્રેટ્સ હોય છે. દરેક વાત બધાને કહેવાની હોતી નથી. અમુક વાત કોઈને કહી શકાતી નથી. દરેકના દિલમાં દરરોજ એક ડાયરી લખાતી હોય છે. આ ડાયરીનાં પાનાં મોટા ભાગે બંધ જ રહેતાં હોય છે. વાત તો દરેકને કહેવી હોય છે, પણ વાત કરવી કોને? કેટલી વાતો એવી હોય છે કે જે હોઠ સુધી આવીને અટકી જતી હોય છે? રહેવા દે, નથી કહેવી કોઈ વાત. કોણ કેવો મતલબ કાઢશે, મારા વિશે શું માની બેસશે, મારી વાતનો મિસયુઝ કરશે તો? આવા અનેક પ્રશ્નો આપણને મૂંઝવતા હોય
છે.
ઘણી વખત દિલની વાત કિનારા સુધી આવી
જાય છે. આપણને લાગે કે હમણાં છલકી જઈશ, ખાલી થઈ જઈશ અને હળવો થઈ જઈશ. જોકે, એવું થઈ શકતું નથી. છલકી શકાતું નથી, ખાલી થઈ શકાતું નથી. અંદર જ ઘણું સૂકવી નાખવું પડે છે. ખાલી ન થઈ શકાય ત્યારે પણ એક વિચિત્ર પ્રકારનો ખાલીપો અનુભવાતો હોય છે. કેટલા બધા લોકો નજીક હોય છે છતાં એક શૂન્યાવકાશ વર્તાતો
રહે છે. એક માણસ બબડતો હતો. હોઠ હલતા હતા, પણ શબ્દો બહાર આવતા ન હતા. એક વ્યક્તિએ પૂછ્યું કે શું બકે છે? તેણે કહ્યું, બકતો નથી, બડબડતો પણ નથી, હું વાત કરું છું, મારી જ સાથે. કોઈ ઉપર ભરોસો બેસતો નથી. એક મિત્ર હતો તેને એક વખત અંગત વાત કરી, બીજા દિવસે એ વાત જાહેર હતી. મને ત્યારથી વિચાર આવે છે કે એને શું મળી ગયું? મારો વિશ્વાસ તોડીને એણે મને કોઈના ઉપર પણ વિશ્વાસ ન
કરી શકું એવો કરી નાખ્યો. ત્યારથી હું મારી જ સાથે વાત કરું
છું. એ વાત જુદી છે કે મને તેનાથી સંતોષ નથી થતો. મને કોઈ જોઈએ છે પણ કોઈ મળતું નથી.
તમારી પાસે તમારાં સિક્રેટ્સ સાચવી
શકે એવો દોસ્ત કે સ્વજન છે? જો હોય તો તમે નસીબદાર છો. બધા પાસે એવા લોકો હોતા નથી, જેને દિલની વાત કરી શકાય. બે મિત્રો વર્ષો પછી ભેગા થયા. બંનેનાં લગ્ન થઈ ગયાં હતાં. એક મિત્રને ડર લાગ્યો કે જો આ વ્યક્તિ
મારાં સિક્રેટ્સ જાહેર કરી દેશે તો મારે પત્નીને સમજાવવી આકરી થઈ પડશે. વાતો થાય ત્યારે તેને સતત એ જ ટેન્શન રહેતું હતું કે, આ ક્યાંક કોઈ એવી વાત ન કરી દે જેનાથી મુશ્કેલી ઊભી
થાય. બંનેની પત્ની દૂર હતી ત્યારે બીજા મિત્રએ કહ્યું કે, દોસ્ત તું કંઈ ચિંતા ન કર. હું કોઈ એવી વાત નથી કરવાનો જેનાથી તારી લાઇફમાં પ્રોબ્લેમ થાય. તેં મારા પર ભરોસો રાખીને મને અમુક વાતો કહી હતી, એ બધી વાતો મને યાદ છે અને સાથોસાથ તારા એ શબ્દો પણ
યાદ છે કે આ વાત તારા અને મારા વચ્ચે જ રાખજે. ભલે વર્ષો વીતી ગયાં, પણ હજુ એ વાત તારા અને મારા વચ્ચે
જ છે અને એમ જ રહેશે.
દરેક વ્યક્તિનો અેક પાસ્ટ હોય છે. ભૂતકાળ ભુલાતો નથી. ભૂતકાળ ભૂંસાતો નથી. ભૂતકાળ મરતો નથી. એ ક્યાંક ને ક્યાંક જીવતો હોય છે. ઘણું બધું અંગત હોય એ અંગત જ રહે એ વાજવી છે. ઘણાં સાક્ષીઓ તાજના સાક્ષી બની જતા હોય છે. ઘણાં સાથીઓ સ્વાર્થ મુજબ સાથ બદલતા હોય છે. ઘણાં એવા પણ હોય છે જે ગમે તેવી પરિસ્થિતિમાં પણ સિક્રેટ્સને
રિવિલ કરતા નથી. બે મિત્રો વચ્ચે ઝઘડો થયો. એક મિત્રએ બીજા પર આક્ષેપ કર્યો કે તું મારા પર એટલા માટે દાદાગીરી કરે છે, કારણ કે તને મારાં સિક્રેટ્સ ખબર છે! આ વાત સાંભળીને બીજા મિત્રએ કહ્યું કે, બસ મને આખરે તેં એવો જ ધાર્યોને? અરે! હજુ તો તારી સાથે ઝઘડો થયો છે, કદાચ દુશ્મની થઈ જશેને તો પણ હું તારાં સિક્રેટ્સનો
ઉપયોગ નહીં કરું. એટલા માટે કે તેં જ્યારે એ વાતો કરી
હતી ત્યારે તું મારો અંગત મિત્ર હતો અને મારા સિવાય તેં એ વાત કરવા માટે બીજા કોઈને
પસંદ કર્યો ન હતો.
કેટલાં દંપતી એવાં હશે જેની દરેક વાત
એકબીજાને ખબર હશે. દરેક માણસે પોતાની વ્યક્તિને 
બધી જ વાત કરવી હોય છે. શરૂઆતમાં ઘણાં કરતા પણ હોય છે. ધીમે ધીમે એમાં બ્રેક લાગે છે અને અમુક વાતો એકબીજાથી
છુપાવવાનું શરૂ થાય છે. તેનું સૌથી મોટું કારણ એ હોય છે કે
જ્યારે વાત થતી હોય છે ત્યારે તેને રોકવાની કે અટકાવવાની શરૂઆત થાય છે. તારે આમ નથી કરવાનું, તું આવું કરીશ તો નહીં ચાલે, આધિપત્ય ધીમે ધીમે બોજ બનતું જાય છે. રોકવાની શરૂઆત થાય ત્યારે જ છુપાવવાનો પ્રારંભ થતો હોય
છે. મિત્ર સાથે સિગારેટ પીતી વખતે પણ ઘણાંને કહેવું પડે
છે કે, જોજે હો, ઘરે ખબર ન પડે, કારણ વગરની બબાલ થશે.
એક પતિ-પત્નીની આ વાત છે. પતિએ પત્નીથી છુપાવીને તેના મિત્રને
રૂપિયા ઉછીના આપ્યા હતા. આ વાત કોઈક રીતે પત્નીને ખબર પડી ગઈ. તેણે પતિને કહ્યું કે તેં આ વાત મારાથી છુપાવી? તને આવું કરતાં કંઈ ન થયું? મારા કરતાં તારા માટે તારો મિત્ર મહત્ત્વનો થઈ ગયો? પતિએ કહ્યું કે, ના એવું નથી. મારા માટે સૌથી વધુ મહત્ત્વની તું જ છે. હું જ્યારે મિત્રને રૂપિયા આપવાની વાત કરું છું ત્યારે
તું ચોખ્ખી ના પાડી દે છે. એ રૂપિયા પાછા નહીં આવે, તું બધા પર ખોટો ભરોસો કરે છે. એ મારો મિત્ર છે. મને અગાઉ અનેક વખત ઉપયોગી થયો છે. આજે તેને જરૂર છે, અરે! રૂપિયા પાછા ન આપે તો પણ મને કંઈ વાંધો નથી. તું દરેક વાત તારી રીતે વિચારીને મને રોકતી રહે છે. હું તારાથી છુપાવું નહીં તો શું કરું? તને કહ્યું હોત તો તું આપવા દેત ખરી? આખી વાત પતી ગયા પછી પત્નીએ પતિને સોરી કહ્યું. હા, મારે આવું કરવું જોઈતું ન હતું. મારે તારી લાગણી સમજવી જોઈતી હતી. તું મને તારા દિલની બધી વાત કરજે. હું ધ્યાન રાખીશ કે ફરીથી આવું ન થાય. અલબત્ત, આવું બહુ ઓછા કિસ્સામાં થાય છે. મોટા ભાગે આવી વાતોનું પરિણામ ઝઘડાથી જ આવે છે. શંકા કંઈ એમ ને એમ નથી સર્જાતી, ધીમે ધીમે ગાંઠ મોટી થતી જાય છે. ઘણી વખત એ ગાંઠ એટલી મોટી થઈ જાય છે કે પછી ક્યારેય એ ઉકેલાતી જ નથી. પહેલી ગાંઠ વળે ત્યારે રોકી લેજો નહીંતર ગાંઠ પર ગાંઠ
વળતી જ જશે!
હવે એક બીજી વાત. તમારી પાસે કોઈનાં સિક્રેટ્સ છે? હશે જ, તો એટલી કાળજી રાખજો કે એના વિશ્વાસ પર કાતર ન ફરી જાય. દરેકની એક અંગત વ્યક્તિ હોય છે, દરેક વ્યક્તિ પોતાની અંગત વ્યક્તિને વાતો કરતી રહે તો
પણ સિક્રેટ ખાનગી રહેતું નથી. અમુક વાતો દિલમાં જ સાચવી રાખવાની
હોય છે. અમુક વાતો જાહેર થઈ જાય તો કોઈ મોટું નુકસાન થતું નથી. વાત જાહેર કરી દેનાર મિત્રને એક વખત તેના મિત્રએ કહ્યું
કે, તેં કોઈને કહી દીધું તેનાથી મારા પર આભ ફાટી પડ્યું
નથી, દુ:ખ એ વાતનું નથી કે મારી વાત જાહેર
થઈ ગઈ, દુ:ખ એ વાતનું છે કે મારો તારા પરનો ભરોસો
ખોટો નીકળ્યો. સિક્રેટ્સની સાથે વિશ્વાસ ચીપકેલો હોય છે. વિશ્વાસ, ભરોસાે, ખાતરી, વચન અને વફાદારી એક વખત તૂટે પછી સંધાતાં નથી. સંબંધમાં વાંધા હશે તો ચાલશે, પણ સાંધા ન હોવા જોઈએ.
છેલ્લો સીન :
પ્રેમ પાત્ર બનવું એ કરતાં વિશ્વાસપાત્ર
બનવું એ વધુ આવકારદાયક છે. -મેક્ડોનાલ્ડ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 10 ફેબ્રુઆરી 2016, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: