દરેક માણસની એક કહાની હોય છે! – ચિંતનની પળે

દરેક માણસની એક કહાની હોય છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ઇક અજબ શખ્સ બસા હૈ મુઝ મેં,
આઇના દેખું તો ડર લગતા હૈ.
-ઇમ્તિયાઝ સાગર
દરેક માણસની લાઇફ એ સતત જિવાતી એક નવલકથા છે. દરેક દિવસ એ આ નવલકથાનું પાનું છે. દરેક કલાક એક પેરેગ્રાફ છે. દરેક ક્ષણ એક શબ્દ છે. દરેક વર્ષે જિંદગીની આ નવલકથામાં એક પ્રકરણ ઉમેરાય છે. જિંદગીની આ નવલકથામાં ક્યાંક આંસુનો દરિયો છે. ક્યાંક દુઃખનો પહાડ છે. ક્યાંક એકલતાનું રણ છે. આગળનું કંઈ નજરે ન પડે એવું થોડુંક ધુમ્મસ છે. તાપણાં જેવી થોડીક હૂંફ છે. ક્યારેય છોડવાનું મન ન થાય એનો થોડોક સાથ છે. થોડોક એવો સમય હોય છે જેને પકડીને રોકી રાખવાનું મન થાય છે. ક્યાંક રહી જવાનું મન થાય છે. ક્યાંકથી ભાગી જવાનો ઇરાદો હોય છે. થોડોક આઘાત હોય છે. થોડોક પ્રત્યાઘાત હોય છે. થોડોક વિશ્વાસઘાત હોય છે. કેટલો બધો પ્રતિસાદ હોય છે. થોડીક આબાદી હોય છે. થોડીક બરબાદી હોય છે. થોડીક ભૂલો હોય છે અને એનો બચાવ લૂલો હોય છે. જિંદગીની રંગોળીમાં સતત રંગ ભરતા રહેવાનું હોય છે. ગણતરીના શ્વાસો હોય છે અને અગણિત સપનાંઓ હોય છે!
તમે અત્યાર સુધીની જિંદગીમાં કેટલું રડયા છો? કેટલા ડર્યા છો? શ્વાસને પણ ગિયર હોય છે. હૃદયને પણ ગતિ હોય છે. આ ગિયર કોણ બદલાવે છે? કોણ જિંદગીને બ્રેક મારી દે છે? અપ-ડાઉન્સ આવે છે છતાં જિંદગી આગળ વધતી રહે છે. જિંદગી રોકાતી નથી. એ રોકાય છે પછી કંઈ જ હોતું નથી. મૃત્યુ એક રહસ્ય છે. જન્મને આપણે રહસ્ય સમજતાં નથી, કારણ કે એ આપણી નજરની સામે થાય છે. આમ છતાં નજરની સામે થતું બધું સાચું નથી હોતું. નજરની સામે તો નાટક પણ થતાં હોય છે. નજરની સામે તો જાદુ પણ થતો હોય છે. નજરની સામે ઘણી વખત ચમત્કાર પણ થતા હોય છે. ચમત્કારને આકાર હોતો નથી. ચમત્કાર નિરાકાર હોય છે. ચમત્કાર માણસને એવો સાક્ષાત્કાર કરાવે છે કે કંઈક એવું છે જે આપણી સમજની બહાર હોય છે. આસ્તિકને શ્રદ્ધા હોય છે કે કોઈક છે,જે બધું જ ચલાવે છે. નાસ્તિકને કોઈ જ નથી અને કંઈ જ નથી એવી ‘શ્રદ્ધા’ હોય છે! બીજું કોઈ અથવા બીજું કંઈ હોય કે ન હોય,માણસ પોતે તો હોય જ છે.
તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે તમારા પર ‘બાયોપિક’ બને તો એ કેવી હોય? જિંદગીની કઈ કઈ ઘટનાઓને તમે તમારી જિંદગીની ફિલ્મમાં કંડારવા ઇચ્છો? કઈ ઘટનાને એડિટ કરી નાખો? જે કાઢી નાખવાનું કે કાપી નાખવાનું મન થાય એ જિંદગી નથી હોતી? હોય જ છે, એ આપણને પસંદ નથી હોતું. આપણાથી થઈ ગયું હોય છે. ક્યારેક ભૂલથી થયું હોય છે અને ક્યારેક ઇરાદાપૂર્વક થયું હોય છે. ભૂલથી થયું હોય એને તો માણસ માફ કરી દે છે, પણ જે ઇરાદાપૂર્વક થયું હોય એને ક્યારેય માફ કરી શકતો નથી. આ ભૂલનો ભાર સતત વેંઢારવો પડે છે. તમે એવી કઈ ભૂલ કરી છે જેનો તમને અફસોસ થાય છે? એવો કયો અન્યાય કર્યો છે જે તમને સતત સતાવતો રહે છે. એક માણસ હતો. તેણે પોતાની વ્યક્તિને હર્ટ કરી હતી. એ સતત કહેતો હતો કે અમારા વચ્ચે જે બન્યું એ ન બન્યું હોત તો સારું હતું. મેં જે કર્યું એ મારે કરવું જોઈતું ન હતું. તેના મિત્રએ કહ્યું કે જે બની ગયું છે એ બદલવાનું નથી, તું એટલું કરી શકે કે તેની પાસે જઈ માફી માગી શકે. પેલા માણસે કહ્યું કે, હું શા માટે માફી માગું? વાંક કંઈ મારા એકલાનો થોડો હતો? એક હાથે ક્યારેય તાળી પડતી નથી. એને કેમ ક્યારેય માફી માગવાનું મન થતું નથી. આપણને જેનો અહેસાસ હોય છે, જેની સમજ હોય છે, જે કરવાનું મન થતું હોય છે, એ પણ ઘણી વખત આપણે કરતા હોતા નથી! માણસને બીજું કોઈ ક્યારેક રોકતું હોતું નથી, પોતે જ પોતાને સૌથી વધુ અટકાવતો હોય છે.
દરેક માણસે જિંદગીમાં એક વખત તો કવિતા લખી જ હોય છે. જિંદગીની અમુક ક્ષણો જ એવી હોય છે જ્યારે જિંદગી આપણી પાસે લખાવતી હોય છે. દરેક વ્યક્તિમાં એક નાનકડો લેખક જીવતો જ હોય છે. દરેકને ક્યારેક તો ડાયરી લખવાનું મન થયું જ હોય છે. ભણતાં હોય ત્યારે નોટબુકનું છેલ્લું પાનું જિંદગીની નાનકડી કથા જેવું હોય છે. એમાં અમુક નામો લખેલાં હોય છે. અમુક ચિત્રો દોરેલાં હોય છે. સ્કૂલ અને કોલેજની બેન્ચ પર અમુક નામો કોતરેલાં હોય છે. ક્યારેક કોઈક નામના પહેલા અક્ષરનું પેન્ડન્ટ બનાવીને ગળામાં પહેરવાનું મન થયું હોય છે, તો ક્યારેક કોઈ ટેટુ ચિતરાવવાની જિજીવિષા જાગી ઊઠે છે. કેટલાં બધાં ટેટુ દિલ પર કોતરાયેલાં હોય છે? એ કોઈને દેખાતાં હોતાં નથી. માત્ર આપણને મહેસૂસ થતાં હોય છે. લાઇફના લખાઈ ગયેલાં પાનાઓમાં આપણે કેટલું બધું છુપાવ્યું હોય છે? કેટલું બધું જાહેર કરવાની ઇચ્છા હોય છે?
માણસને એવું થાય છે કે હું ક્યાં એવો મહાન છું? મેં ક્યાં કોઈ એવું એચિવમેન્ટ મેળવ્યું છે? હું તો સામાન્ય માણસ છું. કોઈ માણસ સામાન્ય હોતો નથી. કોઈ માણસ નકામો હોતો નથી. તમારું પણ એક વજૂદ છે. તમારી પણ એક કથા છે. તમે તમારી આત્મકથા લખો તો શું લખો? દરેક માણસને આત્મકથા લખવાનું મન થતું જ હોય છે. માણસ એમ વિચારે છે કે મારી આત્મકથા કોણ વાંચે?શા માટે વાંચે? દરેક વાત, દરેક ઘટના, દરેક પ્રસંગ, દરેક યાદ, દરેક ફરિયાદ કોઈના માટે નથી હોતી. ઘણું બધું આપણાં માટે હોય છે. એક માણસ ડાયરી લખતો હતો. તેના પુત્રએ પૂછયું કે તમે ડાયરી શા માટે લખો છો? પિતાએ કહ્યું, મારા માટે. જિંદગીમાં બધું યાદ નથી રહેતું. યાદ રાખવા જેવું પણ ઘણું હોતું નથી. છતાં હું લખું છું કારણ કે હું એ જીવ્યો છું. એ પછી તેણે દીકરાને કહ્યું કે તું એક કામ કરજે. હું જ્યારે મરી જાઉંને ત્યારે તું મારી આ બધી ડાયરી મારી ચિતા સાથે ગોઠવીને મારી સાથે જ બાળી દેજે. મારી લાઇફમાં યાદ રાખવા જેવું કંઈ છે જ નહીં. નિષ્ફળતાઓ જ છે. એ માણસ એક રાતે અવસાન પામ્યો. દીકરાને ડાયરીવાળી વાત યાદ આવી. અંતિમ સંસ્કાર સવારે હતા. આખી રાત પડી હતી. દીકરાએ પિતાની ડાયરી કાઢી. તેને વાંચવાનું શરૂ કર્યું. પિતાએ પોતાની નિષ્ફળતાની વાતો લખી હતી. દીકરો ડાયરી વાંચીને રડવા લાગ્યો. તેણે મનોમન વાત કરી કે, તમને કેમ તમારી કોઈ સફળતા દેખાતી નથી? તમારી સૌથી મોટી સફળતા તો હું છું. એ શું નાનીસૂની વાત છે કે તમે જે ભૂલો કરી હતી એ ભૂલો મને કરવા દીધી નથી! ડેડ, તમે નિષ્ફળ નહોતા. તમે તો સફળ હતા. તમે તો મને સફળ બનાવ્યો છે. આ ડાયરી હું બાળીશ નહીં પણ આ ડાયરી અહીંથી આગળ વધારીશ અને એ સિદ્ધ કરીશ કે તમે નિષ્ફળ ન હતા! તમે સફળ હતા!
આપણે જે જાણીતા હોય એને જ મહાન સમજી લેતા હોઈએ છીએ. એવું હોતું નથી. દરેક માણસ એની જગ્યાએ મહાન હોય છે. તમે પણ છો. આપણે આપણી લાઇફને જરાયે નબળી કે ઓછી ઊતરતી સમજવી ન જોઈએ. દરેક માણસ કોઈ માટે તો મહાન હોય છે,કોઈ માટે તો પ્રેરણાદાયી હોય જ છે, આપણને બસ આપણા હોવાના વજૂદનો અહેસાસ હોવો જોઈએ.
છેલ્લો સીન :
મનુષ્યનો વ્યવહાર એ એવું દર્પણ છે કે જેમાં માણસની પોતાની જાત દૃશ્યમાન થાય છે. – ગેટે.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 31 મે, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

Be the first to comment

Leave a Reply