બધું કરી શકતો હોય એ પણ 

જતું નથી કરી શકતો

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
આંસુઓનાં પડે પ્રતિબિંબ એવાં દર્પણ ક્યાં છે?
કહ્યા વિનાયે સઘળું સમજે એવાં સગપણ ક્યાં છે?
– કુમુદ પટવા

જતું કરવા માટે જીગર જોઈએ. બધાં લોકો જતું કરી શકતા નથી. આપણો અહમ્ આપણને રોકતો હોય છે. કંઈક થાય ત્યારે આપણને આપણા લોકો કહે છે તું એટલું જતું નથી કરી શકતો? આપણી પાસે દલીલ હોય છે કે હું શા માટે જતું કરું? દર વખતે મારે જ જતું કરવાનું? મારે જ ઇમોશનલી કૂલ બનવાનું? હું કંઈ બોલું નહીં એટલે લોકો મારો ફાયદો જ ઉઠાવતા રહે છે. બસ, બહુ થયું. હવે મારે સારા નથી રહેવું. સારા રહીને મને શું મળ્યું?
દરેકને ક્યારેક ને ક્યારેક તો એવું થતું જ હોય છે કે હું બધાનું કરું છું પણ મારી કોઈને પડી જ નથી. મારા નસીબમાં યશ લખ્યો જ નથી. મારાં નસીબમાં તો બસ ઘસાવાનું જ લખ્યું છે. હવે મારે પણ સ્વાર્થી થઈ જવું છે. માણસ જેવો હોય છે એવો જ રહે છે. એ બદલાઈ શકતો નથી. છતાં પણ એ બદલાવાની કોશિશ કરતો રહે છે. સારા માણસની એ ખૂબી હોય છે કે અંતે એ સારપ ઉપર જ ઊતરી આવે છે. ફૂલ એની સુગંધ છોડી શકતું નથી અને વીંછી એનો ડંખ છોડી શકતો નથી. કુદરતે દરેકને એક પ્રકૃતિ આપી હોય છે. પ્રકૃતિ પ્રાણ સાથે જ જાય છે.
ઘણાં લોકો જતું જ કરતા રહે છે, કારણ કે એ જતું કરવા સિવાય કંઈ કરી શકે એમ હોતા જ નથી. જતું કરવું એની મજબૂરી હોય છે. જે બધું જ કરી શકે એમ હોય અને જતું કરે એ જ ખરા અર્થમાં જતું કરતો હોય છે, પણ જે બધું કરી શકતો હોય એ જતું કરી શકતો નથી. મારે શા માટે જતું કરવું જોઈએ? હું જતું કરું તો તો મારી આબરૂ શું રહે? મારા આ પાવર અને મારી આ તાકાતનો મતલબ શું? લોકોને ડરાવવા, ઝુકાવવા, ધમકાવવા અને ધાકમાં રાખવાને ઘણાં લોકો પોતાની તાકાત સમજતા હોય છે.
તમારી હાજરીમાં જે માણસ તમારો અભિપ્રાય આપતો હોય છે એ અભિપ્રાય મોટા ભાગે ખોટો હોય છે. તમારી ગેરહાજરીમાં માણસ તમારા વિશે જે અભિપ્રાય આપતો હોય છે એ હંમેશાં સાચો હોય છે. ઘણાં માણસો એમ કહેતા હોય છે કે કોઈ ગમે તે કહે, મને કંઈ ફેર પડતો નથી. આવા જ લોકો કોણ તેના વિશે શું કહે છે તેનું સૌથી વધુ ધ્યાન રાખતા હોય છે.
એક તસવીરકાર હતો. તેણે કહ્યું કે લોકો પણ ગજબના હોય છે. ફોટો જોઈને બધા એ જ વિચારે છે કે મારો ફોટો કેવો આવ્યો છે? બધાને એ જ જોવું હોય છે કે હું કેવો લાગું છું. કોઈ ક્યારેય એમ કેમ નથી વિચારતો કે હું કેવો છું? સારા દેખાવા માટે મેકઅપ કરતો માણસ સારા રહેવા માટે જરાકેય પ્રયાસ કરતો નથી. કૃત્રિમતા એ આજના સમયનો સૌથી મોટો સામાજિક રોગ છે.
માણસ બધું જ કોઈને બતાવવા અને બતાડી દેવા કરતો રહે છે. એક માણસે મોટો બંગલો બનાવ્યો. તેના મિત્રએ કહ્યું કે આવડા મોટા બંગલાની તારે શું જરૂર છે? તમે તો ઘરમાં ગણીને ત્રણ લોકો જ છો. બંગલાના માલિકે કહ્યું કે ગામને બતાવવા માટે. લોકોને ખબર કેમ પડે કે મારી શું ત્રેવડ છે. મિત્રએ કહ્યું કે તેં આરામથી રહેવા માટે બંગલો બનાવ્યો હોત તો હજુયે સમજી શકત પણ તેં તો કોઈને બતાવવા માટે બંગલો બનાવ્યો છે. મારું ઘર નાનું છે પણ મેં એ રહેવા માટે બનાવ્યું છે, કોઈને બતાવવા માટે નહીં. બધાને બસ વટ પાડવો હોય છે. લોકોને આંજી દેવા હોય છે. કોઈ ભપકો ક્યારેય સરળતાથી શ્રેષ્ઠ થઈ શક્યો નથી.
એક સંત હતા. તેનો એક શિષ્ય કરોડપતિ હતો. આ શિષ્યએ એક આલીશાન મોલ બનાવ્યો. સંતને વિનંતી કરી કે એક વાર તમે મારા મોલ પર આવો. શિષ્યની વિનંતીને માન આપી એ સંત એક વખત મોલ પર ગયા. શિષ્ય તો ભાવવિભોર થઈ ગયો. સંતને કહ્યું કે આ મોલમાંથી તમારે જે જોઈએ અને જેટલું જોઈએ એટલું લઈ લો. સંતે એક પછી એક બધા જ શો રૂમમાં ચક્કર માર્યું. શિષ્યે પૂછયું કે મહારાજ, તમને શું ગમ્યું? સંતે કહ્યું કે મેં આખો મોલ જોયો. મને એકેય ચીજ એવી ન લાગી કે મને જેના વગર ન ચાલે. આપણી અંદર એવું કેટલું બધું પડયું હોય છે જેના વગર આપણને ચાલતું હોય છતાં પણ આપણે ચલાવતા નથી. ગુસ્સો, નારાજગી, ક્રોધ, ડર અને આવું ઘણું બધું ખરાબ છે એવું આખી દુનિયા જાણે છે છતાં કોઈ કેમ એને છોડી શકતું નથી? કારણ કે બધાને બતાવી દેવું હોય છે. કોઈને જતું કરવું હોતું નથી.
દુનિયાની એકેય એવી જેલ તમે જોઈ છે જે ખાલી હોય? બધી જ જેલો ભરેલી હોય છે. એ જ બતાવે છે કે માણસ કંઈ જતું કરી શકતો નથી. ખૂબી તો જુઓ. માણસ આપઘાત પણ કોઈને બતાવી દેવા માટે કરતો હોય છે.
માણસની અશાંતિનું સૌથી મોટું કારણ એ હોય છે કે એ જતું કરી શકતો નથી. જે માણસ જતું નથી કરતો એ ક્યારેય મુક્ત થઈ શકતો નથી. દરેક ફિલોસોફી એવું જ કહે છે કે આજમાં જીવો. વર્તમાન જ શ્રેષ્ઠ છે. અત્યારે જે છે એ જ જિંદગી છે. જોકે એવું થઈ શકતું નથી, કારણ એ આપણે ભૂતકાળને છોડતાં જ નથી. ભૂતકાળને ખભે બેસાડી રાખીએ છીએ અને પછી એના ભારને વેંઢારવામાં જ વર્તમાન ગુમાવીએ છીએ.
એક પ્રેમી અને પ્રેમિકા હતાં. પ્રેમી ખૂબ ગુસ્સાવાળો અને તુમાખીવાળો હતો. પ્રેમિકા તેને ખૂબ સમજાવતી કે તું તારા સ્વભાવમાં બદલાવ લાવ. આવું કરીને તું જ દુઃખી થાય છે. તું જ આખો દિવસ ધૂંધવાયેલો રહે છે. સરવાળે નુકસાન તને જ જાય છે. પ્રેમી પહેલાં તો વાત સાંભળી લેતો પણ ધીમે ધીમે તેને પ્રેમિકા પર ગુસ્સો આવવા લાગ્યો. પ્રેમિકા સાથે જ એ ઝઘડવા લાગ્યો. તું તારું ડહાપણ બંધ કર, મને શીખવાડવાનો પ્રયાસ ન કર. તારે મારી સાથે સંબંધ રાખવો હોય તો રાખ. પ્રેમિકાએ દલીલ કરી તો એને તમાચો ઝીંકી દીધો. આખરે પ્રેમિકાએ કહી દીધું કે હવે આપણો સંબંધ પૂરો. તું તારા રસ્તે અને હું મારા રસ્તે. બંને જુદાં પડી ગયાં. પ્રેમીને કંઈ ફર્ક પડતો ન હતો. એ તો જેમ રહેતો હતો એમ જ રહેવા લાગ્યો. તેના સ્વભાવના કારણે બધી જગ્યાએથી પછડાટ મળી. લગ્ન કર્યાં તો પત્ની પણ ત્રાસથી કંટાળી ચાલી ગઈ. વર્ષો પછી અચાનક એને જૂની પ્રેમિકા મળી ગઈ. તેણે કહ્યું કે તું સાચું કહેતી હતી. હું મારા સ્વભાવને કારણે જ દુઃખી થયો છું. તને સમજી ન શક્યો. મેં તને તમાચો માર્યો હતો. હું તારો ગુનેગાર છું. પ્રેમિકાએ કહ્યું ના, તું મારો ગુનેગાર નથી. તું તો તારો જ ગુનેગાર છે. મેં તો તને તમાચો માર્યો એ દિવસે જ માફ કરી દીધો હતો. તું હજુ તારી જાતને માફ કરી શકતો નથી.
માણસ ન જતું કરીને ઘણું બધું ગુમાવતો હોય છે અને જતું કરીને ઘણું બધું મેળવતો હોય છે. શાંતિ અને સુખ મોટા ભાગે જતું કરીને જ મળતાં હોય છે. માણસને એ સમજાતું જ નથી કે જતું ન કરીને એ પોતાની સાથે જ કેટલો અન્યાય કરતો હોય છે. તમે જ્યારે જતું કરો છો ત્યારે તમે પણ મુક્ત થઈ જાવ છો. માત્ર જતું કરી દો, પછી તમારે ઘણું બધું નહીં કરવું પડે.
છેલ્લો સીન :
આ જગતનાં સર્વ દુઃખોનો એક ઉપાય હોય છે, અથવા તો એક પણ ઉપાય નથી હોતો. એક ઉપાય હોય તો એને શોધી કાઢો અને એક પણ ઉપાય ન હોય તો આખી વાત ભૂલી જાવ. -અજ્ઞાત
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 22 ડિસેમ્બર, 2013. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

One thought on “

Leave a Reply

%d bloggers like this: