ફાધર પણ આખરે એક માણસ છે

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
નજર નજરથી મિલાવો તો હું કરું સાબિત, 
કે દિલની વાત મેં શબ્દો વિના કરી કે નહીં?
-મરીઝ

આજે ફાધર્સ ડે છે. બાપુ, પિતા, ડેડી, પપ્પા, સંબોધન ગમે તે હોય સંબંધ એક છે. લોહીનો સંબંધ, જિન્સનો સંબંધ, પ્રકૃતિનો સંબંધ અને પીડાનો સંબંધ. દીકરો હોય કે દીકરી, દરેક સંતાન માટે એનો ફાધર ફર્સ્ટ હીરો હોય છે. જોકે આ હીરોઈઝમ કાયમ માટે એકસરખું લાગતું નથી. હીરો હોય છે એ જ ક્યારેક વિલન લાગવા માંડે છે. કોઈ માણસ ક્યારેય એકસરખો રહી શકતો નથી તો પછી ફાધર ક્યાંથી રહી શકે ?ફાધર પણ આખરે એક માણસ છે.
દરેક સંતાનને જિંદગીમાં કોઈ ને કોઈ તબક્કે એક વખત તો એવું લાગતું જ હોય છે કે મારા પપ્પા કંઈ સમજતા જ નથી. એની જગ્યાએ હોઉં તો મેં આવું કર્યું હોત,પણ આપણે એની જગ્યાએ હોતા નથી. આંગળી ઝાલીને જેણે ચાલતા શીખવ્યું હોય એ જ જ્યારે કોઈ વાતે આંગળી ચીંધે ત્યારે સહન થતું નથી. ફાધર્સ ડે ના દિવસે આમ તો પિતાની ડાહી ડાહી અને સારી સારી વાતો જ થતી હોય છે. મહાન ઉદાહરણો અપાતાં હોય છે. આમ છતાં એવા કિસ્સાઓ પણ હોય છે જે સારા નથી હોતા.
ઘણાં બાળકો એવાં હોય છે જેના મોઢે એવું સાંભળવા મળે છે કે આઈ હેટ માય ફાધર. મને મારા પપ્પા નથી ગમતા. કારણો ઘણાં હોય છે. મારે કરવું છે એ નથી કરવા દેતા, મારા પર રાડો જ પાડે છે, એ કહે એમ જ મારે કરવાનું એવો આગ્રહ રાખે છે, મારી સાથે શાંતિથી વાત નથી કરતા, સીધા ઓર્ડર જ કરે છે, મારી પસંદ નાપસંદની એને કોઈ પરવા જ નથી, એને ખબર જ નથી કે હું શું ભણું છું, મારા મિત્રો એને ગમતાં નથી, મારી મમ્મી સાથે ઝઘડા જ કરે છે, એની આદતો જ સારી નથી, કેટલાં બધાં કારણો હોય છે પિતાને હેટ કરવાનાં. બધાં ખોટાં જ હોય એ જરૂરી નથી, કેટલાંક સાચાં પણ હોય છે.
શોધવા બેસીએ તો પપ્પામાં સો વાંધા મળી આવે. દરેક પિતા સારો જ હોય એ જરૂરી નથી. પિતાની પણ અમુક મર્યાદાઓ હોય છે,અમુક આદતો હોય છે. અમુક દુરાગ્રહો હોય છે, અમુક પૂર્વગ્રહો હોય છે. રામ સારા હતા એનું કારણ દશરથ હતા? દુર્યોધન સારો ન હતો એનું કારણ ધૃતરાષ્ટ્ર હતા? આપણે જેવા છીએ એનું કારણ આપણાં ફાધર છે? પાર્વતીના પિતા શંકરને પસંદ કરતા ન હતા એટલે એ સારા ન હતા? કૃષ્ણનો ઉછેર નંદ અને યશોદાના બદલે દેવકી અને વસુદેવ સાથે થયો હોત તો એ જુદા હોત? જો અને તોમાં કોઈ સંબંધ જિવાતો હોતો નથી. જે હોય છે એ સંબંધ જીવવાના હોય છે. દરેક સંબંધની પોતાની પરિસ્થિતિ હોય છે અને દરેક વખતે એ ગમતી જ હોય એવું જરૂરી નથી. ગાંધીજી મહાન હતા પણ તેમના દીકરા હરિલાલને પિતામાં મહાનતા દેખાઈ ન હતી. હરિલાલ પિતાને નફરત જ કરતા હતા.
એક પુત્ર હતો. પિતા ઉપર એને નફરત હતી. બચપણથી જ હોસ્ટેલમાં મૂકી દીધો હતો. બધી જરૂરિયાતો પૂરી કરી દેતા. બંને વચ્ચે ક્યાંક કોઈક અભાવ રહેતો હતો. વેકેશનમાં ઘરે જાય ત્યારે પણ સંબંધોમાં સ્વાભાવિકતા વર્તાતી ન હતી. આમ ને આમ દીકરો મોટો થઈ ગયો. સારી નોકરી મળી. અલગ રહેવા લાગ્યો. બાપ દીકરાને બહુ ઓછું મળવાનું થતું. હા, સમાચાર પૂછી લેતા પણ લાગણી કે ચિંતાની ગેરહાજરી રહેતી. ફાધર્સ ડે આવતાં અને જતાં. ઉલટું દીકરા માટે તો આ દિવસ દુઃખ લઈને આવતો. બીજા વિશે જાણી અને વાંચીને થતું કે કાશ મારા પપ્પા પણ આવા હોત, જેનું હું ઉદાહરણ આપી શકતો હોત.
એક ફાધર્સ ડેની વાત છે. દીકરો અચાનક જ પિતાના ઘરે પહોંચી ગયો. માનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. પિતા ઘરે એકલા હતા. ડોરબેલ સાંભળી પિતાએ દરવાજો ખોલ્યો તો સામે દીકરો ઊભો હતો. ઘરમાં દાખલ થયો કે પિતાએ પૂછયું, આજે તો તું ઘરે આવ્યો?મને આશ્ચર્ય થાય છે, પણ મને ગમ્યું. કેમ ઘરે આવવાનું મન થયું ? દીકરાએ કહ્યું કે, આજે ફાધર્સ ડે છે, પિતાને ખબર હતી પણ એ કંઈ ન બોલ્યા. થોડીક વાર છત સામે જોયું, આંખો ભીની ન થઈ જાય એની સાવચેતી રાખવા. પછી દીકરાની આંખ સામે જોયું. પિતાએ કહ્યું કે તો તું ફાધર્સ ડે નિમિત્તે મને ગિફ્ટ આપવા અને ડિનર પર લઈ જવા માટે આવ્યો છે. દીકરાએ કહ્યું કે ના, હું એવા કશા માટે નથી આવ્યો. હું તો તમને માફ કરવા આવ્યો છું, એ તમામ વાતો ભૂલવા આવ્યો છું, જેને હું તમારી ભૂલ સમજતો હતો. હું તમને સોરી કહેવા આવ્યો છું. કદાચ જેને હું તમારી ભૂલો સમજતો હતો એ સમજવામાં મારી ભૂલ હતી. સોરી ડેડ, હેપી ફાધર્સ ડે. દીકરાની આંખો ભીની હતી. પિતાએ ગળે વળગાડીને કહ્યું કે ઈટ ઈઝ ધ બેસ્ટ ગિફ્ટ ઓફ માય લાઇફ. કેટલા લોકો એના પિતાને માફ કરી શકે છે?
સુપ્રસિદ્ધ શાયર જાવેદ અખ્તરને તેના પિતા જાંનિસાર અખ્તર પ્રત્યે બહુ લાગણી ન હતી. તેનું કારણ એ હતું કે જાંનિસાર અખ્તરે જાવેદજીનાં માતાને છોડી બીજા નિકાહ કર્યા હતા. જાવેદજીને સતત એવું થતું હતું કે પિતાએ તેમને તરછોડી દીધાં. પિતા જાંનિસાર પાસે પોતાનાં કારણો હતાં. પિતા એ સમજાવી ન શક્યા અથવા તો જાવેદજી એ સમયે સમજી ન શક્યા. જાંનિસાર અખ્તરનો ઇન્તેકાલ થઈ ગયો.
સમય વીતતો ગયો. જાવેદજીના નિકાહ થઈ ગયા. ગમે તે થયું પણ પત્ની હની ઈરાની સાથે તેનું બરાબર ન જામ્યું. એવામાં એની જિંદગીમાં શબાના આઝમીનો પ્રવેશ થયો. બંનેએ નિકાહ કર્યા. જાવેદજીને એ પછી સમજાયું કે જિંદગીમાં આવું થઈ શકે છે. પિતા પ્રત્યેની નફરત સાચી ન હતી. જોકે પિતા ચાલ્યા ગયા હતા. જાવેદજીની વાતોમાં પિતા પ્રત્યેની નફરત ને અફસોસ ઘણી વખત તરવરી જાય છે. કેવું છે, આપણે ઘણી વખત સમજીએ ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.
કેટલા લોકો પિતાની માનસિક અવસ્થાના જાણકાર હોય છે? કેટલા બધા નિર્ણયો પિતાએ હસતાં મોઢે લીધા હોય છે અને આપણને અંદાઝ સુધ્ધાં આવવા નથી દેતા કે ખરેખર પરિસ્થિતિ શું હતી. નાના હોઈએ ત્યારે પૂરતી સમજણ નથી હોતી. જે દેખાતું હોય છે એને જ સાચું માની લેતા હોઈએ છીએ. વાસ્તવિકતા ઘણી વખત બહુ જુદી, વિચિત્ર, અટપટી, અઘરી અને ન સમજાય તેવી હોય છે. પિતાની ભૂલ હોય તો તેને પણ માફ કરવાનું જીગર હોવું જોઈએ.
ફાધરને પણ આપણે ઘણી વખત ટેકન ફોર ગ્રાંટેડ લઈ લેતા હોઈએ છીએ. સો વોટ, ઇટ્સ માય લાઈફ, ફાધરને જે સમજવું હોય એ સમજે, હું તો જે કરવું હશે એ કરીશ જ. આવી જીદમાં ફાધરના દિલને કેટલી વખત ઠેસ પહોંચાડતા હોઈએ છીએ? કેટલાં સંતાનો પોતાના ફાધરને સોરી કહેતાં હોય છે? કોઈ માણસ માટે એના ફાધર ‘કાયમી’ હોતા નથી. મોડું થઈ જાય એ પહેલાં ઠેસ પહોંચેલા એના દિલને આપણે ઋજુતા બક્ષીએ છીએ?
બાપ દીકરી અને દીકરા માટે જુદા હોય છે. દીકરી કાળજાનો કટકો છે અને દીકરો કુળદીપક કે વારસદાર છે. દીકરી વિશે એક પ્રિડિસાઈડેડ સત્ય એ હોય છે કે એ એક દિવસ લગ્ન કરીને ચાલી જવાની હોય છે. દીકરી ક્યારેક જવાની છે એવી માનસિક તૈયારી પણ હોય છે. દીકરી સાસરે જાય ત્યારે તો પિતા રડીને મન મનાવી લે છે પણ દીકરો ઘર છોડીને જાય ત્યારે બાપ નથી રહી શકતો કે નથી કહી શકતો. અંદર ને અંદર તૂટતો અને ઘૂંટાતો રહે છે.
એક મિત્રની વાત છે. બિઝનેસમેન મિત્રએ એના દીકરા માટે બિઝનેસ તૈયાર રાખ્યો હતો. દીકરો મોટો થઈ બધું સંભાળી લેશે. એક જ સપનું હતું કે દીકરા માટે બધું તૈયાર કરી રાખું. દીકરાને એમબીએ કરવા અમેરિકા મોકલ્યો. દીકરો ડાહ્યો હતો. દીકરામાં કોઈ ખરાબી ન હતી. અમેરિકા ગયા પછી એને થયું કે લાઇફ તો અહીં જ છે. ઇન્ડિયા કરતાં અહીં જ બિઝનેસ ન કરું? એ ઉપરાંત સાથે જ સ્ટડી કરતી યુવતી સાથે પ્રેમ થયો. ઇન્ડિયા આવીને પિતાને કહ્યું કે હું આ છોકરીને પ્રેમ કરું છું, તેની સાથે મેરેજ કરી અમેરિકા જ સેટલ થવા માંગું છું. મારાં સપનાં ઊંચાં છે. મારે તો ત્યાં જ રહીને બિઝનેસ કરવો છે. પિતાના મનમાં સવાલ ઊઠયો કે મારા સપનાનું શું? પણ એ બોલી ન શક્યા.
ઓ.કે. દીકરા, એઝ યુ વિશ. એટલું જ કહીને એ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. એક સાથે અનેક સપનાંના ચૂરેચૂરા થઈ ગયા હતા. આંખો ભીની થઈ ગઈ. દીકરાના સપનાથી મોટું શું હોઈ શકે? એવા ઈરાદે એણે પોતાના સપનાનું ગળું ઘોંટી દીધું અને કોઈને ખબર સુધ્ધાં ન પડવા દીધી કે તેના દિલ પર શું વીતે છે. જોકે હવે કંઈક નવું કરવાની વાત આવે છે ત્યારે તેના મનમાંથી એક જ સવાલ ફૂટી નીકળે છે કે, હવે આ બધું કોના માટે કરવાનું? કંઈ જ નથી કરવું.
આપણને ખબર હોય છે કે આપણે પિતાનાં કેટલાં સપનાંની કતલ કરી હોય છે? ના ખબર નથી હોતી,કારણ કે પિતા એની ખબર પડવા જ દેતા નથી. તમને તમારા પિતાની માનસિક અવસ્થા ખબર છે? એ જ્યાં છે ત્યાં કઈ અને કેવી સફર કરીને પહોંચ્યા છે એની દરકાર છે? પિતાએ કેટલી ભૂલો માફ કરી હોય છે? આપણે તેમની એકેય ભૂલોને માફ કરી શકીએ છીએ? દરેક પિતા મહાન હોતા નથી, કેટલાંક બહુ સામાન્ય કે મિડિયોકર હોય છે. એનાથી પણ ભૂલો થઈ ગઈ હોય છે. એની પ્રત્યેના અણગમા દૂર કરી ક્યારેક કહી જોજો કે લવ યુ ડેડી.
દરેકને પિતા પ્રત્યે લાગણી અને અહોભાવ હોય છે, પણ એવા લોકો પણ છે જેને પિતા પ્રત્યે નફરત છે અથવા નારાજગી છે, એ લોકોએ એટલું જ સમજવાનું અને સ્વીકારવાનું છે કે ફાધર પણ એક માણસ છે. બધા જ અણગમા, નારાજગી છોડી ક્યારેક પિતાને એક માણસ તરીકે મૂલવજો, ઘણા અણગમા દૂર થઈ જશે. ડેડને સમજવા માટે ખરા દીકરા કે દીકરી બનવું પડે, ડેડ ઘણી વખત સમજાય ત્યારે એ હોતા નથી, પછી માત્ર અફસોસ જ રહે છે, એ પહેલાં જ કહી દો કે પ્રાઉડ ઓફ યુ ડેડી. હેપી ફાધર્સ ડે.
છેલ્લો સીન :
પિતા કોઈને પોતાની પસંદગીથી મળતા નથી પણ જે છે તેને તમે શ્રેષ્ઠતાપૂર્વક પસંદ કરો તે જ સાચો સંબંધ છે. અજ્ઞાત          
(‘સંદેશ’, તા. 16 જુન, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: