તું નથી તો જાણે કંઈ છે જ નહીં

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

ડૂમો ખસેડી રોજ ક્યાંથી ટહુકવું હવે, ક્યાં છે સ્મરણની કૂંપળોનું ફૂટવું હવે,
સાથે વિતાવેલી ક્ષણોનું છે ઘણું દેવું, એકેક રાતોને ગણીને ચૂકવું હવે.
-ધૂની માંડલિયા

તારા વગર એક સન્નાટો મારી ચોતરફ પ્રસરી જાય છે. શૂન્યાવકાશ એટલે તારી ગેરહાજરી. તારી ગેરહાજરીમાં ખાલીપો ચડી આવે છે. તું નથી તો આ શહેર પણ ખાલી લાગે છે અને આકાશ પણ અધૂરું ભાસે છે. તું જાય છે તો જાણે બધું જ સાથે લઈ જાય છે, હું પણ મારી સાથે ક્યાં હોઉં છું? ખોવાયેલો રહું છું ત્યારે મને વિચાર આવે છે કે હું મને શોધું છું કે તને? આટલા બધા લોકો હોય છે છતાં પણ એવું કેમ લાગે છે કે એક તું નથી તો જાણે કંઈ છે જ નહીં.
તમારી જિંદગીમાં એવી કઈ વ્યક્તિ છે જ્યારે એ નથી હોતી ત્યારે તમને એવું થાય જાણે હું એકલો પડી ગયો. આપણી આંખ કોને સતત શોધતી રહે છે? આપણા શબ્દો કોને સતત પોકારતા રહે છે? કેટલાંક લોકો એવા હોય છે કે એની હાજરી વર્તાતી નથી પણ એ ન હોય ત્યારે તેની ગેરહાજરી સતાવતી રહે છે. ઘણી વખત કંઈક છૂટી જાય પછી જ એનું મહત્ત્વ સમજાતું હોય છે. બગીચો ગમે એવડો મોટો હોય પણ તેમાં જો ફૂલ ન હોય તો? ક્યારેક કૂંડામાં ઊગેલું એકાદ ફૂલ આખા બગીચાની ગરજ સારી દેતું હોય છે. એકલા હોઈએ ત્યારે આપણે અધૂરા હોઈએ છીએ.
ભમરા વગર ફૂલને અધૂરપ લાગતી હશે? મોજાં વગર દરિયાને ઓછું આવી જતું હશે? પર્વતની ટોચને વાદળના સ્પર્શ વગર સૂનકાર લાગતો હશે? હાથની રેખાઓને ક્યારેક એકલતાનો અહેસાસ થતો હશે? એક માછલીને દરિયાથી દિલ ભરાઈ ગયું. માછલીને થયું કે બહાર નીકળી જાઉં અને છૂટી જાઉં બધાં જ બંધનમાંથી. તરીને એ કિનારે આવી ગઈ. બહાર તડકો હતો. થોડા સમયમાં એની ચામડી સુકાવા લાગી. હવે દરિયાની ભીનાશ તેને યાદ આવતી હતી. તેને થયું કે બહાર તો હું મરી જઈશ. માછલીને થયું કે મરવાનો ડર નથી, પણ જો મરવાનું જ હોય તો હું દરિયાની આગોશમાં જઈને શા માટે ન મરું ? હળવેથી એ પાછી દરિયામાં સરી ગઈ અને રોમરોમમાં એ ભીનાશ પાછી પ્રસરી ગઈ. માછલીને થયું કે આ જ જિંદગી છે. માણસને પણ ઘણી વાર પોતાના લોકોથી દૂર ચાલ્યા જવાનું મન થાય છે. દૂર જાય પછી સમજાય છે કે આનો કોઈ મતલબ નથી. ઘણી વખત દૂર જતી વ્યક્તિને આપણે રોકતા નથી પણ એ ચાલી જાય પછી થાય છે કે રોકી લીધી હોત તો સારું થાત.
આપણને ઘણી વખત એવું લાગતું હોય છે કે બધા વગર ચાલે. કોઈનાથી કંઈ ફેર પડતો નથી. મોટાભાગે બધા હોય છે ત્યારે જ આવું થતું હોય છે. કોઈ નથી હોતું ત્યારે એવું લાગે છે કે જિંદગીનો કોઈ મતલબ નથી. તમને કોના વગર એવું લાગે છે? યાદ અને આદત ઘડીકમાં છૂટતી નથી. માણસને માણસનું પણ વ્યસન થઈ જતું હોય છે. તમને કોની લત લાગી ગઈ છે? બધી આદત છોડવા જેવી નથી હોતી, વ્યક્તિની તો નહીં જ.
તમે કોના માટે કેટલા મહત્ત્વના છો? હા, તમારી જિંદગીમાં પણ એવી વ્યક્તિ હશે જેના માટે તમે સર્વોપરી અને સર્વસ્વ હશો. તમે એને સંપૂર્ણતાનો અહેસાસ આપી શકો છો? તું છે તો કંઈ જ નથી જોતું, એવી લાગણી દરેક વ્યક્તિને જિંદગીમાં ક્યારેક તો થતી જ હોય છે. ઘણી વખત એ ટકતી નથી અથવા તો અધવચ્ચે છૂટી જાય છે. આવા સમયે વિચારજો કે ક્યાં ગયો એ અહેસાસ? ક્યાં ગઈ એ આદત? થોડુંક શોધશો તો મળી આવશે. ભીનાશ ગમતી હોય તો સુકાઈ જઈએ એ પહેલાં ભીના થઈ જવાનું હોય છે. જિંદગીમાં પણ આવું જ છે. કંઈક ખૂટતું લાગે તો એને ભરી દેવાનું હોય છે અને એ હાથવગું જ હોય છે. આપણે બસ તેના તરફ નજર માંડવાની હોય છે. તમારા હાથમાંથી કંઈ છૂટી રહ્યું નથીને?
આપણાં બધાની જિંદગીમાં એવી વ્યક્તિ હોય જ છે જે હોય ત્યારે આપણને એની હાજરી વર્તાતી નથી પણ એ ન હોય ત્યારે એની અધૂરપ સાલે. દરરોજ મુસાફરીમાં સાથે હોય એવી વ્યક્તિ જ્યારે એકાદ સફરમાં નથી હોતી ત્યારે સફર અઘરી બની જતી હોય છે. ઓફિસમાં કોઈ એક વ્યક્તિ હાજર ન હોય ત્યારે કેટલું બધું ગેરહાજર હોય છે. પાર્ટીમાં ઘણી વ્યક્તિ હોય પણ બસ તું નહોતો તો જાણે કંઈ મજા જ ન આવી એવું કોના માટે થતું હોય છે? આપણને ક્યારેય કોઈની એવી ગેરહાજરી વર્તાય ત્યારે એને કહીએ છીએ કે યાર તું નહોતો તો કંઈ જ ન હતું.
એક માણસ વર્ષો પછી એના શહેરમાં આવ્યો. કોલેજ નજીકથી પસાર થયો તો જૂની યાદો તેને અંદર ખેંચી ગઈ. કેન્ટીનમાં ગયો. પિરિયડ ચાલુ હતો એટલે કેન્ટીન ખાલી હતી. જે ખૂણાના ટેબલ પર મિત્રો સાથે બેસતો હતો એ ટેબલ પર બેઠો. જાણે એક પછી એક ચહેરા હાજર થઈ ગયા. થોડાક અવાજો પાછા ગુંજવા લાગ્યા. એક મસ્તી આંખો સામે ઊગી નીકળી. બાજુની દીવાલ પર કોતરેલું એક નામ યાદ આવી ગયું. દીવાલ પર જોયું તો દીવાલ રંગાઈ ગઈ હતી. ક્યાં ગયું એ નામ? રંગ ઉખેડીને એ શોધી કાઢવાનું મન થઈ આવ્યું. દીવાલ ઉપર હાથ ફેરવ્યો અને આંખ જાણે ભીની થઈ ગઈ. પિરિયડ પૂરો થયો અને યંગસ્ટર્સનું ટોળું કેન્ટીનમાં ધસી આવ્યું. નજર સામે જ જાણે એ જૂની જિંદગી જીવંત થઈ ગઈ. એક ટેબલ પર બેઠેલાં છોકરાં-છોકરીઓને જઈને કહ્યું કે, આ સમય જીવી લ્યો. છોકરાંઓએ કહ્યું કે અમને સમજાતું નથી કે તમે શું કહેવા માંગો છો? પેલા માણસે કહ્યું કે અમને પણ ક્યાં સમજાતું હતું. આપણે જીવતા હોઈએ છીએ ત્યારે આપણને સમજાતું હોય છે કે જીવી લ્યો? આ ક્ષણ, આ સમય, આ સંગાથ અને આ વ્યક્તિઓ ખબર નહીં પાછી મળશે કે નહીં.
જિંદગી એવી રીતે જીવી લ્યો કે કોઈ અધૂરપ ન લાગે, કોઈ અફસોસ ન થાય અને જે વ્યક્તિ સાથે જીવો છો એને બરાબર ઓળખી લો. હાથની રેખાઓનો અંત આવતો હોય છે ત્યારે એવું બોર્ડ નથી આવતું કે અહીં રસ્તો પૂરો થાય છે કે આગળ હવે કશું જ નથી. તમને ખાતરી છે કે આજે જે વ્યક્તિ તમારી સાથે છે એ કાલે હશે જ? અથવા તો તમે પોતે જ હાજર હશો? જેની સાથે છો એની સાથે એવી રીતે જીવો કે કોઈ અફસોસ ન રહે, કારણ કે માત્ર એક વ્યક્તિ વગર આખી જિંદગી ખાલી થઈ જતી હોય છે.
છેલ્લો સીનઃ
જીવનનું પ્રત્યેક કાર્ય એવી રીતે કરીએ કે જાણે તે છેલ્લું હોય. -મારકુસ આઉરેલીઅસ.
(‘સંદેશ’, તા. 17મી માર્ચ, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ચિંતનની પળે કોલમ)

Be the first to comment

Leave a Reply