જે સ્થિતિને ટાળી ન શકો એનો સામનો કરો

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાંમન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને.
જે શોધવામાં જિંદગી આખી પસાર થાયને એ જ હોય પગની તળે એમ પણ બને.
મનોજ ખંડેરિયા

માણસને જિંદગી સૌથી અઘરી ક્યારે લાગતી હોય છે? જ્યારે પોતાનું ધાર્યું ન થાય ત્યારે. જિંદગી આપણી બધી જ ગણતરીઓ ઊંધી પાડી દે છે. ક્યારેક આપણા સંબંધો જ સવાલો બનીને સામે આવી જાય છે તો ક્યારેક આપણી કરિયર સામે પ્રશ્નાર્થ મુકાઈ જાય છે. ક્યારેક પ્રેમ જ પ્રશ્નો કરવા લાગે છે તો ક્યારેક લાગણી જ જવાબો માગે છે. માણસે જવાબો શોધવા પડે છે. જિંદગીના સવાલોનો જવાબ એક નથી હોતો પણ અનેક જવાબો હોય છે. એમાંથી એવો જવાબ શોધવાનો હોય છે, જે બીજા બધા જવાબો કરતાં સરળ, સહજ અને ઓછી વેદના આપનારો હોય. આપણે કેવો જવાબ શોધીએ છીએ તેના પરથી જ આપણી આવડત, ડહાપણ, સમજદારી અને બુદ્ધિક્ષમતાનું માપ નીકળે છે.
ટૂંકા રસ્તા હંમેશાં જોખમી હોય છે. આવું ન હોય એવો પ્રશ્ન જ્યારે જિંદગીમાં સર્જાય છે ત્યારે માણસ એવું વિચારે છે કે કેવું હોવું જોઈએ? માણસને સૌથી સલામત લાગે એ ઉકેલ સ્વીકારે છે. આ ઉકેલ સાચો છે કે ખોટો, સારો છે કે ખરાબ, સહેલો છે કે અઘરો એનો જવાબ સમય જ આપે છે, આમ છતાં કાલના પરિણામનો આધાર તમે આજે એ સવાલનો કયો જવાબ શોધો છો તેના ઉપર રહેતો હોય છે.
દરેક વ્યક્તિને કુદરતે બુદ્ધિ આપી છે. એ બુદ્ધિ કેવી છે એ તેના નિર્ણયો ઉપરથી નક્કી થાય છે. બુદ્ધિશાળી ગણાતો માણસ પણ ક્યારેક થાપ ખાઈ જાય છે તો ક્યારેક બુદ્ધુ ગણાતો માણસ પણ આંખો ચાર થઈ જાય એવો ઉકેલ આપી દે છે. બુદ્ધિ પર કોઈનો ઈજારો નથી. કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં તમે કેવું વર્તન કરો છો, તમે કયો માર્ગ સુઝાડો છો અને તમે શું ઉકેલ આપો છો તેના પરથી નક્કી થાય છે કે તમારામાં કેટલો દમ છે.
માણસ ઇચ્છે કે ન ઇચ્છે, તેણે અમુક સમયે અમુક નિર્ણયો લેવા જ પડે છે. બાળકને હોસ્ટેલમાં મૂકવું કે નહીં? દીકરા કે દીકરીને ભણવા માટે બહારગામ કે વિદેશ મોકલવાં કે નહીં? નોકરી બદલવી કે નહીં? સારો ચાન્સ મળતો હોય તો ઘરથી દૂર જવું કે નહીં? રોકાણ કરવું કે નહીં? કરવું તો ક્યાં કરવું? સંપત્તિ કોના નામે લેવી? કોની સાથે કેવા અને કેટલા સંબંધો રાખવા? દોસ્તી અને સંબંધમાં કેટલું ઘસાવું? ઘરના લોકોની ડિમાન્ડ કેવી રીતે પૂરી કરવી? કોને કેટલો સમય આપવો? આ અને આવા અનેક સવાલો રોજેરોજ આપણી સામે આવતા જ રહે છે. મોટા ભાગે માણસ સારાનરસાં પાસાં વિચારીને નિર્ણય લેતો હોય છે. માણસ છેલ્લે એવું વિચારે છે કે વધુમાં વધુ શું થવાનું છે? આખરે માણસ નિર્ણય લઈ લે છે.
માણસ જ્યારે કોઈ નિર્ણય લેતો હોય છે ત્યારે એ બે વાત પણ વિચારતો હોય છે. એક તો ઘરના લોકો શું કહેશે અને બીજું એ કે સમાજના લોકો શું ધારશે? ઘણાં કહેશે કે આ તમે બરાબર ન કર્યું. તમારો આ નિર્ણય વાજબી નથી અથવા તો તમે સારું કર્યું. તમારી પરિસ્થિતિનો સાચો ખ્યાલ તમને જ આવી શકે. આપણા નિર્ણયો આપણે જ લેવાના હોય છે. કોઈની સલાહ આંખ મીંચીને માની લેવામાં જોખમ હોય છે. તમારો નિર્ણય તમારાથી સારો કોઈ લઈ ન શકે.
તકલીફ ત્યારે થાય છે જ્યારે માણસ નિર્ણય લેતો નથી. જિંદગીમાં તમે દરેક વખતે નિર્ણયો ટાળી શકતા નથી. જિંદગીમાં અમુક સમય એવો આવે છે કે તમારે તેનો સ્વસ્થતાથી સામનો કરવો જ પડે છે. એવા સમયે તમે પાણીમાં બેસી જઈ ન શકો. જિંદગીની મજા જ એ છે કે એ પડકાર આપે છે. જે સ્થિતિને તમે ટાળી ન શકો એનો સામનો કરો. ઘણા લોકોની મેન્ટાલિટી ભાગી જવાની હોય છે. નાના હોઈએ અને રમતા હોઈએ ત્યારે હાર ભાળીને આપણે નથી રમતાં એમ કહીને પટમાં પડેલા પાસાને ખેદાનમેદાન કરીને ઊભા થઈ જઈએ છીએ. જિંદગી સાથે આપણે એવું નથી કરી શકતા. જિંદગીમાં હાર-જીત તો થતી જ રહેવાની છે, સરવાળે તમારી ખેલદિલી કે ઝિંદાદિલી એનાથી જ મપાતી હોય છે કે તમે કેવી રીતે હારો છો. મોટા ભાગે માણસનું માપ જીતથી નહીં પણ હારથી નીકળે છે. પડકારો વખતે જ માણસનું કદ મપાય છે. એક સંત હતા. એ વારંવાર જેલની મુલાકાતે જાય. કેદીઓને મળે અને તેની સાથે વાતો કરે. એક વખત કેદીઓએ પૂછયું કે તમે વારંવાર અહીં શા માટે આવો છો? આ સ્થળ તો બદનામ છે. સંતે કહ્યું કે, જિંદગીનાં બે તથ્યો છે. એક આશ્રમ અને બીજી જેલ. આ બન્ને વચ્ચે જે હોય છે એ જિંદગી છે. આશ્રમમાં મને એ શીખવા મળે છે કે શું હોવું જોઈએ. જેલમાં મને એ શીખવા મળે છે કે શું ન હોવું જોઈએ.
આશ્રમમાં પણ માણસો હોય છે અને જેલમાં પણ માણસો જ હોય છે. એક કેદીએ પૂછયું કે, અમારો શું વાંક? અમે શા માટે જેલમાં છીએ? સંતે કહ્યું કે જ્યારે તમારે જેવો નિર્ણય લેવો જોઈતો હતો એવો નિર્ણય તમે લીધો નહીં એનું જ આ પરિણામ છે. કોઈએ સંપત્તિ મેળવવા ચોરી કરી તો કોઈએ સંબંધને સમજ્યા વગર મારામારી કરી. ગુસ્સો એ પણ નિર્ણયનું જ પરિણામ છે. જ્યારે માણસને કંઈ સૂઝતું નથી ત્યારે એ ક્રોધ કરે છે અને એ જિંદગીનો સૌથી મોટો ખોટો નિર્ણય હોય છે. ખોટા નિર્ણયોની સજા દરેક વખતે જેલમાં નથી ભોગવવી પડતી. જેલ તો માત્ર અમુક વ્યવસ્થા પૂરતી જ હોય છે. ખોટા નિર્ણયોની સજા તો માણસ જેલની બહાર પણ ભોગવતો રહે છે અને એ સજા જેલથી પણ આકરી હોય છે.
આપણી ભૂલો આપણને ઘણી વખત આખી જિંદગી કનડે રાખે છે. ઘણા માણસો બધા હોય છતાં એકલા હોય છે. જ્યારે તમે તમારા જ લોકોને સ્વીકારી કે સમજી નથી શકતા ત્યારે તમારે એકલતાની સજા ભોગવવી પડે છે. સંબંધોની સજા સૌથી અઘરી હોય છે. માણસ આર્થિક નુકસાન સહન કરી જાય છે પણ માનસિક નુકસાન સહન કરી શકતો નથી. માણસે છેવટે તો એ જ નક્કી કરવાનું હોય છે કે એને શું જોઈએ છે અને કયા ભોગે જોઈએ છીએ?
જિંદગી જ્યારે કોઈ અઘરો સવાલ તમારી સામે લાવીને ઊભી રહે ત્યારે ભાગો નહીં. પણ તેની સામે લડી લો અને લડવામાં ઘણી વખત શૌર્ય કરતાં શાંતિની વધુ જરૂર પડે છે. યાદ રાખો, કોઈ પણ યુદ્ધ માત્ર બળથી લડી શકાતું નથી. બુદ્ધિ જ જીત અપાવે છે. ઉશ્કેરાટ, ગુસ્સો, ઉતાવળ અને અધીરાઈ ઘણી વખત અધોગતિનું કારણ બને છે. કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો પણ નિર્ણય લઈ લીધા પછી તમારા નિર્ણયને વળગી રહો. જિંદગીની દરેક પરિસ્થિતિને સ્વીકારો અને દરેક સંજોગોનો સામનો કરવાની તૈયારી રાખો. યાદ રાખો, દરેક સમસ્યાનાં સોલ્યુશન હોય છે. આપણે માત્ર પસંદગીમાં થાપ ખાઈ જતા હોઈએ છીએ. ઘણી વખત અઘરાં લાગતાં સોલ્યુશન જ સરવાળે સાચાં પડતાં હોય છે. સહેલું હોય એ નહીં પણ સાચું હોય એની પસંદગી કરશો તો જિંદગીમાં ક્યારેય અફસોસ કરવાનો સમય નહીં આવે.
છેલ્લો સીન :
હું એવા ઘણા માણસોને જાણું છું કે તેઓએ જે કરવાનું હોય એ કરી શક્યા નથી, કારણ કે તેઓ જ્યારે એ કરી શકતા હતા ત્યારે કર્યું નહોતું. -રાબેલેઈસ
(‘સંદેશ’. તા.20મી જાન્યુઆરી,2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Be the first to comment

Leave a Reply