પાગલપનનો ઈલાજ છે, મૂર્ખતાનો ઈલાજ નથી
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
માણસને માણસનો દરજ્જો આપ, તોય બહુ છે, કોઈને આપેલું વચન ના ઉથાપ,તોય બહુ છે.
સંજોગોના શિકાર હોય છે, અહીં બધા લોકો, દરેકને તારી ફૂટપટ્ટીથી ના માપ, તોય બહુ છે.
– મૃગાંક શાહ

એક માણસ કાર લઇને પર્વતના રસ્તે જઈ રહ્યો હતો. અડધા રસ્તે તેની કારમાં પંક્ચર પડયું. કારમાં સ્પેર વ્હિલ હતું. રસ્તાની સાઈડ પર કાર રોકી એ વ્હિલ બદલાવવા બેઠો. પંક્ચરવાળું વ્હિલ કાઢયું. વ્હિલના ચાર બોલ્ટ કાઢીને બાજુ પર મૂક્યા. નવું વ્હિલ ફીટ કર્યું. એ દરમિયાનમાં થયું એવું કે અકસ્માતે વ્હિલના ચારેય બોલ્ટ સરકીને પર્વતની ખીણમાં ગબડી ગયા. પેલો માણસ મૂંઝાઈ ગયો. બોલ્ટ વગર વ્હિલ કેવી રીતે ફીટ કરવું? તેનું ધ્યાન પડતું ન હતું.

બરાબર એ જ સમયે એક પાગલ માણસ ત્યાંથી પસાર થયો. તેણે પેલા માણસને પૂછયું કે શું થયું? પેલા માણસને થયું કે આ તો પાગલ છે, એ મને શું મદદ કરવાનો? છતાં પૂછયું હતું એટલે તેણે કહ્યું કે, વ્હિલના ચારેય બોલ્ટ દડીને ખીણમાં પડી ગયા છે. હવે વ્હિલ કેવી રીતે ફીટ કરવું એ પ્રશ્ન છે.

પાગલ માણસ હસ્યો અને કહ્યું કે બસ આટલી જ વાત છે! બાકીનાં ત્રણ ટાયરમાંથી એક એક બોલ્ટ કાઢી લ્યો અને આ ટાયરમાં ફીટ કરી દો. બધાં ટાયરમાં ત્રણ ત્રણ બોલ્ટ હશે તો વાંધો નહીં આવે. તમે ગેરેજ સુધી તો આરામથી પહોંચી જ જશો.

આ ઉપાય જાણીને પેલો માણસ આશ્ચર્યમાં મુકાઈ ગયો. તેણે પૂછયું, તું તો પાગલ છે, તને આવો વિચાર કેવી રીતે આવ્યો? પાગલે સરસ વાત કરી. તેણે કહ્યું કે સાહેબ, કદાચ હું પાગલ હોઈશ પણ મૂરખ નથી!

દરેક માણસ ક્યારેક ને ક્યારેક તો કોઈ મૂર્ખામી કરતો જ હોય છે. ઘણી વખત આપણી મૂર્ખામી ઉપર આપણને જ હસવું આવે એવી ઘટના બનતી હોય છે. ઘણી વખત સામાન્ય ભૂલના કારણે આપણે મૂર્ખાઈ કરી બેસતા હોઈએ છીએ. મોટાભાગે આપણે જેને મૂર્ખાઈ સમજતા હોઈએ છીએ એ માત્ર બેધ્યાનપણાથી થઈ જતી હોય છે. દરેક ભૂલ એ મૂર્ખામી નથી પણ દરેક મૂર્ખામી એ ભૂલ ચોક્કસપણે છે.

સર આઈઝેક ન્યુટનનો એક કિસ્સો છે. ગુરુત્વાકર્ષણનો નિયમ શોધનાર ન્યુટન મહાન અને વિદ્વાન હતા. તેણે એક બિલાડી પાળી હતી. આ બિલાડીએ બચ્ચાંને જન્મ આપ્યો. બિલાડી ઘરની બહાર જઈ શકે એ માટે ન્યુટને પોતાના ઘરના દરવાજા પર મોટું કાણું પાડયું હતું. ન્યુટનને થયું કે બચ્ચાંઓને બહાર જવું હશે તો કેવી રીતે જશે? તેણે દરવાજા ઉપર બચ્ચાં માટે બીજું નાનું કાણું પાડયું! આપણને એવો વિચાર આવે કે ન્યુટન જેવા વિદ્વાનને એ વિચાર નહીં આવ્યો હોય કે, મોટા કાણામાંથી બચ્ચાં પણ અવરજવર તો કરી જ શકશે! ન્યુટન જિનિયસ હતા. ધૂની પણ હતા. મોટા માણસોની આવી ભૂલો ‘ધૂનીપણા’માં ખપી જતી હોય છે. મોટાં કામો કરનારાનું ધ્યાન ઘણી વખત નાનાં કામોમાં પડતું નથી એવું પણ કહેવાય છે.

કોઈ ભૂલ કે મૂર્ખાઈ જ્યાં સુધી પોતાની જાતને કે બીજી વ્યક્તિને નુકસાનકારક ન હોય ત્યાં સુધી કંઈ વાંધો આવતો નથી,

આવી મૂર્ખામી ઘણી વખત માત્ર હસવાની એક ઘટના બનીને રહી જતી હોય છે. તેને બહુ ગંભીરતાથી લેવાની જરૂરત પણ નથી હોતી. મોટા ભાગે માણસ ક્યારેક નાની-મોટી મૂર્ખાઈ કરી બેસે છે. એક ટ્રેનની બદલે બીજી ટ્રેનમાં ચડી જવું, બહાર નીકળવાના રસ્તેથી અંદર જવું, પેમેન્ટ કરતી વખતે વધારે રૂપિયા આપી દેવા, લીવરને બદલે બ્રેક મારી દેવી, એક પેનનું ઢાંકણું બીજી પેનમાં કે પેન્સિલમાં ખોસી દેવું. આવી ઘટના પહેલી નજરે મૂર્ખાઈ લાગે પણ એ મૂર્ખામી નથી, બેધ્યાનપણું છે. ઘણા પુરુષો સાથે એક ઘટના બની હોય છે. ટૂથપેસ્ટ અને શેવિંગ ક્રિમની ટયુબ બાજુબાજુમાં પડી હોય ત્યારે બ્રશ ઉપર ટૂથપેસ્ટની બદલે શેવિંગ ક્રિમ લગાવી લીધું હતું. ઘણાને તો દાંતે ઘસવા માંડે પછી ભાન થાય છે કે કંઈક ગોટાળો થઈ ગયો છે! આવી નાની-નાની મૂર્ખાઈ ઘણી વખત મજા પણ આપતી હોય છે. કોઈના સ્લીપર પહેરી લેવા કે એક પગમાં એક સ્લીપર અને બીજા પગમાં કોઈનું સ્લીપર પહેરી લેવાની ઘટનાઓ પણ બનતી રહે છે. ઘણા લોકો આવી નાની-નાની વાતોને બહુ ગંભીરતાથી લઈ લેતા હોય છે. મારાથી આવી ભૂલ થાય? અલબત્ત, એ બહુ જ સ્વાભાવિક છે, એને હળવાશથી જ લેવી જોઈએ.

મૂર્ખામી એ છે જેનો અફસોસ થાય. મારાથી આવું થઈ ગયું? પોતાની વ્યક્તિને હર્ટ થઈ જાય તેવું વર્તન ઘણી વખત માણસથી અજાણતાં જ થઈ જતું હોય છે. કેવું છે ખોટી મૂર્ખામીને માણસ હસી કાઢી શકે છે પણ સાચી મૂર્ખામી વખતે માણસ માફી નથી માગી શકતો કે મૂર્ખામી સ્વીકારી પણ નથી શકતો. ઘણી વખત આપણી મૂર્ખામીના કારણે આપણા લોકોએ ઘણું બધું સહન કરવું પડતું હોય છે. મૂર્ખામી એવી ચીજ છે જે ઘણી વખત સમજાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. મોટાભાગે મૂર્ખામી સાબિત થઈ જાય પછી જ સમજાતી હોય છે. દરેક ભૂલને મૂર્ખામી સમજવી ન જોઈએ. ઘણી વખત આપણે લીધેલા નિર્ણયો ખોટા પડે, ગણતરીઓ ઊંધી પડે, અનુમાનો ઊંધાં પડે અને ધાર્યું હોય એવું ન થાય તો એ ભૂલ હોય છે, મૂર્ખામી નહીં. ભૂલ માફ થઈ શકે. મૂર્ખામી નહીં. ભૂલોને મૂર્ખામી સમજવી એ સૌથી મોટી મૂર્ખતા છે. મૂર્ખામી એ બુદ્ધિ વાપર્યા વગર લેવાતા નિર્ણયો છે.

એક માણસ રોજ સવારે ઘરના ઓટલા ઉપર બ્રશ કરે. બ્રશ કરતો હોય ત્યારે ત્યાંથી ગાયોનું ધણ નીકળે. ગાયનાં શીંગડાં જોઈ તેને દરરોજ વિચાર આવે કે આ શીંગડાં વચ્ચે માથું નાખીએ તો શું થાય? એક દિવસ તેણે સાચે જ આવું કર્યું. ગાયને પકડી શીંગડાં વચ્ચે માથું ભરાવ્યું. ગાયે ઝાટકો મારી તેને ઉછાળીને ફંગોળી દીધો અને પછી શીંગડાં માર્યાં. લોહીલુહાણ કરી નાખ્યો. આ મૂર્ખામી છે. એ ભાઈએ કહ્યું કે ગાયનાં શીંગડાંમાં માથું નાખીએ તો લોહીલુહાણ થઈ જવાય. આ મૂર્ખ માણસનો નિચોડ છે. ડાહ્યા માણસનો નિચોડ એટલો જ હોય કે ગાયનાં શીંગડાંમાં માથું ન ભરાવાય અને એનાં પારખાં કરવાનાં ન હોય. ગુજરાતીમાં એક કહેવત છે કે ‘ઝેરનાં પારખાં ન કરાય!’ ક્યાં માથું નંખાય, ક્યાં માથું મરાય અને ક્યાં માથું ન મરાય તેના ઉપરથી જ ડહાપણ અને મૂર્ખામી નક્કી થતી હોય છે.

એક મનોચિકિત્સકે સરસ વાત કહી છે કે સાયન્સ પાસે પાગલપનનો ઈલાજ છે પણ મૂર્ખતાનો નથી. તમે ગાંડા માણસને ડાહ્યો કરી શકો પણ મૂર્ખ માણસને સમજદાર બનાવી ન શકો. આપણાં શાસ્ત્રોમાં એટલે જ મૂર્ખની મિત્રતાને ખતરનાક ગણી છે.

અમેરિકામાં પ્રેસિડેન્ટના દરેક વર્તનની ગંભીરતાથી નોંધ લેવાય છે. પ્રેસિડેન્ટ શું કરે છે, કેવું વર્તન કરે છે, શું બોલે છે તેના ઉપર લોકોની નજર હોય છે. એક પ્રેસિડેન્ટનું તેની પ્રેમિકા સાથે લફરું બહાર આવ્યું. આખા દેશમાં હોહા થઈ ગઈ. આવા સમયે એક વ્યક્તિએ એક અમેરિકન વિદ્વાનને સવાલ કર્યો કે અમેરિકામાં તો સેક્સ્યુઅલ સંબંધો બહુ સ્વાભાવિક છે, તો પછી પ્રેસિડેન્ટના આવા લફરાને આટલી બધી ગંભીરતાથી લેવાનો શું મતલબ? એ વિદ્વાને જવાબ આપ્યો કે અમે વિમાનમાં દારૂ પીરસીએ છીએ પણ અમારા પાઇલટને દારૂ પીવા દેતા નથી!

આપણે કોઈ વસ્તુ સાચવીને મૂકી દીધી હોય અને પછી એ વસ્તુ આપણને જ ન મળે તો એ મૂર્ખાઈ નથી પણ કોઈ વ્યક્તિ આરામથી એ વસ્તુ ચોરી જઈ શકે એમ રેઢી રખડવા દેવી એ મૂર્ખતા છે.

ઘણી વખત માણસની એક મૂર્ખામી આખી જિંદગી બરબાદ કરે છે. ભૂલ સુધારી શકાય છે. મૂર્ખામી નહીં. મૂર્ખામી ભોગવવી પડે છે. દરેક માણસે જિંદગીમાં અનેક નિર્ણયો લેવા પડતા હોય છે, માણસે એટલું જ ધ્યાન રાખવાનું હોય છે કે તેનો નિર્ણય મૂર્ખામીમાં ન ખપે. ગણતરીપૂર્વક અને સમજદારીથી લીધેલો નિર્ણય ખોટો પડી શકે છે અને ભવિષ્યમાં સુધરી પણ શકે છે. પણ મૂર્ખામીભર્યો નિર્ણય તો પસ્તાવો જ કરાવે છે. ધંધામાં ખોટ જાય એ સ્વાભાવિક છે પણ ખોટને ભરપાઈ કરવા ચોરી કરવા જઈએ તો એ મૂર્ખામી છે. પસ્તાવો થાય એવું કામ ન કરવું એનું નામ જ ડહાપણ.

છેલ્લો સીન
આ પાંચ લક્ષણથી મૂર્ખ ઓળખાઈ જાય છે. ઓળખાણ વગરનો વિશ્વાસ, સંબંધ વગરની વાણી, કારણ વગરનો ગુસ્સો, જિજ્ઞાસા વગરની પૂછપરછ અને પ્રગતિ વિનાનું પરિવર્તન.
– વેદ વ્યાસ
[email protected]


Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *