જરા કહો તો, તમે આખા દિવસમાં કેટલીવાર હસો છો? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

જરા કહો તો, તમે આખા

દિવસમાં કેટલીવાર હસો છો?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

આપણા બધાની જિંદગીમાંથી હાસ્ય ધીમે ધીમે ગાયબ થતું જાય છે.

ઉંમર વધે એમ હસવાનું ઘટતું જાય છે. એક રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે,

પુખ્ત વયની વ્યક્તિ દિવસમાં માત્ર પંદર વખત હસે છે.

તેની સરખામણીમાં બાળકો દિવસમાં 400 વખત હસે છે.

તમે ક્યારેય વિચાર્યું છે કે, હું દિવસ દરમિયાન કેટલીવાર હસું છું?

આપણે હવે હસવા માટે જોક્સ કે રિલ્સનો સહારો લેવો પડે છે.

નેચરલ હાસ્ય દુર્લભ બનતું જાય છે. મુક્ત મને ખડખડાટ હસતી હોય

એવી વ્યક્તિ ભાગ્યેજ જોવા મળે છે.

આપણે આપણા ચહેરા ઉપર કોણ જાણે શેનો ભાર લઇને ફરતા રહીએ છીએ?

 ———-

હસવાથી અને હસતા રહેવાથી જિંદગીમાં એક ગજબ પ્રકારની હળવાશનો અનુભવ થાય છે એ વાતની આપણને બધાને સારી રીતે ખબર છે. હસવાના ફાયદાઓથી માંડીને લાફિંગ ક્લબ સુધીની વાતો આપણે જાણી અને માણી છે. આપણે પણ હસતા રહેવું હોય છે પણ જિંદગીમાં એવું બધું થતું રહે છે કે, હસવાનું તો સાવ ભુલાઇ જ જાય છે. યાદ કરો, છેલ્લે તમે એવું ખડખડાટ ક્યારે હસ્યા હતા કે તમારા પેટમાં આંટી વળી ગઇ હોય? આપણે એવું કહેવું પડે કે, રહેવા દે, હવે વધુ નથી હસાતું! એવા દિવસો અને એવી ક્ષણો તો હવે દીઠીય જોવા નથી મળતી, સામાન્ય હાસ્ય પણ વિલાતું જાય છે. સાઇકોલોજિસ્ટો કહે છે કે, હસતા રહો, હસવાનું કારણ ન હોય તો કારણ શોધો, કારણ વગર પણ હસો. સાજા અને સારા રહેવું છેને? તો હસવાનું ચાલુ રાખવું પડશે. કોઇ બહાના નહીં ચાલે, નો એસ્ક્યુઝિસ. હસવાની પણ આદત પાડવી જોઇએ. કમનસીબી એ છે કે, આપણને રોદણાં રડવાની જ આદત પડી ગઇ છે. ફરિયાદો કરવાની ફાવટ આવી ગઇ છે. જિંદગીમાંથી આપણે કોઇને કોઇ ઇશ્યૂ જ શોધતા રહીએ છીએ. વિચારીએ છીએ કે, લાઇફમાં હસવા જેવું ક્યાં કંઇ બચ્યું છે?

તમે ક્યારે વિચાર્યું છે કે, તમે દિવસમાં કેટલી વાર હસો છો? તમે પહેલા વધુ હસતા હતા કે અત્યારે વધુ હસો છો? આપણે આવું નથી વિચારતા. એટલે જ કદાચ આપણને ખબર નથી પડતી કે, આપણે તો હસવાનું ભૂલી જ ગયા છીએ. ક્યારેક તો આખા દિવસમાં એકેય વખત હસ્યા જ હોતા નથી. હાસ્ય વિશે થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, જેમ જેમ માણસની ઉંમર વધે એમ એમ હસવાનું ઘટતું જાય છે. નાના બાળકને ધ્યાનથી જોજો. બાળક ઊંઘતું હશે ત્યારે ઊંઘમાં પણ હસતું હોય છે. આપણે ત્યાં ઊંઘમાં હસતા બાળક વિશે એવું કહેવાય છે કે, ભગવાન તેને હસાવે છે. બચપણમાં પણ બાળકની હસવાની ફ્રિકવન્સી બહુ જ હોય છે. રિસર્ચ એવું કહે છે કે, બાળકો દિવસ દરમિયાન સરેરાશ 400 વખત હસે છે. તેની સરખામણીમાં પુખ્ત વયની વ્યક્તિ સરેરાશ માત્ર પંદર વખત જ હસે છે. અત્યારના હાઇટેક યુગમાં માણસ કેટલું ચાલ્યો, કેટલી ઊંઘ કરીથી માંડીને કેટલું કામ કર્યું એ વિશેની મોબાઇલ એપ્લિકેશનો આવી ગઇ છે પણ હજુ સુધી માણસ દિવસમાં કેટલું હસ્યો અને કેટલું જીવ્યો એ કહી આપે એવી કોઇ એપ્લિકેશન બની નથી.

પહેલા માણસ એક બીજા સાથે વાતો કરીને હસતો હતો. એ હાસ્ય વધુ નેચરલ હતું. હવે માણસને હસવા માટે પણ રિલ્સ કે જોક્સની જરૂર પડે છે. ફની રિલ્સ કે મોબાઇલ ઉપર ફોરવર્ડ થતાં જોક્સ વાંચીને પણ ઘણા હસી શકતા નથી. એ માત્ર જોતા હોય છે. ઘણા લોકો એવા છે જે એકનો એક જોક ફરીથી આવે તો ચીડાઇ જાય છે. આ નવું છે એમ કહીને જૂનુંને જૂનું ફરતું રહે છે. સામા પક્ષે ઘણા લોકો કાનમાં ઇયર ફોન ભરાવીને એકલા એકલા હસતા હોય છે. વેલ, રિલ્લ જોઇને કે જોક્સ વાંચીને હસવામાં પણ કોઇ જ પ્રોબ્લેમ નથી. એ પણ સારું જ છે, એ બહાને પણ આપણે હસીએ તો છીએ. હસવા માટે બહાના ન હોય તો શોધો. સાઇકોલોજિસ્ટ કહે છે કે, જેની સાથે તમે ખુલ્લા દિલે હસી શકતા હોવ એવા મિત્રો સાથે વધુ સમય પસાર કરો. ઘણી વખત આપણે મિત્રો સાથે પણ ગંભીર ચર્ચાઓ કરતા હોય છે. થોડાક એવા મિત્રો પણ હોવા જોઇએ જ્યાં આપણે આપણી જાતને બોદ્ધિક, હોશિયાર કે ગંભીર પ્રૂવ કરવાની જરૂર ન હોય. અમુક એજ પછી લોકો મિત્રો પાસે પણ વટ પાડવાના કે સિનસપાટા કરવાના પ્રયાસો કરતા હોય છે. તમારા ગ્રૂપમાં સોગિયા લોકો હોય તો એનાથી દૂર રહો. સોગિયા લોકો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. બધી જગ્યાએ મગજ વાપરવાની પણ જરૂર હોતી નથી. આપણે નાની નાની વાતોમાં પણ વધારે વિચારો કરવા લાગ્યા છીએ.

દાંપત્ય જીવનમાંથી રસ ઉડી જવાનું એક કારણ એ પણ છે કે, પતિ-પત્ની કોઇ વાતે સાથે મળીને હસતા જ નથી. કોઇ મસ્તી મજાક થતાં જ નથી. એક બીજા ચૂપ ચૂપ રહીને રહેતા હોય છે અને પોતાના કામ કરતા હોય છે. છોકરાંવ થોડાક નાના હોય ત્યારે હજુ તેને રમાડવામાં થોડો સમય બંને હસતા રહે છે. છોકરા થોડાક મોટા થાય પછી તો જાણે બધું ખતમ થઇ ગયું હોય એવી રીતે દંપતિ જીવવા લાગે છે. ઓફિસમાં પ્રોફેશનાલિઝમનો વાવર એટલો ફેલાયો છે કે, લોકો કામ સિવાય વાત જ નથી કરતા. ઓફિસમાં જાણે હસવાની મનાઇ હોય એ રીતે જ બધા વર્તી રહ્યા છે. ગંભીર રહીને જ કામ કરવું એ પ્રોફેશનાલિઝમ નથી, હળવા રહેવાશે તો જ સારું કામ થવાનું છે.

એક અભ્યાસ મુજબ છેલ્લા થોડા સમય દરમિયાન કોરોના અને તેના કારણે ઊભી થયેલી પરિસ્થિતિના કારણે માણસ વધુ ગંભીર અને ઉદાસ રહેવા લાગ્યો છે. અગાઉના સમય કરતા અત્યારે જિંદગીમાં હસવાનું વધારવાની જરૂર છે. જિંદગીમાં જાણે કોઇ રસ જ ન રહ્યો હોય એવી રીતે ઘણા લોકો જીવી રહ્યા છે. લોકો જેટલા ગંભીર બનીને જીવે છે એટલા ગંભીર રહેવાની પણ જરૂર નથી. કોરોનાના કારણે લોકો માસ્ક પહેરતા થઇ ગયા છે. આ માસ્કે આપણું હસવું છીનવી નહીં તો પણ છુપાવી તો દીધું જ છે. પહેલા તો લોકો સામે મળતા ત્યારે પણ થોડુંક હસી લેતા હતા, હવે તો માસ્કમાં એવું પણ દેખાતું નથી. એક મિત્રે કહ્યું કે, મોઢે માસ્ક છે ત્યારે આંખોથી હસવાની કળા શીખી રહ્યો છે. આંખો વાચાળ છે પણ આંખોની ભાષા બધાને ક્યાં આવડતી હોય છે? આંખોને આંખોનું કામ કરવા દો. હોઠોને હસવા દો. ખરેખર, માણસે દરરોજ રાતે થોડીવાર એવું વિચારવું જોઇએ કે, આજે હું કેટલીવાર હસ્યો હતો? કોની સાથે હસ્યો હતો? જો તમે પૂરતું હસ્યા ન હોય તો માનજો કે, તમે તમારી જાતને જ અન્યાય કરી રહ્યા છો અને બીમાર પડવાના કારણો તમે જ તમને પૂરા પાડો છો. મસ્તીમાં રહો, હળવા રહો, દુનિયા અને જિંદગીની એટલી બધી ચિંતા કરવાની પણ જરૂર નથી. આપણે બધા વાતો એવી કરીએ છીએ કે, જિંદગી મસ્તીથી જીવવી છે, લવ યુ જિંદગીના ગીતો ગાઇએ છીએ અને આવું બધું કરીને દિલને બહેલાવતા રહીએ છીએ. જિંદગીને ખરેખર જીવવી હોય તો હસવાનું રાખો. છેલ્લે એક નાનકડી વાર્તા કહેવાનું મન થાય છે. એક યુવાનને મજા આવતી નહોતી. એ એક વડીલ પાસે ગયો. એ વડીલ ડોકટર પણ હતા. યુવાને વડીલને કહ્યું કે, મજા નથી આવતી. ડોકટર વડીલે કહ્યું કે, દિવસ દરમિયાન થોડું થોડું હસવાનું રાખો. યુવાને હસતા રહેવાનો પ્રયાસ કર્યો. થોડાક દિવસ પછી પાછો વડીલને મળ્યો અને કહ્યું કે, હજુ જોઇએ એવી મજા નથી આવતી. ડોકટર વડીલે કહ્યું કે, હસવાનો ડોઝ વધારી દો. હું ડોકટર છું, દવા થોડીક કામ કરે છતાં સુધારો ન થાય તો થોડોક ડોઝ વધારી દઉં છું. આ વાત આપણેને બધાને લાગુ પડે છે. હસતા હોવ તો પણ થોડુંક હસવાનું વધારી દો, એમાં કોઇ ગેરફાયદો તો છે જ નહીં, ઉલટાનું ફાયદો જ ફાયદો છે!

હા એવું છે!

એક અભ્યાસ એવું કહે છે કે, જે લોકો વધારે હતાશ અને ઉદાસ રહે છે તેને વધુ વખત શરદી થાય છે. સામા પક્ષે જે લોકો ખુશ રહે છે તે ઓછા બીમાર પડે છે. શારીરિક રીતે ફીટ રહેવા માટે માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે.

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 08 સપ્ટેમ્બર 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: