પ્લીઝ, તું મારી વાતનો ઊંધો મતલબ ન કાઢ! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

પ્લીઝ, તું મારી વાતનો

ઊંધો મતલબ ન કાઢ!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એક એક પળ અહીં સ્કેરી છે, વિશ્વ આખું છે હોરર જેવું,

પેન્સિલમાર્ક જેવું સ્મિત મારું, રૂસણું તારું ઇરેઝર જેવું.

– અદમ ટંકારવી

સંબંધનો સૌથી મોટો આધાર સંવાદ કેવો છે એના ઉપર છે. વાતો કરવી એ સંવાદ નથી. વાતોનો વિષય હોય છે, સંવાદમાં સંવેદના હોય છે. કોઇ વાત કરતું હોય ત્યારે એની વાતમાં આપણું કેટલું ધ્યાન હોય છે? આપણે આપણા વિચારોમાં હોઇએ ત્યારે કોણ શું બોલ્યું એની પણ આપણને ખબર પડતી નથી. ધ્યાન ન હોવું એ એક વાત છે અને ધ્યાન ન આપવું એ તદ્દન જુદી વાત છે. અમુક વખતે તો વાત સાંભળવાની આપણી તૈયારી જ નથી હોતી. બેધ્યાન હોવું અને બેપરવાહ રહેવું એમાં ફરક છે. બહુ ઓછા લોકો એવાં હોય છે, જે દરેક માણસની વાત ધ્યાનથી સાંભળે છે. આપણે તો વાત સાંભળવામાં પણ ‘સિલેક્ટિવ’ હોઇએ છીએ. અમુક લોકોની વાતને આપણે ગણકારતાં જ નથી. આપણે જ ઘણી વખત એવું બોલતાં હોઇએ છીએ કે, એક કાનેથી સાંભળી, બીજા કાનેથી વાત કાઢી નાખવી. ભગવાને બે કાન શા માટે આપ્યા છે? એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢતી વખતે આપણે એટલુંયે વિચારતાં નથી કે, ભલે વાત કાઢી નાખી, પણ એ વાત બે કાન વચ્ચેથી પસાર થઇ છે! હા, દરેક વાત મહત્વની હોય એવું જરૂરી નથી. મહત્વની વાતને પણ આપણે કેટલું મહત્વ આપતાં હોઇએ છીએ?

વાત કરતી અને વાત સાંભળતી વખતે આપણું ‘મેન્ટલ સ્ટેટસ’ કેવું હોય છે, એનું આપણને કોઇ ધ્યાન હોય છે ખરું? વાત કરવાનો મૂડ અને માહોલ હોવો જોઇએ. સંવાદ માટે સ્વસ્થ મન હોવું જોઇએ. માંદલું, મૂરઝાયેલું કે ઉશ્કેરાયેલું મન સંવાદમાં મુસીબતનું જ સર્જન કરે છે. વાતનું વતેસર થઇ જવામાં અસ્થિર મન ઘણું જવાબદાર હોય છે! ક્યારેક કોઇની વાત આપણને એટલે સાચી નથી લાગતી, કારણ કે કોઇની વાત સાચી હોવાનું સ્વીકારવાની આપણી તૈયારી જ હોતી નથી! આપણે આપણા એન્ગલથી જ વિચાર કરતાં હોઇએ છીએ. સામેની વ્યક્તિ સાચું બોલતી હોય, ત્યારે એના સત્યને સમજવાની અને સ્વીકારવાની જવાબદારી આપણી હોય છે. એક યુવાનની આ વાત છે. તેને એક ઓફિસમાં થોડું કામ હતું. તેનો એક મિત્ર ઘણો પહોંચેલો હતો. યુવાને તેના મિત્રને ફોન કર્યો, ‘પેલી ઓફિસમાં મારે એક કામ છે. ત્યાં કોઇ તારું જાણીતું છે?’ પેલા મિત્રએ થોડો વિચાર કરીને કહ્યું કે, ‘યાર, ત્યાં તો મને કોઇ ઓળખતું નથી!’ વાત પૂરી થઇ પછી એ યુવાનને થયું કે, ‘એને મારું કામ કરવું નથી, એટલે જ મને કહી દીધું કે, મને કોઇ ઓળખતું નથી!’ એ યુવાનને ખરાબ લાગ્યું. કામ નહોતું કરવું તો ના પાડી દેવી હતી ને? ખોટું શા માટે બોલ્યો? થોડા દિવસ પછી એક ત્રીજો મિત્ર એને મળ્યો. યુવાને તેના મિત્રની વાત કરી કે, એણે મને એવું કહ્યું કે, મને કોઇ ઓળખતું નથી! સાથોસાથ એમ પણ કહ્યું કે, હવે એ બદલાઇ ગયો છે. કામ ટાળે છે!

મિત્રની વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, ‘અરે, તું એના વિશે કેમ ઊંધું વિચારે છે? તેં એવું કેમ માની લીધું કે એ ખોટું બોલે છે કે એને કામ નથી કરવું? તને ખબર છે, તેં એને વાત કરી એ પછી એણે મને ફોન કર્યો હતો. તેણે કહ્યું કે, તારે એક ઓફિસમાં કામ છે. એ તો તારા કામ માટે મને પૂછતો હતો કે, એ ઓફિસમાં તારું કોઇ જાણીતું છે? તો તું એેને હેલ્પ કરજે.’ આપણે ક્યારેક આપણી રીતે વિચારીને જ સંબંધો પર શંકા કરતાં હોઇએ છીએ. ઘણા સંબંધો તૂટવા માટે આવી શંકા કારણભૂત હોય છે. દરેક વખતે સંબંધ તૂટે ત્યારે વાંક સામી વ્યક્તિનો નથી હોતો, આપણો વાંક હોય છે. બીજાને દોષ દેવો સહેલો છે. આપણને આપણો કોઇ વાંક લાગતો જ નથી. ક્યારેક સામા પક્ષેથી સંબંધ કપાઇ જાય કે ઓછો થઇ જાય ત્યારે આપણને જ સમજાતું નથી કે, એને થયું છે શું? એને કઇ વાતનું ખોટું કે ખરાબ લાગ્યું છે? કોઇ આપણો ફોન ન ઉપાડે, વોટ્સએપમાં બ્લ્યુ નિશાન આવી ગયા પછી પણ જવાબ ન આપે, આપણું સ્ટેટસ જોઇ રિસ્પોન્સ ન આપે તો પણ આપણે જાતજાતના વિચારો કરી લઇએ છીએ. એને હવે કોઇ પરવા નથી, બહુ મોટો માણસ થઇ ગયો છે, હવે તેને મારી કોઇ જરૂર નથી એવા વિચારો કરવા લાગીએ છીએ. આપણને એવો વિચાર નથી આવતો કે, એ કંઇક મુશ્કેલીમાં લાગે છે. બાકી તો એ તરત જ જવાબ આપે. કોઇનો ફોન આવે અને આપણે રીસિવ કરી શકીએ એમ ન હોઇએ ત્યારે પણ એવો મેસેજ કરી દઇએ છીએ કે, આઇ વિલ કોલ યુ લેટર, કારણ કે એને ખરાબ ન લાગે! એને ફીલ ન થાય કે હું તેનો કોલ ઇગ્નોર કરું છું!

સંબંધોમાં હળવાશ માટે જે વાત જે મતલબથી કહેવાઇ હોય, એને એ જ અર્થમાં સમજવી પડતી હોય છે. કોણ શું કહે છે એની સાથે એ પણ મહત્વનું હોય છે કે એ જે કહે છે, એને આપણે કેવું સમજીએ છીએ. ઊંધા અર્થ લેવાવાળા સાથે વાત કરતાં પહેલાં આપણે કહેવું પડે છે કે, ‘પ્લીઝ મારી વાત ‘રાઇટ સ્પિરિટ’માં લેજે.’ આપણને જ જો ઊંધા અર્થ કાઢવાની આદત હશે, તો બધું ઊંધું જ લાગવાનું છે. એક પતિ-પત્નીની આ વાત છે. પતિ કંઇ પણ કહે તો પત્ની ઊંધો જ મતલબ કાઢે! પતિએ કહ્યું કે, ‘બહાર ફરવા જવું છે?’ પત્નીએ કહ્યું કે, ‘તારે તો ઘરમાં રહેવું જ હોતું નથી. રજા હોય ત્યારે પણ તારે બહાર જ ભટકવું હોય છે!’ પતિએ એક વખત ઘરે જ રહેવાનું કહ્યું. પત્નીએ કહ્યું, ‘તારે તો મને ઘરમાં જ પૂરી રાખવી છે. રજા હોય ત્યારે પણ તને એમ નથી થતું કે, આને ક્યાંક ચક્કર મારવા લઇ જાઉં!’ પતિએ કહ્યું કે, ‘તું કેમ મારી દરેક વાતનો ઊંધો જ મતલબ લે છે? પ્લીઝ, તું મારી દરેક વાતના ઊંધા મતલબ ન કાઢ! આનાથી તો આપણે ઝઘડતાં જ રહીશું.’ સંબંધ ટકાવવા માટે ક્યારેક માણસ એવું પણ કરતો હોય છે કે, હવે એ જે કહે એમ જ કરવું છે. એ જે કરે એની સામે કોઇ વાંધો પણ નહીં કાઢવાનો. માણસ એક હદ સુધી આવું કરે છે. પછી એનો પણ થાક લાગતો હોય છે. જ્યારે કોઇ સામે બોલવામાં કે કંઇ વર્તન કરવામાં વિચાર કરવો પડે ત્યારે સમજવું કે આ સંબંધમાં કંઇક ખૂટે છે. સંબંધ સાચવવાની ચિંતા હોય તો સમજવું કે, આ સંબંધ જોખમમાં છે. ક્યારેક મૂડમાં અપ-ડાઉન આવે એ હજી સમજી શકાય, પણ એની ફ્રિકવન્સી વધી જાય તો ખતરો પેદા થાય છે! બે વ્યક્તિ સાથે રહેતી હોય ત્યારે ક્યારેક તો મતભેદ થવાના જ છે, ક્યારેક બેમાંથી એક એવું કરી બેસવાનું જ છે કે બીજી વ્યક્તિને ન ગમે. એ વખતે આપણું વર્તન વધુ સમજ માંગી લે છે. આપણે એ પણ સમજવાનું હોય છે કે, એ વ્યક્તિ આપણા જેવું જ વિચારે, આપણે ઇચ્છીએ એવું જ કરે અને એનું સંપૂર્ણ ધ્યાન મારામાં જ હોય, તો એ સૌથી મોટી ભૂલ છે. બેઝિક વાત એ છે કે, એ વ્યક્તિને તમારા પ્રત્યે લાગણી, પ્રેમ કે આદર છે કે નહીં? એકાદ વખત કંઇક અયોગ્ય બોલાઇ જાય એનાથી એવું માની લેવાની જરૂર નથી કે એને પ્રેમ નથી. પ્રેમ, લાગણી, કેર, આત્મીયતા, સાંત્વના અનુભવવાની હોય છે, આપણામાં પણ સામી વ્યક્તિના અહેસાસને માણવાની આવડત હોવી જોઇએ. કોઇનું કંઇ તો જ સ્પર્શે, જો આપણે તેને આપણા દિલ સુધી પહોંચવા દઇએ. ધક્કો મારીને એવું કહીએ કે, કોઇ નજીક આવતું નથી, તો એ વાત વ્યાજબી હોતી નથી!

છેલ્લો સીન :

જો સંબંધમાં વારે વારે સ્પષ્ટતા, ચોખવટ કે ખુલાસા કરવા પડતા હોય, તો સમજવું કે એ સંબંધ સુષુપ્ત થવા તરફ આગળ વધી રહ્યો છે.                 –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 22 જુલાઇ 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: