મારો સમય આવવા દે, હું પણ બતાવી દઇશ! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મારો સમય આવવા દે,

હું પણ બતાવી દઇશ!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ઉદાસી વેડફી જો નાખવાની હોય તો કહેજે મને તું,

સુગંધી સાચવીને રાખવાની હોય તો કહેજે મને તું,

નવેસરથી જ તારો ન્યાય કરવાની મને આપી છે સત્તા,

જરા શ્રદ્ધાને નમતી જોખવાની હોય તો કહેજે મને તું.

-ગુંજન ગાંધી

આપણી જિંદગી આપણા સારા અને નરસા સમયનો સરવાળો છે. જિંદગીમાં અમુક એવો સમય પણ આવતો હોય છે, જ્યારે આપણા દરેક સુખ સોળે કળાએ ખીલેલા હોય છે. પ્રકૃતિની તમામ રચનાઓ ઉપર નજર કરજો. એક સમયે બધું સંપૂર્ણપણે ખીલેલું હોય છે. સૂરજ પણ દિવસમાં એક વાર મધ્યાહ્ને તપતો હોય છે. પૂનમની રાતે ચંદ્ર પૂર્ણ તેજસ્વી હોય છે. દરિયો પણ નિશ્ચિત સમયે ભરપૂર હોય છે. ફૂલ પણ ધીમે ધીમે ખીલીને પૂર્ણ સૌંદર્ય પામે છે. વસંતમાં વનરાજી છલોછલ સૌંદર્ય ધારણ કરે છે. ડાઉનફોલ શરૂ થાય એ પહેલાં કુદરત બધાંને એક એવો સમય આપતી હોય છે, જ્યારે એ સંપૂર્ણતાની અનુભૂતિ કરે. આપણા બધાંનો એવો સ્વભાવ થઇ ગયો હોય છે કે, આપણે દુ:ખને વાગોળતાં અને વગોવતાં રહીએ છીએ. સુખને આપણે કેટલું જીવીએ છીએ? તમારી અત્યાર સુધીની જિંદગીમાં બેસ્ટ ટાઇમ કયો હતો? એ શ્રેષ્ઠ સમયની ઉમદા ઘટનાઓ કઇ કઇ હતી? તમે એને કેટલી વખત યાદ કરો છો? સારા સ્મરણો, સારી ઘટનાઓ, સારા સંવાદો, સારું સાંનિધ્ય  અને સારા લોકો આપણી જિંદગીનું યાદગાર ભાથું છે. આપણે સારા સમયમાં જીવતાં હોઇએ ત્યારે આપણા વિચારો, આપણી વાણી, આપણું વર્તન કેવું હોય છે?

એક માણસ હતો. એક વખત એ એક ફિલોસોફરને મળવા ગયો. તેણે ફિલોસોફરને કહ્યું, ‘મને એવું લાગે છે કે હું અત્યારે મારી જિંદગીના બેસ્ટ સમયમાંથી પસાર થઇ રહ્યો છું. મારી ચારે તરફ સુખ જ સુખ છે. કોઇ ગમ નથી. કોઇ દુ:ખ નથી, કોઇ પીડા નથી, કશી ચિંતા થતી નથી. મારો બિઝનેસ ધમધોકાર ચાલે છે. મારા દરેક સંબંધ સજીવન છે.’ એની વાત સાંભળીને ફિલોસોફરે કહ્યું, ‘બહુ જ ખુશ થવા જેવી વાત છે, સાથોસાથ બહુ જ સાવચેત રહેવાની પણ જરૂર છે.’ પેલા માણસને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું, ‘સાવચેત રહેવાની શું જરૂર છે?’ ફિલોસોફરે કહ્યું કે, ‘બધું જ સારું હોય ત્યારે સમજ, જ્ઞાન અને સારા વિચારની વધુ જરૂર પડે છે. ઘણીવખત આવા સમયમાં ઘણા લોકો છકી જતાં હોય છે. મારું કોઇ શું બગાડી શકવાનું છે? અત્યારે તો મારું ધાર્યું થાય છે. આવા સમયમાં જ ક્યારેક માણસ કોઇને અન્યાય કરી બેસતો હોય છે, કોઇને ધુત્કારી નાખતો હોય છે, કોઇને અપમાનિત કરી દેતો હોય છે. આપણી હેસિયત ખૂબ ઊંચી થઇ જાય ત્યારે આપણે બીજાની તો કોઇ હેસિયત જ નથી એવું માનવા લાગતાં હોઇએ છીએ. મદમાં છકેલા ઘણા લોકો એવું કહેતાં હોય છે કે, તારી ઔકાત શું છે? તમે જ્યારે કોઇની ઔકાતને ચેલેન્જ કરો છો, ત્યારે તમે તમારી ઔકાતને વધુ પડતી આંકતા હો છો. ઔકાત વધુ હોય ત્યારે જ આવડતની જરૂર પડતી હોય છે.’

એટલા ઉપર ન ચાલ્યા જાવ કે બીજાને વેંતિયા સમજવા લાગો. સમય બદલાતો રહેતો હોય છે. ઉપરથી નીચે આવો ત્યારે આંખ મિલાવી ન શકો એવું ન થવું જોઇએ. માણસનો પડ્યો બોલ ઝીલાતો હોય ત્યારે એણે બોલવામાં સૌથી વધુ ધ્યાન રાખવાની જરૂર હોય છે. આપણો સૂરજ સોળે કળાએ તપતો હોય, ત્યારે કોઇને તાપ ન લાગે એની પણ કાળજી રાખવી પડતી હોય છે. સમય સારો હોય ત્યારે જે સારા રહી શકે છે, એ જ ખરા અર્થમાં જિંદગીને સમજતાં હોય છે. ખરાબ સમયમાં તો બધાં સીધાં અને સારાં હોય છે. આપણે કોઇની ગરજ હોય, કોઇ પાસેથી કંઇ કામ કરાવવું હોય, કોઇની કંઇ ફેવર જોઇતી હોય, ત્યારે આપણે કેટલી સલુકાઇથી પેશ આવતાં હોઇએ છીએ? એટલી સલુકાઇ અને એટલી સહજતા કોઇને ફેવર કરવાની હોય ત્યારે હોય છે?

ખરાબ સમય હોય ત્યારે આપણે ઘણી વખત ન વિચારવાનું વિચારતાં હોઇએ છીએ. એક યુવાનની આ વાત છે. તેનો કપરો સમય ચાલતો હતો. તેણે એક ફ્રેન્ડ પાસે મદદ માંગી. પેલા મિત્રએ ઇનકાર કરી દીધો. એણે ના પાડી એમાં પણ તુમાખી અને તિરસ્કાર હતો. મિત્રનું આવું વર્તન જોઇને એ યુવાન ધુંઆપૂઆં થઇ ગયો. ઘરે આવીને તેણે પત્નીને કહ્યું કે, ‘અત્યારે એનો સમય છે એટલે એ મન ફાવે એવું વર્તન કરે છે. મારો સમય આવવા દે ને, હું પણ તેને બતાવી દઇશ!’ પત્નીએ આ વાત સાંભળીને કહ્યું, ‘વ્હોટ? આ તું કેવું વિચારે છે? તને એવો વિચાર કેમ નથી આવતો કે મારો સારો સમય હશે ત્યારે હું આવું નહીં કરું? મારે એના જેવા નથી થવું! તું એવું કહીશ તો પછી તારામાં અને એનામાં ફરક શું રહેવાનો?’

એક રાજા હતો. સમયે સમયે એ પોતાની પ્રજા માણસ તરીકે કેવી છે, એ જાણવા માટે વેશપલટો કરીને ગામમાં જતો. એક સમયે શિયાળાની કડકડતી ઠંડીમાં રાતે ભિખારીનો વેશ ધારણ કરીને ગામમાં નીકળ્યો. ગામમાં ફરતો ફરતો રાજા ગામના સૌથી ધનવાન માણસના ઘર પાસે પહોંચ્યો. તેણે ઘરનો દરવાજો ખખડાવ્યો. ધનવાન શેઠે દરવાજો ખોલ્યો. ભિખારીના રૂપમાં રાજા કરગરવા લાગ્યો, ‘શેઠ, બહુ ભૂખ્યો છું, સવારથી કંઇ ખાધું નથી, કંઇક ખાવાનું મળશે?’ ઘરનાં બધાં લોકો સૂતાં હતાં. શેઠને થયું કે, કોઇને ઉઠાડવા નથી. શેઠ પોતે રસોડામાં ગયો. જે કંઇ જમવાનું હતું એ લઇને આવ્યો. ભિખારીને કહ્યું કે, ‘શાંતિથી જમી લે.’ ભિખારી જમતો હતો, ત્યારે શેઠ ઘરમાં જઇ એક ધાબળો લઇ આવ્યો. ભિખારીએ જમી લીધું પછી ધાબળો આપતી વખતે કહ્યું કે, ‘આ લ્યો, બહુ ઠંડી છે. તમને કામ લાગશે.’

ભિખારીએ જતાં જતાં કહ્યું, ‘તમે બહુ સારા છો. તમારા ગામના બીજા લોકો તો હડધૂત કરીને કાઢી મૂકે એવા છે.’ આ વાત સાંભળીને શેઠનો અવાજ થોડોક ઊંચો થઇ ગયો. શેઠે કહ્યું, ‘મોઢું સંભાળીને બોલો! અમારા ગામના કોઇ લોકો વિશે આવું બોલવાનો તમને અધિકાર નથી. મારા ગામના બધા લોકો સારા છે. તમે કોઇના પણ ઘરે ગયા હોત, તો પણ તમને ખાવાનું મળી રહેત. હું તો ધનવાન છું, કોઇ ગરીબના ઘરે ગયા હોત તો પણ તમને બટકું રોટલો મળી જ રહેત!’ રાજાએ બીજા દિવસે દરબારમાં શેઠને બોલાવીને કહ્યું કે ‘કાલે રાત્રે તમારા ઘરે જે ભિખારી આવ્યો હતો, એ હું જ હતો!’ રાજાએ કહ્યું, ‘તમે ખરા અર્થમાં સારા છો, કારણ કે તમને બધાં સારા લાગે છે. સારા માણસોને ક્યારેક એવું અભિમાન આવી જતું હોય છે કે, હું જ સારો છું, બાકી બધા તુચ્છ છે. લોકો આપણને માપતાં હોય છે. આપણે કેટલું મપાવવું એ આપણા હાથની વાત છે. કોઇ પણ સ્વાર્થ વગર, કોઇ પણ અપેક્ષા વગર અને સારા લાગવાના પણ ઇરાદા રાખ્યા વગર કોઇ માટે કંઇક કરવાની મજા નિરાળી હોય છે! ઘણુંબધું કોઇને સારું લાગે એટલા માટે નહીં, પણ આપણને સારું ફીલ થાય એટલા માટે કરવાનું હોય છે!

છેલ્લો સીન :

તમારો સમય સારો હોય ત્યારે સાવધાન રહેજો. માણસ કેવો છે એ ખરાબ સમયમાં નહીં, સારા સમયમાં જ વર્તાતો હોય છે!                    –કેયુ.

 (‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 15 જુલાઇ 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “મારો સમય આવવા દે, હું પણ બતાવી દઇશ! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

%d bloggers like this: