ખબર નહીં, મારી લાઇફમાં આ શું થવા બેઠું છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ખબર નહીં, મારી લાઇફમાં

આ શું થવા બેઠું છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જો એને માણસો જેવું સૂઝે તો! અરીસાને કોઈ ચહેરો ખૂંચે તો!

ભગાડી દઉં છું સન્નાટાને તેથી, આ એકલતા પછી ઈંડાં મૂકે તો!

મને છોડી તમે જ્યારે જતાં હો, હૃદય મારું છતાંયે ના તૂટે તો!

તો હું સાચું કહું એને કે ખોટું? મને તારા વિશે કોઈ પૂછે તો!

-હર્ષ બ્રહ્મભટ્ટ

સમય ક્યારેય એકસરખો રહેતો નથી. આ વાત આમ તો દુનિયાનો દરેક માણસ જાણે છે. પરિવર્તનો થતાં રહે છે. ક્યારેક સારા તો ક્યારેક ખરાબ બનાવો આપણા સહુની સાથે બનતા રહે છે. અચાનક જ કંઈક સારું બને ત્યારે આપણને ચમત્કાર જેવું લાગે છે. આવું તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું! ક્યારેક કંઈક ખરાબ ઘટના બને ત્યારે આઘાત લાગે છે. આપણને સવાલ થાય છે કે, આ શું થઈ રહ્યું છે? મગજ કામ કરતું નથી. કોઈ રસ્તો સૂઝતો નથી. બધું જાણે એકદમ રોકાઈ ગયું હોય એવું લાગે છે. ચમત્કાર અને આઘાત બે અંતિમ છેડાનાં સત્યો છે. સારું થાય ત્યારે આપણે આનંદથી ઝૂમી ઊઠીએ છીએ. એ સમયે કોઈ સવાલ થતા નથી. પોતાની ફેવરમાં હોય એવી ઘટનાને માણસ ખુલ્લા દિલે આવકારે છે. ખરાબ ઘટના બને ત્યારે એ ફરિયાદો કરે છે, આક્ષેપો કરે છે, અફસોસ કરે છે. માણસનો એ સ્વભાવ છે. આપણે બધા માણસો છીએ. અસર તો થવાની જ છે.

જિંદગી આઘાત આપતી રહે છે. આ આઘાતનો આપણે કેવો પ્રત્યાઘાત આપીએ છીએ? બધા લોકો આઘાત પચાવી શકતા નથી. ડરી જાય છે. ધ્રૂજી જાય છે. હતાશ થઈ જાય છે. એવું માનવા લાગે છે જાણે બધું જ ખતમ થઈ ગયું. ખરેખર બધું ખતમ થઈ જતું હોય છે? એક માણસ હતો. એનો ધંધો ઠપ્પ થઈ ગયો. જે ગણતરીઓ બાંધી હતી એ બધી જ ઊંધી વળી ગઈ. ધંધામાં ખોટ ગઈ એટલે એ ઘરમાં પણ શાંતિથી રહી શકતો નહોતો. પત્ની અને પરિવારજનો સાથે પણ પ્રોબ્લેમ થવા લાગ્યા. ક્યાંય ધ્યાન પડતું નહોતું. આ માણસ એક સંત પાસે ગયો. સંતને કહ્યું કે, મારી સાથે સતત ખરાબ બનાવો જ બને છે. ખબર નહીં, મારી લાઇફમાં શું થવા બેઠું છે! સંતે કહ્યું, તારી આંગળી તારા નાક પાસે મૂક! જરાક ચેક તો કર કે, તારા શ્વાસ ચાલે છે કે નહીં? પેલા માણસે નાક પર આંગળી મૂકીને કહ્યું, હા શ્વાસ ચાલે છે. સંતે કહ્યું કે, એક વાત યાદ રાખ, જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી કંઈ જ ખતમ થતું નથી. તને જે ખતમ થઈ ગયું છે એમ લાગે છે એ તો એક ઘટના છે. સમય સાથે એ પણ બદલાઈ જશે. તું સ્વસ્થતા ગુમાવીશ તો તું તને જ નુકસાન પહોંચાડીશ. મુશ્કેલીમાં જ્યારે માણસે સ્વસ્થ અને શાંત રહેવાનું હોય છે ત્યારે જ એ ઘાંઘો થઈ જાય છે. જ્યારે ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે માણસે સૌથી વધુ ધ્યાન પોતાનું રાખવાનું હોય છે. જે મનથી મજબૂત રહે છે એ કોઈ પરિસ્થિતિમાં વિચલિત થતો નથી.

માણસ અસલામત દુનિયામાં સતત સલામતી શોધતો રહે છે. માત્ર માણસ જ નહીં, દુનિયાના દરેક જીવ પોતાના રક્ષણ માટે સલામતી શોધે છે. માણસે વાતાવરણથી બચવા માટે ઘરો બનાવ્યાં. ઘરમાં પણ જાતજાતની સુવિધાઓ ઊભી કરી. સલામત રહી શકાય એવાં સાધનો વિકસાવ્યાં. આપણે બધા જ સલામત રહેવાનો પ્રયાસ કરીએ જ છીએ. એમાં કશું ખોટું પણ નથી. ધ્યાન એટલું જ રાખવાનું કે, આપણે રચેલી સલામતીમાં જ્યારે વિક્ષેપ પડે ત્યારે હચમચી ન જવું, ડરી ન જવું, ડગી ન જવું. આપણે જો વિચાર કરીએ તો એક વાત તો ઊડીને આંખે વળગશે જ કે, આપણું અસ્તિત્વ ટકી રહે એટલું તો આપણી પાસે હોય જ છે. એક માણસની આ વાત છે. એની સારી એવી જોબ હતી. બધું જ સરસ ચાલતું હતું. અચાનક મંદી આવી. એ જે કંપનીમાં કામ કરતો હતો એ કંપનીએ પોતાનું કામકાજ સમેટી લીધું. બીજે ક્યાંય જોબ મળે એવું નહોતુ. એ માણસ થોડીક સાંત્વના, થોડુંક આશ્વાસન, થોડીક હિંમત અને નવો કોઈ રસ્તો મેળવવા માટે એક ફકીર પાસે ગયો. ફકીરને કહ્યું કે, હું સાવ બરબાદ થઈ ગયો છું. મારું કામ છિનવાઈ ગયું છે. હું બહુ દુ:ખી થઈ ગયો છું. ફકીરે કહ્યું, દુ:ખી? ફકીરે પૂછ્યું, કેમ તારી પાસે ઘર નથી? પેલા માણસે કહ્યું, ઘર તો છે. ફકીરે બીજો સવાલ કર્યો, તો તારી પાસે ખાવાનું નથી? પેલા માણસે કહ્યું, ખાવાનું પણ છે. ફકીરે કહ્યું, તારી પાસે ઘર છે, ખાવાનું છે, પરિવાર છે, અહીં તું મને મળવા પણ કાર લઈને આવ્યો છે અને તું કહે છે કે, હું દુ:ખી છું! ખડખડાટ હસતાં હસતાં ફકીરે કહ્યું, મારી પાસે આ એક ઝૂંપડી છે, બીજું કંઈ નથી, છતાં હું સુખી છું! આ ઝૂંપડી પણ હમણાં હવામાં ઊડી જાય તો પણ મારા સુખમાં કંઈ ફેર ન પડે! તું દુ:ખી નથી. તેં દુ:ખને ઓઢી રાખ્યું છે. દુ:ખનું જે ઓઢણું ઓઢ્યું છેને એને ફગાવી દે! તારી પાસે એટલું તો છે જ કે લાંબો સમય તને કંઈ જ વાંધો આવવાનો નથી! જ્યાં સુધી વાંધો આવે એમ નથી ત્યાં સુધી તો સરખી રીતે જીવ! ખૂટે એ પહેલાં કંઈક રસ્તો નીકળી આવશે!

કોઈ પણ સમસ્યાનો રસ્તો વહેલો કે મોડો નીકળી જ આવતો હોય છે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે, આપણે તાત્કાલિક ઉકેલ જોઈતો હોય છે. આપણને સમસ્યાનું ત્વરિત નિરાકરણ જોઈતું હોય છે. ધીરજ જેવું કંઈ હોતું જ નથી. ફૂલની સુગંધ માણવા ફૂલને ખીલવા દેવું પડે છે. ફળનો સ્વાદ માણતા પહેલાં તેને પાકવા દેવું પડે છે. પ્રકાશ માટે સૂરજ ઊગવાની રાહ જોવી પડતી હોય છે. જિંદગીની સમસ્યાઓના નિરાકરણ માટે પણ ધીરજ ધરવી પડતી હોય છે. એક ભાઈની ઇન્કમ બંધ થઈ ગઈ. એ હતાશ થઈ ગયો. એ એના પિતા પાસે ગયો. પિતાને કહ્યું કે કંઈ આવક નથી. સમજાતું નથી શું કરવું? પિતાએ હળવેકથી કહ્યું, તું તો દર મહિને નિયમિત રીતે થોડુંક સેવિંગ્સ કરતો હતો ને? દીકરાએ કહ્યું, હા એ સેવિંગ્સ તો છે જ! પિતાએ કહ્યું, તો પછી એ વાપરને! માણસ સેવિંગ્સ શા માટે કરે છે? જ્યારે તકલીફ ઊભી થાય ત્યારે ટકી રહેવા માટે જ ને? અત્યારે એમાંથી વાપર, આપણને ઘણી વખત તો એ ખબર નથી હોતી કે, આપણે ભેગું શેના માટે કરીએ છીએ? માણસે ત્યાં સુધી જ ટકી રહેવાનું હોય છે, જ્યાં સુધી એને કોઈ રસ્તો ન મળે! આપણને ટકવાની કે લડવાની આદત જ નથી હોતી! આપણે તરત જ થથરી જઈએ છીએ. સાત પેઢી ખાય તો પણ ન ખૂટે એટલું હોવા છતાં માણસ દુ:ખી હોય છે. આપણી ફિતરત ઉપર આપણે નજર રાખવી જોઈએ. આપણી ફિતરત ચિંતાળું તો નથી ને? જો ચિંતા કરવાની આદત પડી જશે તો જિંદગીનો આનંદ દૂર જ રહેશે.

એક માણસ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. સ્વાભાવિક રીતે જ ખરાબ સમયમાં માણસને જાતજાતના અનુભવો થાય છે. આ માણસ સાથે પણ એવું જ થયું. એ માણસ એક ફિલોસોફરને મળવા માટે નિયમિત રીતે જતો. ખરાબ સમય વિશે વાત થઈ એટલે પેલા માણસે ફિલોસોફર સામે બળાપો ઠાલવ્યો. તેણે કહ્યું, મારા ખરાબ સમયમાં બધા ઓળખાઈ ગયા. કોણ મારું છે, કોણ પારકું છે, કોને મારી ચિંતા છે એની બધી ખબર પડી ગઈ. કોણ મદદ કરવા આવ્યું અને કોણે મોઢું ફેરવી લીધું એ પણ મેં જોઈ લીધું! આ માણસની વાત સાંભળીને ફિલોસોફરે કહ્યું, જે લોકો તારા હતા અને જે લોકો સારા હતા એના પણ શ્રેષ્ઠ અનુભવો તને થયા ને? પેલા માણસે કહ્યું, હા, એ અનુભવો પણ થયા! ફિલોસોફરે કહ્યું કે, તો તો તારે ખરાબ સમયનો આભાર માનવો જોઈએ. આપણે ખરાબ અનુભવોને, ખરાબ લોકોને યાદ રાખતા હોઈએ છીએ કે તે માણસ મારો ભાવ પૂછવા આવ્યો નહોતો, તેણે મારી જરાયે પરવા કરી ન હતી. હકીકતે તો આપણે એ યાદ રાખવું જોઈએ કે, મારી પરિસ્થિતિ ગમે એટલી ખરાબ થઈ ગઈ હતી તો પણ આટલા લોકો મારી નજીક જ રહ્યા હતા. આમ પણ હાલત એટલે શું? આપણે મોટાભાગે આપણા હોદ્દા અને આપણી સંપત્તિથી જ હાલતને માપતા હોઈએ છીએ. આપણે આપણા સ્વભાવ, આપણાં વર્તન, આપણા વ્યવહાર, આપણી સમજણ અને આપણા ડહાપણથી આપણને માપતા જ નથી. આપણે જો એનાથી માપતા હોઈએ તો આપણને સમજાય કે, આપણાં વર્તન, વ્યવહાર, સમજણ, ડહાપણ, સ્નેહ, પ્રેમ, કરુણા અને ઝિંદાદિલીથી જે આકર્ષાયા હોય છે એ ત્યાંના ત્યાં એટલે કે આપણી નજીક જ હોય છે. જે લોકો આપણા હોદ્દા અને આપણી સંપત્તિથી આકર્ષાયા હોય એ લોકો આપણો હોદ્દો કે સંપત્તિ ચાલી જાય ત્યારે ચાલ્યા જ જવાના છે, કારણ કે એને એનું જ તો આકર્ષણ હતું!

તમારી પાસે છે એને જીવો. મોટા ભાગે પરિસ્થિતિ પણ મનનું કારણ જ હોય છે! દરેક વખતે જિંદગી પાસેથી તમે સારી ઘટનાઓની અપેક્ષા રાખી ન શકો. અપેક્ષા રાખો તો એમાં વાંક જિંદગીનો નહીં, આપણો જ હોય છે. જિંદગીને કેવી અને કેટલી માણવી એ આપણા હાથની વાત છે. એક મહાન મ્યુઝિશિયનની આ સાવ સાચી વાત છે. એનું નામ ઇત્ઝાક પર્લમેન. પોલિયોના કારણે બચપણથી જ વ્હીલચેર પર જીવતા 74 વર્ષના આ ઇઝરાયેલી અમેરિકન વાયોલિનિસ્ટને એક વખત સુખ વિશે પૂછવામાં આવ્યું. એના જવાબમાં તેણે પોતાની સાથે બનેલી એક ઘટના કહી.

એક વખત હું એક કોન્સર્ટમાં વાયોલિન વગાડવાનો હતો. વાયોલિન મેં હાથમાં લીધું ત્યારે મને ખબર પડી કે, વાયોલિનનો એક તાર તો તૂટી ગયો છે. કોઈ જાતની ચિંતા કર્યા વગર મેં ત્રણ તાર પર વાયોલિન વગાડવાનું શરૂ કર્યું. એટલી તલ્લીનતાથી વાયોલિન વગાડ્યું કે લોકો આફરીન પોકારી ગયા. એક વ્યક્તિને ખબર પડી ગઈ કે વાયોલિનનો એક તાર તૂટી ગયો છે. તેણે જ્યારે ઓડિયન્સને કહ્યું કે, ત્રણ તારથી વાયોલિન વગાડવું અશક્ય છે, પણ આમણે એ કરી બતાવ્યું છે અને આપણને અણસાર સુધ્ધાં નથી આવ્યો. બધાએ ઊભા થઈ તાળીઓ પાડી તેમને વધાવી લીધા. આ ગ્રેટ વાયોલિનિસ્ટે પછી માત્ર એટલું જ કહ્યું કે, આ જ વાત જિંદગીને લાગુ પડે છે. જેટલું છે એનાથી જીવનના સંગીતને માણી લો. તમારામાં જો તીવ્રતા અને તલ્લીનતા હશે તો એકાદો તાર તૂટેલો હશે તો પણ કંઈ ફરક નહીં પડે. અભાવને અવગણતા આવડી જાય તો અસુખ લાગતું નથી. જિંદગી છે, ક્યારેક ઉપર તો ક્યારેક નીચે જવાની છે, ગભરાયા વગર જે જીવી જાણે છે એના માટે સમય ક્યારેય ખરાબ હોતો નથી!

છેલ્લો સીન:

ખરાબ સમય માણસને જે શીખવાડે છે, એ સારો સમય ક્યારેય શીખવી શકતો નથી. કદાચ એટલા માટે જ જિંદગી થોડોક ખરાબ સમય બધાના ભાગે રાખતી હશે!          -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 03 જૂન 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “ખબર નહીં, મારી લાઇફમાં આ શું થવા બેઠું છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

%d bloggers like this: