તારી પાસે મારું ક્યાં કંઈ ચાલે જ છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તારી પાસે મારું ક્યાં

કંઈ ચાલે જ છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

નર્યું ચક્કર છે! ચક્કરને સમજવું પણ જરૂરી છે,

ભલે ચાલ્યા કરો કિન્તુ અટકવું પણ જરૂરી છે,

તમે બાથ ભીડશો તો જ ઝળહળ જાણવા મળશે!

સળગતી ઝંખનાઓને વળગવું પણ જરૂરી છે.

-ડૉ. મનોજ જોશી, ‘મન.

સંબંધોને સોએ સો ટકા ક્યારેય કોઈ સમજી શકતું નથી. તેનું કારણ એ છે કે સંબંધો ક્યારેય સો ટકા હોતા જ નથી. એમાં વધઘટ થતી રહે છે. સંબંધને તો સો ટકાનો નિયમ પણ લાગુ પડતો નથી. ક્યારેક એ દોઢસો-બસો ટકા થઈ જાય છે. ક્યારેક અડધા થઈ જાય છે. ક્યારેક માઇનસમાં પણ ચાલ્યા જાય છે. સંબંધોનું ગણિત ન હોય. સંબંધમાં સ્નેહ જ હોય. આપણા ધબકારા ક્યારેય એકસરખી ગતિથી ચાલતા નથી. સંબંધોનું પણ એવું જ હોય છે. ક્યારેક કોઈ એકદમ નજીક હોય છે અને ક્યારેક બહુ જ દૂર ચાલ્યું જાય છે. દૂર હોય ત્યારે પણ ઘણા સંબંધો ક્ષિતિજની જેમ નજીક ભાસે છે. સંબંધો મૂડ, માનસિકતા, મહેચ્છા, સમય, સંજોગ, પરિસ્થિતિ મુજબ બદલતા રહે છે. ચડાવ-ઉતાર એ સંબંધોની ફિતરત છે.

સાથે રહેતા હોય ત્યારે સંઘર્ષ થવાનો. સંબંધમાં તમે સંઘર્ષને કેવી રીતે લો છો એ મહત્ત્વનું છે. બે વ્યક્તિની ઇચ્છા અને ઇરાદા દરેક વખતે સરખા રહે તે જરૂરી નથી. એવું શક્ય પણ નથી. દરેક વખતે માણસ જતું પણ કરી શકતો નથી. સંબંધ ટકાવવા માટે એવી સલાહ અપાય છે કે, વાત અને વાતાવરણ બગડે ત્યારે એક વ્યક્તિએ નમતું જોખી દેવું. નમતું જોખીએ ત્યારે બંને પલડાં સરખાં નથી હોતાં. સંબંધોમાં જ્યારે હાર-જીત, ઇચ્છા-જીદ, તારું-મારું અને તું કહે એમ નહીં, પણ હું કહું એમ થશે એવું આવે ત્યારે સંબંધો સામે સવાલો ઊભા થાય છે. તમે એ સવાલોના કેવા જવાબો શોધો છો તેના પરથી સંબંધ ટકશે કે તૂટશે એ નક્કી થતું હોય છે. જેના પર લાગણી હોય, જે વ્યક્તિ વ્હાલી હોય, જે દિલથી નજીક હોય અને જેની સાથે જીવવું ગમતું હોય એની સાથે સંબંધ તોડવાનું માણસને ગમતું નથી. સંબંધમાં માણસને ક્યારેય જીતવું હોતું નથી, એને તો જીવવું હોય છે. બંને જીતે તો જ બંને જીવી શકે છે. એક હારે તો સરવાળે સંબંધની હાર થતી હોય છે. સંબંધ તૂટે ત્યારે વાંક ગમે એનો હોય, હારતા બંને હોય છે. સંબંધ માટે ‘આર્ટ ઓફ એડજસ્ટમેન્ટ’ આવડવું જોઈએ.

પ્રેમ કરવો એ એક કલા છે. કોઈ પણ કલાકારને પૂછી જોજો, એની દરેક રચના બેસ્ટ નહીં હોવાની. કોઈ પણ પેન્ટરને પૂછી જોજો, દરેક પીસ ‘માસ્ટર પીસ’ નહીં હોવાનો. છતાં આર્ટમાં એક રિધમ હોય છે. એક લય હોય છે. એક લગન હોય છે. પ્રેમમાં પણ લય જળવાવવો જોઈએ. વાંસળી વગાડતા હોઈએ ત્યારે એક ફૂંક ખોટી લાગી જાય તો સંગીત ખરડાઈ જાય છે. એવું થાય ત્યારે તરત ફૂંકને કંટ્રોલ કરવી પડે છે. સંબંધમાં પણ જ્યારે એવું લાગે કે વાત આડા પાટે ચડી ગઈ છે ત્યારે તેને સીધા રસ્તે લાવવી પડે. સંબંધ સહિયારો હોય છે. એક વ્યક્તિથી ન ચાલે. બંનેનાં કદમ સાથે ચાલવાં જોઈએ. એક વ્યક્તિ જ જો સતત જતું કરે તો વહેલો કે મોડો પ્રેમ પણ જતો રહે છે. મારે જ નમતું જોખવાનું. તું કહે એમ જ કરવાનું? મારી ઇચ્છાનું કંઈ મહત્ત્વ જ નહીં?

પ્રેમ હોય કે દાંપત્ય, દરેક વ્યક્તિને ક્યારેક તો પોતાની વ્યક્તિ માટે એવું થતું જ હોય છે કે એ મારું જેટલું ધ્યાન રાખવું જોઈએ એટલું રાખતો નથી કે રાખતી નથી. હું એને પ્રેમ કરું છું એટલો પ્રેમ એને નથી. કોણ કેટલો પ્રેમ કરે છે એ કેવી રીતે ખબર પડે? એની ખબર પડતી નથી, એનો અહેસાસ થતો હોય છે. પ્રેમમાં તો વળી એવું પણ થતું હોય છે જ્યારે પોતાની વ્યક્તિ બેસ્ટ લાગે છે. તું દુનિયાની શ્રેષ્ઠ વ્યક્તિ છે અથવા તો તું ઉત્તમ પ્રેમિકા છે. આવું કહ્યા પછી એક કલાકમાં જ એવું થઈ શકે જ્યારે બેમાંથી એક એવું બોલે કે, તને મારી કંઈ કદર જ નથી. તું સાવ કેરલેસ છે. આપણને એમ થાય કે હજુ થોડા સમય પહેલાં તો હું સારો લાગતો હતો કે સારી લાગતી હતી, અચાનક તને એવું લાગવા માંડ્યું કે હું તારા પ્રત્યે બેદરકાર છું? આવું થાય. તમારી વ્યક્તિ નારાજ હોય ત્યારે તમને જો મનાવવાનું મન થતું હોય તો માનજો કે તમારો પ્રેમ સજીવન છે. વાંક કોનો હતો એ મહત્ત્વનું હોતું જ નથી, વાત પૂરી કરવાની દાનત હોય એ જ ઇમ્પોર્ટન્ટ છે. માથાકૂટ નથી વધારવી એવી ઇચ્છાથી મનાવો તો પણ કંઈ જ ખોટું નથી, કારણ કે એમાંય તેની સાથે શાંતિથી રહેવાની ઇચ્છા તો હોય જ છે. વાત ત્યારે વણસે છે જ્યારે એવો વિચાર આવે કે હવે નથી મનાવવો કે નથી મનાવવી, જે કરવું હોય એ કરે! એક ઘરમાં બે જીવ કણસતા હોય ત્યારે આખું ઘર વેદના અનુભવતું હોય છે.

જિંદગીમાં બે વસ્તુ મહત્ત્વની હોય છે. એક તો પોતાનું સુખ અને બીજું પોતાના લોકોનું સુખ. સુખ સહિયારું હોય છે. એક વ્યક્તિ ક્યારેય એકલો સુખી થઈ ન શકે. આપણું સુખ બીજા પર પણ નિર્ભર હોય છે. આપણા લોકો આપણને પ્રેમ કરતા હોય ત્યારે સુખની સાચી અનુભૂતિ થતી હોય છે. માણસ માત્ર પોતાના સુખ માટે જ બધું નથી કરતો, એને પોતાના લોકોને પણ સુખી કરવા હોય છે. તમે કોઈને ત્યારે જ સુખી કરી શકો જ્યારે તમે એને સમજી શકો. કોનું ચાલે એ સવાલ ક્યારેક ગૌણ બની જાય છે. એક પતિ-પત્નીની વાત છે. પતિ દરેક વાતમાં ડોમિનેટ કરે. બધું પોતાની જાતે જ નક્કી કરી લે. શરૂ શરૂમાં તો પત્ની પોતાના વિચારો વ્યક્ત કરતી. જ્યારે માણસને એવું લાગે કે આપણી વાત ધ્યાને જ લેવાતી નથી ત્યારે એ કહેવાનું બંધ કરી દે છે. એવું થાય ત્યારે માત્ર સાંભળવાનું જ બચે છે. એક જ વ્યક્તિની વાત ચાલતી રહે એ સંવાદ નથી. દરેક સ્વીકાર પણ સ્વૈચ્છિક નથી હોતો. દરેક મૌન એ શાંતિ નથી હોતી. મજબૂરી ક્યારેક સ્વીકારનું રૂપ લઈ લેતી હોય છે. માણસનું ચાલે નહીં ત્યારે એ બધું ચલાવી લે છે. એક વખત ઘરમાં એક પ્રસંગની વાત હતી. પતિએ પત્નીને શું કરવું છે એ કહ્યું. પત્નીએ કહ્યું, તું નક્કી કરી લે, આમેય તારી પાસે મારું ક્યાં કઈ ચાલે છે? તું કહે એમ જ તો થાય છે. આવું ઘણાં ઘરોમાં થતું હોય છે. જ્યાં માણસ પોતાનો વિચાર વ્યક્ત ન કરી શકે, પોતાની ઇચ્છા જાહેર ન કરી શકે, પોતાનું મંતવ્ય ન આપી શકે ત્યાં એક જુદા જ પ્રકારની ગુલામી જિવાતી હોય છે.

મને પૂછે છે, મારી ખુશીની એને પડી છે, એને મારી કદર છે એવી ફીલિંગ્સ પણ પ્રેમને સજીવન રાખે છે. તમે તમારા લોકોને પૂછીને નિર્ણય કરો છો? એક દીકરીની આ વાત છે. એ પરણાવવા જેવડી થઈ હતી. તેના માટે છોકરા જોવાનું પણ ચાલતું હતું. આ દરમિયાનમાં ઘરનું ટીવી બગડી ગયું. નવું ટીવી લેવાનું હતું. મમ્મી-પપ્પાએ દીકરાને પૂછ્યું કે કયું ટીવી લેવું જોઈએ? દીકરીને ન પૂછ્યું. દીકરીને ન ગમ્યું. તેણે ડેડીને કહ્યું કે, મને નહીં પૂછવાનું? પિતાએ કહ્યું, તું હવે ક્યાં આ ઘરમાં વધુ દિવસ છે? તારે તો સાસરે જવાનું છે, તો પછી જે લોકોએ ટીવી જોવાનું છે એને જ પૂછુંને! દીકરીથી રડી પડાયું. હું છું ત્યાં જ મારી ગેરહાજરી નોંધી લીધી. દીકરીએ કહ્યું, પપ્પા મને ખબર છે કે મારે જવાનું છે. હું એવા જ ટીવીનું વિચારતી હતી કે મારાં મમ્મી-પપ્પા અને ભાઈ માટે કયું ટીવી સારું રહેશે! મારા માટે નહોતું વિચાર્યું. દરેક વખતે આપણે ક્યાં આપણા માટે વિચારતા હોઈએ છીએ? ક્યારેક અમુક વર્તન કરીને આપણે આપણા લોકોને જ ઠેસ પહોંચાડતા હોઈએ છીએ. ઠેસ પહોંચાડી દીધા પછી પણ એની વેદના આપણને કેટલી સ્પર્શતી હોય છે? ભૂલની ખબર પડ્યા પછી પણ ભૂલ ન સમજવી કે ન સ્વીકારવી એ સૌથી મોટી ભૂલ હોય છે.

આપણા લોકોને પણ આપણી ખુશીની પડી હોય છે. તમે એને સાથે રાખો, એ તમને ક્યારેય અળગા થવા નહીં દે. સન્માન મેળવવા માટે સન્માન આપવું પડે. અપમાન કરીને તમને સન્માન ન મળે. હા જી હા થતું હોય ત્યારે દરેક વખતે સન્માન નથી હોતું, ક્યારેક તો પોતાનું અપમાન ન થાય એ માટે લોકો સન્માન આપતા હોય છે. સાચા સ્વમાનમાં સહજતા હોય, સ્નેહ હોય અને સ્વીકાર હોય.

તમારે તમારું ‘ચલાવવું’ છે? તો તમારી વ્યક્તિને સાથે રાખો. એને પણ તમારું ચાલવા દેવું હોય છે, જો તમે એની સાથે ચાલતા હો તો. એક યુવતીને તેની ફ્રેન્ડે સવાલ કર્યો, તારા ઘરમાં કોનું ચાલે છે? તારું કે એનું? યુવતીએ જવાબ આપ્યો કે મારા ઘરમાં મારું નથી ચાલતું, મારા ઘરમાં એનું પણ નથી ચાલતું, મારા ઘરમાં ‘અમારું’ ચાલે છે. આ તો તેં ‘તારા ઘર’માં પૂછ્યું એટલે મેં એવું કહ્યું કે, ‘મારા ઘર’માં બાકી હું મારા ઘરમાં એવું પણ નથી બોલતી, હું એમ જ બોલું કે, ‘અમારા ઘર’માં. ઘર ક્યારેય તારું, મારું કે કોઈ એક વ્યક્તિનું નથી હોતું, ઘર એમાં રહેતા બધાનું હોય છે. તારું અને મારું એ એવી દીવાલ છે જે એક જ ઘરમાં રહેતી બે વ્યક્તિ વચ્ચે રચાઈ જાય છે. દરેક દીવાલ દેખાતી હોતી નથી, અમુક દીવાલ અનુભવાતી હોય છે. ઘર ક્યારેક જેલ જેવું લાગે છે, એ જેલ હોતું નથી, લાગતું હોય છે. અમુક બંધનો ઘરને જેલ બનાવી દેતાં હોય છે. નાનકડા ઘરમાં રહેનારી સ્ત્રી પણ ઘરની રાણી હોઈ શકે અને મહેલમાં ઘણી સ્ત્રીઓની હાલત દાસી કરતાં પણ ખરાબ હોય છે. આવાસ એ છે જ્યાં વિશ્વાસ છે, નિવાસ એ છે જ્યાં નિસાસા નથી, હોમ એ છે જ્યાં હેપિનેસ છે. ઘર એક વ્યક્તિથી સજીવન ન રહી શકે, બધા જીવતા હોય તો જ ઘર જીવતું રહી શકે. ઘરમાં આવીને બધા પોતપોતાના રૂમમાં ચાલ્યા જાય ત્યારે ડ્રેસિંગ રૂમ ડૂસકાં ભરતો હોય છે. પોતાની સ્પેસ અને પ્રાયવસી એ એક વસ્તુ છે અને બીજાની દરકાર જ ન કરવી એ બીજી વસ્તુ છે. પ્રાયવસીના નામે પણ ઘણું બધું ચાલતું હોય છે. પોતાની વ્યક્તિનું ધ્યાન રાખવું એ એની લાઇફમાં એન્ક્રોચમેન્ટ કે દખલ નથી, પણ તેનું જતન છે. જતનની ભાવના જાય ત્યારે પતન નજીક હોય છે. ઘણાં ઘરોમાં પતી ગયેલા સંબંધો જ બાકી રહ્યા હોય છે.

એક ઘરનો નિયમ હતો કે બધા રાતે એક જ ટેબલ પર સાથે જમીશું. એક દિવસે રાતે જમતી વખતે દીકરાએ કહ્યું કાલથી હું બધાની સાથે નથી જમવાનો. તેણે કહ્યું, આપણે જે રીતે જમીએ છીએ એ રીતે જમવાનો કોઈ અર્થ નથી. બધા આવે છે, પણ દરેકના મોઢા ચડેલા હોય છે, કોઈ કોઈની સાથે વાત નથી કરતું, કોઈ કોઈને કંઈ પીરસતું નથી. નિયમો જ્યારે ક્રિયાકર્મ જેવા બની જાય ત્યારે સર્જાતું વાતાવરણ એવી ચાડી ફૂંકતું હોય છે કે આ બધું ધરાર થાય છે. પ્રેમ, લાગણી, સ્નેહ, કદર, સન્માન એ નિયમોથી ન થાય એ તો સહજ રીતે થતાં હોય છે. કાર્યક્રમમાં સાલ ઓઢાડીને સન્માન થાય એવી રીતે ઘરમાં જ્યારે પ્રસંગો બનવા માંડેને ત્યારે એ એક પ્રક્રિયા જ બની જતી હોય છે. ઘરના નિયમો અને બહારના નિયમો અલગ અલગ હોય છે.

જિંદગીમાં જેટલી સહજતા હશે એટલું સુખ હશે. અસહજ સ્થિતિમાં સુખ રહી શકતું નથી. સુખને પણ મોકળાશ જોઈતી હોય છે. ઘરની પોઝિટિવિટી માણસોથી બનતી હોય છે. ઘરમાં કોઈના ચહેરા ઉપર હાસ્ય ન હોય તો ‘લાફિંગ બુદ્ધા’ કંઈ કરી શકે નહીં. દિલના ખૂણા સ્વસ્થ ન હોય તો ગમે એવું વાસ્તુ પણ સુખ સર્જી શકે નહીં. ઘરમાં હવા-ઉજાસનું ધ્યાન રાખીએ છીએ, પણ દિલના દરવાજા જો બંધ હશે તો અંધારું જ લાગવાનું અને મૂંઝારો જ થવાનો. ઘરમાં જેને સ્પેસ નથી મળતી એને બહાર ખુલ્લામાં પણ ગભરામણ જ થવાની છે. સ્પેસ જોઈતી હોય તો સ્પેસ આપો, મજા જોઈતી હોય તો મજા આપો, સુખ જોઈતું હોય તો સુખ આપો. આપણે જે આપીએ એ જ આપણને મળે. એક માણસ ફ્રૂટ લેવા ગયો. તેણે નકલી નોટ આપીને કહ્યું કે, એક પાઇનેપલ આપો. વેપારીએ પાઇનેપલ આપ્યું. થોડે દૂર જઈને તેણે મિત્રને કહ્યું કે જોયું, મેં નકલી નોટથી પાઇનેપલ ખરીદી લીધું. પેલો મિત્ર હસવા લાગ્યો. તેણે કહ્યું, તું ધ્યાનથી જો, એ પાઇનેપલ સડેલું છે. એને ખબર પડી ગઈ હતી કે નોટ નકલી છે એટલે જ સડેલું પાઇનેપલ શોધીને તને આપ્યું. આપણે શું આપીએ છીએ એ આપણી વ્યક્તિને ખબર પડી જ જતી હોય છે. આપવામાં ધ્યાન રાખો, કારણ કે જેવું આપશો એવું જ મળવાનું છે!

છેલ્લો સીન :

બહારની દુનિયા અત્યંત સુંદર છે, પણ એ આપણી અંદરથી જ ઊઘડે છે. અંદરથી મુક્ત હશું તો જ બહારની આઝાદીનો અહેસાસ કરી શકીશું.       -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 09 મે 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *