આજકાલ તું મારા માથે બહુ રાડો પાડે છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

આજકાલ તું મારા માથે

બહુ રાડો પાડે છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ,

ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ.

મોટેથી કહી શકાય, નથી એવી વાત એ,

સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ.

-અમર પાલનપુરી.

આપણા સંબંધનો આધાર આપણા સંવાદ ઉપર હોય છે. બોલતા બધાને આવડે છે, વાત કરતા બહુ થોડા લોકોને આવડતું હોય છે. શબ્દો દિલને સ્પર્શવા જોઈએ. દિલને ત્યારે જ સ્પર્શે જો એ દિલમાંથી નીકળ્યા હોય. શબ્દો તો શબ્દો જ હોય છે, આપણે એને જુદી જુદી રીતે પેશ કરીએ છીએ. ક્યારેક શબ્દોની ધાર કાઢીએ છીએ તો ક્યારેક એને ચાંદીનું વરખ પહેરાવીએ છીએ. શબ્દોનો પણ આપણે આપણા સ્વાર્થ મુજબ ઉપયોગ કરતા હોઈએ છીએ! સારું લગાડવા માટે શબ્દોને સલુકાઈનો ઢોળ ચઢાવી દઈએ છીએ અને નારાજગી વ્યક્ત કરતી વખતે શબ્દોને તેજાબમાં બોળીને છુટ્ટા ઘા કરીએ છીએ. બહુ ઓછા લોકો એવા હોય છે જેના શબ્દો હંમેશાં મુલાયમ રહેતા હોય! સંવાદ મુલાયમ રહે એ માટે દિલમાં નજાકત હોવી જોઈએ!

સંવાદને સલુકાઈથી સંભાળવો પડે. સાવચેતી ન રાખીએ તો સંવાદ ક્યારે વિવાદ બની જાય તેની ખબર પડતી નથી. વાત જરાક આડે પાટે ચડે તો વાતનું વતેસર થઈ જાય છે. એવા ઘણા કિસ્સા આપણે જોયા હોય છે કે બધા ભેગા થયા હોય છે સમાધાન માટે અને મચી જાય સમરાંગણ. વિવાદ, નારાજગી, ઝઘડા, લડાઈ અને યુદ્ધ સહિતના અનેક કિસ્સાઓમાં જો કોઈ મહત્ત્વનું કારણ હોય તો એ માત્ર ને માત્ર સંવાદની અણઆવડત જ હોય છે.

માણસનું ઘણું બધું માત્ર બોલવાથી બગડતું હોય છે. મનમાં આવે એ બાફી મારે એવા લોકોના ભાગે પસ્તાવો જ હોય છે. અમુક લોકો ક્યારે આડા ફાટે તેનું કંઈ નક્કી હોતું નથી. ક્યારેક તો કોઈ પ્રસંગ હોય ત્યારે આપણે અમુકને સમજાવવું પડે છે કે, મહેરબાની કરીને તું બોલવામાં ધ્યાન રાખજે. કંઈ આડું તેડું ભચડી મારતો નહીં. બધાના મૂડની પથારી ફરી જશે.

એક સાઇકિયાટ્રિસ્ટ મિત્રએ તેની પાસે આવતા કિસ્સાઓની વાત કરી. તેણે કહ્યું, દાંપત્યજીવનમાં દરારના કિસ્સાઓ સતત વધતા જાય છે. ઝઘડાઓમાં કંઈ હોતું નથી. માત્ર વાત કેવી રીતે કરવી એ જ ખબર હોતી નથી. કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા, પણ તમે જે રીતે વાત કરો તેના પરથી તમારો ‘ક્લાસ’ નક્કી થતો હોય છે. એક દંપતીની તેણે વાત કરી. બંને વચ્ચે નાખી દીધા જેવા કારણસર ઝઘડા થાય. બંનેની મુખ્ય ફરિયાદ જ એ હતી કે, એને શું બોલવું એની ખબર જ પડતી નથી. છેલ્લે વાત ત્યાં આવીને અટકે કે, તારાથી આવું બોલી જ કેમ શકાય? તને બોલતા પહેલાં કંઈ જ વિચાર નથી આવતો?

આપણામાંથી કેટલા લોકો કંઈ બોલતા પહેલાં વિચાર કરે છે? આપણને એટલી તો ખબર હોવી જ જોઈએ કે મારી વ્યક્તિ ઉપર કયા શબ્દોની કેવી અસર થાય છે! એક પતિ-પત્નીની વાત છે. કોઈ વાતે શું કરું એવું પત્ની પૂછે કે તરત જ પતિ કહે કે, તને ઠીક લાગે એમ કર! આખરે તો તું તને ગમે એવું જ કરવાની છે. ખોટા સવાલો પૂછીને મારો સમય અને મારું મગજ બગાડે છે. તારે લાંબી વાત કરવી જ નહીં, મને કહી દેવાનું કે હું આમ કરું છું. પછી ભલે જે થવું હોય એ થાય!

બીજા એક દંપતીની વાત છે. પત્ની કોઈ મુદ્દે પૂછે કે હું શું કરું? ત્યારે પતિ સલુકાઈથી વાત કરે. તને શું ઇચ્છા છે? શું કરવાનું મન છે? પત્ની વાત કરે કે, મને આવા વિચાર આવે છે! પત્ની પાસેથી વાત જાણીને પતિ એમ કહે કે, નોટ અ બેડ આઇડિયા, પણ જો તું થોડુંક જુદું વિચારીને આમ કરીશ તો તને વધુ ઇઝી રહેશે. આ તો મારું મંતવ્ય છે, બાકી તને યોગ્ય લાગે એમ કરજે. હું તારી સાથે છું. પત્નીએ એક વખત પતિને કહ્યું કે, સાચું કહું. આમ તો હું મનોમન નક્કી કરી જ લેતી કે આમ કરવું છે. તારી હા મેળવવા જ તને પૂછતી. જોકે, ધીમે ધીમે હું તારા ઓપ્શન ઉપર પણ વિચાર કરવા માંડી. મને થયું કે, તું મને ના ક્યાં પાડે છે. હા પાડે છે તો પછી તારી વાત પર વિચાર શા માટે ન કરવો? આખરે તું પણ મારું સારું લાગે અને મને ઇઝી રહી એવું જ ઇચ્છે છેને!

હા પડાવવી કે ના પડાવવી એ ઇગોનો મામલો નથી, પણ સમજણની વાત છે. તને કીધુંને તારે નથી કરવાનું! એક વાર કહી દીધું એટલે ફાઇનલ. બહુ લપ્પન-છપ્પન નહીં કરવાની! ના પાડતી વખતે ના શા માટે પાડીએ છીએ એ સમજવાની અને આપણી વ્યક્તિને સમજાવવાની આપણી તૈયારી હોય છે ખરી?

કન્વિન્સ કરતા આવડે તો કકળાટ ઘટે. આપણે કન્વિન્સ કરતા નથી, જબરજસ્તી કરીએ છીએ. સંબંધોમાં એ પણ જરૂરી હોય છે કે, નિર્ણયમાં બંનેની સમજૂતી હોય. એ તો મને કંઈ પૂછે પણ નહીં અને કંઈ કહે પણ નહીં એવું આપણે ઘણાના મોઢે સાંભળીએ છીએ. આવું બોલતા પહેલાં એ પણ વિચારવું જોઈએ કે એ કેમ નથી કહેતો કે કેમ નથી કહેતી. આપણે આપણું ધાર્યું જ કરાવવાની દાનત રાખતા હોઈએ ત્યારે જ આપણી વ્યક્તિ એનું ધાર્યું કરવા માંડતી હોય છે. ખબર જ હોય કે, એની ના જ હશે ત્યારે માણસ પૂછવાની દરકાર કરતો નથી. દરેક વ્યક્તિને ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડની જરૂર પડતી હોય છે. આ ત્રણ જો માણસને પોતાની વ્યક્તિમાં મળી જાય તો એણે બહાર ફાંફાં મારવાં પડતાં નથી.

સંવાદ સાથે સ્નેહ જોડાયેલો હોવો જોઈએ. પ્રેમમાં હોઈએ ત્યારે ઘણો સંવાદ મૌનમાં થતો હોય છે. પ્રેમી-પ્રેમિકા એકલાં બેઠાં હોય, બંને ચૂપ હોય છતાં પણ વાતો ચાલતી હોય છે. ઘણાં પ્રેમીઓ એવું પૂછે છે, તેં કંઈ કીધું? જવાબ મળે છે, નહીં તો! અચ્છા, મને લાગ્યું કે તેં કંઈક કહ્યું! આવા સંવાદ દરેક પ્રેમીઓ વચ્ચે ક્યારેક તો થયા જ હોય છે. બંને એક જ ધરી પર જીવતાં હોય ત્યારે બધું સહજતાથી વહેતું હોય છે. પ્રેમીઓ અને ઘણાં દંપતીઓ બીજા કોઈને ન સંભળાય એ રીતે ઘુસપુસ કરી લેતાં હોય છે.

કેવું હોય છે નહીં? એકબીજાની સાવ ધીમા સ્વરે કહેવાની વાતો પણ સંભળાઈ જાય છે અને એકબીજા વચ્ચે ઝઘડો થાય ત્યારે રાડારાડી થઈ જાય છે. આજુબાજુવાળા પણ સાંભળતા હોય છે, પણ બેમાંથી કોઈ એકબીજાની વાત સાંભળતું હોતું નથી! ઊંચો અવાજ કદાચ માણસને બહેરો બનાવી દે છે.

આપણને ક્યારેય એવો વિચાર કેમ નથી આવતો કે, એ મારી સાથે જ છે, મારી સામે જ છે, તો પછી આટલા ઊંચા અવાજમાં બોલવાની શું જરૂર છે? ઘણા તો ફોન ઉપર પણ ઘાંટા પાડતા હોય છે. શાંતિથી જે વાત થાય એ જ વાત સંભળાતી હોય છે! રાડો સંભળાતી નથી. રાડો પડતી હોય છે અને કાન સાથે અથડાઈને પાછી ફરતી હોય છે. રાડો પાડવાથી કોઈ કંઈ વાત સમજે એવું આપણે માનતા હોઈએ તો એ ગેરસમજ છે. રાડો પાડીએ એ વાત ક્યારેય સ્વીકારાતી નથી, ક્યારેય સમજાતી નથી કે ક્યારેય સાચી મનાતી નથી. આપણે સાચા હોઈએ ત્યારે દૃઢ રહેવાનું હોય છે. હાથમાં આવે એનો ઘા કરવાથી કે તોડફોડ કરવાથી આપણે સાચા થઈ જતા નથી. સાચો અને સારો માણસ હંમેશાં શાંત હોય છે. જેના શબ્દોમાં શક્તિ હોય છે એનો સ્વર હંમેશાં મૃદુ હોય છે.

એક બાળકની આ સાવ સાચી વાત છે. એની મમ્મી એના ઉપર નાની-નાની વાતોમાં ગુસ્સે થઈ જતી. એક વખત બાળકે કહ્યું કે, મમ્મી, આજકાલ તું મારી માથે બહુ રાડો પાડે છે. તું ખીજા એનો વાંધો નથી, પણ થોડીક પ્રેમથી ખીજાને! મા-બાપ અને સંતાનો વચ્ચે મોટાભાગના ગેપ તો ઊંચા અવાજથી સર્જાતા હોય છે. અમુક સમય, અમુક સંજોગ, અમુક વર્તન, અમુક ઘટના એવી હોય છે કે આપણે આપણી વ્યક્તિને કહેવું પડે, નારાજગી વ્યક્ત કરવી પડે, સાચી વાત સમજાવવી પડે, પણ એ વખતે આપણે કેવી રીતે વાત કરીએ છીએ એ સૌથી વધુ મહત્ત્વનું હોય છે.

ઘણા વડીલો અને ઘણા બોસ એવા હોય છે જેને રાડો પાડ્યા વગર શાંતિ થતી નથી. થતું હોય છે કેવું ખબર છે? સામેવાળી વ્યક્તિ એવું જ માની લે છે કે, એને તો આદત પડી છે. રાડો સાંભળવાની જ છે એવી માનસિક તૈયારી સાથે જ એ સામે આવે છે. સાંભળી લેવાનું, શું ફેર પડે છે! ઘણા કર્મચારીઓ એવું બોલતા હોય છે કે, અમને પગાર જ રાડો સાંભળવા અને સહન કરવાનો મળે છે, કામ તો અમે મફતમાં કરીએ છીએ!

તમારી વાતને, તમારી રાડોને, તમારા ઘાંટાને જો કોઈ આદત માની લેશે તો તમારી વાત એના સુધી ક્યારેય નહીં પહોંચે. આપણી વ્યક્તિએ ભૂલ કરી હોય તો એને એની ભૂલ સમજાવવાની પણ એક રીત હોય છે. મને દુ:ખ થયું છે, હું હર્ટ થયો છું, મને આ વાત નથી ગમી એવું આપણે જેને કહેવું હોય એને તો જ સમજાય જો આપણે શાંતિથી એ વાત કરી શકીએ. રાડો એક કાનેથી બીજા કાને નીકળી જતી હોય છે. શાંતિથી કહેવાયેલી વાત જ દિલ સુધી પહોંચતી હોય છે.

ઘણાં ઘરોમાંથી જરાયે અવાજ બહાર નથી આવતો. એનો મતલબ જરાયે એવો નથી કે ત્યાં કોઈ ગેરસમજ કે ઝઘડા થતા નથી, એનો અર્થ એવો હોય છે કે એનામાં વાત કરવાની આવડત છે. સાથે રહેતા હોય કે સાથે કામ કરતા હોય ત્યારે કોઈ મુદ્દે ક્યારેક તો ગેરસમજ થવાની જ છે. ઝઘડો થાય એ ગંભીર બાબત નથી, મહત્ત્વની વાત એ છે કે તમે એ ઝઘડો કેવી રીતે નિપટાવો છો. આપણો સંવાદ કેટલો સરળ અને કેટલો સહજ છે તેના ઉપરથી જ આપણી સમજદારી કેટલી છે એનું માપ નીકળતું હોય છે.

છેલ્લો સીન :

મુદ્દો ગમે તે હોય, મામલો ગમે એટલો ગંભીર હોય, સમજુ માણસ એ જ છે જે સ્થિતિને સારી રીતે સમજી શકે છે અને શાંતિથી સમજાવી શકે છે.  –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 25 ઓકટોબર 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “આજકાલ તું મારા માથે બહુ રાડો પાડે છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

%d bloggers like this: