સારા વિચારોને પણ સતત વાગોળતા રહેવું પડે છે – ચિંતનની પળે

સારા વિચારોને પણ સતત

વાગોળતા રહેવું પડે છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી,

ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી,

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે,

હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી.

-મનોજ ખંડેરિયા.

 

વિચાર એ શ્વાસની જેમ જ સતત ચાલતી પ્રક્રિયા છે. વિચાર અટકતા નથી. એક પછી એક વિચાર ચાલતા જ રહે છે. વિચાર આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે. વિચાર ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે. કોઈ વિચાર આપણામાં ઉત્સાહ ભરી દે છે તો કોઈ વિચાર આપણને હતાશા તરફ ખેંચી જાય છે. માણસની માનસિક સ્વસ્થતા સોએ સો ટકા વિચાર પર આધારિત હોય છે. વિચાર જ માણસને બનાવે છે અને વિચાર જ માણસને બગાડે છે. સાચો યોગી કે સાધક એ જ છે જે પોતાના વિચારો પર નિયંત્રણ રાખી શકે છે. વિચારની લગામ હાથમાં ન હોય તો કમાન છટકી જાય છે અને માણસ ભટકી જાય છે.

 

માણસને તમામ પ્રકારના વિચારો આવતા હોય છે. કોઈ એમ કહે કે મને માત્ર સારા વિચારો જ આવે છે તો એ એક નંબરનો જુઠ્ઠો છે. ખરાબ વિચારો પણ આવવાના જ છે. આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ તેનો આધાર આપણે કેવા વિચારોને વાગોળીએ છીએ તેના પર રહેલો છે. આપણે સતત જે વિચાર કરીએ છીએ એ આપણા પર હાવિ રહે છે.

 

કોને ખબર નથી કે જિંદગી સુંદર રીતે જીવવી જોઈએ? પોતાના માટે થોડો સમય કાઢવો જોઈએ. ફેમિલી પણ ખૂબ જ મહત્ત્વની છે. સફળ થવું હોય તો સખત મહેનત કરવી પડે. આ અને આવી અનેક વાતો બધાને ખબર છે. જોકે, એવું થતું નથી. એનું સૌથી મોટું કારણ એ છે કે આપણે જે નિર્ણયો કર્યા હોય છે એને આપણે વળગી રહેતા નથી. બીજાં એવાં અનેક પ્રલોભનો હોય છે જે આપણને નિર્ણય પર મક્કમ રહેવા દેતાં નથી. આપણે આપણા વિચારોમાં બાંધછોડ કરતા રહીએ છીએ. પછી કરીશું, હજુ તો ઘણો સમય છે. આપણે ટાળતા રહીએ છીએ. આપણે જે ટાળતા રહીએ એ ધીમે ધીમે આપણા હાથમાંથી સરકી જાય છે. સરવાળે હાથ ખાલીના ખાલી રહે છે.

 

તમે વિચારો કે તમારી સફળતાની આડે શું આવે છે? જે આડે આવે છે એને કેવી રીતે મેનેજ કરી શકાય? આપણને સહુને ખબર છે કે મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા આપણો સમય ખાઈ જાય છે. કોઈને પણ વાત કરો તો કહેશે કે યાર આ મોબાઇલ માથાનો દુખાવો છે. નવરા જ પડવા દેતો નથી. ના, એવું નથી હોતું. આપણે તેને મૂકતા નથી. ફોનનું બિપર અને ટોન વાગ્યા રાખે છે અને આપણે તેના ઇશારે નાચતા રહીએ છીએ. પાંચ મિનિટ જોઈ લઉં એવું વિચારીને ફોન હાથમાં લઈએ છીએ અને કલાક ક્યારે થઈ જાય છે એની ખબર જ પડતી નથી. તમે તમારા કામ વખતે મોબાઇલનો ડેટા ઓફ કરી શકો છો? આખા દિવસમાં આટલો જ સમય સોશિયલ મીડિયા પર રહીશ એવું નક્કી કરી શકો છો? જો હા તો કોઈ જ પ્રોબ્લેમ નથી. સીધો હિસાબ છે, કાં તો તમે એને કંટ્રોલ કરો અને કાં તો તમારા પર એને કંટ્રોલ જમાવવા દો. ફરિયાદો ન કરો, કારણ કે નિર્ણય તો તમારે જ કરવાનો છે. સફળ તો તમારે જ થવાનું છે. હવેનાં વ્યસનો માત્ર તમાકુ કે આલ્કાહોલ પૂરતાં જ મર્યાદિત નથી, ટેક્નોલોજીએ બીજાં ઘણાં વ્યસનો ખડકી દીધાં છે. એના ઉપર કોઈ સ્ટેચ્યુટરી વોર્નિંગ હોતી નથી. અમુક ચેતવણીઓ તો આપણે જાતે નક્કી કરવી પડે તેમ છે.

 

એક યુવાન નિયમિત રીતે ફિલોસોફરને મળવા જાય. તેની વાતો સાંભળે. એને બહુ જ સારું લાગે. જિંદગીના પાઠ શીખવા મળતા હોય એવો અહેસાસ થાય. દરરોજ એ જિંદગીને ભરપૂર રીતે જીવી લેવાનો નિર્ણય કરે, પણ એવું થાય નહીં. એક વખત તેણે ફિલોસોફરને પ્રશ્ન પૂછ્યો, તમે જે વાત કરો છો એ છટકી કેમ જાય છે? ફિલોસોફરે કહ્યું કે, તમે જ્યારે મારી સાથે હોવ છો, મારી વાત સાંભળો છો ત્યારે એ તમને સાચી લાગે છે. મારાથી છૂટા પડો એટલે બધી જ વાત વિસરાઈ જાય છે. વિચાર એ કંઈ દવા નથી કે એક વાર ખાઈ લીધી એટલે એ પોતાની મેળે અસર કરી દે. વિચારોને તો સેવવા પડે છે, પાકવા દેવા પડે છે, ફળ મેળવવા માટે ધીરજ રાખવી પડે છે. આપણે સફળ કે મહાન લોકોથી ઇમ્પ્રેસ થઈએ છીએ, પણ ક્યારેય એ વિચારીએ છીએ કે સફળતા તેને કેવી રીતે મળી? એ પોતાના વિચારોને કઈ હદ સુધી વળગી રહ્યા હશે? માણસ જે સ્થાને હોય એ સ્થાને પહોંચવા માટે તેણે મહેનત કરી હોય છે, કોઈ એમને એમ ક્યારેય ક્યાંય પહોંચતું નથી. સાધના માત્ર સાધુએ જ કરવાની નથી હોતી, દરેક વ્યક્તિએ પોતાનું સપનું સાકાર કરવા સાધના કરવી પડતી હોય છે.

 

સફળ થવા માટે પ્રયાસો કરશો તો કદાચ નિષ્ફળતા મળશે, પણ પ્રયાસ વગર તો કંઈ જ મળવાનું નથી. હું જે ઇચ્છતો હતો એ કરી શક્યો નહીં એવું જો આપણને લાગતું હોય તો સૌથી પહેલાં વિચાર કરવો જોઈએ કે એ કરવા માટે મેં કેટલા પ્રયાસો કર્યા હતા? જે ન કરવું જોઈએ એ છૂટતું નથી એટલે જે કરવું હોય છે એ ટકતું નથી. આપણે ધાર્યું કરી ન શકીએ એટલે આપણે દોષનો ટોપલો ઢોળવા માટે કંઈક શોધી કાઢીએ છીએ. કંઈ ન મળે તો છેલ્લે નસીબ તો છે જ!

 

જે લોકો મોબાઇલના એડિક્ટ છે એણે એક પ્રયોગ કરવા જેવો છે. તમારા મોબાઇલનો ડેટા કલાક-બે કલાક ઓફ કરી દો. બે કલાક પછી ડેટા ચાલુ કરીને મેસેજીસ અને બીજું બધું ચેક કરો. બધું જોયા પછી વિચારો કે આમાં એવું કેટલું હતું જેના વગર તમને ન ચાલે? મોટાભાગના મેસેજમાંથી કંઈ જ કામનું હોતું નથી. જે લોકો અંગત છે એને કહી દો કે ઇમરજન્સી હોય ત્યારે વોટ્સએપ કે બીજા પર મેસેજ ન કરો, એસએમએસ અથવા તો ફોન જ કરી લો. સાવ બંધ કરવાનું કોઈ કહેતું નથી. બધું જ વાપરો. તમારી અનુકૂળતાએ અને તમારા સમયે. બધાને જવાબ આપો, બધા સાથે ક્નેક્ટેડ રહો, તમને ગમતું હોય એ અપડેટ પણ કરો, કંઈ જ ખોટું કે ખરાબ નથી, પણ કેટલો સમય શેના પાછળ વાપરવો છે એ નક્કી કરી લો. સૌથી પહેલાં એ નક્કી કરો કે તમારે સફળ થવા માટે કે તમારું કામ પૂર્ણ કરવા માટે કેટલો સમય આપવો જરૂરી છે. એ સમય સૌથી પહેલાં પોતાને ફાળવી દો. બાકીના સમયમાં બીજું બધું મોજથી કરો.

 

અલબત્ત, આ બધું કરવા માટે વિચારોની મક્કમતા જરૂરી છે. મોટિવેશન, પ્રેરણા, બોધ, શીખ કે કોઈ ઉમદા વિચાર તમને બહારથી મળે એ પણ માત્ર બીજનું કામ કરે છે. એ બી તમારે વાવવું પડે. તેને ઉછેરવું પડે. મોટું થવા દેવું પડે. એક ખેડૂતે કહેલી આ વાત છે કે વાવેતર કરી દીધા પછી જ ખરી મહેનત શરૂ થતી હોય છે. કેટલું પાણી પાવું, ક્યારે પાણી પાવું, કેટલું ખાતર નાખવું અને કેટલી કાળજી રાખવી એ ખબર ન હોય તો પાક મળે નહીં. જિંદગીને પણ આ નિયમ જ લાગું પડે છે.

 

સારું શું અને ખરાબ શું, સાચું શું અને ખોટું શું, ફાયદાકારક શું અને નુકસાનદાયક શું, એ બધી બધાને ખબર જ હોય છે. ઘણા લોકોને આપણે એવું કહેતા સાંભળ્યા છે કે યાર ખબર તો બધી જ છે, પણ થતું નથી. કરવું તો બધું જ છે, પણ થઈ શકતું નથી. નિર્ણય પણ કરીએ છીએ પણ ટકી શકતું નથી. વજન ઘટાડવું છે પણ ખવાઈ જાય છે, કસરત કરવી છે પણ ઉઠાતું નથી, વાંચવું છે પણ સમય મળતો નથી, લખવું છે પણ મેળ ખાતો નથી, શીખવું છે પણ રિયાઝ થઈ શકતો નથી, આવા જવાબો મળતા રહે છે. આખરે બધો સમય જાય છે ક્યાં? આપણા હાથમાંથી જ એ સરકે છે, આપણે જ એને સરકવા દઈએ છીએ. યાદ કરો, તમારે જે કરવું હોય એ કરો તો તમને ક્યારેય સમય ગયાનો અફસોસ નહીં થાય. અફસોસ એનો જ થતો હોય છે જે સમય વેડફાતો હોય છે. તમારે તમારા કલાક બચાવવા છે તો તમારી ક્ષણોને સાચવી લો, તમારે તમારો દિવસ સુધારવો છે તો કલાકોને સંભાળી લો અને તમારી જિંદગી સુધારવી છે તો તમારા સમય ઉપર નજર રાખો અને તમારા વિચારોને વળગી રહો.

 

કંઈક કરવા માટે નિર્ણય અને વિચારને સતત વાગોળતા રહેવું પડે છે. દીવાલ પર લખી રાખવું પડે છે કે મારે આ કરવાનું છે અને એ કરવા માટે મારે આટલું કરવાનું નથી. ખૂબ કામ કર્યું હશે તો આરામ કરવાની મજા આવશે, પણ જો બહુ આરામ કર્યો હશે તો કામ કરવાનો કંટાળો જ આવવાનો છે. આરામ માટે પણ નિશ્ચિત સમય હોવો જોઈએ. આનાથી વધુ નહીં. નક્કી કરીએ તો બધા માટે સમય મળી રહે છે, સવાલ એ જ હોય છે કે આપણે શું નક્કી કરીએ છીએ અને નક્કી કર્યા પછી તેને કેટલા વળગી રહીએ છીએ.

 

આપણે આપણા વિચારોનું ધ્યાન ન રાખીએ તો વિચાર આપણને સાચો રસ્તો ભુલવાડી દે છે. તમારાથી તમે કરેલો નિર્ણય ભુલાઈ જાય છે? તમારા વિચાર પર મક્કમ નથી રહેવાતું? તો એક કામ કરવા જેવું છે! રોજ સવારે ઊઠીને બ્રશ કરતી વખતે આપણે અરીસામાં જોતા હોઈએ છીએ. દરરોજ એ સમયે તમારા નિર્ણયને તમારી સામે જ દોહરાવો. મારે આમ કરવાનું છે, મારે આમ નથી કરવાનું, હું મારો સમય નહીં બગાડું. જે થઈ ગયું છે એની ચિંતા ન કરો. બેટર લેઇટ ધેન નેવર. એટલું મોડું કંઈ જ નથી હોતું કે કંઈ પ્રારંભ ન થઈ શકે.

 

ડિપ્રેશન, હતાશા, નિરાશા, ભય, ચિંતા, ગભરામણ એ નબળા વિચારોનું જ પરિણામ હોય છે. મને નબળો પાડે એવા વિચારો મારે આવવા દેવા નથી. સારા વિચારોને સતત વાગોળો. દરરોજ, દરેક સમયે તમારા વિચારોને મમળાવો. ન કરવું હોય એવું સામે આવે ત્યારે થોડીક વધુ દૃઢતા કેળવીને વિચાર કરો કે આ મારે નથી કરવું, આ મને રોકે છે, આ મારા માર્ગની અડચણ છે, મારે તેનાથી દૂર રહેવાનું છે. વિચારોમાં જબરજસ્ત તાકાત છે. યાદ રાખજો, અંતે તમે એ જ બનશો જેવા વિચારો તમે કરશો. સપનાં સાકાર કરતા વિચારોને વળગી રહેવું જરૂરી છે. નક્કી કરો કે શું કરવું છે અને શું નથી કરવું, એના વિશે મક્કમ નિર્ણય કરો અને તેના વિશે વિચાર કરતા રહો. સફળ થતા તમને કોઈ રોકી નહીં શકે!

 

છેલ્લો સીન :

વિચારો નબળા પડી જાય છે તેનું એક કારણ એ હોય છે કે આપણે આપણા વિચારો વિશે પૂરતો વિચાર જ નથી કરતા!  -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 15 માર્ચ, 2017, બુધવાર. ચિંતનની પળે કોલમ)

[email protected]

 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

7 thoughts on “સારા વિચારોને પણ સતત વાગોળતા રહેવું પડે છે – ચિંતનની પળે

Leave a Reply

%d bloggers like this: