ટેરરિઝમ એપ્સ ફોર કિડ્ઝ
અ આતંકવાદનો અ, બ બૉમ્બનો બ
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
  ‘મારો દીકરો કે મારી દીકરી તો મોબાઇલથી એટલા બધા
યુઝ ટુ છે કે એને ગમતી એપ્સ કે ગેઇમ ફટ દઇને ઓપન કરી નાખે. આપણને ખબર નથી પડતી એટલી
બધી ખબર હવેના ટાબરિયાને પડવા માંડી છે. મને કંઇ સમજ ન પડે તો મારો નાનકડો દીકરો ફટ
દઇને કહે છે કે લાવો હું કરી દઉં.’
ઘણાં મા-બાપ પોતાનાં સંતાનો વિશે આવી વાતો કરીને
પોરસાતાં હોય છે. ખરેખર આ વાત પોરસાવા જેવી છે કે શરમાવા જેવી? ગલીમાં કે ફળિયામાં રમવાના બદલે બાળકો એરકન્ડિશન્ડ રૂમમાં મોબાઇલ, ટેબ્લેટ કે લેપટોપ લઇને રમ્યાં રાખે છે. બાળકને તો ખબર ન પડે, આપણને પણ ઘણી વખત સમજ નથી પડતી કે, આપણું
સંતાન નેટ એડિક્ટ થઇ ગયું છે!
‘જમાનો જ બદલાઇ ગયો છે,
તમે બાળકોને મોબાઇલથી દૂર જ રાખી શકતા નથી, ફોન નવરો પડ્યો નથી કે એ લોકો ઉપાડીને રમવા લાગે છે.’ આવી વાતો પણ ઘણા લોકો કહે છે. ચલો બે ઘડી માની લઇએ કે બાળકો માનતાં નથી. હવે
વધુ એક સવાલ, તમે ચેક કરો છો કે એ શું કરે છે? કેટલો સમય મોબાઇલ વાપરે છે અને સૌથી મહત્ત્વનો
સવાલ, બાળક ઉપર તેની શું અસર થાય છે? પોતાનો મોબાઇલ ન અડે એટલે ઘણાં મા-બાપ સંતાનોને
એના માટે નવો મોબાઇલ જ ખરીદી આપે છે. તમે ક્યારેય જોયું છે કે તમારાં સંતાનોએ કઇ કઇ
એપ્સ ડાઉનલોડ કરી છે? ‘એમ કંઇ છોકરાંવના મોબાઇલ થોડા ચેક કરાય? એની પ્રાઇવસીનું શું?
અમે કંઇ એવાં મા-બાપ નથી કે છોકરાં ઉપર નજર રાખીએ.’ ફાઇન, સારી વાત છે પણ પ્રેમથી એને પૂછી અને સમજાવી તો શકાય ને? શું સારું છે અને શું ખરાબ છે એ તો આપણે કહેતાં જ હોઇએ છીએ. બાળકોને મોબાઇલનો
સદુપયોગ કરતાં શીખવવું એ સંસ્કારનો જ એક ભાગ છે એવું હવે આપણે સમજી અને સ્વીકારી લેવું
પડશે.
આખા વર્લ્ડમાં હાહાકાર મચાવનાર વિશ્વના સૌથી
ખતરનાક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે હમણાં બાળકોને આતંકવાદના પાઠ શીખવતી એક એન્ડ્રોઇડ
મોબાઇલ એપ્લિકેશન લૉન્ચ કરી છે. આતંકવાદના આકાઓ સારી રીતે સમજે છે કે બાળકોનું બ્રેઇન
વોશ કરવું એ સૌથી આસાન કામ છે. જન્નત અને પરીઓનાં સપનાં બતાવીને બાળકને આસાનીથી વશમાં
કરી શકાય છે. તમે માર્ક કરજો,
જે લોકો સ્યુસાઇડ એટેક્સ કરે છે એ બધા જ યંગ
હોય છે. મોટાભાગના ટીનેજર્સ હોય છે. કોઇ પચાસ કે સાઠ વર્ષના માણસે બોંબનું જેકેટ પહેરીને
પોતાને ઉડાવી દીધો હોય એવું સાંભળ્યું છે? ઉંમર
સાથે માણસમાં સમજ આવે છે કે આવાં કરતૂત કરવાં જેવાં નથી. મોટી ઉંમરના લોકો પર પરિવારની
જવાબદારી પણ હોય છે એટલે એ લોકો આવી કુપ્રવૃત્તિથી છેટા જ રહે છે. આતંકવાદીઓ પણ આ વાત
જાણે છે એટલે જ એ બાળકોને ટાર્ગેટ કરે છે.
હુરુફ નામની આ એપમાં આલ્ફાબેટ પણ આતંકવાદ સાથે
સાંકળીને દર્શાવાયા છે. એપમાં રાઇમ્સ અને સોંગ્સ પણ છે. જી ફોર ગન, ટી ફોર ટેન્ક અને બી ફોર બૉમ્બ જેવી ભાષા શીખવે છે. એપમાં બાળકોને આકર્ષે એવાં
કાર્ટૂન્સ, બલૂન્સ, ફ્લાવર્સ, સ્ટાર્સ અને બીજું ઘણું બધું છે. એપના કલર્સ
પણ બાળકોને ગમે એવા બ્રાઇટ રાખવામાં આવ્યા છે. ટૂંકમાં કહીએ તો એપ બનાવનારાઓએ ચાઇલ્ડ
સાયકોલોજીને પૂરેપૂરી ધ્યાનમાં રાખી બાળકો માટે ‘ટ્રેપ’ તૈયાર કરી છે. બાળકોને કોણ સમજાવશે કે આ ‘એપ’ નથી, ‘ટ્રેપ’ છે, જે તમને જીવતાં નહીં પણ મરતાં અને મારતાં શીખવે છે!
આવી એપ્સની હકીકત બહાર આવે એટલે આમ તો તરત જ
તેના પર ‘બેન’ મૂકી દેવાય છે. જોકે એના જેવી બીજી ઘણી એપ્સ છે જે અવેલેબલ છે. બીજી વાત જવા
દો ને, ગેઇમ્સની જ વાત કરીએ તો ઢગલાબંધ ગેમ્સ ટેરરિઝમ સાથે સંકળાયેલી છે. ખાતરી કરવી
હોય તો તમારા મોબાઇલ ફોનના પ્લે સ્ટોરમાં જઇ ટેરરિઝમ, ટેરરિસ્ટ
એટેક ગેઇમ, ટેરર ગેઇમ્સ, ટેરરિસ્ટ જેવા શબ્દો સર્ચમાં લખજો અને પછી જોજો
કેટલી બધી ગેઇમ્સ આવે છે. ઇસ્લામિક સ્ટેટના વડા અબુ બકર અલ બગદાદીને મારવાની ગેમ પણ
છે. અમુક ગેઇમ્સમાં ભલે ટેરરિસ્ટ્સને મારવાના હોય પણ તેનાથી મન અને મગજમાં આડકતરી રીતે
ટેરરિઝમ ઘૂસી જાય છે.
મોબાઇલ ખરાબ ચીજ નથી. બાળકો પણ અમુક ગેઇમ્સ મોબાઇલમાં
રમે ત્યાં સુધી કોઇ પ્રોબ્લેમ નથી. અમુક ગેઇમ્સ એવી પણ છે કે જેનાથી બાળકોના મગજનો
વિકાસ થાય અને કલ્પનાશક્તિ ખીલે. સામા પક્ષે અમુક ખતરનાક રમતો પણ છે જે બાળકોને ઊંધા
રવાડે ચડાવી શકે છે. અમેરિકાની શાળામાં ફાયરિંગની ઘટનાઓ બને છે. કોઇ લબરમૂછિયો રિવોલ્વર
કે પિસ્તોલ લઇને શાળામાં ઘૂસી આવે છે અને આડેધડ ફાયરિંગ કરે છે. ઘણા ટીનેજર્સ જાહેરમાં
અણછાજતાં વર્તન કરે છે.
અમેરિકન સાયક્યિાટ્રિક એસોસિયેશન અને અમેરિકન
એકેડમી ઓફ પીડિયાટ્રિક્સે મોબાઇલ અને વિડિયો ગેઇમ્સ રિલેટેડ અનેક વોર્નિંગ્સ આપી છે.
બાળક જે કંઇ કરે છે એની સીધી અસર તેની માનસિકતા ઉપર થાય છે. તમારું બાળક જો નેગેટિવ
થઇ ગયું હોય, એકલસૂડું એટલે કે એકલું રહેવા લાગ્યું હોય, ગમે
તે આડેધડ ખાતું હોય, વધુ પડતું એગ્રેસિવ હોય તો તેને સારવારની જરૂર
છે. આપણે ત્યાં આવી બાબતોમાં મનોચિકિત્સકની સલાહ લેવાનું અવગણવામાં આવે છે. આપણે ત્યાં
હજુ એવી જ છાપ છે કે સાયક્યિાટ્રિસ્ટ તો માત્ર પાગલ લોકોની સારવાર માટે જ છે! એવું
નથી, માણસ કે બાળક પાગલ ન થઇ જાય એટલા માટે તેના બિહેવિયરનો અભ્યાસ કરીને તેની સારવાર
તથા માર્ગદર્શન માટે પણ મનોચિકિત્સક જરૂરી છે. બાળક બહુ નાજુક હોય છે. તેને જે રીતે
વાળીએ એ રીતે વળી જાય છે. સમયની સાથે ટેક્નોલોજી બદલાય છે, મોબાઇલ
અને નેટવર્લ્ડમાં ઘણું સારું છે પણ જે ખરાબ છે તે લલચામણું અને છેતરામણું છે. સમયની
સાથે બાળકોને સાચવવાની અને સમજવાની પદ્ધતિઓ પણ બદલતી જાય છે. હવેની જનરેશન આડા રસ્તે
ચડી ન જાય એ માટે મા-બાપે પણ ઘણું શીખવું અને સમજવું પડે તેમ છે.{
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 22 મે 2016, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: