દોસ્ત ન હોત તો જિંદગી કેવી આકરી હોત, નહીં? : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

દોસ્ત ન હોત તો જિંદગી
કેવી આકરી હોત, નહીં?


ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ


યૂં લગે દોસ્ત તેરા મુજ સે ખફા હો જાના,
જિસ તરહ ફૂલ સે ખુશબૂ કા જુદા હો જાના,
-કતીલ શિફાઈ



મિત્ર, દોસ્ત, ફ્રેન્ડ, સખા, યાર, દોસ્તાર, ભાઈબંધ, જીગરી, બડી કે કોઇપણ નામે બોલાવો, એની સાથેનો સંબંધ એક અલૌકિક ધરી પર જિવાતો હોય છે. સારા મિત્રનું આપણી જિંદગીમાં હોવું એ સારાં નસીબ અને સાચા સુખની નિશાની છે. દોસ્ત સાથેનો સંબંધ લોહીનો નહીં પણ દિલનો હોય છે. કોઇ અજાણ્યું ઋણાનુબંધ આપણને આપણા દોસ્તની નજીક લઇ આવે છે અને પછી એ સંબંધ સોળે કળાએ જિવાતો હોય છે. મિત્ર વિશે એવું કહેવાય છે કે, પાર્ટનર ઇન ઓલ ક્રાઇમ! આપણે મોટા ભાગનાં પરાક્રમો દોસ્ત સાથે જ કર્યાં હોય છે. એના સિવાય બીજું વિશ્વાસપાત્ર પણ કોણ હોય છે? પ્રેમ પ્રસંગની સૌથી પહેલી વાત છોકરો હોય કે છોકરી સૌથી પહેલાં ફ્રેન્ડને જ કહે છે. મિત્ર જ ખરો રાઝદાર હોય છે.
દોસ્ત પરથી માણસની ઓળખ પણ છતી થતી હોય છે. એક યુવાન હતો. તેણે એક વ્યક્તિને બિઝનેસમાં પાર્ટનર તરીકે જોડાવવાની ઓફર કરી. જેને ઓફર કરી એ માણસ યુવાનને ઓળખતો નહોતો. એને થયું કે, આના વિશે મને કંઇ ખબર નથી, એની સાથે આંખો મીંચીને બિઝનેસમાં કેવી રીતે ઝંપલાવવું? તેણે પોતાના એક વડીલની સલાહ લીધી. વડીલને પૂછ્યું કે, મારે શું કરવું જોઇએ? આ માણસ પર ભરોસો કરવો કે નહીં? વડીલે સરસ વાત કરી. તેણે કહ્યું કે, તું એક કામ કર, સૌથી પહેલાં એ જાણી લે કે એ યુવાનના મિત્રો કોણ છે? એના દોસ્તોની ઇમેજ કેવી છે? આ બધું જાણવાનું કારણ એ છે કે, માણસ જેવો હોય છે એવા જ એના મિત્રો હોય છે. મિત્રો લાઇક માઇન્ડેડ જ હોવાના પરંતુ એનાથી આપણી લાઇક અને ડિસલાઇક કેવી છે એ પણ છતું થઇ જ જતું હોય છે! તમે માર્ક કરજો, અમુક જ વ્યક્તિ સાથે આપણને દોસ્તીના સંબંધ બાંધવાનું મન થતું હોય છે. કેટલાંક લોકો મળે એ પછી આપણને એવું થાય છે કે, આની સાથે આપણને નહીં ફાવે! સાચો મિત્ર તો ક્યારે નજીક આવી જાય એની પણ ખબર પડતી નથી! દોસ્ત સાથે એક ન સમજાય એવો સંબંધ બંધાઈ જાય છે.
હવે તો મિત્ર બનાવવાની પણ ટ્રેપ થવા લાગી છે. અત્યારના હાઇટેક જમાનામાં યંગસ્ટર્સ સોશિયલ મીડિયા પર દોસ્ત બનાવે છે. ચેટિંગ થાય છે. દોસ્ત સમજીને કરેલું ચેટિંગ હકીકતે તો ચીટિંગ હતું એ સમજાય ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ગયું હોય છે. એક સાવ સાચો કિસ્સો છે. એક છોકરાને એક છોકરી સોશિયલ મીડિયા પર ફોલો કરતી હતી. એક વર્ષ સુધી તેણે છોકરાની તમામ પોસ્ટ પર નજર રાખી. છોકરાને શું ગમે છે, શું નથી ગમતું, તે શું કરે છે, ક્યાં જાય છે, એ બધું જ જાણી લીધું. છોકરીએ ચાલાકી કરી. તેણે સોશિયલ મીડિયા પર કંઇ ન કર્યું પણ છોકરો જે જિમમાં રેગ્યુલર જતો હતો ત્યાં જવા લાગી. કોઇ ને કોઇ બહાનું શોધીને એની સાથે વાતો કરવા લાગી. છોકરાના ગમા-અણગમા તો એને ખબર જ હતા એટલે વાત પણ એવી જ કરતી કે, છોકરાને એવું લાગે કે આ તો મારા જેવી જ છે! બંને દોસ્ત બન્યાં. છોકરી કોઇ ને કોઇ બહાને છોકરા પાસેથી આર્થિક મદદ લેવા માંડી. આ બધી વાતની છોકરાની સાથે કામ કરતી એક છોકરીને ખબર પડી. તેણે છોકરાને ચેતવ્યો અને કહ્યું કે, એ છોકરીથી દૂર રહેજે. તે બધાને દોસ્તીના નામે છેતરે છે અને પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. ધીમેધીમે છોકરાને સાચી વાતની ખબર પડી અને તેણે છોકરી સાથેની દોસ્તી તોડી નાખી! આ તો છોકરાનો સાચો કિસ્સો છે પણ સૌથી વધુ ધ્યાન છોકરીઓએ રાખવાનું હોય છે. છોકરીઓને ભોળવવા અને પટાવવા માટે દોસ્તીના જાતજાતના દાવ અજમાવવામાં આવે છે!
ફ્રેન્ડશિપ વિશે એક રસપ્રદ વાત એ પણ છે કે, છોકરાની છોકરા સાથેની દોસ્તી અને છોકરીની છોકરી સાથે દોસ્તીમાં ઘણો ફર્ક હોય છે. હા, લાગણી અને વફાદારી સરખી જ હોય છે પણ આમ છતાંયે ઘણો તફાવત હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં છોકરી મેરેજ કરીને સાસરે જાય એ પછી બહેનપણી સાથેનો તેનો સંબંધ ઓછો થઇ જાય છે. હવે સોશિયલ મીડિયા અને વીડિયો કૉલથી ફેર પડ્યો છે પણ તોયે સાસરે ગયા પછી છોકરીઓની પ્રાયોરિટીઝમાં બહુ મોટા બદલાવ આવે છે. બે છોકરીઓ ખાસમખાસ બહેનપણી હતી. મેરેજનો સમય આવ્યો ત્યારે બંનેએ નક્કી કર્યું કે, ગમે તે થાય, લગ્ન પછી પણ આપણી દોસ્તીમાં કોઇ ફર્ક ન આવવો જોઇએ. વારાફરતી બંનેનાં લગ્ન થયાં. લગ્ન બાદ થોડો સમય તો બધું બરાબર ચાલ્યું. બંનેના હસબન્ડ સારા માણસ હતા. જોકે, બંનેના હસબન્ડને એકબીજા સાથે ન ફાવ્યું. બંને બહેનપણીને એમ હતું કે, મેરેજ પછી આપણે બેમાંથી ચાર દોસ્ત થઇ જઈશું પણ એવું થયું નહીં. કોઇ ઝઘડો નહોતો પણ પેલા બંનેને મજા જ નહોતી આવતી. બંને બહેનપણીઓ હસબન્ડ સાથે વાત કરીને કોઇ પ્લાનિંગ કરતી ત્યારે એ કહેતા કે, રહેવા દેને! ધીમેધીમે બંને બહેનપણીઓ પણ દૂર થતી ગઈ. ઘણા એવા કિસ્સા પણ જોવા મળે છે કે, બે ફ્રેન્ડના મેરેજ બાદ ચારેયને જબરજસ્ત ફાવી પણ જતું હોય છે.
ભલે એવું કહેવાતું હોય કે, એક લડકા ઔર લડકી કભી દોસ્ત નહીં હો સકતે પણ આ વાત સાચી નથી. અગાઉના જમાનામાં છોકરા અને છોકરીઓ વચ્ચે વાત કરવાના ચાન્સીસ ઓછા રહેતા એટલે ખાસ દોસ્તી થતી નહોતી. હવે યુગ બદલાયો છે. છોકરા છોકરી વચ્ચેની દોસ્તી પણ જબરજસ્ત હોય છે. બંનેને એકબીજાનાં સિક્રેટ ખબર હોય છે. મજાની વાત એ પણ છે કે, હવે છોકરાઓ પણ પોતાની પત્નીના છોકરા ફ્રેન્ડ્સને સ્વીકારે છે. એનું કારણ પણ છેલ્લે તો એ જ છે કે, પતિને પણ છોકરીઓ ફ્રેન્ડ હોવાની! દરેક છોકરા અને છોકરીએ દોસ્તીની મર્યાદાઓ સમજવાની અને પાળવાની હોય છે. એક છોકરાએ એક વખત કહ્યું હતું કે, મેં એક બહુ જ ઉમદા દોસ્તને ગુમાવી, એને આઈ લવ યુ કહીને! બીજા એક યુવાનની આ સાવ સાચી વાત છે. તેને કૉલેજ પૂરી કર્યા પછી લાયકાત હોવા છતાંયે ક્યાંય સારી જોબ મળતી નહોતી. કૉલેજમાં તેની એક દોસ્ત હતી. તેના મેરેજ એક ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ સાથે થયા. એ છોકરીએ પોતાના પતિને કહીને પોતાના મિત્રને પોતાની કંપનીમાં જ સરસ જોબ અપાવી. એ છોકરો દિલથી બધાને કહે છે કે, મારા સારા દિવસોનું કારણ મારી દોસ્ત છે.
દોસ્તીના કોઇ ને કોઇ કિસ્સાઓ આપણે જીવ્યા હોઇએ છીએ. દોસ્તો સાથે ઝઘડા પણ થતા રહે છે. ઝઘડાઓ થાય ત્યાં સુધી તો દોસ્તીમાં કોઈ ફેર નથી પડતો. અલબત્ત, કેટલીક ઘટનાઓ એવી બને છે કે, દોસ્તીનો જ અંત આવી જાય! જેની સાથે બહુ જ સારું બનતું હોય એની સાથે અંટસ પડી જાય ત્યારે બહુ તકલીફ થતી હોય છે. આપણો દોસ્ત જ્યારે કોઇ સાથે ખોટું કરે ત્યારે પણ આપણને વેદના થતી હોય છે. ગમે તે હોય, એ હકીકત છે કે દરેક માણસે એની જિંદગીનો બેસ્ટ ટાઇમ એના મિત્ર સાથે જ પસાર કર્યો હોય છે. એનું કારણ એ હોય છે કે, દોસ્ત પાસે કંઇ છૂપું હોતું નથી. કંઇ સંતાડવાનું હોતું નથી. માણસ સૌથી વધુ ટ્રાન્સપરન્ટ દોસ્ત સાથે જ હોય છે. લોહીના સંબંધો પાતળા પડી જતા હોય છે પણ દોસ્તીના સંબંધો મજબૂત જ રહે છે. દોસ્ત એવી વ્યક્તિ છે જેને આપણી પાસે કોઇ સ્વાર્થ હોતો નથી. એ આપણી ભૂલો પણ માફ કરે છે. જિંદગીમાંથી જો દોસ્ત બાદ થઇ જાય તો એક એવો ખાલીપો અને સન્નાટો પેદા થાય છે જે કોઇ સંબંધ ભરી શકતો નથી. ઘણાં પતિ-પત્નીના મોઢે આપણે એવું સાંભળીએ છીએ કે, અમે તો ફ્રેન્ડ્સની જેમ જ રહીએ છીએ. સારી વાત છે. એ વાત જુદી છે કે એવા નસીબદાર લોકો બહુ ઓછા હોય છે! આજે દોસ્તીનો દિવસ છે. સેલિબ્રેશન ભલે એક દિવસ પૂરતું થતું હોય, બાકી દોસ્તી તો રોજરોજ અને ક્ષણે ક્ષણ જિવાતી ઘટના છે. સારું છે, કુદરતે દોસ્ત જેવો સંબંધ આપ્યો છે, બાકી જિંદગીમાં જીવવા જેવું રહ્યું શું હોત? હેપ્પી ફ્રેન્ડશિપ ડે!


છેલ્લો સીન :
આ દુનિયામાં સૌથી ગરીબ અને બિચારો માણસ એ છે જેને કોઈ ભરોસાપાત્ર મિત્ર નથી! -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 07 ઓગસ્ટ, 2022, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *