સાચું કહેજો, તમારા વિશે તમારું શું માનવું છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

સાચું કહેજો, તમારા વિશે
તમારું શું માનવું છે?


દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-


પોતાના વિશેનો નબળો અભિપ્રાય જેટલો ખરાબ છે

એટલી જ બૂરી વાત પોતાના વિશેની વધુ પડતી ધારણાઓ છે!​

​તમે જ્યારે તમારી જાત સાથે સંવાદ કરો છો ત્યારે તમારો સૂર કેવો હોય છે?

પોઝિટિવ કે નેગેટિવ?​

​દરેકને પોતાની જાતનું, પોતાની આવડતનું અને પોતાના વજૂદનું ગૌરવ હોવું જોઇએ.

તમે જ તમારી જાતને નબળી આંકશો તો નબળા જ રહેશો!


———–

દુનિયાના મોટા ભાગના લોકોને એ વાતની ફિકર હોય છે કે, લોકો મારા વિશે શું માને છે? શું ધારે છે? મારા વિશે શું બોલે છે? બહુ ઓછા લોકો એ વિશે વિચારે છે કે, હું મારા વિશે શું માનું છું? મારા વિશે મારી ધારણાઓ કેવી છે? હું સાચા રસ્તે તો છુંને? સેલ્ફ એનાલિસિસ સહેલી વાત નથી. એનું કારણ એ છે કે, ઘણા લોકો પોતાની જાતને જ નબળા સમજી લેતા હોય છે. આઇ એમ નથિંગ! એક વર્ગ એવો પણ છે જે પોતાની જાતને હોય એના કરતાં વધુ સક્ષમ સમજી લે છે. આઈ એમ સમથિંગ! પોતાની જાતને અંડરએસ્ટિમેટ કરવી જેટલી જોખમી છે એટલું જ ખતરનાક પોતાની જાતને ઓવરએસ્ટિમેટ કરવી છે! વાસ્તવિકતા એટલે કે રિયાલિટીની જે નજીક રહે છે એ જિંદગીને સારી રીતે જીવી જાણે છે. લાઇફ વિશે બહુ ઓછા લોકોને ક્લેરિટી હોય છે!
તમારા વિશે તમે શું માનો છો? આપણી તો ક્યાં કંઇ ઔકાત જ છે? સામાન્ય પરિવારમાં જન્મ્યા છીએ. સપનાં પૂરાં કરવા માટે તૂટી જઇએ તો પણ કોઇ મેળ પડે એમ નથી. ઘણા લોકો તો પોતે જ એવું માની કે ધારી લેતા હોય છે કે, આપણે તો બસ આ ધરતી પર ધક્કો ખાવા આવ્યા છીએ! આ વાત સાચી નથી! જો તમે તમારા વિશે જ નબળો અભિપ્રાય ધરાવતો હોવ તો એમાં વાંક માત્ર ને માત્ર તમારો છે. આપણા દરેકના જન્મનો કોઇ મર્મ છે. કોઇ અર્થ છે. કંઇ જ નક્કામું નથી. માત્ર કેટલા રૂપિયા છે, કેટલી ડિગ્રી છે, કેટલું માન-પાન છે, એના આધારે જ જિંદગીને સાર્થક કે વ્યર્થ ન સમજો! તમારી જિંદગીનો મતલબ છે.
દરેક માણસ બે જાતના સંવાદ કરતો હોય છે. એક દુનિયા સાથે અને બીજો પોતાની જાત સાથે. આપણે બધા જ આપણી જાતને સવાલો કરતા હોઇએ છીએ, જવાબો મેળવતા હોઇએ છીએ, વાતો કરતા હોઇએ છીએ અને તેના આધારે આપણી એક માનસિકતા ઘડાતી હોય છે. આપણે લોકો સાથે વાત કરતી વખતે ધ્યાન રાખીએ છીએ. આપણી ઇમ્પ્રેશન સારી પડે, લોકો આપણા વિશે ઊંચો અભિપ્રાય બાંધે, આપણો વટ પડી જાય એવી તકેદારી આપણે રાખતા હોઇએ છીએ. આપણી જાત સાથે વાત કરતી વખતે આપણે કેટલા એલર્ટ હોઈએ છીએ? યાદ રાખો, તમે તમારા વિશે જેવું માનશો કે વિચારશો એવું જ દુનિયા તમારા વિશે માનવાની કે ધારવાની છે. એક અભ્યાસ એવું કહે છે કે, જે લોકો નિષ્ફળ છે એ લોકો પોતાના વિશે જ એવું માનતા હતા કે, આપણી કોઇ હેસિયત જ નથી! બીજા બધા કેવા બ્રિલિયન્ટ છે. આપણો આ બધામાં ક્યાંથી ગજ વાગવાનો છે? જે લોકો સફળ થયા હતા એ લોકો એવું વિચારતા હતા કે, જે લોકો આગળ આવ્યા છે એ પણ મારા જેવા જ માણસ છે, જો એ આગળ આવી શકતા હોય તો હું શા માટે આગળ ન આવી શકું? આપણે હળવાશમાં એવું બોલતા હોઇએ છીએ કે, એ કંઇ ટીલું લઇને થોડો આવ્યો છે? ટીલું લઇને કોઇ આવ્યું હોતું નથી. દુનિયામાં જે લોકો મહાન થયા છે એ બધાને પોતાના વિશેનું મંતવ્ય ક્લિયર હતું.
બધાને પોતાના વિશેની ક્લેરિટી પણ કંઈ જન્મતાંની સાથે જ નથી આવતી. ઘણાને અનુભવ પછી તો ઘણાને ઠોકર ખાધા પછી આવે છે! એક સાવ સાચો કિસ્સો છે. એક નાનકડા ગામમાંથી એક છોકરી શહેરમાં જોબ કરવા આવી. તેને એમ હતું કે, સિટીમાં તો બધી કેવી હાઇ-ફાઇ છોકરીઓ હોય, હું તો સાવ દેશી છું. મને તો એ બધીની સરખામણીમાં કંઇ ખબર પડતી નથી. હા, ગામડાની એ છોકરી દેખાવમાં બીજી છોકરીઓ જેવી અપ-ટુ-ડેટ કે ફેશનેબલ નહોતી પણ કામમાં બધી છોકરીઓને પાછી રાખી દે એવી હતી. તેનું કામ ઓફિસમાં વખણાવા લાગ્યું અને તેને પ્રમોશન પણ મળ્યું. એ પછી તેને એ વાત સમજાઇ કે, હું મારી જાતને કેટલી નબળી સમજતી હતી! આવું ઘણાની સાથે બનતું હોય છે. ઘણા લોકો પોતાની જાતને એટલી નબળી સમજી લે છે કે, કંઇ કરવાનું જોખમ જ નથી લેતા! મારાથી ન થાય, મને નહીં આવડે, નિષ્ફળ જઇશ તો લોકો મારી મજાક ઉડાવશે, આ અને આવી જાતજાતની માન્યતાઓ પોતાની મેળે જ નક્કી કરી લે છે. જે લોકો આવું વિચારે છે એ ક્યારેય આગળ આવતા નથી. આવું વિચારનારે વહેલીતકે પોતાની વિશેના ખયાલો બદલવા જોઇએ અને એવું માનવું જોઇએ કે, જો બધા કરી શકે તો હું પણ કરી શકું છું. કુદરતે બધાને આપ્યું છે એ મને પણ આપ્યું છે. હવે તો મા-બાપે પણ પેરેન્ટિંગનો એ પાઠ શીખવા જેવો છે કે, તમારાં સંતાનોને બીજું કંઈ ન આપી શકો તો કંઇ નહીં પણ નબળા વિચારો ન આપતા, એને એટલું જ શીખવજો કે તારામાં શક્તિ છે, તું જેટલી મહેનત કરીશ એટલી સફળતા મળશે. તારી કરિયર, તારું ફ્યુચર અને તારી દુનિયા તારા હાથમાં છે. તમે એને વિચારની દિશા આપો, ચાલવા તો એ એની મેળે જશે!
ઘણા લોકો પોતાના દેખાવ, પોતાની હાઇટ કે પોતાની કોઇ શારીરિક ખામીને લઇને લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે. એ બધાએ પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે, સફળતા માટે એ કંઈ જ મેટર કરતું નથી! છેલ્લે તો એ જ કાઉન્ટ થવાનું છે કે, તમે તમારું કામ કેટલી સારી રીતે કરો છો? તમારા કામમાં તમે કેટલા માહેર છો? આપણે જ આપણી જાતને જો જાતજાતની બેડીઓથી બાંધી લઇએ તો આપણને કોઇ બચાવી ન શકે. આ બેડીઓ આપણે આપણી હાથે જ તોડીને બહાર આવવું પડે છે. આવી પણ શકાય છે, બસ, એના માટે જાતને તૈયાર કરવી પડે છે! દરેક માણસમાં કંઇક તો કાબેલિયત હોય જ છે, દરેકમાં અમુક ખૂબીઓ કુદરતે મૂકી જ છે, આપણે તેને ઓળખીને આગળ વધવાનું હોય છે.
મિશિગન યુનિવર્સિટીના સાઇકોલોજિસ્ટ ડૉ. ઇથન ક્રોસે સફળ અને નિષ્ફળ વ્યક્તિના બિહેવિયર વિશે અભ્યાસ કરીને એવું કહ્યું છે કે, સફળતા માટે એના વિચારો વધુ જરૂરી છે. તમે જ્યારે તમારી જાત સાથે વાત કરતા હોવ ત્યારે પણ સ્પષ્ટ રહો. તમારું નામ લઇને જ તમારી જાત સાથે વાત કરો કે, તું આ કરી શકીશ, કંઇ અઘરું નથી. આપણે આપણી જાતને પણ થોડાંક પ્રોમિસ આપતાં રહેવાં જોઇએ કે, હું આગળ વધીશ. માણસ જે કંઈ છે એ અલ્ટિમેટલી એ પોતાના વિશે જે વિચારતો હોય એ જ છે. હા, એક સાવધાની રાખવાની પણ જરૂર છે કે, પોતાના વિશે વધુ પડતા ખયાલો બંધાઇ ન જાય. ઘણા લોકો આઇ એમ ધ બેસ્ટ એવું માનીને કરવી જોઇએ એ મહેનત કરતા હોતા નથી. માત્ર ઊંચા વિચારો હોય એટલું જ પૂરતું નથી, આચાર પણ ઉમદા હોવા જોઇએ.
અત્યારના સમયમાં લોકો સોશિયલ મીડિયાના કારણે પણ પોતાને ઇનફિરિયલ કે સુપિરિયલ સમજી લે છે. વધારે ફોલોઅર્સ કે વધારે લાઇકને સફળતા ગણી લેવાની ભૂલ કરવા જેવું નથી. સામા પક્ષે ઓછા ફોલોઅર્સ હોય કે ઓછી લાઇક હોય એટલે પણ આપણામાં કંઈ આવડત નથી એમ સમજી ન લેવું. એક્ચ્યુલી તો સોશિયલ મીડિયાને કોઇ માપદંડ સમજવાની જ ભૂલ કરવા જેવું નથી. સોશિયલ મીડિયાના કારણે અદેખાઇ અને દેખાદેખીનું પ્રમાણ અનેકગણું વધી ગયું છે. સોશિયલ મીડિયા પરથી આપણે કોઇને મહાન કે ખરાબ સમજી લઇએ છીએ. આપણી સરખામણી પણ આપણે સોશિયલ મીડિયા પર જે લોકો છે એની સાથે કરતા હોઇએ છીએ. સફળ થવા માટે સૌથી સરળ રસ્તો એ છે કે, તમે ભણતા હોવ કે કોઇ કામ કરતા હોવ, એને તમારા હન્ડ્રેડ પર્સન્ટ આપો, પૂરી ધગશ, મહેનત અને ઇમાનદારીથી તમારું કામ કરો, સફળતો આપોઆપ મળશે. તમારી જાતને નબળી તો ક્યારેય સમજતા નહીં! તમે તમારી જાતનું ગૌરવ કરશો તો જ દુનિયા તમને સન્માન આપશે! તમે જેવા છો એવા જ બેસ્ટ છો. કોઇ ખયાલોમાં બંધાવાને બદલે બસ મહેનત કરતા રહો, તમને આગળ વધતા કોઈ રોકી શકશે નહીં!


હા, એવું છે!
આલ્બર્ટ આઇનસ્ટાઇન પિયાનો અને વાયોલિન પણ બહુ સરસ વગાડી શકતા હતા. તેમણે જ એક વખત કહ્યું હતું કે, સારો વૈજ્ઞાનિક સારો કલાકાર પણ હોઈ શકે છે! એટલે જ કહેવાય છે કે, જિંદગીમાં એક શોખ પાળવો જોઈએ, જે તમને હળવા રાખે!


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 27 જુલાઈ, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “સાચું કહેજો, તમારા વિશે તમારું શું માનવું છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *