બોડી ચેકઅપ કરાવો પણ કોઈ વાતથી ફફડી ન જાવ! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

બોડી ચેકઅપ કરાવો પણ
કોઈ વાતથી ફફડી ન જાવ!


દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

દરેક વ્યક્તિએ એક વાત યાદ રાખવા જેવી છે કે, બોડીમાં બધું આઇડિયલ માપ જેવું

તો ક્યારેય નહીં જ હોવાનું, થોડોક ફેર તો પડવાનો જ છે!


દરેકનું શરીર યુનિક છે. દરેકની ખાસિયતો પણ જુદી જ હોવાની!

માણસના શરીરમાં હજુયે એવા મિરેકલ્સ છુપાયેલા છે, જ્યાં સાયન્સ પહોંચી શક્યું નથી!


હેલ્થનું ધ્યાન રાખવું જ જોઇએ. 40ની ઉંમર પછી નિયમિત બોડી ચેકઅપ પણ કરાવવું જોઈએ

પણ થોડુંક આડુંઅવળું હોય તો ફાટી પડવાની કોઇ જરૂર નથી!


———–

આ વખતના લેખની શરૂઆત થોડીક હળવી રીતે એટલે કે એક જોકથી કરીએ. એક ભાઇએ ફુલ બોડી ચેકઅપ કરાવ્યું. રિપોર્ટ્સ આવ્યા. ડૉક્ટરે તેમને બોલાવ્યા. એક પછી એક બધા જ રિપોર્ટ જોઇને કહ્યું કે, તમે પરફેક્ટલી ફિટ છો. તમારા તમામ રિપોર્ટ તદ્દન નોર્મલ છે. તમારા શરીરમાં કોઇ પણ જાતની બીમારીનાં લક્ષણો નથી. આટલું કહીને ડૉક્ટરે બોડી ચેકઅપનું બીલ આપ્યું. બીલનો ફીગર જોઇને એ ભાઇનું બ્લડ પ્રેશર વધી ગયું અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા! ખેર, આ તો થઈ હસવાની વાત, આપણે કરવી છે હેલ્થ ચેકઅપ વિશે કેટલીક માર્મિક વાત! મેડિકલ સાયન્સે છેલ્લાં થોડાં વર્ષોમાં જે વિકાસ સાધ્યો છે એ માનવજાત માટે આશીર્વાદ રૂપ છે. આજે લગભગ તમામે તમામ રોગોની સારવાર અવેલેબલ છે. એના કારણે જ માણસના સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. એક સમય હતો જ્યારે સાઠ વર્ષની વય તો બહુ ગણાતી હતી. હવે તો કોઇ માણસ સાઠ વર્ષની ઉંમરે વિદાય લે તો લોકો એવું જ બોલે છે કે, આ તે કંઇ મરવાની ઉંમર થોડી હતી, હજુ તો બહુ નાના હતા! વાત જરાયે ખોટી નથી. હજુ તો મેડિકલ જગતના લોકો એવું કહે છે કે, આગામી થોડાં વર્ષોમાં લોકો સો વર્ષ આરામથી જીવી શકે એ હદે મેડિકલ સાયન્સ પ્રગતિ કરવાનું છે. આવી વાત સાંભળીને ટાઢક થાય એ સ્વાભાવિક છે, કારણ કે જિંદગી બધાને વહાલી હોય છે!
હવે દેશ અને દુનિયામાં નિયમિત રીતે ફુલ બોડી ચેકઅપ કરવાનું ચલણ વધતું જાય છે. ડૉક્ટર હવે એવી સલાહ આપવા લાગ્યા છે કે, ચાલીસની ઉંમર થાય એટલે દર વર્ષે -દોઢ વર્ષે બોડી ચેકઅપ કરાવી લેવાનું. શરીરમાં કોઇ પ્રોબ્લેમ ક્રિએટ થતો હોય તો એની સમયસર જાણ થઇ જાય. કોઈ પણ બીમારી પ્રાઇમરી સ્ટેજમાં હોય તો તેની સારવાર કરવી સરળ પડે છે. ઘણી વખત થાય છે એવું કે, બીમારીની જાણ થાય ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ગયું હોય છે. બીમારી ત્રીજા કે ચોથા સ્ટેજમાં હોય ત્યારે ખબર પડે તો સ્થિતિ ગંભીર બની જાય છે. વાત જરાયે ખોટી નથી. ઉંમર નાની હોય તો આપણા વડીલો કહે છે કે, ચડતું લોહી છે, હમણાં બેઠો થઇ જશે કે બેઠી થઇ જશે. ઉંમર ચડતીને બદલે ઢળતી હોય ત્યારે વધુ ધ્યાન રાખવું પડે છે. દરેક ફોર્ટી પ્લસ વ્યક્તિએ બોડી ચેકઅપ કરાવતા જ રહેવું જોઈએ, સાથોસાથ બોડી વિશે થોડીક જાણકારી પણ રાખવી જોઇએ. થાય છે શું કે, બોડી ચેકઅપ બાદ રિપોર્ટ્સમાં જરાકેય કંઈક આડુંઅવળું હોય તો માણસ થથરી જાય છે. દરેક વ્યક્તિએ એક વાત યાદ રાખવાની હોય છે કે, હન્ડ્રેડ પર્સન્ટ આઇડિયલ તો ભાગ્યે જ કોઇ શરીર હોવાનું! મેડિકલ સાયન્સે હિમોગ્લોબિનથી માંડીને દરેકે દરેક તત્ત્વનું એક માપ નક્કી કર્યું છે કે, મિનિમમ આટલું હોવું જોઇએ અને મેક્સિમમ આટલું! જો થોડુંકેય વધારે હોય કે જરાકેય ઓછું હોય તો પ્રોબ્લેમ. જો વધુ કે ઓછું હોય તો રિપોર્ટમાં નીચે અંડરલાઇન કરીને આવે છે. તેના આધારે જ તબીબો લાઇન ઓફ ટ્રીટમેન્ટ નક્કી કરે છે.
ઘણા લોકોનો આગ્રહ એવો હોય છે કે, બોડીમાં બધું પરફેક્ટ જ હોવું જોઇએ. એ પોતાનો બીએમઆઇ એટલે કે બોડી માસ ઇન્ડેક્સ પણ સમયે સમયે ચેક કરતા છે. બધું સારું હોય તો સારી વાત છે પણ જો સારું ન હોય અથવા તો જરાક આડુંઅવળું હોય તો ડરી જવાની જરૂર નથી. એનું કારણ સમજવાની વધુ આવશ્યક્તા હોય છે. આપણામાંથી દરેકનું શરીર યુનિક હોય છે. કેટલાંક નોર્મલ માણસોના ધબકારા પણ એટલા વધુ હોય છે જે જોઇને ડૉક્ટરોને આશ્ચર્ય થાય છે. ક્યારેક તો તબીબોને સવાલ થાય છે કે, આ માણસ હજુ સુધી જીવતો કેમ છે? મેડિકલ મિરેકલના એવા એવા કિસ્સાઓ દુનિયામાં છે જે જાણીને આપણું મગજ ચકરાવે ચડી જાય! શરીર એકસરખું ક્યારેય રહેવાનું નથી. કોઇ સામાન્ય બીમારી થાય તો પણ શરીરનાં કેટલાંક તત્ત્વોમાં ફેર પડી જતો હોય છે. શરીરનું પોતાનું એક શાસ્ત્ર છે. બોડીનું એક પોતાનું મેકેનિઝમ છે. એ એની રીતે કામ કરતું જ રહે છે. શરીરમાં નેચરલ હીલિંગની પ્રોસેસ પણ સતત ચાલતી રહે છે.
હેલ્થનું ધ્યાન રાખીએ પણ શરીર પર સતત નજર રાખવાની પણ જરૂર નથી. ઘણા લોકોને સામાન્ય કંઇક થાય તો પણ એને સીધા ગંભીર રોગોના જ વિચાર આવવા લાગે છે. મોઢામાં કબજિયાતના કારણે સામાન્ય ચાંદું પડ્યું હોય તો પણ એવો વિચાર આવી જાય છે કે, કેન્સર તો નહીં હોયને? કુદરતે માણસના શરીરને બહુ કાળજીથી બનાવ્યું છે. તમે માર્ક કરજો, શરીરના દરેક નાજુક અંગો ફરતે કુદરતે એવું કવચ આપ્યું છે કે, કોઇ પ્રહાર થાય તો પણ વાંધો ન આવે! શરીરનું સૌથી ડેલિકેટ કોઈ અંગ હોય તો એ મગજ છે. મગજ ફરતે કુદરતે કેવી સજ્જડ ખોપરી મૂકી છે! હાર્ટ હોય કે કિડની, કુદરતે તેને પણ બીજાં અંગોની સરખામણીએ સલામત રીતે ગોઠવ્યાં છે. આપણે કુદરત પર શ્રદ્ધા રાખતા હોઈએ તો આપણા શરીર પર પણ ભરોસો રાખવો જોઇએ.
માણસે પોતાની જાતને પણ પ્રેમ કરવો જોઇએ. પોતાની જાતને પેમ્પર પણ કરવી જોઇએ. નાર્સિસ્ટ નહીં થવાનું પણ પોતાનું ગૌરવ હોય એમાં કશું ખોટું નથી. શાસ્ત્રોમાં અહમ્ બ્રહ્માસ્મિ એવું કહેવાયું છે. હું જ બ્રહ્મ છું. મારામાં જ ઈશ્વરનો અંશ છે. થોડુંક એ પણ વિચારવા જેવું છે કે, આપણે પોતે પણ પ્રકૃતિનો અંશ છીએ. પેલી વાત સાંભળી છેને? યથા પિંડે તથા બ્રહ્માંડે! જે શરીરમાં છે એ જ બ્રહ્માંડમાં છે! જરાક જુદી રીતે વાત કરીએ તો જે બ્રહ્માંડમાં છે એ જ શરીરમાં છે. આપણું શરીર પંચમહાભૂત પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશનું બનેલું છે. પ્રકૃતિના પરિવર્તન સાથે શરીરમાં પણ થોડા થોડા બદલાવ આવતા જ રહેવાના છે. સિઝન બદલાય એની અસર પણ શરીર પર થવાની છે અને તબિયત થોડીક ઊંચીનીચી થતી રહેવાની છે. ઋતુ બદલાય ત્યારે મોટા ભાગના લોકોને શરદી થાય છે. એના વિશે એક અભ્યાસ એવું કહે છે કે, એ સારી નિશાની છે. શરદી એ વાતનો પુરાવો પણ છે કે, આપણા શરીરને વાતાવરણની થવી જોઇએ એ અસર થાય છે. માત્ર માણસને જ નહીં દુનિયાના દરેક જીવને એટમોસ્ફિયરની અસર થતી જ હોય છે. ક્યારેક વધારે પડતો શ્રમ થઈ ગયો હોય તો થાકના કારણે સામાન્ય તાવ પણ આવવાનો જ છે. એમાં ડરી જવાની જરૂર નથી.
હેલ્થ માટે સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે, તમારું મન કેવું મક્કમ છે? શરીર આખરે તો મનના કહ્યે દોરવાતું હોય છે. ઘણા માનસિક રીતે એટલા બધા સજ્જ હોય છે કે, એ નાનીસૂની વાતને ગણકારતા જ નથી. એ લોકો કહે છે, શરીર છે, ચાલ્યા રાખે! તમે માર્ક કરજો, ઘણા લોકો બીમાર પડ્યા પછી પણ વહેલા સાજા થઇ જતા હોય છે. આપણે એવા કિસ્સા પણ સાંભળ્યા છે કે, તેણે પોતાના દૃઢ મનોબળથી ગંભીર બીમારીને પણ હરાવી દીધી! સાજા રહેવાનો બીજો એક રામબાણ ઇલાજ એ છે કે, મજામાં રહો! જે લોકો લાંબું જીવ્યા છે એના વિશે થયેલો એક સરવૅ એવું કહે છે કે, તેમના લાંબા આયુષ્યનું ખરું કારણ જિંદગી અને દુનિયા પ્રત્યેનો તેનો ઉમદા અભિગમ હતો. જિંદગીને મસ્ત રીતે જીવો. ખોટા લોડ ન લો. હસતાં રહો અને જિંદગીની દરેક ક્ષણ જીવો. કસરત કરો અને હરોફરો. સમયે સમયે બોડી ચેકઅપ કરાવતા રહો પણ નાનીનાની વાતમાં શરીરની પાછળ પડી ન જાવ! જિંદગી જીવવા માટે છે, ઉપાધિઓ કરવા માટે નહીં!


હા, એવું છે!
ગલગલિયાં, ગલીપચી, ગુદગુદી અથવા તો ટીકલ વિશે એક રસપ્રદ વાત એ છે કે કોઈ માણસ પોતે પોતાને ગલગલિયાં કરી શકતો નથી! ઘણા લોકો એવા પણ હોય છે જેને ગમે તે કરો તો પણ ગલગલિયાં થતાં નથી. ગલગલિયાં અનુભવવાની ક્ષમતા અને તીવ્રતા પણ દરેક વ્યક્તિએ જુદી જુદી હોય છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 20 જુલાઈ, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Be the first to comment

Leave a Reply