સોશિયલ મીડિયા પર ન હોવું એ ગુનો કે પાપ થોડું છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

સોશિયલ મીડિયા પર ન હોવું
એ ગુનો કે પાપ થોડું છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

ઘણાં લોકોમાં એવી ગેરમાન્યતા પ્રવર્તે છે કે, જો આપણે સોશિયલ મીડિયા પર એક્ટિવ નહીં રહીએ તો

આપણી ઇમેજ ડાઉન થઇ જશે!

અત્યારે સમાજમાં જે મેન્ટલ ઇશ્યૂઝ છે તેની પાછળ જો સૌથી વધુ કંઈ જવાબદાર હોય તો

એ સોશિયલ મીડિયા છે. દેખાદેખીમાં લોકો ગાંડા કાઢી રહ્યા છે!

સોશિયલ મીડિયામાં કશું જ ખોટું નથી. માત્ર આપણને તેનો ઉપયોગ કરતા આવડવું જોઇએ.

અત્યારે થઇ રહ્યું છે ઊલટું, સોશિયલ મીડિયા આપણો ઉપયોગ કરવા લાગ્યું છે!

———–

એક છોકરાની આ સાવ સાચી વાત છે. એક વખત એ સૉલો ટૂર પર નીકળ્યો હતો. હિલ સ્ટેશન પર તેને છોકરા-છોકરીઓનું એક ગ્રૂપ મળ્યું. તે પણ એ સાતેક ફ્રેન્ડ્સના ગ્રૂપ સાથે જોડાયો. છૂટા પડતી વખતે તેણે બધાની કોન્ટેક્ટ ડિટેલ્સ લીધી અને એકબીજાને ઇન્સ્ટા અને ફેસબુક પર ફૉલો કરવા લાગ્યો. ગ્રૂપના એક છોકરાનું ઇન્સ્ટા કે ફેસબુકનું આઇડી મળતું નહોતું. એ છોકરો તેની પાસે ગયો અને પૂછ્યું કે, તારું ઇન્સ્ટા આઇડી શું છે? પેલાએ કહ્યું કે, હું સોશિયલ મીડિયા પર નથી! પેલા છોકરાને આઘાત લાગ્યો! તું કોઇ પ્લેટફોર્મ પર નથી? પેલાએ કહ્યું, ના, હું એકેય સોશિયલ મીડિયા પર નથી. મને કંઇ જરૂર લાગતી નથી. જે લોકો સોશિયલ મીડિયામાં છે એની સામે મને કોઇ પ્રોબ્લેમ નથી, બધાની પોતપોતાની ચોઇસ હોય છે. મને નથી મજા આવતી એટલે હું ક્યાંય નથી! પેલા છોકરાને વધુ રસ જાગ્યો. તેણે પૂછ્યું, તને એમ નથી થતું કે, બધા તને ઓળખે? તારા ફ્રેન્ડ્સને ખબર પડે કે, તું શું કરી રહ્યો છે? પેલાએ કહ્યું કે, ના મને એવું કંઈ થતું નથી. મારા ફ્રેન્ડ્સ છે જ, હું એ લોકોને રેગ્યુલર મળું છું. જેને જે વાત કહેવા જેવી લાગે એ પણ કહું છું. હું શું કરું છું એ મારે આખી દુનિયાને કહેવાની કંઇ જરૂર નથી.
આજના સમયમાં સોશિયલ મીડિયા પર ન હોય એવાં છોકરા કે છોકરીને શોધવાં અઘરાં છે. હા, ઘણા યંગસ્ટર્સ સોશિયલ મીડિયાનો લિમિટેડ ઉપયોગ કરતા હશે, તેને સોશિયલ મીડિયાની એટિકેટની પણ ખબર હશે, તેઓ એક મર્યાદા કરતાં વધુ સમય પણ સોશિયલ મીડિયા પાછળ નહીં બગાડતાં હોય પણ સોશિયલ મીડિયા પર સાવ ન હોય એવા યુવાનોને દીવો લઇને શોધવા જવા પડે એવું છે. ભલે સોશિયલ મીડિયાનાં બધાં પ્લેટફોર્મ પર ન હોય, એકાદામાં તો એ જોવા મળે જ! એક છોકરીની આ વાત છે. એ ઇન્સ્ટા પર નથી પણ તે લિંક્ડઇન પર છે. તેણે કહ્યું કે, ત્યાં જોબ અને બીજી વાતો હોય છે એટલે મને એ પ્લેટફોર્મ ગમે છે. વૅલ, કોને ક્યાં રહેવું, રહેવું કે ન રહેવું, એ પોતાની પસંદ કે નાપસંદ છે. સોશિયલ મીડિયા ખરાબ છે એવું કહેવાનો ઇરાદો પણ નથી. વાત એટલી છે કે, જે લોકો નથી એની સાથે ઘણી વખત બીજી દુનિયાના હોય એવું વર્તન થાય એ વાજબી નથી!
સોશિયલ મીડિયાથી ટાઇમ વેસ્ટ થાય છે, દેખાદેખીની વૃત્તિ પ્રબળ બને છે, ફોટાઓ અને સ્ટેટસ જોઇને એવી ફીલિંગ થાય છે કે, આખી દુનિયા મજા કરી રહી છે અને મારાં નસીબમાં જ બધા ઢસરડા લખ્યા છે. ઘણાને સોશિયલ મીડિયાની લત પણ લાગી હોય છે. હાથમાં મોબાઇલ ન હોય તો કંઇક ખૂટતું હોય એવું લાગે છે. આ બધામાં એક વર્ગ એવો પણ છે જ, જે સોશિયલ મીડિયાથી દૂર રહે છે. સોશિયલ મીડિયાના કારણે શું નુકસાન થાય છે, તેની શારીરિક અને માનસિક અસરો કેવી હોય છે, એ વિશે જાતજાતના અભ્યાસો અને સરવૅ થતા રહે છે. જે યુવાનો સોશિયલ મીડિયા નથી વાપરતા તેના વિશે થયેલો અભ્યાસ એવું કહે છે કે, એ લોકો નેચરની વધુ નજીક હોય છે. એ લોકો પોતાને પણ સારી રીતે સમજી શકતા હોય છે. તેનું કોન્સન્ટ્રેશન લેવલ પણ હાઇ હોય છે. અલબત્ત, જે લોકો સોશિયલ મીડિયા પર છે એ બેધ્યાન કે બેફિકર છે એવું પણ નથી હોતું. વાત એ છે કે, તમારું ધ્યાન બીજે હોય તો તમે તમારા મુખ્ય કામમાં જીવ પરોવી જ શકવાના નથી. આપણે એવું કહેતા હોઇએ છીએ કે એના કામમાં એનો જીવ જ હોતો નથી!
સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે, તમે ગમે એટલા મક્કમ મનોબળવાળા હોવ તો પણ તેના રવાડે ચડી જ જાવ છો. ઇન્સ્ટાગ્રામ પર એક યુવાનને રિલ્સ જોવાની એવી આદત પડી ગઇ હતી કે એને સમયનું ભાન જ ન રહેતું. આખરે તેણે ટાઇમ સેટ કર્યો કે, હું એક કલાકથી વધારે ઇન્સ્ટાગ્રામ નહીં વાપરું. એક કલાક પૂરો થાય અને બીપર વાગી ગયું હોય છતાં થોડીક વાર જોઇ લઉં એવું વિચારીએ એ ચાલુ જ રાખતો હતો. સોશિયલ મીડિયા વિશે અમુક સાઇબર એક્સપર્ટ એવી આગાહી પણ કરે છે કે એક સમય એવો આવશે જ્યારે લોકો સોશિયલ મીડિયાથી કંટાળશે. એનાથી દૂર રહેશે. જે લોકો સોશિયલ મીડિયા પર નહીં હોય અથવા તો મર્યાદિત સમય અને લિમિટેડ હેતુઓ માટે જ સોશિયલ મીડિયા વાપરતા હશે એ લોકો ડાહ્યા, સમજુ, સિવિલાઇઝ્ડ અને ડિસિપ્લિન્ડ ગણાશે. અત્યારનો ટ્રેન્ડ થોડોક જુદો છે. અત્યારે તો સોશિયલ મીડિયા પર ન હોય એને રેંજીપેંજી સમજવામાં આવે છે. એક છોકરીની આ સાવ સાચી વાત છે. તેની લગ્નની ઉંમર થઇ એટલે માતા-પિતાએ દીકરી માટે મુરતિયો શોધવાનું શરૂ કર્યું. છોકરાની સાઇડનું બધું જ સારું હતું. છોકરો વેલ એજ્યુકેટેડ હતો. તગડો બિઝનેસ હતો. ફેમિલી પણ ખૂબ સારું હતું. બધું સારું હોવા છતાં છોકરીએ ના પાડી દીધી! તેની ફ્રેન્ડે કારણ પૂછ્યું તો એ છોકરીએ કહ્યું કે, એ તો સોશિયલ મીડિયા પર છે જ નહીં! આજના જમાનામાં એવો છોકરો થોડો ચાલે? મને તો એવો છોકરો જોઇએ જે મેરેજ પછી મારા ફોટા તેના સોશિયલ મીડિયા પર મૂકે અને મીઠી મીઠી વાતો લખે! આ તો હું મૂકું તો એ જુએ પણ નહીં! મને તો આવું ન ગમે!
યંગસ્ટર્સ હવે કોઇની પણ વાત નીકળે કે તરત જ તેને સોશિયલ મીડિયા પર શોધે છે. માત્ર શોધતા જ નથી, તેના ફોલોઅર્સ કેટલા છે તેના પરથી તેને જજ પણ કરે છે! એવા યુવાનોની કમી પણ નથી જે ફોલોઅર્સ કે લાઇક વધારવા માટે રૂપિયા ખર્ચતા હોય! એવી છોકરીઓ પણ છે જે લટકામટકા કરીને કે ચિત્ર-વિચિત્ર પ્રકારનું ડ્રેસિંગ કરીને બીજાને આકર્ષતી હોય અને ફોલોઅર્સ વધારતી હોય. યંગસ્ટર્સના ગ્રૂપમાં પણ દેખાદેખી થાય છે કે, કોના ફોલોઅર્સ વધારે છે? એકબીજાની મશ્કરી પણ કરતા રહે છે કે, તારો તો પણ વટ છેને કંઈ! એક છોકરીની આ વાત છે. એ સોશિયલ મીડિયા પર નથી. તેની મિત્રે તેને પૂછ્યું કે, તું સરસ મજાની તૈયાર થઇ હોય અને ફોટા પાડે પછી તને એમ નથી થતું કે, તું ફોટા અપલોડ કરે અને બધા લાઇક ને કમેન્ટ કરે? એ છોકરીએ કહ્યું, મારા બહુ લિમિટેડ ફ્રેન્ડ્સ છે. એ બધાને હું વોટ્સએપ પર જ ફોટા મોકલી આપું છું. મારે જે વાત કરવી હોય એ પણ મેસેજથી કહી દઉં છું. હું શું કરું છું એની એ બધાને ખબર જ છે. બાકી રહી વાત સોશિયલ મીડિયા પરના ફોટાની, તો ફિલ્ટરની મદદથી ફોટા તો સરસ ક્યાં બનાવી શકાતા નથી? ફોટા જોઇને આપણે આકર્ષાતા હોઇએ છીએ, રૂબરૂ મળીએ ત્યારે એમ થાય છે કે આ તો સાવ જુદી જ લાગે છે કે આ છોકરો તો સાવ ડિફરન્ટ જ દેખાય છે! એક છોકરો દેખાવમાં સારો હતો. સોશિયલ મીડિયા પર ફોટા મૂકે ત્યારે લોટ્સઓફ લાઇક મળે. એક છોકરી તેની સાથે સ્ટડી કરતી હતી. એ છોકરાના સોશિયલ મીડિયા પરના મસ્ત મજાના ફોટાની વાત નીકળી ત્યારે એણે કહ્યું કે, એનો ફોટોજેનિક ફેસ છે. આટલું કહ્યા પછી એ એવું બોલી કે, દેખાય છે સરસ, બાકી બુદ્ધિનો બળદિયો છે! તમે એને મળો તો લાગે કે પૈસા પડી ગયા! જે લોકોના ભ્રમ ભાંગી ગયા છે એ લોકો સોશિયલ મીડિયાથી દૂર થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર રહેવું, ન રહેવું, કેટલો સમય આપવો, શું કરવું અને શું ન કરવું, એ અગેઇન દરેકની પોતાની ચોઇસ છે. દરેકને ગમે એવું કરવાનો અધિકાર પણ છે. સવાલ માત્ર એટલો જ છે કે જે લોકો સોશિયલ મીડિયા પર નથી એના વિશે કોઇ માન્યતા બાંધી ન લો. એની દુનિયા કદાચ જુદી, અનોખી અને અલૌકિક પણ હોય!
હા, એવું છે!
સોશિયલ મીડિયા વિશેની રસપ્રદ વાત એ છે કે સોશિયલ મીડિયા પર 3.5 બિલિયન લોકો એક્ટિવ હોય છે. દર છ સેકન્ડે સોશિયલ મીડિયા પર એક નવું એકાઉન્ટ ક્રિએટ થાય છે. સોશિયલ મીડિયાની જેને આદત પડી છે એવા સોશિયલ મીડિયાનાં સાત પ્લેટફોર્મ પર હોય છે અને તેઓ દરરોજ ઓછામાં ઓછી 142 મિનિટ, લગભગ અઢી કલાક સોશિયલ મીડિયા પાછળ વિતાવે છે. બાય ધ વે, તમે કેટલો સમય સોશિયલ મીડિયા પર હોવ છો?


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 08 જૂન, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: