તારામાં દયા જેવું કંઈ છે કે નહીં? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તારામાં દયા જેવું
કંઈ છે કે નહીં?


ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


તમોને એમ કે જે ચૂપ છે તેઓ ઠરેલાં છે,
હકીકતમાં ગળામાં એમના ડૂમા ભરેલા છે,
કાં તો નાદાન બાળક કાં અશિક્ષિત છે પ્રભુ મારો,
જે રીતે એણે મારા ભાગ્યમાં લીટા કરેલા છે.
-વિકી ત્રિવેદી

માણસ કોરી પાટી સાથે જન્મે છે. સમયની સાથે માણસમાં સમજ આવે છે. સારા-નરસાનું ભાન થાય છે. આજુબાજુનું વાતાવરણ અને અનુભવો આપણામાં સતત કંઈક ઉમેરતાં રહે છે. આપણી સાથે જે ઘટનાઓ બનતી રહે છે તેનાથી આપણે કેટલીક માન્યતાઓ બાંધી લઇએ છીએ. આપણી માન્યતાઓ અને માનસિકતાથી જ આપણી જિંદગી ઘડાતી હોય છે. ભગવાને માણસને વિચાર કરવાની શક્તિ આપી છે. બધા માણસો તો સરખા જ છે. વિચાર જ આપણને બીજા લોકો કરતાં અલગ પાડે છે. આપણા વિચારો જ આપણું વ્યક્તિત્વ છતું કરે છે. કોઇને સારું કામ કરતા જોઇને આપણને એવો વિચાર આવી જાય છે કે, બહુ દયાળુ માણસ છે. એક માણસની આ સાવ સાચી વાત છે. એનાથી કોઈનું દુ:ખ ન જોવાય. કોઇ માણસ દુ:ખી હોય તો એ એનાથી થાય એટલી મદદ કરે. સાવ અજાણ્યો માણસ હોય તો પણ એની પાછળ ખર્ચ કરે. તેના મિત્રએ એક વખત તેને સવાલ કર્યો. તું શા માટે બધા પાછળ આટલો બધો ખેંચાય છે? તેણે કહ્યું કે, ભગવાને આપણને આટલું બધું આપ્યું છે તો થોડુંક કોઇના માટે કેમ ન વાપરીએ? મિત્રએ કહ્યું કે, એ બધા તને મૂરખ બનાવી જાય છે! તેણે કહ્યું, બનવાજોગ છે કે કેટલાંક લોકો મને મૂરખ બનાવતા હશે પણ એના કારણે હું મારી સારપ શા માટે છોડું? હું તો કોઇના માટે કંઈ કરું છું ત્યારે એ વિચાર જ નથી કરતો કે એ મારા વિશે શું વિચારે છે? હું તો એવું પણ નથી ઇચ્છતો કે, એ મને દયાળુ કે સારો માણસ સમજે, એને જે સમજવું હોય એ સમજે, હું મારી જ સમજ છે એ મુજબ કરું છું. કોઇને મદદ કરીને મને સારું લાગે છે. માણસ આખી દુનિયાને સારું લગાડતો હોય છે. માણસે ક્યારેક પોતાને સારું લાગે એવું પણ કરવું જોઇએ.
આપણને અંદરથી ખુશી મળે એના જેવો આનંદ બીજો કોઈ હોતો નથી. આપણે કોઈનું સારું કરીએ ત્યારે એને શું થાય છે એ એનો પ્રશ્ન છે, આપણને શું થાય છે એ મહત્ત્વની વાત છે. ઘણા લોકો કારણ વગરની બળતરાઓ કરતા હોય છે. વાતો કરવા સિવાય પોતે કંઈ કરતા હોતા નથી. એક યુવાનની આ વાત છે. તે તેના મિત્રો સાથે ફરવા જતો હતો. કાર એક સિગ્નલ પાસે રોકાઇ. થોડાક ભિખારીઓ આવી ગયા અને માંગવા લાગ્યા. એ યુવાને કહ્યું કે, કેટલા ગરીબ લોકો છે? ખબર નહીં આવા લોકોનું શું થતું હશે? મારું ચાલે તો હું બધાનું ભલું કરું! આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, તને એવું કરતા કોણ રોકે છે? યુવાને કહ્યું કે, આવડા મોટા દેશમાં કેટલા બધા ગરીબ લોકો છે, હું શું કરી શકું? મિત્રએ કહ્યું કે, બધા લોકોનું ભલું કરવાની કંઈ જરૂર નથી. તું એક-બેનું તો ભલું કરી શકેને? બધા જો થોડાક લોકોનું ભલું કરે તો બધા લોકોનું ભલું થઇ શકે. વાત ભીખ આપવાની નથી, વાત એને મદદ કરીને કામ કરતા કરવાની છે.
આપણી આસપાસ એવા ઘણા લોકો હોય છે જે ખરેખર જેન્યુઇન જરૂરિયાતવાળા હોય છે. ઘણી વખત તો એવું બનતું હોય છે કે, આપણા માટે જે સામાન્ય વાત હોય એ કોઇના માટે જીવનમરણનો સવાલ હોય છે. એક છોકરીની આ સાવ સાચી વાત છે. તેણે એક માનતા રાખી હતી. મારું કામ થઇ જશે તો હું બહારગામના મંદિરે જઇ આટલા રૂપિયા ધરીશ. એ છોકરીનું કામ થઇ ગયું. તે મંદિરે દર્શન કરવા જવાનો વિચાર કરતી હતી. એ જે બિલ્ડિંગમાં રહેતી હતી તેનો એક વોચમેન હતો. એક દિવસ એ ટેન્શનમાં હતો. છોકરીએ તેને કારણ પૂછ્યું. વોચમેને કહ્યું કે, દીકરીની સ્કૂલ ફી ભરવાની છે. રૂપિયા છે નહીં. સ્કૂલવાળાઓએ કહ્યું છે કે, ફી નહીં ભરો તો સ્કૂલમાંથી કાઢી મૂકીશું. એ છોકરીએ લાંબો વિચાર કર્યા વગર છોકરીની ફી માટે રૂપિયા આપ્યા. વોચમેને કહ્યું કે, તમે મને આટલા બધા રૂપિયા આપ્યા? છોકરીએ કહ્યું કે, મેં રૂપિયા ધરવાની માનતા માની હતી. મેં માનતા પૂરી કરી. ભગવાન તો રાજી થતો હશે કે નહીં, એની ખબર નથી પણ તમે તો મારી સામે રાજી થયા છો. ભગવાને જ મને આ સુઝાડ્યું છે! કદાચ ભગવાનનો રાજીપો પણ આમાં જ હશે!
દયા માત્ર રૂપિયા આપીને જ ખાવાની નથી હોતી. માણસનું વર્તન પણ એનામાં દયા અને કરુણા કેટલી છે એની ચાડી ખાતું હોય છે. ઘણા માણસો તો પોતે જ એટલા ક્રૂર હોય છે કે, આપણને અરેરાટી થઇ જાય. એક કૂતરું ભસતું હતું. એક ભાઈ ગુસ્સે થયા અને લાકડી લઇને કૂતરા પર તૂટી પડ્યા. એક સાધુ આ દૃશ્ય જોતા હતા. સાધુની પાસે જે માણસ બેઠો હતો એણે સાધુને કહ્યું કે, એને સમજાવો કે પ્રાણીને આમ ન મરાય! સાધુએ કહ્યું, એ જો સમજતો હોત તો આવું કરતો જ ન હોત! કેટલાંક લોકો એવા હોય છે જેને જોઇને એમ થાય કે તમે પ્રાણીઓને સમજાવી શકો પણ એ માણસને ન સમજાવી શકો! માણસમાં માણસનાં લક્ષણો હોવાં જોઈએ, જો એનામાં પશુનાં લક્ષણ હોય તો એનો કોઈ ઇલાજ નથી!
સંબંધોમાં જ્યારે દયાની વાત આવે છે ત્યારે કરુણતા સર્જાતી હોય છે. એક પતિ-પત્ની હતાં. પતિ પત્ની પર શારીરિક અને માનસિક અત્યાચાર કરતો હતો. પત્નીએ એક વખત કહ્યું કે, તારામાં દયા જેવું કંઈ છે કે નહીં? પતિ પત્નીના સંબંધમાં જ્યારે દયા ખાવાની વાત આવે ત્યારે સમજવું કે આ સંબંધમાં હવે કંઈ બચ્યું નથી. ઘણા સંબંધો જે રીતે જિવાતા હોય છે એ જોઈને ઘણી વખત તો આપણને એવો વિચાર આવી જાય છે કે, મને તો એની દયા આવે છે!
આપણા વર્તનની અસર આપણી સાથેના લોકો પર થતી હોય છે. એક ભાઈની આ વાત છે. એ સમૃદ્ધ માણસ હતો પણ એનામાં દયાનો છાંટો નહોતો. કોઈના ભલા માટે કંઈ જ ન કરે. એ વૃદ્ધ થયો. તેના મિત્રને કહ્યું કે, જો હું મારા દીકરા માટે કેટલું બધું મૂકતો જવાનો છું! બરાબર એ જ સમયે દીકરાએ લાલચમાં આવીને એક ગરીબનાં નાણાં પડાવી લેવાનો પ્રયાસ કર્યો. ગરીબ માણસે ગુસ્સે થઇને દીકરા પર હુમલો કર્યો. ગંભીર હાલતમાં તેને દવાખાને દાખલ કરાયો. તેના પિતાને તેના મિત્રએ કહ્યું કે કાશ, તેં તારા દીકરા માટે સંપત્તિનો વારસો રાખવાની સાથે થોડાક સંસ્કારો પણ આપ્યા હોત. સંતાનોને શું આપી જવું એ પણ શીખવા અને સમજવા જેવી વાત છે. વારસો માત્ર સંપત્તિનો નથી હોતો, સંસ્કારોનો પણ હોય છે. એક પિતા મરણપથારીએ હતા. તેણે પોતાના દીકરાને કહ્યું કે, હું તને ખાસ કંઈ આપી શક્યો નથી. દીકરાએ આ વાત સાંભળીને કહ્યું કે, કોણે કહ્યું તમે મને કંઈ આપી જતા નથી? તમે મને સંસ્કારો આપ્યા છે. મને સારો માણસ બનાવ્યો છે. ગમે એટલા રૂપિયા આપો તો પણ તમે ખરાબ માણસને સારો માણસ બનાવી શકતા નથી. તમે તો સાચો વારસો આપ્યો છે. બધું આપ્યું હોત એને માણસાઇ જ ન હોત તો? લોકો છેલ્લે તો તમારી પાસે શું અને કેટલું છે એ નહીં પણ તમે કેવા માણસ છો એ જ જોતા હોય છે. આપણે ક્યારેય વિચારીએ છીએ કે, હું કેવો માણસ છું? મારામાં દયા જેવું કંઈ છે કે નહીં? બીજું કંઈ ન કરી શકો તો કંઈ નહીં, કોઇનું ભલું ઇચ્છી શકો તો પણ ઘણું છે! આજનો સમય એવો છે કે પોતાને એક રૂપિયાનું પણ નુકસાન ન હોય તોયે કોઇ કોઇનું ભલું ઇચ્છતું નથી! કોઇ માટે કંઈ ન કરી શકો તો એટલિસ્ટ એનું ભલું ઇચ્છો, એના માટે પ્રાર્થના કરો! હું કેવો છું કે કેવી છું એ કોઇને બતાવવાની જરૂર જ નથી, કારણ કે માણસ જેવો હોય એવો પરખાઇ જ આવતો હોય છે!
છેલ્લો સીન :
તમે તમારું ભલું ઇચ્છો છો? તો કોઈનું બૂરું ન ઇચ્છો! – કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 29 મે, 2022, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: