FOOD TRAVEL નવો ટ્રાવેલ ટ્રેન્ડ : હરો ફરો અને ફૂડને એન્જોય કરો – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

FOOD TRAVEL

નવો ટ્રાવેલ ટ્રેન્ડ : હરો ફરો

અને ફૂડને એન્જોય કરો

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

ફૂડ ટ્રાવેલ એ ફરવાની લેટેસ્ટ ફિલોસોફી છે. સ્વાદના શોખીનો માટે નવી સફર શરૂ થઇ છે!

દરેક શહેરની કોઇને કોઇ ફૂડ સ્પેશિયાલિટી હોય છે. સ્ટ્રીટ ફૂડનો ટેસ્ટ ફાઇવ સ્ટારમાં મળતો નથી!

ફૂડ બ્લોગ અને ફૂડ ટ્રાવેલ શો હવે જબરજસ્ત લોકપ્રિય થઇ રહ્યા છે.

તમને નવી નવી ડિશ ટેસ્ટ કરવી ગમે છે?

———-

હમણાં ગુજરાતીઓ વિશે એક વાત વાઇરલ થઇ હતી. આપણે ગુજરાતીઓ પણ ગજબના છીએ. ઘરે પીઝા મંગાવીને ખાઇએ છીએ અને ઇટાલી જઇએ ત્યારે થેપલા સાથે લઇ જઇએ છીએ! ગુજરાતીઓ વિશે હળવાશમાં એવું કહેવાય છે કે, રોમમાં રસ અને પેરિસમાં પાતરા ખાઇને ગલોફે પાન ચડાવે એ પાક્કો ગુજરાતી! આવી વાતો ભલે થતી હોય પણ ખરી વાત એ છે કે, ગુજરાતીઓ એક્સપેરિમેન્ટ કરવામાં કોઇનાથી ઓછા ઉતરે એવા નથી. ગુજરાતીઓ ફૂડી છે. આપણા દરેક શહેર તો શું, નાના નાના ગામડાઓની પણ કોઇને કોઇ ફૂડ સ્પેશિયાલિટી છે. અમદાવાદમાં માણેક ચોક છે. દરેક શહેરમાં ખાણી પીણીના ચોક્કસ વિસ્તાર છે. શહેરોની ફેવરિટ આઇટેમ્સના નામ લેવા બેસીએ તો લિસ્ટ લાંબું થાય એમ છે. ગુજરાતીઓએ દરેક ફૂડને અપનાવ્યું છે અને એનું ગુજરાતીકરણ પણ કરી નાખ્યું છે. પંજાબી અહીં તમને ગુજરાતી સ્ટાઇલ અને સ્વાદમાં મળે છે! ગુજરાતમાં જે ચાઇનીઝ વેચાય છે એ જો ચીનાઓ ખાય તો એને ચક્કર આવી જાય! મુંબઇના વડા પાઉં આપણે ત્યાં અનેક સ્વાદમાં મળે છે. કચ્છની દાબેલીએ દેશ અને દુનિયામાં નામ કાઢ્યું છે. તમે ક્વિન ફિલ્મ જોઇ છે? ક્વિનમાં કંગના તેના ફ્રેન્ચ ફ્રેન્ડને ફ્રેંચ ટોસ્ટ ખવડાવે છે. ફ્રેંચ ફ્રેન્ડ કહે છે કે, હું ફ્રાંસનો છું અને આ ફ્રેંચ ટોસ્ટ નથી! એ વખતે કંગના એવું કહે છે કે, યે સિર્ફ ઇન્ડિયા મેં મિલતા હૈ! આપણું એવું જ છે, થાઇ હોય કે મેક્સિકન, એને ઇન્ડિયન ટચ આપી દેવામાં આવે છે! આપણા દેશમાં એવા બસ અને રેલવે સ્ટેશનો છે જ્યાંની કોઇને કોઇ આઇટેમ લોકોને દાઢે વળગી છે.

હવે ફૂડને ટ્રાવેલ સાથે જોડીને ટ્રાવેલિંગને નવું રૂપ આપવામાં આવી રહ્યું છે. ભૂખ અને સ્વાદ દરેક માણસની જિંદગી સાથે જોડાયેલા છે. આપણે એવા લોકો જોયા જ હોય છે જે અમુક વાનગી ખાવા માટે સો બસો કિલોમિટર ડ્રાઇવ કરીને જાય છે! હવે ફૂડને ટૂરિસ્ટ પ્લેસ બનાવવામાં આવી રહ્યા છે. દિલ્હી ફરવા જનારાઓને ચાંદની ચોકની ખાઉં ગલીઓમાં લઇ જવામાં આવે છે. મધ્ય પ્રદેશના ઇન્દોરના પોહા જલેબી, દહીં વડા, ખટ્ટા સમોસા, મૂંગ ભજીયા, કચોરી, દાલ બાફલા, જલેબા, માવા બાટી અને નમકીન વખણાય છે. ઉત્તર પ્રદેશના લખનઉની વેજ અને નોન વેજ બિરયાની, કર્ણાટકના ઉડીપીના ટોમેટો ભાત, ઇડલી, સંભાર, ઢોસા, રસમ અને બીજી સાઉથ ઇન્ડિયન વાનગીઓ, પંજાબના અમૃતસરના છોલે કૂલછા અને જાતજાતના સ્ટફ પરાઠા, રાજસ્થાનના મંડોરની દાલબાટી અને ચુરમા, નાગાલેન્ડના કોહિમાના આદિવાસીઓના પંરપરાગત ફૂડ, બંગાળના ઝાલમૂરી અને રસગુલ્લા, આંધ્ર પ્રદેશના તિરૂપતિની ચોખાના લોટમાંથી બનાવેલી મીઠાઇઓ હવે ફૂડ ટ્રાવેલનો હિસ્સો બની ગઇ છે. ગુજરાતીઓ મોટા ભાગે વેજિટેરિયન ફૂડ પસંદ કરે છે એટલે ચોઇસ થોડીક ઓછી થઇ જાય છે પરંતું ગુજરાતીઓ સૌથી વધુ ટ્રાવેલ કરનારા હોવાથી દરેક સ્થળે વેજ ફૂડ રાખવામાં આવે છે. દેશના અમુક ટૂરિસ્ટ સ્પોટ ઉપર તો ચોખ્ખા શબ્દોમાં એવું લખવામાં આવે છે કે, વેજ વાનગીઓ માટે અમારે ત્યાં અલગ રસોડું છે. જૈન ફૂડ માટે પણ દરેક સ્થળે અલગ વ્યવસ્થાઓ કરવામાં આવે છે.

આપણા દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફૂડની જે વરાયટીઝ છે એટલી દુનિયાના કોઇ દેશમાં નથી. દેશમાં દર શિયાળામાં તિબેટીયન લોકો ગરમ કપડાં વેચવા આવે છે. તિબેટીયનો પણ હવે ગરમ કપડાના સ્ટોલ્સની સાથે તિબેટીયન ફૂડના કાઉન્ટરો રાખવા માંડ્યા છે. લોકો ફરવા જાય ત્યારે જોવા લાયક સ્થળોની સાથે એ પણ પૂછવા લાગ્યા છે કે, અહીં બેસ્ટ અને લોકલ ફૂડ ક્યાં મળશે? ફરવા જનારાઓને પણ એવી ભલામણો કરવામાં આવે છે કે, બહાર જાવ ત્યારે ત્યાંના લોકલ ફૂડ ટેસ્ટ કરવાનું ન ભૂલતા! એની એક અલગ જ મજા હોય છે! દેશના સ્થળોની સાથોસાથ વિદેશના ફૂડ ડેસ્ટિનેશનની પણ આજકાલ ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. ચીન અને થાઇલેન્ડ વિશે આપણે એવું બધું બહુ સાંભળ્યું છે કે, ત્યાં તો સાપ અને બીજા જીવજંતુઓ તમારી સામે રાંધીને ખવડાવે છે. પાંજરામાં કેદ સાપ કે પાણીમાં તરતી માછલીમાંથી તમારે પસંદ કરવાની, થોડા સમયમાં એની ડિશ તમારી સામે હાજર! આપણને સૂગ અને ચીડ ચડે એ સ્વાભાવિક છે પણ જે છે એ છે. વેજ લોકો ભલે નોન વેજ ન ખાતા હોય, એ લોકો ખાવા નહીં પણ જોવા માટે આવી ફૂડ ગલીઓમાં જતા હોય છે!

દુનિયાના દરેક દેશમાં હવે ફૂડ ફેસ્ટિવલ સામાન્ય થઇ ગયા છે. આવા ફૂડ ફેસ્ટિવલમાં ટૂરિસ્ટને એટ્રેક કરવા માટે જાતજાતના નુસખાઓ અપનાવવામાં આવી રહ્યા છે. ટૂરિસ્ટસને કહેવામાં આવે છે કે, તમને આ સ્થળનું આ સ્પેશિયલ ફૂડ પીરસવામાં આવશે. યુનેસ્કોના હેરિટેજ ફૂડની યાદીમાં સમાવાયેલી વાનગીઓને ટ્રાવેલ સાથે જોડી દેવામાં આવી છે. સાઉથ કોરિયાની આઇટમ કિમચી, મિડલ ઇસ્ટનું હમૂસ, કેનેડાનું પોઉટીન, ઇટલીનું લસાંગા અને બીજા દેશોની અનેક વાનગીઓ વિશે એવું કહેવામાં આવે છે કે, માણસે જિંદગીમાં એક વખત તો આ વાનગીઓ આરોગવી જ જોઇએ!

અમુક વાનગીઓ અમુક વિસ્તારમાં જ સારી બને છે. આપણે ત્યાં પણ એવું કહેવાય છે કે, ગાંઠીયા તો કાઠીયાવાડના જ અને ખાજલી તો પોરબંદરની જ! ફૂડ એક્સપર્ટસ કહે છે કે, જે તે દેશના ભોજનમાં ત્યાંના વાતાવરણ, પાણી અને ત્યાંના અનાજ તથા શાકભાજી મહત્ત્વનો ભાગ ભજવે છે. તમે માર્ક કરજો, શાકભાજી ભલે સરખા હોય પણ બાર ગાવે જેમ બોલી બદલાય એમ શાકભાજીનો પણ ટેસ્ટ પણ બદલાતો હોય છે. બનાવવાની સ્ટાઇલની પણ ખૂબી હોય છે. હાથ ફરે એટલે ટેસ્ટ બદલી જાય છે. તમે બીજા વિસ્તારની કોઇ ડિશ બનાવવાનો કદાચ પ્રયાસ કર્યો હશે. ઇનગ્રિડિયન્સ તો બધા જ બરોબર લીધા હશે પણ વાનગી બનાવીને ચાખી હશે ત્યારે એવું તો થયું જ હશે કે, ત્યાંના જેવો ટેસ્ટ આવતો નથી! એનું કારણ હવા-પાણી અને ધાન છે!

દુનિયાના દરેક દેશ હવે પોતાનું નામ વર્લ્ડના બેસ્ટ ફૂડ ટ્રાવેલ ડેસ્ટિનેશનમાં દાખલ કરાવવા ધમપછાડા કરી રહ્યા છે. ગૂગલમાં બેસ્ટ ફૂડ ડેસ્ટિનેશન સર્ચ કરી જોજો, તમને એટલા બધા ટોપ ટેન ડેસ્ટિનેશન જોવા મળશે કે કયું સાચું એ નક્કી કરવું અઘરું થઇ પડે! દુનિયાના ફૂડ એક્સપર્ટસ, ફૂડ બ્લોગર્સ અને ફૂડ ટ્રાવેલર્સ એવું કહે છે કે, અગાઉના સમયમાં લોકો ફરવા જતા ત્યારે તેમનો ઇરાદો અલગ અલગ સ્થળો જોવાનો અને એના વિશે જાણવાનો હતો. ટુરિસ્ટો ખાવા-પીવામાં જે મળે એ ચલાવી લેતા. એ લોકો એવું વિચારતા કે, બહાર જઇએ એટલે આપણી પસંદગીનું કે આપણને ભાવે એ મળે એવું જરૂરી નથી. જે મળે એમાં રોળવી લેવાનું. એ સમયે પેટ ભરવાનો કન્સેપ્ટ જ હતો. હવે એવું નથી. લોકો ફરવા જાય ત્યારે પહેલા ખાવા-પીવા વિશે વિચારે છે. ત્યાં શું મળશે એવો સવાલ પહેલા કરે છે. બાય ધ વે, તમે ક્યાંય ફરવા ગયા હોવ અને કોઇ નવી વાનગી ખાધી હોય એમાંથી કઇ વાનગી તમને યાદ રહી ગઇ છે? તમને જે યાદ રહી ગઇ હશે એના વિશે તમે તમારા નજીકના લોકોને એવું કહ્યું જ હશે કે ત્યાં જાવ ત્યારે એ ખાવાનું ભુલતા નહી! ફરવામાં હવે જોવાલાયકની સાથે ખાવાલાયકનું લિસ્ટ પણ ઉમેરાઇ ગયું છે! ખાવાની સાથે પીવાની વાત પણ હોય છે. ક્યાંનો વાઇન બેસ્ટ અને ક્યાંની વ્હીસ્કી મજેદાર છે એના વિશે પણ બહુ બધું  કહીને ટુરિસ્ટને આકર્ષવામાં આવે છે.

ખાવાની વાત નીકળી જ છે તો સાથોસાથ એક વાત પણ કરી જ લઇએ. દેશના સેલિબ્રિટી કૂક સંજીવ કપૂરને એક વખત પૂછવામાં આવ્યું હતું કે, દુનિયાનું બેસ્ટ ફૂડ ક્યું છે? સંજીવ કપૂરે કહ્યું હતું કે, માના હાથની વાનગીઓ! મા જેવું બનાવે એવું દુનિયામાં કોઇ બનાવી ન શકે અને એવું સમગ્ર વિશ્વમાં ક્યાંય ન મળે! એવું કદાચ એટલા માટે હોય છે કારણ કે, માના હાથે બનેલી રસોઇમાં માનો પ્રેમ ભળેલો હોય છે! છેલ્લે એક વાત, બહાર જાવ ત્યારે એ વિસ્તારનો ફૂડનો ટેસ્ટ જરૂર કરજો, આખરે એ પણ આપણા કલ્ચરનો જ એક હિસ્સો છે! દેશ અને દુનિયાનું ફૂડ કલ્ચર પણ કંઇ ઓછું ફેન્સી નથી!

હા, એવું છે!

તમને ખબર છે, આઠ જાતના વિચિત્ર ફૂડ ફોબિયા હોય છે! સિબોફોબિયાથી પીડાતા લોકો ખાવા-પીવાથી જ ડરે છે! બીજી એક વાત એ છે કે, દરેક માણસને કોઇને કોઇ વાનગીથી ચીડ હોય છે, એનું નામ પડે એટલે મોઢું બગડી જાય છે! બાય ધ વે, તમારી ફેવરિટ ડીશ કઇ છે અને તમને શું જરાયે નથી ભાવતું?

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 09 ફેબ્રુઆરી 2022, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

One thought on “FOOD TRAVEL નવો ટ્રાવેલ ટ્રેન્ડ : હરો ફરો અને ફૂડને એન્જોય કરો – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

  1. Sir, maru nam Uday khavad che
    Aapna lekh khub Sara’s hoi 6e
    Tamari site mast 6e jo tame Aa site nu management mari pase karavso To Haji pan saru ane income pan aave A rite nu kam Hu Kari aapis .
    Contact mate email karjo saheb.
    Thank you Sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *