મનાવવાની પણ આખરે કોઇ હદ હોય કે નહીં? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મનાવવાની પણ આખરે

કોઇ હદ હોય કે નહીં?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ફૈસલા તુમકો ભૂલ જાને કા, ઇક નયા ખ્વાબ હૈ દિવાને કા,

જિંદગી કટ ગઇ મનાતે હુએ, અબ ઇરાદા હૈ રુઠ જાને કા.

-ફરહાત શહેજાદ

સમય અને જિંદગીની જેમ જ સ્નેહ પણ ક્યારેય એક સરખો રહેતો નથી. પ્રેમ ક્યારેક ટોપ ઉપર હોય છે તો ક્યારેક એનું તળિયું પણ આવી જાય છે. પ્રેમમાં પણ ભરતી અને ઓટ આવતાં જ રહે છે. પ્રેમમાં ક્યારેક ઉન્માદ હોય છે તો ક્યારેક ઉશ્કેરાટ હોય છે, ક્યારેક જિંદગી ઓવારી જવાનું મન થાય છે તો ક્યારેક છેડો ફાડી નાખવાનું મન થઇ આવે છે, ક્યારેક એવું લાગે છે કે, તું છે તો જિંદગી જીવવા જેવી છે તો ક્યારેક એના કારણે જ જિંદગીના જહન્નમ જેવી લાગે છે. પ્રેમ ક્યારેય કોઇને પૂરેપૂરો સમજાતો જ નથી, એટલે જ કહેવાનું મન થાય છે કે, પ્રેમને સમજવાનો પ્રયત્ન જ ન કરો. પ્રેમ કરો. પ્રેમની અનુભૂતિ જ આપણને આપણી હયાતીનો અલૌકિક અહેસાસ કરાવે છે. બે વ્યકિતની કેમેસ્ટ્રી જ્યારે મળે છે ત્યારે બંનેનું એક પોતીકું સ્વર્ગ રચાઇ જાય છે. એ સમયે બધું જ સુંદર લાગે છે. પ્રકૃતિનો કણે કણ રોમાંચક લાગે છે. દરિયાની રેતી પર લખાયેલું એક નામ અંદરથી ભીંજવે છે. આંગળીના ટેરવામાં ઝંખના જાગે છે. આંખોમાં મદહોશી અંજાઇ છે. શ્વાસ પણ સુગંધિત લાગે છે. શબ્દો સાત્ત્વિક થઇ જાય છે. આખું અસ્તિત્વ રંગીન લાગે છે. માણસને પ્રેમ થાય ત્યારે જ એને એવું લાગે છે કે મને બધું જ મળી ગયું! હવે કંઇ ન મળે તો પણ કંઇ નહીં! આ જ પ્રેમ ક્યારેક થોડોક આસરે છે. ક્યારેક આપણી વ્યકિત માટે જ સવાલ થાય છે કે, આ એ જ માણસ છે જે મારી પાછળ પાગલ હતો? આ એ જ છે જે મારા માટે કંઇ પણ કરી છૂટવા તૈયાર હતો અથવા તો હતી. આ એ નથી જેને મેં પ્રેમ કર્યો હતો! આ એ નથી જેને જોઇને મારા શ્વાસની ગતિ વધી જતી હતી! આ એ નથી જેને એક નજર જોવા માટે તલસાટ હતો! પોતાની વ્યક્તિ જ ક્યારેક જુદી લાગે છે! વ્યક્તિ એ જ હોય છે જે આખા જમાના સાથે લડી લેવા તૈયાર થઇ ગઇ હોય છે.

સમય અને મૂડ બદલાતા રહે છે. બધું જ તરબતર હોય ત્યારે જ કંઇક એવું બને છે કે, વમળો સર્જાઇ છે. બધું જ વિખેરાતું હોય એવું લાગે છે. આપણો મગજ પણ એવા સમયે થોડોક છટકતો હોય છે. એને મારી પરવા નથી તો મનેય કોઇ ફેર પડતો નથી. એ આખરે એના મનમાં સમજે છે શું? દર વખતે મારે જ જતું કરવાનું? દર વખતે મારે જ નમતું જોખવાનું? મારી ફિલિંગ્સની તો એને પડી જ નથી!’ કેટકેટલાંયે વિચાર આવી જાય છે. આપણે ભલે એવું કહીએ કે, મને કોઇ ફેર પડતો નથી પણ આપણને ફેર પડતો હોય છે, જો ફેર ન પડતો હોત તો આપણે એના વિશે આટલા વિચાર જ ન કરતા હોત. આપણો ઉકળાટ એ સાબિત કરે છે કે આપણને તેની અસર થાય છે. ક્યારેક ગુસ્સાનું કારણ પણ પ્રેમ હોય છે. એક પતિ-પત્નીની આ વાત છે. પતિ રોજ ટિફિન લઇને ઓફિસ જાય. લંચ ટાઇમ થાય એટલે પત્ની ફોન કરીને પૂછે કે, તું જમ્યો? એ જમી લે પછી જ પત્નીને હાશ થાય. એક સમયે ઓફિસમાં બહુ કામ રહેવા લાગ્યું. પતિ લંચ સમયે જમી ન શકતો. દરરોજ જમવામાં મોડું થઇ જાય. પત્ની પૂછે તો કહે કે, બસ હમણાં જમવા બેસું જ છું. એક વખત પત્ની ગુસ્સે થઇ ગઇ. તું કેમ સમયસર જમી લેતો નથી? શેના માટે આટલી બધી હાયહોય કરે છે? જમવાની પણ ફૂરસદ નથી તને? પત્ની પછી ગળગળી થઇ ગઇ. તને ખબર છે તું જમ્યો નથી હોતો ત્યાં સુધી મને ગળે કોળિયો ઉતરતો નથી. એમ જ થયા રાખે છે કે, હજુ તું જમ્યો નથી. કેટલીક લાગણીઓ સમજની બહાર હોય છે. પ્રેમમાં એટલે જ ઘણું બધું સમજાતું નથી! પ્રેમના કારણે જ ઝઘડા સર્જાતા હોય છે.

ઝઘડાની બ્યૂટી મનાવવામાં છે અને માની જવામાં છે. ક્યારે માની જવું એને જેની સમજ છે એને જ પ્રેમની સાચી સમજ હોય છે. નારાજ થતાં થઇ જવાય છે અને પછી એવી પણ તમન્ના જાગે છે કે, મને કોઇ મનાવે. કોઇ મનાવે નહીં ત્યારની પીડા સહી ન શકાય કે કોઇને કહી ન શકાય એવી હોય છે. મનાવવાની વાત નીકળી ત્યારે એક છોકરીએ કહ્યું કે, મારા પતિને તો મનાવતા જ નથી આવડતું, મારે જ રીસાવાનું અને મારે જ માની જવાનું! ઝઘડાનો કોઇ ચાર્મ જ રહેતો નથી! એક પતિ-પત્નીની આ વાત છે. લાંબો સમય થઇ ગયો બંને વચ્ચે કોઇ ઝઘડો થયો નહોતો. પત્નીએ એક વખત કહ્યું કે, આપણે ઘણા સમયથી ઝઘડ્યા નથી નહીં? પતિએ સામે સવાલ કર્યો, કેમ આવું પૂછે છે? પત્નીએ કહ્યું, એમ જ, આ તો તારો મનાવવાનો લાડ નથી મળ્યો હમણાં એટલે વિચાર આવી ગયો!

ઝઘડવાની, રીસાવાની, મનાવવાની અને માની જવાની પાછી દરેકની પોતાની અનોખી સ્ટાઇલ હોય છે. પોતાની વ્યક્તિને એ ખબર પણ હોય છે કે, આ કેવી રીતે માનશે? તકલીફ ત્યારે થાય છે જ્યારે બંનેને મનાવવાની અને માનવાની ટ્રીકની ખબર હોય છતાં બેમાંથી કોઇ એ ટ્રીકનો ઉપયોગ ન કરે. આ શું વારેવારે રીસાઇ જવાનું? નાની નાની વાતમાં મોઢું ચડી જાય છે! મારે શું બોલવામાં પણ ધ્યાન રાખવાનું? વાત લંબાઇ જાય છે. ઝઘડો લંબાઇ જાય ત્યારે એવું પણ ફીલ થતું હોય છે કે, યાર ખોટું થઇ ગયું. આટલું લાંબું ખેંચવાની જરૂર નહોતી. એક પતિ-પત્નીને ઝઘડો થયો. દર વખતે પતિ મનાવતો હતો. આ વખતે એનું પણ છટકેલું હતું. તેણે નક્કી કર્યું કે, આ વખતે તો એને મનાવવી જ નથી, એને જે કરવું હોય એ કરે. ઘણો સમય થઇ ગયો. પત્ની સમજી ગઇ કે, આ વખતે મહાશય સીધા નથી રહેવાના! પત્નીએ કહ્યું, હા તેને તો સોરી કહેવામાં પણ બળ પડશેને? જવા દે, તારા જેવું કોણ થાય? હું જ તને સોરી કહી દઉં છું બસ! હાલ હવે મોઢું સરખું કરી નાખ!

બે વ્યકિત વચ્ચે ગમે એવો પ્રેમ હોય ક્યારેક તો ઝઘડો થવાનો જ છે! પ્રેમ એનાથી વર્તાતો હોય છે કે તમે તમારી વ્યક્તિનું કેટલું જતું કરો છો. ઘણા લોકો પોતાનો વાંક ન હોય તો પણ સોરી કહી દે છે કારણ કે એ એવું નથી ઇચ્છતા હોતા કે એની વ્યક્તિ નારાજ, ઉદાસ કે દુખી રહે! એને પોતાની વ્યકિત ખુશ રહે એટલું જ જોઇતું હોય છે. મનાવવામાં એક પોઇન્ટ એવો આવતો હોય છે જ્યારે માણસની મનાવવાની કેપેસિટી પૂરી થઇ જતી હોય છે. એ હદ આવે ત્યારે માણસને એવું થાય છે કે, મનાવવાની પણ કોઇ લિમિટ હોય કે નહીં? આટલું કહ્યું હોય તો ભગવાન પણ માની જાય પણ આને તો કંઇ ફેર જ પડતો નથી! મનાવવાની અને માનવાની હદ પૂરી થાય પછી જીદ શરૂ થાય છે, ઇગો વચ્ચે આવી જાય છે, વાત વટે ચડી જાય છે અને ઘણી વખત ન થવાનું પણ થઇ જાય છે. કોઇ વાતને એટલી ન ખેંચવી જોઇએ કે એ તૂટી જાય, તૂટી ગયા પછી જોડાતું નથી, જોડાઇ તો પણ એમાં વાર લાગતી હોય છે. એક ખટાશ આવી જાય છે. ખટાશ આવે પછી મીઠાસ રહેતી નથી. સંબંધને ખોટા થવા ન દો! બહુ બધું પકડી ન રાખો, છોડી દો, જવા દો, જતું કરી દો, માફ કરી દો, આખરે તો એ પોતાની વ્યક્તિ જ છેને! વારે વારે રીસાઇને અથવા તો મનાવવા છતાં યોગ્ય સમયે ન માનીને આપણે ઘણું બધું ગુમાવતા હોય છે. હાથ છૂટે અને સાથ તૂટે એના માટે દરવખતે સામેની વ્યક્તિ જ જવાબદાર હોતી નથી, ક્યારેક આપણે પોતે જ જવાબદાર હોઇએ છીએ! પ્રેમ અને દાંપત્યમાં એક વાત યાદ રાખવા જેવી હોય છે કે, જે કંઇ છે એ બંનેના કારણે છે, સાથ હશે તો જ સંબંધ સજીવન લાગશે. ચીમળાયેલા સંબંધો ધીમે ધીમે મુરઝાઇ જતા હોય છે. જ્યારે પણ એવું લાગે કે, સંબંધ સુકાઇ રહ્યો છે ત્યારે તેને થોડોક સ્નેહ છાંટીને પાછો સજીવન અને સુગંધિત કરી લેવો જોઇએ.

છેલ્લો સીન :

માની જઇએ તો જ મનાવવાળાનું માન જળવાશે. કોઇ મનાવે ત્યારે સમયસર માની જવું એ પણ સંબંધની માવજત જ છે.                       -કેયુ

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 9 જાન્યુઆરી 2022, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Be the first to comment

Leave a Reply