આસ્તિકો v/s નાસ્તિકો : ખયાલ અપના અપના, પસંદ અપની અપની દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

આસ્તિકો v/s નાસ્તિકો

ખયાલ અપના અપના, પસંદ અપની અપની

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

સમગ્ર દુનિયામાં નાસ્તિકોની સંખ્યા સતત વધી રહી છે.

નાસ્તિકો માને છે કે, ભગવાનનું અસ્તિત્ત્વ જ નથી.

નાસ્તિકોની સરખામણીમાં આસ્તિકોની સંખ્યા ખૂબ મોટી છે.

આસ્તિકો માને છે કે, ઉપરવાળો જ સર્વશક્તિમાન છે.

જો ભગવાન નથી તો પછી આવડું મોટું જગત ચલાવે છે કોણ?

ધર્મ વિશે દરેકની પોતાની માન્યતાઓ અને ધારણાઓ હોય છે.

દરેકને પોતે ઇચ્છે એ માનવા કે ન માનવાનો અધિકાર છે.

કહેવાવાળા તો એમ પણ કહે છે કે, નાસ્તિકતા પણ છેલ્લે તો એક માન્યતા જ છે!

—————-

એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને સવાલ કર્યો. મહારાજ, આસ્તિક હોવું સારું કે નાસ્તિક હોવું સારું? સંતે જરાક હસીને જવાબ આપ્યો કે, વાસ્તવિક હોવું સારું! સંતની આ વાત પાછળ ગૂઢ અર્થ છુપાયેલો છે. અલબત્ત, વાસ્તવિકતામાં માનનારો માણસ પણ આસ્તિક કે નાસ્તિક હોય શકે છે. આસ્તિક અને નાસ્તિક બંને એવું જ માને છે કે, અમે માનીએ છીએ એ જ સાચું છે! નાસ્તિકો વિશે એવું પણ કહેવાય છે કે, નાસ્તિકતા એ પણ છેલ્લે તો એક માન્યતા જ છેને?

હવે એક બીજી વાર્તા સાંભળો. એક માણસ સંત પાસે ગયો. તેણે કહ્યું કે, ભગવાન જેવુ કંઇ હોતું નથી. આખી દુનિયા એક ગોઠવણ મુજબ ચાલી રહી છે. જેવી રીતે એક યંત્ર ચાલે એવી જ રીતે બધું ચાલે છે. સંતે કહ્યું કે, બરાબર છે. સંત એ માણસને એક યંત્ર પાસે લઇ ગયા. સંતે કહ્યું, આ યંત્ર ચાલુ કર. પેલા માણસે પાવરની સ્વિચ દબાવી અને મશીન ચાલુ કર્યું. સંતે સવાલ કર્યો, આ મશીન ચાલે છે એમ જ આખું જગત ચાલે છેને? પેલા માણસે કહ્યું, બરાબર છે, બધું યંત્રની જેમ જ ચાલે છે. સંતે પછી સવાલ કર્યો કે, હવે તું મને માત્ર એટલું કહીશ કે એ મશીનની સ્વિચ કોણ દબાવે છે? કોણ છે જે ચાપ દબાવીને મશીનને ચાલુ કરે છે?

ધર્મ બહુ સંવેદનશીલ વિષય છે. ધર્મ સાથે દરેક માણસની શ્રદ્ધા, લાગણી, માન્યતા અને વિચારસરણી જોડાયેલી હોય છે. મોટા ભાગના લોકો એ ધર્મને ફોલો કરે છે જેને એ ધર્મ વારસામાં મળે છે. આપણે કોઇ ધર્મની વાત નથી કરવી પણ એવો લોકોની વાત કરવી છે જે કોઇ જ ધર્મમાં માનતા નથી! એ લોકો પોતાને નાસ્તિક તરીકે ઓળખાવે છે. દુનિયામાં નાસ્તિકોની સંખ્યા સતત વધી રહી છે. 2012ના ગ્લોબલ ધાર્મિક સૂચકાંકમાં એવું બહાર આવ્યું હતું કે, 3 ટકા ભારતીયો ઇશ્વરના અસ્તિત્ત્વને સ્વીકારતા નથી. 2011માં આપણા દેશમાં વસતિ ગણતરી થઇ હતી. એ વખતે ભારતની વસતિ 1.2 અબજ હતી. તેમાં 33 હજાર લોકો નાસ્તિક હતા. આપણા દેશમાં નાસ્તિકોની ઘણી સંસ્થાઓ પણ છે. ઉત્તર પ્રદેશનું અર્જક સંઘ નાસ્તિકતા માટે જાણીતું છે. અર્જક સંઘના રામસ્વરૂપ શર્માને તો ભારતના કાર્લ માર્ક્સ જ કહેવામાં આવતા હતા. આપણા દેશેમાં જે લોકો કોઇ ધર્મમાં નથી માનતા એ લોકો પણ એવું તો સ્વીકારે જ છે કે, માનવતા સૌથી મોટો ધર્મ છે. જરૂરિયાતમંદ લોકોનું ભલું કરો એ પ્રાર્થના જ છે. ભૂખ્યાનું પેટ ભરો એ પૂજા જ છે. કોઇને ભણાવો એ ભક્તિ જ છે.

ચીન સત્તાવાર રીતે નાસ્તિક દેશ છે. ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી કોઇ ધર્મને સ્વીકારતી નથી. કમ્યુનિસ્ટ પાર્ટી ભલે ન સ્વીકારે પણ ચીનમાં કન્ફ્યુસિયનિઝમ, બોદ્ધ, તાઓઇઝમ ઉપરાંત ઇસાઇ અને ઇસ્લામમાં માનનારા લોકો પણ છે. અમેરિકામાં નાસ્તિકોની સંખ્યા સતત વધી રહી છે. પ્યુ રિસર્ચ સેન્ટરના અભ્યાસ મુજબ અમેરિકામાં છેલ્લા એક દાયકામાં કોઇ ધર્મમાં ન માનનારા લોકોની સંખ્યામાં 17 ટકાનો વધારો થયો છે. ચેક રિપબ્લિક, નાર્થ કોરિયા, સાઉથ કોરિયા, ઇસ્ટોનિયા, જાપાન, હોંગકોંગ, સ્વીડન સહિત એવા ઘણા દેશો છે જ્યાં ઇશ્વર ન હોવાનું માનનારાની વસતિ વધુ છે. દુનિયામાં એવા ઘણા મહાન માણસો થઇ ગયા છે જેઓ નાસ્તિક હતા. સ્ટિફન હોંકિંગે તો લખ્યું છે કે, ધેર ઇઝ નો ગોડ!

ગમે તે હોય, સમગ્ર દુનિયામાં એવા લોકો બહુમતીમાં છે જેઓને ભગવાનમાં ભરોસો છે. થોડા વર્ષો અગાઉ 18 દેશોમાં એક સર્વે થયો હતો જેમાં એવું બહાર આવ્યું હતું કે, અમેરિકામાં 61 ટકા લોકો ઇશ્વરમાં શ્રદ્ધા રાખે છે. પોલેન્ડમાં 86 ટકા, હંગેરીમાં 59 ટકા લોકો ઇશ્વરમાં માને છે. 1976માં યરોપિયન દેશ અલ્બાનિયાને સરમુખત્યાર અનવર હોક્સહાએ નાસ્તિક દેશ ડિકલેર કર્યો હતો. ધર્મ જ બધી સમસ્યાઓનું મૂળ છે એવું કહીને અનવરે 2169 ધાર્મિક સ્થાનો બંધ કરાવી દીધા હતા. અનવરે તો એવું એલાન કર્યું હતું કે, જો કોઇ ધર્મને અનુસરશે તો એને જેલમાં ધકેલી દેવામાં આવશે. ઘણાને પકડીને તેણે જેલમાં ધકેલી પણ દીધા હતા. તુર્કીમાં કોંડા નામની સંસ્થાએ કરેલા સર્વેમાં એવું જણાયું હતું કે, છેલ્લા દસ વર્ષમાં નાસ્તિકોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે.

નાસ્તિકો અને આસ્તિકો વચ્ચે ઇશ્વરના અસ્તિત્ત્વ વિશે ચર્ચાઓ અને વિવાદો થતાં રહે છે. આસ્તિકોનું માનવું છે કે, અલૌકીક શક્તિના આધારે જ સમગ્ર દુનિયા ચાલે છે. ભલે એવું કહેવાતું હોય કે ભગવાનને કોઇએ જોયા નથી પણ આસ્તિકો કહે છે, હવા ક્યાં કોઇએ જોઇ છે? ખુશ્બૂ પણ દેખાતી નથી. ભૂખ અને દર્દ પણ નજરે પડતા નથી, છતાં એ બધું છે, એમ ભગવાન પણ છે જ. આસ્તિકો તો સામા સવાલ કરે છે કે, ભગવાન નથી એવું કહેનારા પાસે શું સાબિતી છે કે ભગવાન નથી? આખું બ્રહ્માંડ શું એમને એમ જ ચાલે છે? જો એમ જ ચાલતું હોય તો બીજા ગ્રહો પર જીવન કેમ નથી? દલીલ તો એવી પણ કરવામાં આવે છે કે, બધું જ એમ જ ચાલે છે તો પછી માણસના અંગૂઠાની છાપ કેમ એકસરખી નથી? નાસ્તિક લોકો તો કહે છે કે, આત્મા જેવું પણ કંઇ હોતું નથી. જો આત્મા જ ન હોય તો અતૃપ્ત આત્માઓ કેવી રીતે ભટકે છે? ભૂત, પ્રેત જેવું ઘણું બધું છે એ શું છે? વિજ્ઞાન અને નાસ્તિકતાની આગળ પણ કંઇક છે અને એ ઇશ્વર છે.

ધર્મ, આસ્થા અને શ્રદ્ધા એવી ચીજ છે જે માણસને ટકાવી રાખે છે. માણસને તૂટવા નથી દેતી. જીવ માત્રમાં ભગવાનનો વાસ છે. દરેક પાસે પોતાની દલીલો છે. નાસ્તિકો અને આસ્તિકોની દલીલોમાં પણ એવું બહાર આવ્યું છે કે, આસ્તિકોની દલીલ વધારે કન્વિન્સિંગ છે. આસ્તિકો કહે છે કે, જેને ન માનવું હોય એ ન માને પણ ભગવાન નથી એવું તો ના કહે. ભગવાન છે એવું દરેક ધર્મ કહે છે, ઘણાને તેના અનુભવો પણ થયા છે. ધર્મ એક એવો આશરો છે જ્યાં દરેક માણસને શાંતિ મળે છે. એક ગજબનો અહેસાસ થાય છે. પોતાની ઓળખ મળે છે.

છેલ્લે એક વાત, એક અભ્યાસમાં એવું સાબિત થયું છે કે, ભગવાનમાં માનનારા લોકો ભગવાનમાં ન માનનારા લોકો કરતા લાંબું જીવે છે. અમેરિકાના સોશિયલ, સાયકોલોજિકલ એન્ડ પર્સનાલિટી સાયન્સ જર્નલમાં પ્રસિધ્ધ થયેલા એક રિસર્ચમાં એવું કહેવાયું છે કે, નાસ્તિકો કરતા આસ્તિકો એવરેજ ચાર વર્ષ વધુ જીવે છે. આ અભ્યાસ સામે પણ એવી દલીલો કરવામાં આવે છે કે, એ તો ધર્મ માણસને વ્યસનોથી દૂર રાખે છે એટલે ધર્મને માનનારા વધુ જીવે છે! તેની સામે આસ્તિકો એવું જ કહે છે કે, એ જ તો વાત છે કે ધર્મ જે કંઇ ખરાબ છે એનાથી માણસને દૂર રાખે છે અને સારી જિંદગી જીવતા શીખવાડે છે. ન માનવાવાળાઓ ભલે જે કહેવું હોય એ કહે પણ કોઇક એવી શક્તિ છે જે આખા જગતનું સંચાલન કરે છે. સાચી વાત કે નહીં?

હા, એવું છે!

70 ટકા લોકો પોતાની કેટલીક અંગત વાતો કોઇને કહેતા નથી. એ લોકોને એવો ડર હોય છે કે, હું વાત કરીશ એટલે વાત સાંભળનાર મને જજ કરશે અને મારા વિશે અયોગ્ય અભિપ્રાય બાંધશે!

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 08 ડિસેમ્બર 2021, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *