તમને ગોસિપ કરવી ગમે છે કે નહીં? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમને ગોસિપ કરવી

ગમે છે કે નહીં?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

ગોસિપ માણસનો સૌથી પ્રિય વિષય છે.

ભાષાની શોધ થઇ ત્યારથી માંડીને આજ દિવસ સુધીમાં ભાષાનો સૌથી વધુ ઉપયોગ ગોસિપ માટે જ થયો છે.

ગોસિપ વિશેનો એક સર્વે એવું કહે છે કે, દુનિયામાં 80 ટકા વાતચીતો કે સંવાદ ગોસિપ જ હોય છે.

દુનિયા માત્ર વીસ ટકા જ કામની વાતો કરે છે. ગોસિપ કરવામાં કોઇ માણસ બાકી નથી.

અમીરી-ગરીબી કે ભોળપણ કે ડહાપણ પણ ગોસિપને અટકાવી શકતું નથી.

ગોસિપ હેલ્થ માટે પણ સારી હોવાનું કહેવામાં આવે છે.

દરેકની જિંદગીમાં અમુક એવા લોકો હોય છે જેની સાથે એ ગોસિપ એન્જોય કરી શકે છે.

બાય ધ વે, તમે કેટલી ગોસિપ કરો છો અને કોની સાથે ગોસિપ કરો છો?

 ———-

વાતોના વડાં એટલું શું? કૂથલી કોને કહેવાય? ઘૂસપૂસ કરવાની તમને મજા આવે છે? ખટપટ અને કાનાફૂસી તમે કરો છો કે નહીં? બીજું કંઇ નહીં તો ગોસિપમાં તો તમને મજા આવતી જ હશે. તમે જો એવું કહેતા હોવ કે, હું ગોસિપ નથી કરતો, તો તમારા દિલ પર હાથ મૂકીને કહેજો કે, તમે સાચું બોલો છો કે ખોટું? એનું કારણ એ છે કે, દુનિયામાં એવો કોઇ માણસ જ નથી જે ગોસિપ કરતો ન હોય! હા, કોઇ વધુ તો કોઇ ઓછી ગોસિપ કરતો હશે પણ સાવ ગોસિપ કરતો ન હોય એવો માણસ તો દીવો શોધવા જાવ તો પણ મળે નહીં!

ગોસિપ વિષે વાત કરવાનું મન થયું એની પાછળનું એક કારણ છે. હમણાં થયેલા એક અભ્યાસમાં એવી વાત બહાર આવી છે કે, આખી દુનિયામાં આપણે બધા જ લોકો જે સંવાદ, વાતો કે કમ્યુનિકેશન કરીએ છીએ એમાં 80 ટકા ગોસિપ જ હોય છે! માત્ર વીસ ટકા વાતો જ કામની થાય છે. અલબત્ત, એનો મતલબ જરાયે એવો નથી કે બીજી વાતો સાવ નક્કામી હોય છે. એના પણ ઘણા બધા ફાયદાઓ છે. કૂથલી માણસને લાઇવ રાખે છે. કોઇની વાતો, ગામગપાટા અને નોનસેન્સ ટોક પણ જિંદગીને મજેદાર બનાવે છે. તમે માર્ક કરજો, ઘણી વખત કોઇ માણસ ગંભીર અને ડાહી ડાહી એટલે કે વજનદાર વાતો કરતો હશે તો આપણે કહીએ છીએ કે, મૂકને યાર, કંઇક મજા આવે એવી વાત કર! મજા શેમાં આવે? ગોસિપમાં? અમુક લોકોને તો ગોસિપ વગર ચાલતું જ નથી. ગોસિપ ન થાય તો એને જિંદગીમાં કંઇ રહ્યું ન હોય એવું જ લાગે છે. બધાની બધી ખબર પડે એ માટે ઘણા ઠેકી ઠેકીને ગોસિપ કરતા હોય છે.

માણસ જાતની શરૂઆત થઇ ત્યારથી માણસ ગોસિપ કરતો આવ્યો છે. એક વાત તો એવી પણ છે કે, ભાષાની શોધ પણ ગોસિપ કરવા માટે જ થઇ હતી. અગાઉના સમયમાં ગામના ચોરે લોકો ભેગા થતા અને ભવની પટલાઇ કરતા. મહિલાઓ મંદિરે કે બીજા કોઇ સ્થળે ભેગી થતી અને ગપ્પાઓ હાંકતી. નદીએ કપડાં ધોવા જતી વખતે અથવા તો કૂવે પાણી ભરવા જતી વખતે પણ કૂથલી કરી લેવામાં આવતી. લેડીઝમાં ગોસિપ માટે એક સરસ શબ્દ વાપરવામાં આવે છે, ઝીણી ઝીણી કરવી! લેડીઝ પોતાની ફ્રેન્ડને ખૂલ્લા દિલે કહે છે કે, આવને, થોડીક ઝીણી ઝીણી કરીશું! પુરૂષોની સરખામણીના સ્ત્રીઓ વધુ ગોસિપ કરે છે એવું અનેક અભ્યાસોમાં બહાર આવ્યું છે. આમ તો પુરૂષો પણ ઓછા ઉતરે એવા નથી હોતા!

ગોસિપ વિશે એક વાત તમને ખબર છે? દેખાવે ખૂબ શાંત, બુદ્ધિજીવી, ઇન્ટેલેક્ચ્યુલ લોકોને જોઇને ઘણી વખત સામાન્ય માણસને એમ થાય કે આવા લોકો તો નક્કામી વાતો કરતા જ નહીં હોય, જેના માટે એક એક મિનિટ કિંમતી હોય એવા લોકો પાસે ગપ્પા મારવાનો સમય જ નહીં હોતો હોય. આ વાત પણ ખોટી છે. હા, એ લોકો ગમે એની સાથે વાતો કરી શકતા નથી. એવા લોકોનું પોતાનું એક સિલેક્ટેડ ગ્રૂપ હોય છે. એક-બે એવા મિત્રો હોય છે જેની પાસે એ ખુલે છે. આમ તો બધા લોકો બધા પાસે ક્યાં ખુલી શક્તા હોય છે? દરેકનો એક એવો ખૂણો હોય છે જ્યાં એને વ્યક્ત થવામાં કે ગાંડા કાઢવામાં કશું જ નડતું નથી. સામા પક્ષે અમુક લોકો એવા હોય છે જેને વાત કરવા માટે બસ કોઇ માણસ જોઇતો હોય છે. ટ્રેનમાં કે પ્લેનમાં બાજુની સિટ પર બેઠેલા માણસ સાથે કોઇ જાતની ઓળખાણ ન હોવા છતાં એ લાંબો સમય કોઇ પણ વિષય પર આરામથી વાતો કરી શકે છે.

દરેક માણસ પાસે દરેક ઘટનાઓનો એક ચોક્કસ અભિપ્રાય હોય છે. એ સાચો હોય કે ખોટો હોય પણ પોતાનો હોય છે. ટાલથી માંડીને તાલિબાન સુધીની એ ચર્ચા કરી શકે છે. ઘણા લોકો બીજાનો કોઇ વિચાર જ નથી કરતા કે, સામેવાળી વ્યક્તિને વાત સાંભળવાની કે વાત કરવાની મજા આવે છે કે નહીં? હું જે વાતો કરું છું એમાં એને રસ છે કે નહીં? વાતો કરવાનો એનો મૂડ છે કે નહીં? આવી કોઇ વાતની એને પરવા જ નથી હોતી. આવા લોકોને તમે ટાળવાનો પ્રયાસ કરો તો પણ એને ખબર નથી પડતી કે આમને મારી વાતોમાં રસ નથી. જે બોલી શકે છે, વ્યક્ત થઇ શકે છે એ પ્રમાણમાં હળવા રહી શકતા હોય છે. ઘણા લોકો અંદરને અંદર ધૂંધવાતા રહે છે. કોઇને કંઇ કહેવાનો મતલબ નથી, કોઇને કંઇ ફેર પડતો નથી, આપણે હાથે કરીને શા માટે આપણી વાત કરવી જોઇએ? ઘણા લોકો કોઇની વાતો સાંભળવા વિષે પણ એવું કહે છે કે, આપણી પોતાની ઉપાધિઓ ઓછી છે કે પારકી ચિંતાઓ વહોરવી? જેને જે કરવું હોય એ કરે, આપણા બાપનું શું જાય છે?

તમે શું માનો છો, ગોસિપ વગર માણસ જીવી ન શકે? ગોસિપ વિશે અભ્યાસ કરનારને આવો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, ગોસિપ વગર માણસ બિલકુલ જીવી શકે પણ એ જીવવામાં બહુ મજા હોતી નથી! માણસને કંઇક કહેવું હોય છે, પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવું હોય છે, સારી ભાષામાં કહીએ તો મને ખબર છે, હું સમજુ છું, વિદ્વાન છું, જ્ઞાની છું એવું પણ સાબિત કરવું હોય છે. પોતાની માન્યતા વિરૂદ્ધની ચર્ચાઓ ઘણાથી સહન થતી નથી. આવા સંજોગોમાં સંવાદ ક્યારે સંગ્રામમાં ફેરવાઇ જાય એની પણ ખબર રહેતી નથી. કામની વાતો કરવા લોકો ભેગા થાય છે એ વખતે પણ કામની વાતો પતી જાય પછી ગોસિપ જ થતી હોય છે. મોટી મોટી કોર્પોરેટ કંપનીમાં એજન્ડા મુજબ ચર્ચાઓ થાય છે. એ ડિસ્કશન સિરિયસ અને ઇમ્પોર્ટન્ટ પણ હોય છે પરંતુ જેવી કામની વાતો પતે અને બધા લંચ કે ડીનર માટે જાય એ સાથે જ ગોસિપ શરૂ થઇ જાય છે! દરેક ઓફિસની પોતાની ગોસિપ હોય છે. ઓફિસમાં કંઇકને કંઇક એવું ચાલતું જ હોય છે જેની ચર્ચાઓ ચાલે! કોણ ક્યાં જાય છે, બોસે કોને ખખડાવ્યા, બોસનું કોણ વહાલું છે, કોની બદલી થાય છે, કોને કોની સાથે કેવા સંબંધો છે, કોણ કોનો ચમચો છે, કોણ સારું લગાડવામાં માહેર છે એ બધા તો ગોસિપના રેગ્યુલર સબજેક્ટ છે.

રૂબરૂ મળવાનો મેળ ન પડે તો માણસ ફોન પર ગોસિપ કરવાનું ચૂકતો નથી. કામ માટે ફોન આવે ત્યારે પણ માર્ક કરજો. કામ હોય એની વાત તો એક-બે મિનિટમાં જ પતી જાય છે. એ પછી એવું પૂછવામાં આવે છે કે, શું છે બાકી નવા-જૂની? બસ એ પછી ગોસિપ શરૂ થઇ જાય છે. જે માણસને ગોસિપ કરવાનું ફાવતું નથી, આવડતું નથી કે ગમતું નથી એને એવું થતું હોય છે કે, મારામાં આ આવડત નથી અને બીજા વાતો કરીને, વખાણ કરીને, યસ સર યસ સર કરીને વહાલા થઇ જાય છે. ગોસિપના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. વધારે ગોસિપ કરનાર પર એવું લેબલ લાગી જાય છે કે એ તો ગોસિપ ક્વીન કે ગોસિપ કિંગ છે! બધું પ્રમાણમાં સારું લાગે! ગોસિપ કરો પણ એટલી ગોસિપ પણ ન કરો કે તમે જ ગોસિપનો વિષય બની જાવ! ગોસિપ મૂડ અને માનસિકતા માટે સારી છે પણ કહે છે ને કે અતિ સર્વત્ર વર્જયતે! વધુ પડતું તો કંઇ જ સારું નથી. સાચી વાત કે નહીં?

હા એવું છે!

ભાષાની રમતો પણ ખૂબ રસપ્રદ હોય છે. તમને એ તો ખબર જ હશે કે, ‘લિમડી ગામે ગાડી મલી’ને ઊંધેથી વાંચશો તો પણ સીધું જ વંચાશે. અંગ્રેજીમાં એક વાક્ય છે, The quick brown fox jumps over the lazy dog’માં અંગ્રેજી આલ્ફાબેટના એ ટુ ઝેડ બધા જ અક્ષર આવી જાય છે!

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 25 ઓગસ્ટ 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

[email protected]

Be the first to comment

Leave a Reply