ડર લાગે છે, અમારો પ્રેમ ટકશે તો ખરોને? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ડર લાગે છે, અમારો

પ્રેમ ટકશે તો ખરોને?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

સમજવા મનને સઘળી શાસ્ત્ર સમજણ ખીંટીએ ટાંગો!

પછી કોઇ અભણનો હાથ ઝાલીને જરા નીકળો,

અટૂલા પાડી દે છે કૈ વખત પોકળ પરિચિતતા,

અજાણ્યા કોક જણનો હાથ ઝાલીને જરા નીકળો

-મનોજ ખંડેરિયા

પ્રેમ દરેક વખતે માત્ર સુખ નથી આપતો, ક્યારેક પ્રેમ ઉચાટ અને ઉત્ત્પાત પણ આપે છે. બે વ્યકિત વચ્ચે જ્યારે ઉત્ત્કટ પ્રેમ હોય ત્યારે સાથોસાથ એક ભય પણ જીવતો હોય છે. અમારો પ્રેમ આવોને આવો તો રહેશેને? અમારી આત્મિયતામાં કોઇ ઓટ તો નહીં આવેને? દરેક માણસે જિંદગીમાં એવી ઝંખના કરી હોય છે કે, મને એક એવો લાઇફ પાર્ટનર મળે જે ફક્તને ફક્ત મારો જ હોય. મારા માટે એ કંઇપણ કરી છૂટે. મારી જિંદગી એ હોય અને એના માટે પણ હું જ સર્વસ્વ હોઉં. અમે બે ભલા અને અમારી દુનિયા ભલી. અમુક નસીબદાર લોકોને પોતાની કલ્પના અને પોતાના સપના જેવી વ્યકિત મળી પણ જતી હોય છે. એ મળે ત્યારે એવું લાગે કે, હવે જિંદગીમાં કોઇ જ કમી નથી. મને જોતી હતી એવી વ્યકિત મને મળી ગઇ છે. અમુક કપલને જોઇને આપણી આંખો ઠરતી હોય છે. એક-બીજામાં ઓતપ્રોત હોય એવા કપલ ધીમે ધીમે દુર્લભ થતા જાય છે. પ્રેમ કે દાંપત્ય નવું નવું હોય ત્યારે એક-બીજા પાછળ પાગલ હોય એવા અસંખ્ય કપલ છે, ધીમે ધીમે સ્નેહ ઓસરતો જાય છે અને સાંનિધ્ય ઓગળતું જાય છે. એક ઉભરો શમી જાય પછી પ્રેમ થીજી જાય છે. હા, પ્રેમ કાયમ માટે એક સરખો રહેતો નથી પરંતું જે બેઝિક હોય એ તો જીવતું રાખી શકાય છે. અમુક દાંપત્ય એવા હોય છે જેને સમયનો કાટ ચડતો નથી. વર્ષો વીતી ગયા હોય છતાં બંનેની આંખમાં એક ચમક જીવતી હોય છે. દિલ એવુંને એવું ધડકતું હોય છે. ટેરવાના સ્પંદનો એવાને એવા સજીવ હોય છે.

એક કપલની આ સાવ સાચી વાત છે. બંને ખૂબ જ પ્રેમથી રહે. પ્રેમ વર્તાઇ આવતો હોય છે. બે વ્યક્તિ બાજુ બાજુમાં ઊભી હોય ત્યારે પણ એ ખબર પડી જાય છે કે, બાજુ બાજુમાં ઉભેલા બંને કેટલા નજીક છે અને કેટલા દૂર છે. અમુક કપલ તો દૂર હોય તો પણ નજીક વર્તાતા હોય છે. વેવલેન્થ જ્યારે એક હોય ત્યારે કંઇ બોલ્યા વગર પણ સંવાદ સધાતો હોય છે. એક બીજા સામે જોવાની નજર પણ એ વાતની ગવાહી પૂરી દે છે કે, એ નજરમાં કેટલી નજાકત છે. એ કપલનો પ્રેમ પણ ઉડીને આંખે વળગે એવો હતો. બધા તેની પાછળ પણ એવી જ વાતો કરતા હતા કે, બંને કેવા પ્રેમથી રહે છે! હવે તો આવા કપલ પણ રેર થતા જાય છે. પતિ-પત્નીને પણ લોકો પોતાના વખાણ કરે એ ગમતું હતું. બહુ વખાણ સાંભળીને પત્નીને ઊંડે ઊંડે ડર લાગવા માંડ્યો. એક દિવસ તેણે પતિને કહ્યું કે, આપણે હવે જાહેરમાં બહુ પ્રેમ દેખાય એવી રીતે નથી રહેવું! પતિને આ વાતથી આશ્ચર્ય થયું. પતિએ સવાલ કર્યો કે, કેમ? પત્નીએ કહ્યું, મને ડર લાગે છે, કોઇની નજર લાગી જશે તો? બધાની નજર સારી નથી હોતી! એમાંયે જે કપલ સારી રીતે ન રહેતા હોયને એનું તો બહુ ધ્યાન રાખવાનું. એ તો એવું જ વિચારવાના કે, આ બંને કેટલી સરસ રીતે રહે છે. અમારા જ કરમ ફૂટેલા છે. પતિએ પત્નીને સમજાવી કે, ખોટા ડર છોડી દે. આપણા પ્રેમમાં તાકાત હોયને તો કોઇની નજર કંઇ કરી શકતી નથી. આપણા પ્રેમને કોઇની નજર લાગવાની નથી. પ્રેમથી રહેનારા ઘણા કપલને આવું થયું જ હોય છે.

પ્રેમનો પણ એ પ્રોબ્લેમ છે કે એ જ્યારે અઢળક માત્રામાં મળે છે ત્યારે ભય પેદા કરે છે. અમુક વખતે તો એ માનિસક બીમારીની કક્ષાએ પહોંચી જાય છે. એક મનોચિકિત્સકે કહેલી આ વાત છે. તેને ત્યાં એક યુવતી સારવાર માટે આવી. એ યુવતીએ કહ્યું કે, કુદરતે મને મારી કલ્પના કરતા વધુ આપ્યું છે. મને તો માન્યામાં નથી આવતું કે, આટલું સુખ અને શાંતિ પણ કોઇની લાઇફમાં હોય શકે. મારો પતિ બહુ જ સારો છે. મને ખૂબ જ પ્રેમ કરે છે. બધું હોવા છતાં મને ચેન પડતું નથી. સતત એવો ભય લાગ્યા રાખે છે કે, મારો પતિ મરી જશેતો? એને કંઇક થઇ જશે તો? એ કાર લઇને ક્યાંય ગયો હોય પછી ઘરે પાછો ન આવી જાય ત્યાં સુધી મને ફફડાટ રહે છે. ફ્લાઇટમાં ક્યાંય જાય તો શ્વાસ અદ્ધર ચડી જાય છે કે, પ્લેન ક્રેશ તો નહીં થાયને? હું તેને મારા ડરની વાત કરું છું તો એ કહે છે કે, જે થવાનું હશે એ થશે. કાલે શું થશે એ નહીં વિચાર, આજે આપણે સાથે છીએ એને એન્જોય કરને! ખોટા વિચારો કરીને કાલ્પનિક ભય ઊભો નહીં કર. આ પણ એક હકીકત છે કે, જે કપલ પ્રેમથી રહે છે એને ક્યારેક તો એવો ડર લાગ્યો જ હોય છે કે, મારી વ્યક્તિ મરી જશેતો?  હું એકલી પડી જઇશ કે હું એકલો થઇ જઇશ. એના વગર હું નહીં રહી શકું.

માણસની એ વિચિત્રતા છે કે, એનાથી એકધારું કંઇ સહન થતું નથી. એકધારું સુખ પણ અળખામણું લાગે છે. તમે કોઇ દિવસ એવી વ્યક્તિને મળ્યા છો જેમણે એવું કહ્યું હોય કે, મેં તો ક્યારેય દુ:ખ જોયું જ નથી? સુખ નથી જોયું એવું કહેવાવાળાની કમી નથી પણ દુ:ખ નથી જોયું એવું કહેવાવાળા શોધ્યા પણ નહીં જડે! ઘણા એવા હોય છે જેની લાઇફમાં દુ:ખ જેવું કંઇ હોતું નથી. આપણી લાઇફમાં પણ આપણે ધારીએ કે માનીએ એટલું દુ:ખ હોતું જ નથી. મોટા ભાગના દુ:ખો તો આપણે હાથે કરીને ઊભા કર્યા હોય છે. ઘણાને તો દુ:ખની એવી આદત પડી ગઇ હોય છે કે, એને લાઇફમાં કોઇ પ્રોબ્લેમ ન હોય તો ચેન પડતું નથી. આપણે એવા ઘણા લોકોને જોયા હોય છે જેના વિશે આપણે જ એવું કહેતા હોય કે, એને કોઇ વાતનું દુ:ખ નથી, ભગવાને બધું જ આપ્યું છે પણ એને રે’તા જ નથી આવડતું. હાથે કરીને પગ પર કુહાડા મારે છે. સુખને પણ ભોગવતા આવડવું જોઇએ. ઘણા લોકોથી શાંતિ પણ સહન થતી નથી. ઉધામા મચાવે નહીં તો એને ખાવાનું પચે નહીં.

સારો સાથીદાર નસીબથી મળતો હોય છે. દરેકને પોતાની રીતે જીવવું હોય છે. એક-બીજા માટે જીવવાવાળા દુર્લભ બનતા જાય છે. ઘણાને તો સારો કે સારી જીવનસાથી મળી હોય તો પણ એ દાંપત્યજીવનમાં પોતાના હાથે જ આગ લગાડે છે. એક પતિ-પત્ની હતા. બંનેએ લવ મેરેજ કર્યા હતા. લગ્ન થઇ ગયા ત્યારથી એવી રીતે રહેતા હતા જાણે બધું જ મળી ગયું. બંનેને કોઇ સામે કોઇ ફરિયાદ નહોતી. એવામાં એક ઘટના બની. પતિનો એક મિત્ર હતો. તેણે પણ લવમેરેજ કર્યા હતા. બધાને એમ હતું કે, એ બંને સરસ રીતે રહે છે. પતિને એક વખત એવી જાણ થઇ કે, તેની પત્નીને બીજા યુવાન સાથે સંબંધ છે. બંને વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. વાત ડિવોર્સ સુધી પહોંચી ગઇ. બંને છૂટા પડી ગયા. તેના મિત્રએ કહ્યું કે, તું ધ્યાન રાખજે હો, તારે ક્યાંક મારા જેવું ન થાય. એ મિત્રને પત્નીના મોબાઇલ ફોન પરથી બીજા યુવાન સાથેના અફેરની વાત ખબર પડી હતી. આ ઘટના પછી પતિ પણ ખાનગીમાં પત્નીનો ફોન ચેક કરવા લાગ્યો. મારી પત્ની તો કોઇ સાથે કનેક્ટેડ નથીને? પત્ની એક વખત પતિને ફોન ચેક કરતો જોઇ ગઇ. એ સમયે તો પત્ની કંઇ ન બોલી પણ સાંજના સમયે શાંતિથી તેણે પતિને કહ્યું કે, કોઇની સાથે કંઇ થાય એટલે આપણી સાથે પણ એવું થશે એવો ભય રાખવાની કોઇ જરૂર નથી. તારા મનમાં ખોટી શંકાને ઘૂસવા દે નહીં. મને ખબર છે કે, તું મને બહુ પ્રેમ કરે છે. હું પણ તને ખૂબ જ ચાહું છું. પ્લીઝ, આવા બધામાંથી નીકળ. શંકા ઘર કરી ગઇને તો મારું તો ઠીક છે, તને ક્યાંય ચેન નહીં પડે એને જાતજાતના વિચાર આવ્યે રાખશે. હું ક્યાંય જવાની નથી. ખોટો ભય ન રાખ. પ્રેમમાં ક્યારેક ઇનસિક્યોરિટી લાગતી હોય છે પણ એને ખંખેરી નાખવાની હોય છે. આપણે કાલની ચિંતા કરીને આજને ખોઇ બેસતા હોઇએ છીએ. તમારા પ્રેમને મસ્ત રીતે જીવો. કાળજી રાખવી હોય તો એટલી રાખો કે, તમારી વ્યક્તિને જરાયે ઓછું ન આવે. મોટાભાગના લોકો જે મળ્યું હોય છેને એ હાથે કરીને ખોઇ બેસતા હોય છે!

છેલ્લો સીન :

ભાર લઇને ફરવું એના કરતા જતું કરીને મુક્ત થઇ જવું વધુ બહેતર છે.        –કેયુ.

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 11 જુલાઇ 2021, રવિવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: