સાચું કહેજો, તમને ડોકટરના કેવા કેવા અનુભવો થયા છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આવતી કાલે ડોકટર્સ ડે છે ત્યારે ચાલો

ડોકટરની લાઇફ પર જરાક નજર ફેરવીએ

સાચું કહેજો, તમને ડોકટરના

કેવા કેવા અનુભવો થયા છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

—–0—–

ડોકટર એક એવી વ્યક્તિ છે જેના વગર કોઇને ચાલતું નથી.

સમયે સમયે આપણને બધાને ડોકટરની જરૂર પડે જ છે.

ડોકટરને આપણે ત્યાં ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે.

અલબત્ત, ઘણા ડોકટરોના અનુભવો થાય ત્યારે એવો પણ વિચાર આવી જાય કે,

ભગવાન કંઇ આવા થોડા હોય?

ગમે તે કહીએ, આપણા બધાની જિંદગીમાં ડોકટરનો રોલ ખૂબ મહત્વનો હોય છે.

કોરોનાના આ કપરા કાળમાં ડોકટરો લોકો માટે એન્જલ બનીને સામે આવ્યા છે.

કોરોનાના કારણે માત્ર આપણા દેશમાં જ એક હજારથી વધુ ડોકટરોએ જીવ ગુમાવ્યા છે.

એક એવી માન્યતા છે કે, ડોકટર બની ગયા પછી જલ્સા જ છે પણ એવું નથી.

ડોકટરની લાઇફમાં ડોકિયું કરો તો ખબર પડે કે એ

કેટલી બધી ચેલેન્જિસનો સામનો કરે છે!

ડોકટરની લાઇફ ધારો છો એટલી ઇઝી નથી.

—–0—–

માણસ જન્મે ત્યારથી માંડીને મૃત્યુ પામે ત્યાં સુધીમાં તેને એક વ્યક્તિ વગર ચાલતું નથી, એ છે ડોકટર. માણસનો જન્મ ડોકટરના હાથમાં થાય છે. પહેલી વખત ડોકટર જ બાળકનો વાંસો થપથપાવીને એને રડાવે છે. ડોકટરનું નામ પડે ત્યારે ઘણા લોકો હળવા ટોનમાં એવું બોલે છે કે, ભગવાન કરે, ડોકટર સાથે કોઇનો પનારો ન પડે. અલબત્ત, ડોકટરની જરૂર પડ્યા વગર ચાલતું નથી. ડોકટરને આપણે ભગવાનનો દરજ્જો આપીએ છીએ. અમુક ડોકટરો ખરેખર એવા હોય છે જેની પાસે આપણે જઇએ એટલે અડધા તો આપોઆપ સાજા થઇ જઇએ છીએ. ઘણા ડોકટરો વિશે આપણે જ એવું કહેતા હોઇએ છીએ કે, એના હાથમાં જશની રેખા છે. સફેદ એપ્રનમાં એન્જલ જેવા ડોકટરોની કમી નથી.

આવતીકાલે ડોકટર્સ ડે છે. બિહારના પટના શહેરમાં જન્મેલા બંગાળી ડોકટર બિધાનચંદ્ર રોયની યાદમાં આપણે ત્યાં ડોકટર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડો. રોયનો જન્મ 1 જુલાઇ 1882ના રોજ થયો હતો. તેમનું અવસાન પણ 80 વર્ષની વયે તારીખ 1 જુલાઇના રોજ જ થયું હતું. તેઓએ બંગાળના મુખ્યમંત્રી તરીકે પણ ફરજ બજાવી હતી. 1961માં તેમને દેશના સર્વોચ્ય નાગરિક સન્માન ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા. 1991માં તેમના જન્મ અને નિર્વાણ દિનને ડોકટર્સ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ડોકટર્સ ડેની સાથે જ ચાર્ટર્ડ એકાઉન્ટટ ડે પણ તારીખ 1 જુલાઇએ જ ઉજવાય છે. જો કે આજે આપણે વાત માત્ર ડોકટરોની કરવી છે. ડોકટરની લાઇફ વિશે તમારું શું માનવું છે? બધાને એમ હોય છે કે, ડોકટર થઇ ગયા એટલે બખ્ખા. હા, કદાચ આવકની દ્રષ્ટિએ આ વાત સાચી હશે. એમાંયે બધા ડોકટરોના નસીબ પણ કંઇ પાધરા નથી હોતા. ઘણા ડોકટરોના નસીબમાં સ્ટ્રગલ જ લખી હોય છે. આ ઉપરાંત એવા ડોકટરોની પણ કમી નથી જે તગડી આવક છોડીને લોકોની સેવા કરે છે. કોરોનાના કાળની જ એક વાત છે. એક છોકરી એના મા-બાપની એકની એક દીકરી છે. પિતા બિઝનેસમેન છે અને મા બેંકમાં હાયર ઓફિસર છે. દીકરી નવી નવી ડોકટર બની હતી અને કોરોનાએ કાળો કેર મચાવ્યો. કોરોના વોર્ડમાં નોકરી પર હાજર થવાનું હતું. મા-બાપે કહ્યું કે, તારે કોરોના વોર્ડમાં કામ નથી કરવું. તું અમારી એકની એક છે. આખી જિંદગી કંઇ ન કરે તો પણ ખૂટે નહીં એટલા નાણાં આપણી પાસે છે. અમારે તારો જીવ જોખમમાં મૂકવો નથી. આ વાત સાંભળીને ડોકટર દીકરીએ કહ્યું કે, અત્યારે દેશને મારી જરૂર છે. આવા સંજોગોમાં તમે મને કેવી રીતે રોકી શકો? આવું કરવું હતું તો મને ડોકટર શા માટે બનાવી? એ યુવતી મા-બાપને નારાજ કરીને કોરોના વોર્ડમાં હાજર થઇ ગઇ હતી. થયું એવું કે, તેને પણ કોરોનાનો ચેપ લાગ્યો. તે સિરિયસ થઇ ગઇ હતી. સદનસીબે એ સાજી થઇ ગઇ. મા-બાપે કહ્યું કે, તને ના પાડી હતી તો પણ તું ગઇ. એ યુવતીએ તેના મા-બાપને કહ્યું કે, તમને ખબર છે કેટલા ડોકટરો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે? તમે જ્યારે કોઇને જિંદગી આપવા જઇ રહ્યા હોવ ત્યારે તમારે મોતનો ભય રાખવો ન જોઇએ.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પદ્મશ્રી પુરસ્કાર સન્માનિત ડો. કે.કે. અગ્રવાલનું 62 વર્ષની વયે કોરોનાના કારણે જ નિધન થયું. કોરોનાના દર્દીઓની સારવાર માટે તેમણે રાત-દિવસ એક કર્યા હતા. પોતે બીમાર હતા તો પણ દર્દીઓને માર્ગદર્શન આપતા હતા. આપણા દેશમાં કોરોનાના કારણે એક હજારથી વધુ ડોકટરોએ જીવ ગુમાવ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના આંકડા મુજબ કોરોનાની પહેલી લહેરમાં 748 ડોકટરો અને બીજી લહેરમાં 270 ડોકટરોના મૃત્યુ થયા છે. કોરોના સંક્રમિત થયા હોય એવા ડોકટરોની સંખ્યા તો બહુ મોટી છે. કોરોનામાંથી સાજા થયા બાદ વિકનેસ હોવા છતાં તરત જ કામે લાગી ગયા હોય એવા ડોકટરોની કમી નથી. કોરોનાના સમય દરમિયાન પીપીઇ કીટ પહેરીને રાત-દિવસ ડોકટરોએ સેવા આપી છે. માત્ર થોડાક કલાકો સૂવા પૂરતો જ એમણે આરામ કર્યો છે. એક ડોકટરે કહ્યું હતું કે, બીજા દિવસે કામ કરવા માટે સૂવું પડે છે, બાકી હું સૂવ જ નહીં.

કોરોનાના દર્દીઓની જેમણે સેવા કરી છે એવા ડોકટરોની વ્યથા અને કથા સાંભળો તો આખા શરીરે ઝણઝણાટી થઇ આવે. એક ડોકટરે કહ્યું કે, અમે પણ આખરે માણસ છીએ. અમારી સામે જ્યારે લોકો ટપોટપ મરતા હોય ત્યારે અમે પણ ધ્રૂજી જતા હોઇએ છીએ. અમને પણ એવી ઇચ્છા હોય છે કે, અમારા પ્રયત્નોનું પરિણામ સારું આવે. ઘણા લોકો એવું માને છે કે, ડોકટરોને કંઇ થતું હોતું નથી. એવું જરાયે નથી. અમારે સ્ટ્રોંગ રહેવું પડે છે અને સ્ટ્રોંગ રહેવા માટે પણ મહેનત કરવી પડે છે. કોરોનાના કારણે ડોકટરોના માનસિક હાલત કેટલી ખરાબ થઇ છે એ કોઇને નહીં સમજાય. અમારી નજર સામે જ્યારે અમારો દર્દી દમ તોડે ત્યારે અમે પણ એકાદ ધબકારો ચૂકી જતા હોઇએ છીએ. અમારે પણ અમારું મન મનાવવું પડે છે કે, બધું આપણા હાથમાં નથી. આપણે આપણાથી થાય એટલું કરવાનું બાકી ઉપરવાળા પર છોડી દેવાનું.

કમનસીબી એ છે કે, ડોકટરો પૂરા ડેડિકેશનથી સારવાર કરતા હોય છે છતાં દર્દીના સ્વજનો ડોકટરો પર હુમલા કરે છે. એક સર્વે એવું કહે છે કે, 75 ટકા ડોકટરોને દર્દીઓ કે તેના સ્વજનોના ખરાબ અનુભવો થયા હોય છે. કેટલાંક સંજોગોમાં ડોકટરોથી કોઇ ભૂલ થઇ ગઇ હોય તો પણ એની દાનત ખરાબ હોતી નથી. ડોકટરો ઉપર એવા આક્ષેપો પણ કોમન થઇ ગયા છે કે, ડોકટરો તો ચીરી નાખવા જ બેઠા છે. જરૂર ન હોય તો પણ આઇસીયુમાં અને વેન્ટિલેટર પર રાખતા હોવાથી માંડીને દવા તથા લેબોરેટરીમાં કમિશનની વાતો પણ થતી રહે છે. કહેવાનો મતલબ જરાયે એવો નથી કે, એવું બધું થતું નથી. થતું હશે પણ એના કારણે આખી મેડિકલ ફેટરનિટી વિશે ઘસાતું બોલવું એ વાજબી નથી. ખૂબ મહેનત પછી ડોકટર થવાય છે. કોઇ પણ એક્સપર્ટાઇઝ મેળવવામાં તો બેવડા વળી જવાય છે. અડધી જિંદગી તો માથું ઘાલીને ભણવામાં જ નીકળી જાય છે. ડોકટર બની ગયા પછી પણ પોતાની જાતને સતત પ્રૂવ કરવી પડે છે. હવેનો જમાનો એવો છે કે, સતત એપડેટ પણ રહેવું પડે છે. લોકો હોંશિયાર થઇ ગયા છે, એ તરત જ ડોકટરને માપી લે છે. ડોકટર દવા લખી આપે તો પણ ગૂગલ કરીને ચેક કરી લે છે કે, આ દવા શેની છે અને ખરેખર તેની કેટલી જરૂર છે? ડોકટરો પોતાની ફેમિલી લાઇફના ભોગે લોકોની સારવારમાં લાગેલા હોય છે. એક બીજો સર્વે એવું કહે છે કે, મોટા ભાગનો ડોકટરો ઓવરટાઇમ કરે છે. બાર-બાર કલાક કામ કરનારા ડોકટરોની સંખ્યા બહુ મોટી છે. એક ખ્યાતનામ ડોકટરે કહેલી આ વાત છે. તેમણે કહ્યું કે, હું એટલા રૂપિયા કમાયો છું કે હવે કામ છોડી દઉં તો પણ કંઇ વાંધો ન આવે. હવે હું રૂપિયા માટે કામ નથી કરતો, મને થાય છે કે કુદરતે મને આટલો કાબેલ અને લાયક બનાવ્યો છે તો લોકોની સારવાર કરવી એ મારી ફરજમાં આવે છે. આપણા બધાની લાઇફમાં એવા ડોકટર પણ આવ્યા જ હોય છે જેમને આપણે ક્યારેય ભૂલી ન શકીએ. આપણને અમુક ડોકટરો ઉપર આંધળો વિશ્વાસ હોય છે. આપણને એ ડોકટરની દવા જ ફાવે છે અને લાગુ પડે છે. અત્યારે ડોકટરો પણ સંઘર્ષના સમયમાંથી પસાર થઇ રહ્યા છે. ડોકટરો માટે બીજું કઇ ન કરીએ તો કંઇ નહીં, એમને કહીએ કે, થેંક યુ ડોકટર, અમને સાજા અને સારા રાખવા માટે! અમારા દુ:ખો અને દર્દો દૂર કરવા માટે અને અમારું ધ્યાન રાખવા માટે! હેપી ડોકટર્સ ડે!  

હા, એવું છે!

હમણાં એક રસપ્રદ સર્વે વિશે જાણવા મળ્યું. માણસ જ્યારે પેન ખરીદવા જાય છે ત્યારે ટ્રાયલ વખતે અથવા તો કોઇ નવી પેનથી પહેલી વખત લખવાનું હોય ત્યારે શું લખે છે એ ખબર છે? 97 ટકા લોકો નવી પેનથી સૌથી પહેલા પોતાનું નામ લખે છે! બાય ધ વે, બાકીના ત્રણ ટકા શું લખે છે એના વિશે આ સર્વેમાં કોઇ ખુલાસો કરાયો નથી. પોતાનું નહીં તો માણસ કોનું નામ લખતો હશે? નામ લખ્યા પછી ભૂંસતો પણ હશે? કલ્પના કરવાની છૂટ છે!

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 30 જૂન 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: