કોરોના અને ટૂરિઝમ : તમારું ડ્રીમ ડેસ્ટિનેશન કયું છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

કોરોના અને ટૂરિઝમ : તમારું

ડ્રીમ ડેસ્ટિનેશન કયું છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

—–0—–

માણસ એક હદથી વધારે સમય ઘરમાં રહી શકતો નથી. સાદી ભાષામાં કહીએ તો,

ઘરમાં આપણો ટાંટિયો ટકતો નથી. કોરોનાએ ફરવા જવાની વાત પર ચોકડી

મૂકાવી દીધી છે. ઘણા બહાદૂરો આવા સંજોગોમાં પણ ફરવા જવાના જોખમ લે છે

પણ મનમાં એક ડર તો રહે જ છે. કોરોનાના કાળમાં ટૂરિઝમે પણ નવા નવા રૂપ

બતાવ્યા છે. આ સમય દરમિયાન નો ડેસ્ટિનેશન ટૂરિઝમ, સ્ટેકેશનથી

માંડીને વેક્સિન ટૂરિઝમની લોકોને ઓફરો કરવામાં આવી.

પોતાના ડ્રીમ ડેસ્ટિનેશને ફરવા જવામાં તો

હજુ લાંબો સમય રાહ જોવી પડશે!

—–0—–

હવે તો આ કોરોનાથી મુક્તિ મળે તો ક્યાંક ફરવા જઇએ! ઘણાના મોઢે આવી વાતો સાંભળવા મળે છે. લોકો ઘરમાંને ઘરમાં રહીને કંટાળી ગયા છે. માણસ સતત ઘરમાં રહી શકતો નથી. પૂરાયેલા કે બંધનમાં રહેવું માણસની ફિતરતમાં નથી. જેનો ટાંટિયો ઘરમાં ટકતો નહોતો એ લોકો ઘરમાંને ઘરમાં રહીને બોર થઇ ગયા છે. સતત ઘરમાં રહેવું સલાહભર્યું પણ નથી, પરંતુ અત્યારે તો ઘરે રહેવામાં જ માલ છે. માણસને ખુલ્લી હવામાં ગયા વગર ચેન નથી પડતું. એ વાત તો જગજાહેર છે કે, વાતાવરણની આપણા મન, મગજ અને માનસિકતા ઉપર સીધી અસર થાય છે. પ્રાચીન સમયમાં ફરવાનો કન્સેપ્ટ નહોતો. લોકોને ખબર જ ક્યાં હતી કે, દુનિયા આવડી મોટી છે! કુદરતના કેટલા બધા રૂપ છે! સુંદરતાની દરેક વ્યાખ્યાઓ ટૂંકી અને ઝાંખી પડે એવું પ્રકૃતિનું સૌદર્ય ઠેરઠેર પથરાયેલું છે. એ સમયે પણ ઘણા સાહસવીરો હતા જે નીકળી પડતા હતા. માણસ ધીમે ધીમે પોતાના સગા વહાલાઓ રહેતા હોય એ શહેરમાં જતો થયો. જેમના ઘરે ગયા હોય એ પોતાના શહેરના સ્થળોએ ફરવા લઇ જતા અને મજા કરાવતા. હજુ થોડાક દાયકાઓ પહેલા સુધી હોટલમાં રહેવાને કે બહાર જમવાને પણ બહુ સારું ગણવામાં આવતું નહોતું. અમુક લોકો માટે તો ફરવા જવું પણ ડોકટરના પ્રિસ્ક્રિપશનના કારણે થતું હતું. કોઇ માનસિક અસ્વસ્થ થયું હોય કે માંડ માંડ સાજુ થયું હોય ત્યારે ડોકટર કહેતા કે, હવે એને હવાફેરની જરૂર છે. ક્યાંક હવાફેર કરી આવો! હવે ડોકટરે કહેવું પડતું નથી. માણસ એટલો સમજુ થઇ ગયો છે કે, સમયે સમયે હવાફેર કરતા રહેવું જોઇએ. અત્યારે તો ફરવાનું કલ્ચર એ હદે વિકસી ગયું છે કે, હવાફેર વગર માણસને મજા નથી આવતી. કોરોનાના કારણે ઘણા લોકો સવા વર્ષથી ક્યાંય ફરવા જ નથી ગયા. કોરોના વચ્ચે નબળો પડ્યો ત્યારે ઘણા લોકોએ નાની-મોટી ટ્રીપ કરી લીધી હતી. બીજી લહેર પછી એ લોકોના મોઢે એવી વાત સાંભળવા મળે છે કે, સારું થયું આપણે ફરવા જઇ આવ્યા! હવે તો પાછો ઘરમાં પૂરાવવાનો વારો આવી ગયો છે. ન્યૂ નોર્મલને ફોલો કરીને કરવા પડે એ કામ થાય, કંઇ ફરવા જવાની મજા ન આવે!

ટૂરિઝમ દુનિયાના ઘણા દેશોનો આધાર છે. માલદીવ અને થાઇલેન્ડ જેવા દેશો ટૂરિઝમ ઉપર નભે છે. લોકોની અવરજવર બંધ થઇ ગઇ એટલે ટૂરિસ્ટ ડેસ્ટિનેશન કન્ટ્રી જ નહીં, મોટા મોટા દેશોને પણ ફટકો પડ્યો છે. એરલાઇનની ઉડાનો અટકી ગઇ છે. હોટલો સૂની થઇ ગઇ છે. પોતાનો બિઝનેસ બચાવવા માટે અને લોકોને પણ રાહત આપવા માટે ઘણા દેશો અને એરલાઇનોએ જાતજાતના નુસખાઓ શોધી લીધા છે. અત્યારે જે લેટેસ્ટ છે એ છે, વેક્સિન ટૂરિઝમ. દિલ્હીની એક ટ્રાવેલ એજન્સીએ રશિયાની વેક્સિન ટૂર શરૂ કરી છે. 24 દિવસ રશિયામાં રહેવાનું અને સ્પુટનિક વેક્સિનના બે ડોઝ લેવાના. ખર્ચ 1 લાખ 30 હજાર. રશિયન ટ્રાવેલ કંપનીઓ પણ આવી ઓફર કરી રહી છે. માલદીવ, થાઇલેન્ડ જેવા દેશો પાસે વેક્સિન નથી, એ દેશ બહારથી વેક્સિન મંગાવીને લોકોને એવી ઓફર કરી રહ્યા છે કે, ફરવા આવો અને વેક્સિન લો. આપણા દેશના અમુક ધનવાનો વેક્સિન લેવા માટે અમેરિકા જઇ આવ્યા છે. અમેરિકાની એક ચોક્કસ વેક્સિન વધુ ઇફેક્ટિવ છે અને એ આપણા દેશમાં એવેલેબલ નથી એટલે માલેતુજારો ત્યાં જઇને વેક્સિન લઇ આવ્યા છે. આપણા દેશમાં એવા લોકોની કમી નથી જેના માટે એર ટિકિટના લાખ-બે લાખ ચણા-મમરા છે. મેડિકલ એક્સપર્ટ્સ વેક્સિન ટૂરિઝમ સામે પણ સાવચેત કરે છે. તેઓ કહે છે કે, તમે વેક્સિન ડેસ્ટિનેશન પહોંચો ત્યાં સુધીમાં કોરોના સંક્રમિત થવાનું જોખમ રહે છે. આપણા દેશમાં વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે એટલે વેક્સિન ટૂરિઝમને બહુ રિસ્પોન્સ મળ્યો નથી છતાં જવાવાળા લોકો તો પડ્યા જ છે. ફરવાનું પણ થઇ જાય અને વેક્સિન પણ લાગી જાય એવું માનનારા ઘણા છે.

કોરોના કાળમાં નો ડેસ્ટિનેશન ટૂરિઝમ અને સ્ટેકેશનનો પણ દુનિયાએ અનુભવ કર્યો. સિંગાપોર અને બીજા અમુક દેશોમાં નો ડેસ્ટિનેશન ટૂરિઝમે સારું એવું આકર્ષણ જમાવ્યું હતું. એરલાઇનોએ એવી ઓફર કરી કે, તમે આવો, વિમાનમાં સફર કરો. ખાવ-પીવો અને જે એરપોર્ટથી ઉડ્યા હોવ ત્યાં જ પાછા ઉતરી જાવ. અમે તમને પ્લેનમાં ચક્કર મરાવીશું. તમને એવું ફીલ થશે કે, ક્યાંક ફરી આવ્યા. દિલ કો બહેલાને કે લિયે યે ખયાલ બૂરા નહીં હૈ! બીજો નવા કન્સેપ્ટ સ્ટેકેશનનો છે. વેકેશન પરથી સ્ટેકેશન શબ્દ આપ્યો. આ તો ગમે તે માણસ કરી શકે છે. હોંગકોંગની ફોર અને ફાઇવ સ્ટાર હોટલોએ સ્ટેકેશનની ઓફરો આપી હતી. કોરોનાના સંજોગોમાં બહારગામ કે વિદેશ તો જઇ શકાય એવું નથી પણ તમે તમારા શહેરની હોટલમાં તો રોકાવવા જઇ શકોને? એન્જોય ઓર સ્ટેકેશન! હોટલમાં તમને એવું તો લાગે કે ક્યાંક બહાર ગયા! એક-બે દિવસ હોટલમાં રહીને પાછા ઘરે આવી જવાનું. આમાં ફાયદો એ થાય કે, એર કે ટ્રેન ટિકિટનો ખર્ચ બચી જાય. ટૂરિસ્ટોમાં એક વર્ગ એવો છે જેને બહુ બધું જોવું કે ફરવું હોતું નથી, હોટલ કે રિસોર્ટમાં પડ્યા રહેવું હોય છે અને રિલેક્સ ફિલ કરવું હોય છે. એવા લોકો માટે સ્ટેકેશનનો આઇડિયા મજાનો છે.

કોરોનાના કારણે ઘણા ન્યૂલી મેરિડ કપલના હનીમૂન રખડી પડ્યા છે. કોરોના પહેલા ઘણા કપલે જાત જાતના સપનાઓ જોયા હતા કે, મેરેજ પછી હનીમૂન માટે અહીં જશું અને તહીં જશું. કોરોનાએ બધી જ તમન્નાઓ ઉપર પાણી ફેરવી દીધું. હજુ ઘણા તાજા પરણેલા કપલો પાસેથી એવું જ સાંભળવા મળે છે કે, મોડું તો મોડું, બધું સરખું થાય પછી હનીમૂનમાં તો જવું જ છે. એમાં પણ એવી મજાક થાય છે કે, લગ્ન પછી એક વર્ષે ક્યાંય જાવ અને હનીમૂન ન કહેવાય, ફરવા ગયા એવું જ કહેવાય. એક મજાક એવી પણ થઇ રહી છે કે, આવું બધું લાંબું ચાલ્યુંને તો હનીમૂન એની જગ્યાએ રહી જશે અને ઘરમાં છોકરું પણ આવી જશે. હાલ એવા થશે કે, છોકરાને લઇને હનીમૂનમાં જવુ પડશે! આ તો બધી મજાકની વાત છે પણ ઘણા લોકો હવે ક્યાંક ફરવા જવા માટે રીતસરના તરસી અને તરફડી રહ્યા છે. દરે બે પાંચ મહિને ફરવા જનારા લોકો માટે આ સમય કેદ જેવો સાબિત થઇ રહ્યો છે. દરેકના મનમાં એક જ સવાલ ઘૂંટાયા રાખે છે કે, કોણ જાણે ક્યારે આ બધામાંથી છૂટકારો મળશે અને ક્યારે પાછા ફરવાના બુકિંગો કરાવી શકીશું?

બાય ધ વે, તમારું ડ્રીમ ડેસ્ટિનેશન કયું છે? એવું ક્યું શહેર કે સ્થળ છે જેના વિશે તમે એવું ધારી રાખ્યું છે કે, જિંદગીમાં એક વખત તો અહીં જવું જ છે. દરેકની ખ્વાહિશ અને દરેકની પસંદ જુદી જુદી હોય છે. કોઇને પહાડો ગમે છે તો કોઇને જંગલ, કોઇને દરિયાનો મોહ છે તો કોઇને પ્રાચીન ધરોહરોનો. પસંદ અપની અપની ખયાલ અપના અપના. અપના સપનાની મજા જ કંઇ ઓર છે. દરેકનું ડ્રીમ ડેસ્ટિનેશનનું સપનું એમ પૂરું પણ થતું હોતું નથી. માલદીવ્સ જવા ઇચ્છતો લોકો ત્યાં જઇ ન શકે ત્યાં સુધી ગોવા જઇને મન મનાવી લેતા હોય છે. સ્વિટ્ઝરલેન્ડ ન જઇ શકનારા લોકો એવું કહીને દિલને બહેલાવતા હોય છે કે, આપણું કાશ્મીર અને લેહ લદાખ કંઇ સ્વિટ્ઝર્લેન્ડથી કમ નથી. ડ્રીમ ડેસ્ટિનેશને તો જ્યારે જવાય ત્યારે અત્યારે તો આજુબાજુમાં પણ જવાતું નથી. હોટલમાં જમવા ગયે પણ લાંબો સમય થઇ ગયો. એમ થાય છે કે, ક્યારે ખુલ્લી હવામાં શ્વાસ ભરવા મળશે? ક્યારે કુદરતના ખોળામાં આળોટવા મળશે? આંખો બંધ કરીને બે હાથ પહોળા કરીના ક્યારે ઊંડો શ્વાસ લઇ શકાશે? કુદરતને પણ કહેવાનું મન થઇ જાય છે કે, તારા સાંનિધ્યને માણવું છે, થોડીક મોકળાશ તો કરી આપ! હોપ ફોર ધ બેસ્ટ. બધું જ પાછું સરખું થઇ જવાનું છે. બધું જ અગાઉ જેવું જ નોર્મલ અને નશીલું બની જશે. આંખોમાં સપના આંજી રાખો અને સાકાર થવાની રાહ જુઓ! સમયને પણ પરિવર્તનનો નિયમ લાગુ પડે છે, છેલ્લે તો સમયે પણ બદલવું જ પડે છે!   

હા, એવું છે! :

તમને ખબર છે? ઠંડા પાણી કરતા ગરમ પાણીથી બરફ વહેલો જામે છે! મપેમ્બા ઇફેક્ટના કારણે આવું બને છે. મપેમ્બા ઇફેક્ટનું નામ ટાન્ઝાનિયાના વિદ્યાર્થી ઇરાસ્તો બાર્થોલોમેઓ મપેમ્બાના નામ પરથી આપવામાં આવ્યું હતું.

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 26 મે 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: