તમે શું માનો છો, આ પૃથ્વીની બહાર પણ કોઇ વસી રહ્યું છે? : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

તમે શું માનો છો, આ પૃથ્વીની

બહાર પણ કોઇ વસી રહ્યું છે?

દૂરબીનકૃષ્ણકાંત ઉનડકટ

*****

આ જગત અનેક રહસ્યોથી ભરપૂર છે. હજુ એવી ઘણી બધી

વાતો અને ઘટનાઓ છે, જેના વિશે કોઇને કંઇ જ ખબર નથી.

  અંધારામાં જ તીર મારવાનું ચાલુ છે,

કદાચ એકાદ તીર લાગી જાય!

*****

શું આ પૃથ્વીની બહાર પણ કોઇ વસે છે? કોઇ શ્વસે છે?

જો કોઇ છે તો એ કોણ છે? એ માણસને મળતા આવે છે કે

પછી સાવ જુદા જ છે?

*****

દુનિયા વિશે દુનિયાના લોકોને ખરેખર કેટલી ખબર છે? બહુ જ ઓછી! આપણે બધા જાણીએ છીએ એના કરતા જે જાણતા નથી એ ઘણું બધું વધારે છે. શું ખરેખર એલિયન્સનું અસ્તિત્ત્વ છે? ઉડતી રકાબીનું રહસ્ય શું છે? આ બધી તો પૃથ્વી બહારની વાતો છે. પૃથ્વી ઉપર પણ ઘણા બધા રહસ્યો પર હજુ પડદો પડેલો છે. જમીનને આપણે હજુ પૂરેપૂરી સમજી શક્યા નથી. આસમાનનો પણ આછો પાતળો જ પરિચય છે. દરિયાની દુનિયા પણ હજુ ઘણા ભેદ ભંડારીને બેઠી છે. બર્મ્યુડાનો ત્રિકોણ કેમ મોટા મોટા જહાજો અને વિમાનોને ગળી જાય છે? કુદરતના રહસ્યો પાછળ માણસની કલ્પના પણ ટૂંકી પડે છે. માણસજાત આ રહસ્યોનો તાગ મેળવવા માટે સતત પ્રયત્નશીલ છે. એલિયન્સના અસ્તિત્ત્વ વિશે એક એક્સપર્ટને જ્યારે સવાલ કરાયો ત્યારે તેમણે એવું કહ્યું હતું કે, અમે બધા અંધારામાં તીર મારતા રહીએ છીએ, કદાચ ક્યારેક એકાદ તીર વાગી પણ જાય! એક સમય હતો જ્યારે લોકોને એ પણ ખબર નહોતી કે, આ પૃથ્વીના જુદા જુદા ખૂણામાં પણ લોકો વસે છે. આજની તારીખે એવી જાતિઓ પણ પૃથ્વી ઉપર વસે છે જેના વિશે કોઇને કંઇ ખબર નથી. આજે આપણને જેટલી ખબર છે એની જાણકારી મેળવવા માટે નિષ્ણાતોએ લોહી પાણી એક કર્યા છે. હજુ પૃથ્વી પરના અને પૃથ્વી બહારના ભેદ ઉકેલવામાં નિષ્ણાતો રાત દિવસ એક કરી રહ્યા છે.

કોરોનાના કારણે આખી દુનિયા થંભી ગઇ હતી ત્યારે પણ દુનિયાની લેબોરેટરીમાં અનેક શોધો અને સંશોધનો સતત ચાલતા હતા. ગયા વર્ષમાં બે-ત્રણ ઘટનાઓ એવી બની જેણે દુનિયાના લોકોના કાન સરવા કર્યા હતા અને આંખો પહોળી કરી હતી. નેધરલેન્ડમાં લગાવવામાં આવેલા ટેલિસ્કોપમાં પહેલી વખત રહસ્યમય અવાજો ઝીલાયા છે. આ તરંગો વિશે અભ્યાસો શરૂ થયા છે. અત્યારે જે વિગતો મળી છે એ એટલી જ છે કે, સૂર્ય માળાની પેલે પાર અંદાજે 51 પ્રકાશવર્ષ દૂરથી આ તરંગો પ્રાપ્ત થયા છે. મતલબ એટલે દૂરથી કે, પ્રકાશની ગતિએ સફર કરીએ તો 51 વર્ષે ત્યાં પહોંચી શકાય. એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સ જર્નલમાં આ વિશે પ્રસિદ્ધ થયેલા લેખે દુનિયામાં ભારે રોમાંચ પેદા કર્યો છે. બધી માહિતી બહુ જ પ્રાથમિક છે. આ તરંગોનો અર્થ એવો જરાયે ન કાઢી શકાય કે, એલિયન્સનું અસ્તિત્ત્વ છે. દુનિયામાં અનેક સ્થળોએ લગાવવામાં આવેલા ટેલિસ્કોપ અને બીજા યંત્રોથી તરંગો ઝીલવાનું કામ તો થાય જ છે, સાથોસાથ તરંગો મોકલવાનું પણ કામ ચાલી રહ્યું છે. પૃથ્વી ઉપરથી તરંગો મોકલવામાં આવે છે. કદાચ બીજી દુનિયામાં કોઇ હોય તો એ ઝીલે અને બનવા જોગ છે કે, કોઇ પ્રત્યુત્તર વાળે. અહીં બીજો સવાલ એ પણ થાય કે, શું તેઓ આપણા કરતા પણ વધુ હાઇટેક હશે, જે તરંગો ઝીલવામાં કેપેબલ હોય? એલિયન્સ વિશે જે કલ્પનાઓ કરવામાં આવી છે એ બધી વાર્તાઓ છે. ખરેખર એના આકાર કે એના વાહનો વિશે છાતી ઠોકીને કહી શકાય એવું કંઇ જ નથી. ભૂતકાળમાં ઘણા પાયલોટોએ એવી વાતો કરી છે કે, અમે વિમાનમાંથી કોઇ ભેદી પદાર્થ ઉડતો જોયો છે.

હમણા એક વાત એવી પણ આવી કે, 4.2 પ્રકાશવર્ષ દૂર આવેલા પ્રોકસિમા સેન્ચૂરા નામના તારા પરથી રેડિયો સિગ્નલ મળ્યા છે. આ તારો તો ધરતી પરથી નરી આંખે જોઇ પણ શકાય છે. આ તરંગોનો પણ તપાસવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે ઇઝરાયલની સ્પેસ સિક્યોરિટી એજન્સીના ભૂતપૂર્વ વડા હાઇમ ઇશેદે હમણા એક ધડાકો કર્યો કે, એલિયન્સનું અસ્તિત્ત્વ છે. તેમણે તો એમ પણ કહ્યું કે, એલિયન્સ અમેરિકા અને ઇઝરાયલ સાથે સંપર્કમાં પણ છે! એલિયન્સનું પોતાનું એક ગેલેક્ટિક ફેડરેશન પણ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ વાતની જાણ છે. ડોનાલ્ડ ટ્રમ્પ તેના વિશે જાહેરાત પણ કરવાના હતા પરંતુ ગેલેક્ટિક ફેડરેશને એવું કરવા ન દીધું. માણસજાત હજુ એમની હયાતિ સ્વીકારવા તૈયાર નથી એટલે એલિયન્સ ના પાડે છે! 1981થી 2010 સુધી ઇઝરાયલની સ્પેસ એજન્સી સાથે કામ કરનાર હાઇમ ઇશેદે તો એવી એવી વાતો કરી છે જે આસાનીથી ગળે ઉતરે એવી નથી. મોટા ભાગના અંતરીક્ષ નિષ્ણાતોએ તેમની વાત ગપગોળામાં ખપાવી છે. એમ તો એક વાત એવી પણ કરવામાં આવી છે કે, એક હજાર તારાઓ પરથી એલિયન્સ પૃથ્વી ઉપર નજર રાખી રહ્યા છે! હવે આ બધામાં કેટલું સાચું અને કેટલું ખોટું એ કહેવું અઘરું છે. સમયાંતરે જાતજાતના દાવાઓ થતા રહે છે અને એલિયન્સ વિશેનો રોમાંચ સતત વધતો જ રહે છે. આજથી એકાવન વર્ષ પહેલા 20મી જુલાઇ 1969ના રોજ નાસાના એપોલો-11 યાનમાં નીલ આર્મસ્ટ્રોંગે ચાંદ પર પગ મૂક્યો હતો. ગયા વર્ષે તેના પચાસ વર્ષની ઉજવણી વખતે નાસાએ એવું કહ્યું હતું કે, ચાંદ ઉપર એક પ્રાચીન એલિયન સિટી હતું. અંતરીક્ષમાં એલિયનને શોધવાનું કામ કરતી સંસ્થા સેટી એટલે કે સર્ચ ફોર એકસ્ટ્રા ટેરેસ્ટ્રિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલા સેથ શોસ્ટાકનું કહેવું છે કે, ફિલ્મો અને વાર્તાઓમાં એલિયન્સ વિશે જોઇ જોઇને અને વાંચી વાંચીને એલિયનની એક કાલ્પનિક છબિ આપણા બધાના મનમાં ઘર કર ગઇ છે. જ્યારે ખરેખર એલિયન્સ મળે ત્યારે બનવા જોગ છે કે એ સાવ જુદા જ હોય. તેમણે કહ્યું કે, સેટી પચાસ વર્ષથી એલિયનને શોધવાનું કામ કરે છે પણ હજુ સુધી તેને કોઇ નોંધપાત્ર કામયાબી મળી નથી. તેમણે છેલ્લે તો એવું કહી દીધું હતું કે, દુનિયાએ એલિયનને શોધવાને બદલે પોતાના ભવિષ્યને સુધારવા માટે કામ કરવું જોઇએ. ગમે તે હોય, એલિયન્સની કલ્પના પણ કંઇ ઓછી મજેદાર નથી! જે લોકો આ કામ પાછળ વળગેલા છે એ લોકો તો એવું કહે છે કે, ભલે જેને જે વાતો કરવી હોય એ કરે પણ તમે જોજો, વહેલું કે મોડું કોઇ મળી તો આવશે જ!

————————

પેશ-એ-ખિદમત

કહાની લિખતે હુએ દાસ્તાં સુનાતે હુએ,

વો સો ગયા હૈ મુઝે ખ્વાબ સે જગાતે હુએ,

પુકારતે હૈં ઉન્હે સાહિલોં કે સન્નાટે,

જો લોગ ડૂબ ગએ કશ્તિયાં બનાતે હુએ.

-સલીમ કૌસર

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 03 જાન્યુઆરી 2021, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: